તૌકતે વાવાઝોડું : ડૂબતું બાર્જ, એન્જિન રૂમમાં આગ, તોફાની દરિયો

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

"લગભગ પાંચ વાગ્યે આખું બાર્જ ડૂબવાનું હતું. ટાઇટેનિક જહાજ ડૂબ્યું હતું એવી જ રીતે."

"અમે એકબીજાના હાથ પકડ્યા અને બધા લોકો કૂદી પડ્યા. બાર્જ સંપૂર્ણપણે પાણીની નીચે સરકી રહ્યું હતું."

"જેમણે હિંમત કરી તેઓ કૂદી પડ્યા. કેટલાકે આશા ગુમાવી દીધી હતી તેથી તેઓ બાર્જની સાથે જ ડૂબી ગયા."

"સમુદ્રના પાણીમાં અમે જીવીત રહેવાની કોશિશ કરતા રહ્યા. પરંતુ અંતે અમે આશા ગુમાવી દીધી અને અમે ત્યાં જ મરી જઈશું તે વાત સ્વીકારી લીધી. અમારામાંથી કેટલાક લોકોએ લાઈફ જેકેટ ઉતારીને મોતને ગળે લગાવી લીધું."

16 મેની એ ભયંકર રાતને વિશાલ કેદાર પોતાના જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકે.

તે રાતે તેમણે મોતની સાથે આંખ મિલાવી હતી. તેઓ ભયભીત હતા, છતાં મોતને હાથતાળી આપીને છટકવામાં સફળ રહ્યા.

બાર્જ એટલે શું?

બાર્જ પી-3025 પર કેદાર વેલ્ડિંગ સહાયક તરીકે કામ કરતા હતા. બાર્જનો ઉપયોગ નહેરો અને નદીઓમાં માલસામાનની હેરાફેરી માટે થાય છે.

તે એ લાંબી અને સપાટ તળિયું ધરાવતી નૌકા જેવું હોય છે. કેટલાક બાર્જમાં એન્જિન હોય છે.

બીજા કેટલાક બાર્જને બીજી બોટ દ્વારા ખેંચીને ચલાવવામાં આવે છે.

બાર્જ પી-305 મુંબઈના દરિયાકિનારે ઓઇલ ઍન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) માટે કામ કરતું હતું.

આ બાર્જને હીરા ઓઇલ ફિલ્ડમાં ગોઠવવામાં આવ્યું હતું.

આ ઓઇલ ફિલ્ડ અરબી સમુદ્રમાં ઓએનજીસીના ઓઇલના સૌથી મોટા ભંડાર પૈકી એક છે.

16 મેએ મધરાત પછી તરત ચક્રવાત તૌકતેના પ્રચંડ પ્રહારના કારણે આ બાર્જ તેના લંગરમાંથી છૂટી ગયું અને 17 મેની સાંજે મુંબઈથી લગભગ 60 કિલોમિટર દૂર અરબી સમુદ્રમાં ડૂબી ગયું.

આ બાર્જ પર કુલ 261 લોકો સવાર હતા. ગુમ થયેલા કર્મચારીઓનો પતો મેળવવા માટે 17મેથી શોધખોળ અને બચાવકાર્ય હજુ ચાલુ છે.

અંતિમ સમાચાર પ્રમાણે ભારતીય નૌકાદળે બાર્જ પરથી 188 લોકોને બચાવી લીધા હતા અને 15 લોકોને શોધવા માટે પ્રયાસ ચાલુ હતા.

આ બાર્જ પર કામ કરતા 60 લોકોના મોતની પુષ્ટિ થઈ ચુકી છે. કેદારની સાથે બચી જનારા લોકોમાં તેમના મિત્ર અભિષેક અવધ પણ સામેલ છે. કેદાર અને અવધની ઉંમર 20 વર્ષ છે અને તેઓ નાસિક જિલ્લાના એક ગામના વતની છે.

બંને મિત્રો માર્ચ મહિનાથી આ બાર્જ પર વેલ્ડિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરવા આવ્યા હતા. પરંતુ તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે મહિને 20,000 રૂપિયાના પગારની નોકરીમાં તેમણે આટલા મોટા જોખમનો સામનો કરવો પડશે.

આપવીતી

કેદાર અને અવધને એ વાતનો આનંદ છે કે તેમના જીવ બચી ગયા.

પરંતુ તે રાતે તેમની સાથે જે થયું તેની ભયાનક યાદો હજુ તેમના મગજમાં તાજી છે. તેને તેઓ ક્યારેય નહીં ભૂલી શકે.

અવધ કહે છે કે, "14 તારીખે તેમના બાર્જના કૅપ્ટનને જણાવવામાં આવ્યું કે એક વાવાઝોડું સમુદ્રકિનારા સાથે ટકરાશે અને તમારે તમામ ક્રૂ મેમ્બર્સની સાથે બાર્જ પર મુંબઈ પાછા જતા રહેવું જોઈએ અને કોઈ સુરક્ષિત જગ્યાએ લંગર નાખવું જોઈએ."

અવધ કહે છે, "બાર્જના કૅપ્ટન અને કંપનીના મૅનેજરે આ ચેતવણી પર ધ્યાન ન આપ્યું. તેમણે વિચાર્યું કે સમુદ્રમાં પાણીની લહેરની ઉંચાઈ સાતથી આઠ મીટર હશે તો તેનાથી બાર્જને કોઈ જોખમ નથી."

"તેથી તેઓ બાર્જને અમે જ્યાં કામ કરતા હતા તે પ્લેટફોર્મથી 200 મીટર દૂર લઈ ગયા."

અવધ કહે છે કે ધસમસતા વેગથી પાણી વહેવા લાગ્યું. તોફાની પાણીનો માર એટલો જોરદાર હતો કે બાર્જ સંતુલન ગુમાવવા લાગ્યું અને પાણીના પ્રવાહની સાથે તે પણ વહેવા લાગ્યું.

કેદાર કહે છે કે તે રાતે એટલો શક્તિશાળી પવન ફૂંકાતો હતો કે બાર્જ બેકાબૂ થઈ ગયું હતું.

તેઓ કહે છે, "તેના કારણે લંગરો પર દબાણ વધ્યું અને આ દબાણમાં સતત વધારો થતો ગયો. રાતે 12 વાગતા જ લગર તૂટવા લાગ્યા."

"એક એક કરીને બધા લંગર રાતના 3.30 વાગ્યા સુધીમાં તૂટી ગયા."

"સાથે સાથે ઓએનજીસીના પ્લેટફોર્મ પર બાર્જ ટકરાયું. તેનાથી તેમાં એક કાણું પડી ગયું. પરિણામે તેમાં એક તરફથી પાણી ભરાવા લાગ્યું."

થોડા સમય પછી બાર્જનો પાછળનો ભાગ તૂટી ગયો અને એન્જિન રૂમમાં પાણી ભરાઈ ગયું.

રેડિયો અને લોકેશન ઑફિસ બંને તરફથી સંપૂર્ણ બળી ગયા.

અવધ જણાવે છે કે રેડિયો અધિકારીએ તરત મુંબઈ કાર્યાલયનો સંપર્ક કરવાની કોશિશ કરી અને મદદ માંગી.

અવધે જણાવ્યા પ્રમાણે તેમનામાંથી 20 લોકો તે જ સમયે પાણીમાં કૂદી ગયા અને આ પૈકીના 17થી 18 લોકો સમુદ્રની લહેરોમાં ડૂબી ગયા.

તેઓ કહે છે, "તેમણે અમારા પર એક લાઈફ રાફ્ટ ફેંકી. પરંતુ અમે તેના પર કૂદ્યા તો તેમાં પંક્ચર પડી ગયું. આવી સ્થિતિમાં બચવું મુશ્કેલ જણાતું હતું."

"તે ક્ષણે મેં જાણે મોતનો અનુભવ કર્યો"

સમય વીતતો જતો હતો. થોડા કલાકોમાં બચાવ ટુકડી આવી ગઈ, પરંતુ તે આ લોકો સુધી પહોંચી ન શકી.

અવધ કહે છે, "તેમણે કહ્યું કે તેમની નાવ અમારી પાસે આવે અને તે બાર્જથી ટકરાઈ જાય તો તેનાથી બંને તરફ નુકસાન થશે."

"તેમણે અમને હવામાન થોડું સાફ થાય ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપી જેથી કંઈક સ્પષ્ટ જોઈ શકાય અને અમને બચાવી શકાય."

"અમારી પાસે રાહ જોવા માટે વધારે સમય ન હતો. અમે ચાર વાગ્યા સુધી રાહ જોઈ. પછી બધા ધીમે ધીમે આશા ગુમાવવા લાગ્યા. અમને લાગ્યું કે અમે બધા મરી જઈશું."

કેદાર કહે છે કે બાર્જ પર વીજળી જતી રહી હતી તેથી રેસ્ક્યુ ટીમને તેમને શોધવામાં મુશ્કેલી પડતી હતી. તેમણે જણાવ્યા પ્રમાણે બાર્જે જ્યાં લંગર નાખ્યું હતું ત્યાંથી તે 90 કિલોમીટર દૂર સુધી ભટકી ગયું હતું.

તેઓ કહે છે, "સમય વીતતો જતો હતો. સવારના ચાર વાગ્યા હતા. અમે રેસ્ક્યુ બોટની રાહ જોઈ રહ્યા હતા."

"પાણી પાછળની બાજુથી અંદર આવતું ગયું તેમ તેમ બાર્જ ડૂબવા લાગ્યું. બાર્જનો માત્ર એક કિનારો પાણીની ઉપર હતો."

"કર્મચારી દળના બધા સભ્યો તે તરફ જમા થઈ રહ્યા હતા. પછી લગભગ પાંચ વાગ્યે આખું બાર્જ ડૂબવાની તૈયારીમાં હતું, જેવી રીતે ટાઇટેનિક ડૂબ્યું હતું, તેવી જ રીતે."

અવધ કહે છે કે "જેવું બાર્જ ડૂબવા લાગ્યું કે અમે એકબીજાના હાથ પકડી લીધા."

"અમે કૂદવાનું નક્કી કરી લીધું જેથી બચાવ ટુકડી અમને બધાને એક સ્થળે શોધી શકે."

"પછી અમે ત્રણ કે ચારની ટુકડીમાં સમુદ્રમાં કૂદી ગયા. અમે 10થી 15 જૂથ બનાવ્યા અને એકબીજાના હાથ પકડી રાખ્યા."

"લગભગ ત્રણ-ચાર કલાક સુધી અમે પાણીની સાથે વહેતા રહ્યા. નાક અને મોઢામાં પાણી જઈ રહ્યું હતું. અમે બહુ સહન કર્યું."

"પાણીમાં કૂદી ગયેલા લોકોને થોડા સમય પછી ભારતીય નૌકાદળનું વધુ એક જહાજ તેમના તરફ આવતું દેખાયું."

"તેને જોઈને તેમનામાં આશા જાગી કે હવે કદાચ તેઓ બચી જશે. પરંતુ પાણીના તેજ પ્રવાહના કારણે આ આશા ટકાવી રાખવી મુશ્કેલ હતી."

અવધ કહે છે કે, "તે ક્ષણે મેં જાણે મોતનો અનુભવ કર્યો."

કલાકો પાણીમાં તરતા રહ્યા

કેદાર કહે છે કે સમુદ્રમાં છલાંગ લગાવ્યા પછી તેઓ બધા ચાર કલાક સુધી પાણીમાં રહ્યા.

તેમના જણાવ્યા પ્રમાણે તેઓ જ્યારે ભારતીય નૌકાદળના જહાજ તરફ આગળ વધવાની કોશિશ કરતા અને ક્યારેક ક્યારેક જહાજને સ્પર્શી પણ જતા હતા. પરંતુ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેમને 100થી 200 મીટર દૂર ફેંકી દેતો હતો.

તેઓ કહે છે, "અમે કોશિશ કરતા રહ્યા, પરંતુ આખરે અમે આશા ગુમાવી દીધી અને અમે સ્વીકારી લીધું કે અમે બધા ત્યાં જ મરી જવાના છીએ. અમારામાંથી કેટલાક લોકોએ લાઈફ જેકેટ ઉતારીને મોતને ગળે લગાવ્યું. હું પણ આવું કરવાનો વિચારતો હતો."

આ દરમિયાન નૌકાદળની બચાવ ટુકડી પણ શક્ય એટલી મહેનત કરતી હતી.

તેમણે ઉપરથી દોરડા અને લાઈફ જેકેટ ફેંક્યા.

અવધ કહે છે કે તેમનું જૂથ નૌકાદળની હોડી પાસે પહોંચ્યું તો કેટલાક લોકો તે હોડીની નીચે જતા રહ્યા, કેટલાક લોકો હોડીના પંખામાં ફસાઈ ગયા અને કેટલાક તે હોડી સાથે ટકરાઈ ગયા.

તેઓ કહે છે, "મેં તરવાની કોશિશ કરી અને પછી દોરડું પકડીને ઉપર ચઢી ગયો. હું લગભગ બેહોશ થઈ ગયો હતો. તેઓ ધીમે ધીમે બધાને બચાવી રહ્યા હતા. અમને એ પણ ખબર ન પડી કે તે સમયે દિવસ હતો કે રાત."

અવધ કહે છે કે દરેક વ્યક્તિને જીવવાની ઇચ્છા હોય છે અને તે આશા ગુમાવવા નથી માંગતા. પરંતુ તેઓ જ્યારે સમુદ્રમાં કૂદ્યા ત્યારે તમને લાગ્યું કે હવે મોત નિશ્ચિત છે.

તેઓ કહે છે, "પરંતુ અમારા સહયોગીઓએ એક-બીજાનો જુસ્સો વધાર્યો અને કહ્યું કે આપણે આશા ટકાવી રાખવાની છે. તેમણે અમને કહ્યું કે આપણે બચી જઈશું. આ એવું જ છે, જેવું ફિલ્મોમાં જોવા મળે છે."

કેદારનું કહેવું છે કે પ્રથમ ચાર કલાક સુધી તેમને આશા હતી કે તેઓ બચી જશે. પરંતુ જેમ જેમ પાણીનો પ્રવાહ તેજ થવા લાગ્યો તેમ તેમ તેઓ આશા ગુમાવવા લાગ્યા. તેમને આવી રહેલું મોત સ્પષ્ટ દેખાતું હતું.

તેઓ કહે છે, "પરંતુ થોડા સમય પછી અમને બચાવી લેવાયા ત્યારે એ જાણીને આનંદ થયો કે અમે જીવીત છીએ."

ભૂલ ક્યાં થઈ?

હવામાન વિભાગે 11 મેની સાંજે અરબી સમુદ્રમાં વાવાઝોડું આવવાની ચેતવણી આપી હતી અને તમામ નૌકાઓને 15 મે સુધી કિનારે પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો.

ભારતીય કોસ્ટગાર્ડે જણાવ્યા પ્રમાણે માછીમારી કરતી 4000થી વધારે નૌકાઓ દરિયાકિનારે પરત આવી ગઈ હતી.

કોસ્ટગાર્ડના અધિકારીઓએ ઓએનજીસીને તમામ જહાજોને બંદર પર પાછા લઈ આવવાની ચેતવણી આપી હતી.

પરંતુ આટલી ચેતવણીઓ પછી પણ બાર્જ પી-305 હજુ પણ સમુદ્રમાં હતું અને બોમ્બે હાઈ ઓઇલ ફિલ્ડ નજીક એક તેલ રિગના પ્લેટફોર્મ સાથે બંધાયેલું હતું.

દાસ ઑફશોરના સ્થાપક અને મરીન એન્જિનિયરિંગ ક્ષેત્રે કાર્યરત અશોક ખાડેએ બીબીસી મરાઠીને જણાવ્યું કે, "અમને જ્યારે પણ ચક્રવાતની અથવા તેજ પવન ફૂંકાવાની ચેતવણી મળે ત્યારે અમારા માટે ઓઇલ રિગ પ્લેટફોર્મ પાસે કોઈ તરતી સંપત્તિ ન રાખીએ તે ફરજિયાત બની જાય છે."

"કારણ કે તે પ્લેટફોર્મ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ શકે છે અને એક મોટો અકસ્માત સર્જી શકે છે."

તેઓ કહે છે કે વાવાઝોડાની ચેતવણી મળતાની સાથે જ બાર્જને સમુદ્રકિનારે પાછું લાવવામાં આવ્યું હોત તો કોઇ જાનમાલની હાનિ થઈ ન હોત.

તેમનું કહેવું છે કે ઓએનજીસીએ બધાને પરત બોલાવી લેવાની જરૂર હતી.

ખાડે કહે છે કે "ગયા સપ્તાહમાં તેમની કંપનીના ત્રણ બાર્જ સમુદ્રમાં હતા. તેમાંથી એક એફકોન સાથે કામ કરતું હતું જ્યારે બે એલઍન્ડટી સાથે કામ કરતા હતા."

"પરંતુ જેવી અમને ચેતવણી મળી કે તરત અમે બાર્જને સમુદ્રમાંથી પાછા લઈ આવ્યા અને સુરક્ષિત સ્થળે લંગર નાખી દીધું. આ રીતે બધા સુરક્ષિત હતા."

ખાડે જણાવે છે કે સામાન્ય રીતે 15 મે એ ચોમાસા અગાઉ સમુદ્રમાં કામ કરવાનો છેલ્લો દિવસ હોય છે.

તેઓ કહે છે, "ગાઇડલાઇન્સ પ્રમાણે આ તારીખ પછી કોઈએ ઊંડા સમુદ્રમાં જવું ન જોઈએ. પરંતુ સમુદ્રના મોજાં બહુ ઊંચા ન હોય તો કેટલીક વખત કામ ખતમ કરવા માટે કેટલાક દિવસ ત્યાં રોકાવાનું જોખમ લેવામાં આવે છે."

ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ પ્રવક્તા કૅપ્ટન ડી. કે. શર્મા કહે છે કે, "ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો પશ્ચિમી કિનારે તમામ પ્રકારના ચક્રવાત વિલુપ્ત થઈ ગયા છે."

શર્મા કહે છે કે ભૂતકાળમાં જોઈએ તો પશ્ચિમી કિનારે આવતા ચક્રવાત નબળા પડી જાય છે અથવા તેની દિશા બદલાઈ જતી હોય છે.

તેઓ કહે છે, "બાર્જના કૅપ્ટન પાસે પણ અનુભવ હતો. તેઓ નવશિખાઉ નહીં હોય જે સમુદ્રમાં સીધા આવી ગયા હોય."

"તેમણે કદાચ ઐતિહાસિક આધાર પર નિર્ણય લીધો હશે. આ ખોટા અંદાજ અથવા ખોટા નિર્ણયનો કિસ્સો હોઈ શકે છે."

નૌકાદળનું બચાવ અભિયાન

ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઇઓનએસ કોચી, આઇએનએસ કોલકાતા, આઇએનએસ વ્યાસ, આઇએનએસ બેતવા, આઇએનએસ તેગ, પીઆઈ સમુદ્રી નિરિક્ષણ જહાજ અને ચેતક તથા સી-કિંગ હેલિકોપ્ટર આ શોધખોળ અને બચાવ અભિયાનમાં સામેલ છે.

તેઓ મુશ્કેલ અને પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

નૌકાદળ પાણીની અંદર જઈને વિશેષ ટીમો અને ઉપકરણોનો ઉપયોગ કરીને બાર્જ પી-305ના કાટમાળ વિશે માહિતી મેળવવા એક સર્વેક્ષણ જહાજ પણ મોકલી રહ્યું છે.

નેવલ સ્ટાફના ઉપ-પ્રમુખ (ડીસીએનએસ) વાઇસ એડમિરલ એમ. એસ. પવારનું કહેવું છે કે છેલ્લા ચાર દાયકામાં કરવામાં આવેલું આ સૌથી વધારે પડકારજનક બચાવ અભિયાન પૈકી એક છે.

પવારે જણાવ્યા પ્રમાણે ખરાબ હવામાન એ મુખ્ય પડકાર છે.

તેમણે કહ્યુંકે આ ચક્રવાતી તોફાનમાં 80થી 90 સમુદ્રી માઇલ (148-166 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પવન, આઠ મીટર ઊંચા સમુદ્રી મોજાં અને કંઈ જોઈ ન શકાય તેવો સતત વરસાદ એ મુખ્ય પડકાર હોય છે જેનો સામનો કરવો પડે છે.

પવારનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં જહાજને સંભાળવું એ પોતાની રીતે એક મોટો પડકાર હોય છે.

તેઓ કહે છે કે સામાન્ય નિયમો પ્રમાણે આવી સ્થિતિમાં કોઈને સમુદ્રના ઉપરના ડેક પર જવાની છૂટ નથી હોતી કારણ કે ડેક પર પાણી ભરાયું હોય છે.

તેઓ કહે છે, "તેથી તમારી પાસે જ્યારે બહાર નીકળવાની તક પણ ન હોય ત્યારે લોકોને બચાવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. આમ છતાં હકીકત એ છે કે અમે લોકોને સફળતાપૂર્વક બચાવ્યા છે. આ એ વાતની સાબિતી છે કે આપણા જહાજ આ પડકારોનો સામનો કરવા સજ્જ છે."

તેઓ કહે છે કે કોઈ પણ આકારના કોઈ પણ જહાજ માટે હવામાનનો ખતરો હોય છે. એક અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા વખતે આ જોખમ વધી જાય છે.

તેઓ જણાવે છે, "આ સિંહના મોઢામાં હાથ નાખીને સુરક્ષિત રીતે બહાર આવી જવા જેવું કામ છે. તે અત્યંત પડકારજનક હોય છે."

જવાબદાર કોણ?

મુંબઈ પોલીસે આ મામલે એફઆઇઆર દાખલ કરી છે.

આ એફઆઈઆરમાં બાર્જના કૅપ્ટન અને અન્ય લોકો વિરુદ્ધ ભારતીય પિનલ કોડની કલમ 304 (2) (જાણી જોઈને કરવામાં આવેલું કામ જેમાં કોઈનું મૃત્યુ થઈ શકે), 338 (બીજાના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકે તેવું કામ) અને કલમ 34 લગાવવામાં આવી છે.

બાર્જના ચીફ એન્જિનિયર રહમાન શેખના નિવેદનના આધારે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

શેખે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે હવામાન વિભાગે ચેતવણી આપી હોવા છતાં કૅપ્ટન અને અન્ય લોકોએ તેને ગંભીરતાથી લીધી ન હતી.

બીજી તરફ કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ચક્રવાત તૌકતે દરમિયાન ઓએનજીસીના જહાજ સમુદ્રમાં ફસાયા તેના ઘટનાક્રમની તપાસ કરવા એક ઉચ્ચ સ્તરીય સમિતિ નિયુક્ત કરી છે.

મંત્રાલય મુજબ 600થી વધુ લોકો સાથે ઓએનજીસીના ઘણા જહાજ ચક્રવાત તૌકતે વખતે સમુદ્રકિનારાથી ઘણા દૂરના ક્ષેત્રમાં ફસાયેલા હતા.

સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવાની સાથે સમિતિ એ વાતનો પતો પણ લગાવશે કે શું હવામાન વિભાગ અને અન્ય વૈધાનિક સંસ્થાઓની ચેતવણીઓ અંગે પૂરતા પ્રમાણમાં વિચાર કરાયો હતો કે કેમ.

સાથે સાથે એ વાતની પણ તપાસ કરવામાં આવશે કે શું જહાજોની સુરક્ષા માટે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ધોરણસરની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં.

સમિતિ આ સિસ્ટમની એવી ખામીઓનો અભ્યાસ કરશે જેના કારણે જહાજ સમુદ્રમાં ખેંચાઈ જાય છે અથવા ફસાઈ જાય છે.

ભવિષ્યમાં પી-305 બાર્જ જેવી ઘટનાઓ રોકવા માટે સમિતિ ભલામણો પણ કરશે.

ઓએનજીસીના મૅનેજમેન્ટે જીવીત રહેલા લોકોને એક લાખ રૂપિયા અને મૃત્યુ પામેલા તથા ગુમ થયેલા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની તાત્કાલિક રાહત આપવાનો નિર્ણય લીધો છે.

એફકોન્સે પણ મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે.

કંપનીએ કહ્યું છે કે તે મૃતકોના પરિવારજનોને 10 વર્ષના વેતન જેટલું કુલ વળતર મળે તે સુનિશ્ચિત કરશે.

(બીબીસી મરાઠીના ઇનપુટ્સ સાથે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો