You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તૌકતે વાવાઝોડાને પગલે વેરાવળની 500 ફિશિંગ બોટ 'ભગવાન ભરોસે', માછીમારોનો જીવ તાળવે ચોંટ્યો
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત પર તૌકતે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે વેરાવળમાં રહેતા અને એક ફિંશિંગ બોટના માલિક હરિભાઇ ડાલખીનો જીવ અધ્ધર છે. તૌકતે જો વેરાવળમાં વિનાશ વેરે તો અંદાજે 51 લાખ રૂપિયાની એમની ફિંશિંગ બોટ સંપૂર્ણ નાશ પામશે. જોકે, આ એમની જેવી જ હાલત અનેક માછીમારોની છે.
હરિભાઈની બોટ લગભગ 10મી મેના રોજ દરિયેથી પાછી આવી ગઈ હતી.
વાવાઝોડાનાં સિગ્નલને કારણે તેમની બોટને 5 દિવસ પહેલાં જ પાછા આવી જવું પડ્યું હતું પરતું તેમની બોટને વેરાવળના બંદર પર લંગર સુધી પહોંચવાની જગ્યા ન મળી.
તેમની બોટ બંદર સુધી પહોંચે તે પહેલાં આશરે 5000 બોટ પહેલેથી જ વેરાવળનાં બંદર પર લાંગરવામાં આવી ચૂકી હતી.
હરિભાઈ અને તેમની જેવા આશરે 500 અન્ય માછીમારોને પોતાની બોટ, વેરાવળના બંદર પાસેની ખાડીમાં લાંગરવી પડી છે. આ 500 ફિશિંગ બોટના માલિકોનો જીવ અધ્ધર છે, કારણ કે જો તૌકતે ત્રાટક્શે તો આ 500 બોટ એક બીજાથી અથડાઈને સંપૂર્ણ નાશ પામી જશે.
ઉલ્લેખનીય છે હવામાન ખાતાની 17 મેની બપોરના 12.30 સુધીની અપડેટ મુજબ વાવાઝોડુ 17 મેના રોજ રાત્રે 8થી 11 વાગ્યા સુધીમાં પોરબંદરથી મહુઆ વચ્ચે ત્રાટકી શકે છે.
આ સમયે પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિકલાકથી 185 કિલોમીટર પ્રતિકલાક થઈ શકે છે અને ગુજરાતમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતનો માછીમાર સમુદાય પરેશાન
500 જેટલા માછીમારોની બોટના ભવિષ્યને લઈને ગુજરાતનો માછીમાર સમુદાય પણ પરેશાન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં હરિભાઈ ડાલખી કહે છે કે, "અમારી બોટની બચવાની શક્યતા ખૂબ ઓછી લાગી રહી છે. વાવાઝોડું વેરાવળમાં ન આવે તો જ અમારી બોટ બચી શકશે. હાલમાં અમે અમારી બોટને ચારેકોરથી અલગ અલગ જગ્યાએથી લાંગરેલી છે, પરંતુ જે પ્રકારનો પવન ફુંકાવવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, તેમાં મને નથી લાગતું કે મારી બોટ બચી શકશે."
હરિભાઈએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "અમારી બોટ અહીં આવી ત્યારે પહેલેથી જ વેરાવળ બંદર ફુલ થઈ ચુક્યું હતું, અને નજીકની બોટ પહેલાં પહોંચી જતાં અમને જગ્યા મળી નથી."
ગુજરાત સરકારે તમામ ફિશિંગ બોટને ગયા અઠવાડિયે જ પાછા ફરવાની ચેતવણી આપી દીધી હતી.
સામાન્ય રીતે દરેક ફિશિંગ બોટને 15મી મે સુધી પાછા આવી જવાનું હોય છે, પરંતુ આ વખતે તેમને એક અઠવાડિયા પહેલેથી જ આવી જવું પડ્યું હતું.
હરિભાઈની જેમ જ ઇશ્વરભાઈ ડાલખીની બોટ પણ ખાડીમાં જ લાંગરવી કરવી પડી છે.
તેઓ કહે છે કે, "અમારા જીવને શાંતિ જ નથી. બોટને બધી જગ્યાએથી બાંધી તો લીધી છે, પરંતુ તેમ છતાંય તેનો તૂટી જવાનો ખતરો વધારે છે. તેઓ કહે છે કે હવે આવી પરિસ્થિતિમાં સરકાર પાસેથી પણ શું આશા રાખવી?"
વેરાવળના બંદર પર હાલમાં આશરે 5,000 જેટલી બોટ એન્કર થયેલી છે.
અખિલ ભરતીય ફિશરમૅન ઍસોસિયેશનના પ્રમુખ વેલજીભાઈ મસાણી પ્રમાણે વેરાવળની કૅપેસિટી આશરે 600 બોટ જેટલી છે, પરંતુ તેનાથી 10 ગણી વધારે બોટ હાલમાં અહીં પાર્ક છે.
તેઓ કહે છે, "એક બોટની કિંમત આશરે 50 લાખ હોય છે, અને આવામાં જો બોટ તૂટે તો માછીમારને મોટું નુકસાન થાય, તે બિલકુલ પાયમાલ થઈ જાય."
હાલમાં ગુજરાતમાં આશરે 25.000 જેટલી નાની-મોટી ફિશિંગ બોટ છે, તૌકતેની આગાહી સમયે 2,500 જેટલી મોટી ફિશિંગ બોટ મધદરિયે હતી, જેને પાછી બોલાવવામાં આવી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વેરાવળસ્થિત ગીરીયા ખારવા સમાજ બોટ ઍસોસિયેશનના પ્રમુખ રમેશભાઈ ડાલખી કહે છે : "અમારી 500 બોટ હાલમાં બિલકુલ ભગવાન ભરોસે છે. વેરાવળ બંદરને અદ્યતન બનાવી તેમાં બોટની કૅપેસિટી વધારવાની અનેક વખત સરકારને રજૂઆતો કરવા છતાંય તેમાં કોઈ ફેરફાર થયો નથી. અને અમારે દરેક વાવાઝોડા સમયે નુકસાન ભોગવવું પડે છે."
જોકે, તંત્રનું કહેવું છે કે વાવાઝોડાની શક્યતાને પગલે બચાવની આગોતરી તૈયારીઓ અઠવાડિયાથી ચાલી રહી છે.
આ અંગે ફિશરીઝ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી એન. એ. ઉપાધ્યાયનો સંપર્ક થઈ શક્યો ન હતો. પંરતુ મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું છે કે, "ગુજરાતની 4,500 બોટ દરિયામાં હતી. રવિવારે બપોર સુધી તમામ બોટ પાછી કિનારે આવી ચૂકી છે."
"અને 14મી મે બાદ દરિયામાં કોઈ બોટને જવા દીધી નથી. જોકે આટલી બોટ એક સાથે પાછી આવી હોય તો બધી જ બોટને પાર્કિંગની વ્યવસ્થા મળી રહે તે શક્ય નથી, કારણ કે દરેક બંદરમાં તે બંદર સિવાયની બીજા વિસ્તારની બોટ પણ પાર્ક થયેલી છે."
સી ફૂડ ઇન્ટસ્ટ્રીઝ પર પણ મોટો ખતરો
તૌકતેને કારણે માત્ર માછીમારો જ નહીં પરંતુ દરિયાઈ ખાદ્ય પદાર્થોનો વ્યવસાય કરતાં મોટા ઉદ્યોગોનો જીવ પણ અધ્ધરતાલ છે.
વેરાવળ અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં ઘણા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, જેમાં હાલમાં પણ અનેક ટન માછલીઓનો સંગ્રહ થયેલો છે.
તૌકતેને કારણે જો ઇલેક્ટ્રિસિટી જાય અને આ કોલ્ડ સ્ટોરેજ લાંબા સમય સુધી બંધ રહે તો આ તમામ માલ બગડી જવાનો ભય છે.
આ માટે બીબીસી ગુજરાતીએ સી ફૂડ ઍક્પૉર્ટ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ જગદીશભાઈ ફોફંડી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "રવિવારના રોજ કેન્દ્રની શિપિંગ અને કૉમર્સ મિનિસ્ટ્રી સાથેની અમારી મિટિંગમાં અમે સરકારને રજુઆત કરી છે કે જો ઇલેક્ટ્રિસિટીની લાઇન ખોરવાઈ જાય તો, સરકારે અગ્રીમતા આપીને પ્રથમ અમને ઇલેક્ટ્રિસિટી જલદીથી પાછી મળી જાય તેની ખાસ નોંધ લેવી જોઇએ."
જોકે આ તમામ કોલ્ડ સ્ટોરેજના માલિકોએ કોલ્ડ સ્ટોરેજમાં ઉપયોગ થતો અમોનીયા ગૅસને લઈને પણ સરકારને રજૂઆત કરી છે, કારણ કે જો વાવાઝોડાના કારણે આ ગૅસ લીક થાય તો આસપાસના લોકો માટે ખતરો ઊભો થઈ શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો