You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડિસેમ્બર સુધી બધાને કોરોનાની રસી મુકાઈ જશે : જાવડેકર Top News
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પલટવાર કરતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, છે કે દેશમાં ડિસેમ્બર સુધી કોરોનાનું રસીકરણ પૂરું થઈ જશે.
તેમણે કહ્યું, "સ્વાસ્થ્ય મંત્રાલયે તે સમય સુધી 216 કરોડ ડોઝના ઉત્પાદનનું પ્રોજેક્શન કર્યું છે. ડિસેમ્બર સુધી ભારતમાં 216 કરોડ નવા ડોઝ આવશે જે 108 કરોડ કરતાં પણ વધુ લોકોને અપાશે."
જાવડેકરે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પણ પલટવાર કર્યું છે. રાહુલ ગાંધીએ શુક્રવારે એક પત્રકારપરિષદ કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા અપનાવાઈ રહેલી કોરોની રોકથામ માટેની નીતિ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ વૅક્સિન નીતિને લઈને પણ સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો.
જાવડેકરે કહ્યું, "વડા પ્રધાન દેશની જનતા સાથે મળીને કોવિડનો સામનો કરી રહ્યા છે. આવા સમયે રાહુલ ગાંધી સરકાર દ્વારા કરાયેલા પ્રયાસો માટે નાટક શબ્દનો ઉપયોગ કરે છે. એ દેશ અને તેની જનતાનું અપમાન છે. આવા શબ્દોનો ઉપયોગ અમે નહીં કરીએ, કારણ કે તેમનું નાટક જનતાએ ક્યારનુંય બંધ કરી દીધું છે."
જાવડેકરે 'ટૂલકિટ'નો મુદ્દો પણ ઉઠાવ્યો.
તેમણે કહ્યું, "રાહુલ ગાંધી જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો અને કોવિડ-19ને લઈને જે પ્રકારનો ભય પેદા કરવાની કોશિશ કરી, તેનાથી એ વાત સાબિત થાય છે કે ટૂલકિટ માટે કૉંગ્રેસ જ જવાબદાર છે."
હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના નેતા સંબિત પાત્રાએ એક 'ટૂલકિટ' જારી કરવાની સાથે દાવો કર્યો હતો કે તે કૉંગ્રેસ તૈયાર કરી છે.
નોંધનીય છે કે માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વિટર પણ પાત્રાના ટ્વીટને 'મેનિપુલેટેડ મીડિયા' ગણાવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર બાદ દિલ્હી પોલીસની એક ટીમ ટ્વિટરની ઑફિસે પહોંચી ગઈ. ટ્વિટરે ત્યાર બાદ એક નિવેદન જારી કરીને પોતાના કર્મચારીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી ત્યારે કેન્દ્ર સરકારે જવાબ આપતાં નિવેદનમાં ટ્વિટર પર ઘણા આરોપો લગાવ્યા.
યુ. કે. ના હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યા પ્રમાણે યુ. કે.માં મળી આવેલા નવા કોરોના કેસો પૈકી 75 ટકા ભારતીય વૅરિયન્ટના હોઈ શકે.
પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડના ડેટા અનુસાર જાણવા મળ્યું છે કે ગત અઠવાડિયે નોંધાયેલા કેસો કરતાં ચાલુ અઠવાડિયે કેસોમાં લગભગ બમણો વધારો થયો છે.
હેલ્થ સેક્રેટરી હેનકોકે પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે જ્યારે નિયંત્રણો હળવાં કરવામાં આવ્યાં ત્યારથી સરકારને કેસોમાં વધારો થવાનું અનુમાન હતું.
બીબીસી ડોટ કૉમ પર એલેક્સ થેરિસનના અહેવાલમાંથી આ વિગતો જાણવા મળી છે.
નોંધનીય છે કે ગુરુવારે સમગ્ર યુ. કે.માં કોરોના વાઇરસના નવા 3,542 દર્દીઓ મળી આવ્યા હતા. તેમજ દસ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.
કોરોનામાં બધાના જીવ ડૉક્ટરોએ બચાવ્યા તો શું અમે ભંડારામાં આવ્યા હતા? : બાબા રામદેવ
બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન વચ્ચેનો વિવાદ દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે.
દરમિયાન બાબા રામદેવે ‘ભાસ્કર જૂથ’ના અખબારને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું કે કોરોનામાં જો બધાના જીવ ડૉક્ટરોએ બચાવ્યા તો પછી અમે શું ભંડારામાં આવ્યા હતા?
ઇન્ટરવ્યૂમાં બાબા રામદાવે દાવો કર્યો છે કે કોરોનાના 90 ટકાથી વધુ દરદીઓ યોગ-પ્રાણાયામ અને આયુર્વેદની સારવારથી સાજા થયા છે અને બાકીના 10 ટકા ઍલૉપથીથી સાજા થયા છે.
નોંધનીય છે કે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને બાબા રામદેવ સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવા માટે માગ કરી છે.
‘નાણાકીય વર્ષ 2020-21માં 2000ની નવી નોટોની સપ્લાય નથી કરાઈ’
નાણાકીય વર્ષ 2020-21માં 2000ની નવી નોટોની સપ્લાય નથી કરવામાં આવી. વળી તેના અગાઉના વર્ષમાં પણ આવું જ રહ્યું હતું.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં 2000ની નવી નોટોની સપ્લાય નથી કરાઈ જ્યારે બીજી તરફ રૂ. 20ની નોટોની સપ્લાય 2019-2020ની 13 લાખ નંગ નોટોથી વધારી વર્ષ 2020-21માં 38 લાખ કરી દેવાઈ હતી.
છેલ્લે રિઝર્વ બૅન્કે વર્ષ 2018-19માં 2000ની 467 નંગ નોટોની સપ્લાય કરી હતી.
રિઝર્વ બૅન્કના વાર્ષિક રિપોર્ટ મુજબ ચલણમાં કુલ નોટોની સપ્લાય 2,23,301 લાખ નંગ રહી. જે તેના અગાઉનાં વર્ષો કરતાં 0.3 ટકા ઓછી છે.
‘જુલાઈની શરૂઆતમાં ફાઇઝરના ડોઝ ભારતમાં આવી જશે’
‘ઇકૉનૉમિક ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારનું કહેવું છે જુલાઈ મહિનાની શરૂઆતમાં ફાઇઝર રસીના ડોઝ ભારતમાં આવી જશે.
અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે કંપનીને જે શરતો સાથે જથ્થો પૂરો પાડવો છે તેના પર વિચારણા પણ હાથ ધરાઈ રહી છે.
નોંધનીય છે કે બાયોએનટૅકની રસી ફાઇઝરના પાંચ કરોડ ડોઝ ભારતને મળવાના છે. અમેરિકા અને યુરોપમાં આ રસી ઘણા લોકોને આપી દેવાઈ છે.
દિલ્હી સરકારના મુખ્યમંત્રી કેજરીવાલે પણ ફાઇઝર પાસે રસીના ડોઝ માગ્યા હતા પરંતુ કંપનીએ તેમને કેન્દ્ર સરકાર મારફતે પ્રપોઝલ મોકલવા કહ્યું હતું.
નીતિ આયોગના અધ્યક્ષ વી. કે. પૌલ અનુસાર સરકાર ફાઇઝર સાથે વાટાઘાટો કરી રહી છે. કંપની એક ચોક્કસ જથ્થામાં રસી પૂરી પાડવા તૈયાર છે.
ગાઝામાં હિંસા મામલેની તપાસ અંગેના ઠરાવમાં ભારતે મતદાન જ ન કર્યું
તાજેતરમાં ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે 11 દિવસોથી વધુ સમય સુધી સંઘર્ષ થયો જેમાં ઘણાનાં મૃત્યુ થયાં હતાં.
ગાઝા, પૂર્વ જેરૂસલેમ અને ઇઝરાયલમાં થયેલી હિંસા અને માનવાધિકાર હનન મામલે તપાસ નીમવા માટે સંયુક્ત રાષ્ટ્રની સભામાં ઠરાવ પર મતદાન કરાયું હતું.
પરંતુ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ અનુસાર ભારત આ મતદાનથી અળગું રહ્યું હતું.
જોકે ઇઝરાયલે આ ઠરાવને આંતકીઓ દ્વારા આચરવામાં આવેલા કૃત્યને ઢાંકવા સમાન ગણાવ્યો હતો. ઠરાવની તરફેણમાં યુએનમાં 24 દેશોએ મતદાન કર્યું જ્યારે નવ દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો