પશ્ચિમ બંગાળ : મમતા બેનરજી સરકારના મંત્રી સહિત ચાર TMC નેતાઓની સીબીઆઈએ કરી ધરપકડ

    • લેેખક, પ્રભાશંકર મણિ તિવારી
    • પદ, કોલકાતાથી, બીબીસી ગુજરાતી માટે

નારદા સ્ટિંગ કેસની તપાસ કરી રહેલા સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને સોમવારે સવારે તૃણમૂલ કૉંગ્રેસના ત્રણ નેતાઓ સમેત ચાર લોકોની ધરપકડ કરી છે, આમાં બે મંત્રીઓ પણ સામેલ છે.

પશ્ચિમ બંગાળમાં મંત્રી ફિરહાદ હકીમ અને સુબ્રત મુખરજી સિવાય ટીએમસીના ધારાસભ્ય મદન મિત્ર અને હવે ભાજપમાં જોડાઈ ગયેલા પૂર્વ ટીએમસી નેતા શોભન દેબની ધરપકડ કરવામાં આવી છે.

આ તમામને એમના ઘરેથી નિઝામ પેલેસસ્થિત સીબીઆઈ ઑફિસ લઈ જવામાં આવ્યા અને ત્યાં જ એમની ધરપકડ કરવામાં આવી.

આ નેતામાં બે મંત્રીઓ ફિરહાદ હકીમ અને સુબ્રત મુખરજી અને પૂર્વ મંત્રી હવે ભાજપ નેતા શોભન ચેટરજી અને એક ટીએમસી ધારાસભ્ય મદન પણ સામેલ છે.

આ ધરપકડને પગલે મોટી સંખ્યામાં તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરો સીબીઆઈ ઑફિસની બહાર વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.

રાજ્યપાલ જગદીપ ધનખડે તાજેતરમાં જ સીબીઆઈને આ નેતાઓ સામે ચાર્જશીટ દાખલ કરવાની પરવાનગી આપી હતી.

ટીમએમસીએ ધરપકડોને ગેરકાયદે ગણાવી

નેતાઓની ધરપકડની માહિતી મળતાં જ મુખ્ય મંત્રી મમતા બેનરજી સીબીઆઈ ઑફિસ પહોંચ્યાં છે.

સત્તાધારી ટીએમસીએ આ ધરપકડોને ગેરકાયદે ગણાવી છે. પાર્ટીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે કોઈ નોટિસ વગર નેતાઓની ધરપકડ ગેરકાયદે છે.

એમણે સવાલ કર્યો કે, "આ મામલમાં આરોપી ભાજપ નેતા મુકુલ રોય અને શુભેન્દુ અધિકારીની ધરપકડ કેમ નથી કરવામાં આવી?"

વિધાનસભા અધ્યક્ષ વિમાન બેનરજીએ પણ ધરપકડોને ગેરકાયદે ગણાવી છે અને કહ્યું કે એમની આ બાબતે કોઈ પરવાનગી લેવામાં આવી નથી.

વિમાન બેનરજીએ કહ્યું, રાજ્યપાલને આ નેતાઓની ધરપકડની પરવાનગી આપવાનો અધિકાર નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો