શ્રમિક અન્નપૂર્ણા યોજના : કોરોનાના કપરા કાળમાં મજૂરોનું પેટ ઠારતી યોજના બંધ કેમ?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

છેવાડાના કે સંઘર્ષરત માનવી માટે જે યોજનાઓ શરૂ થાય એ બદલાતા સમય સાથે નવા ફેરફાર માગતી હોય છે. જો એ ફેરફાર ન થાય તો યોજનાઓ બંધીયાર બનવાની શક્યતા રહે અને લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ ન પણ પહોંચે.

ગુજરાત સરકારે 18 જુલાઈ, 2017ના રોજ ગુજરાતના જે બાંધકામ શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી.

આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોના કડિયાનાકા પર કાઉન્ટર શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર દશ રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું, જેમાં રોટલી કે થેપલાં, શાક, અથાણું કે ચટણી, લીલાં મરચાં આપવામાં અપાતાં.

શ્રમિકો જે સમયે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લે એ રીતે સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ થતું.

કોરોનાકાળમાં મુશ્કેલી વધી અને યોજના બંધ થઈ

હાલમાં કોરોનાને પગલે લૉકડાઉન થયા પછી શ્રમિક અન્નપૂર્ણા યોજના લગભગ બંધ છે.

કોરોનાને લીધે રોજગારીને નામે સૌથી વધારે રોવાનો વારો શ્રમિકોને આવ્યો છે. હજી પણ તેઓ રોજીરોટી માટે સંઘર્ષ કરી રહ્યા છે.

જો અન્નપૂર્ણા યોજના શરૂ હોત તો આવા કારમા કાળમાં આ યોજના કદાચ તેમની આંતરડી ઠારતી હોત.

મૂળ દાહોદના અને અમદાવાદમાં વિવિધ ચણતર સાઇટ્સ પર સ્લૅબ ભરવાનું કામ કરતાં વિશાલ ભાભોર બીબીસીને કહે છે કે, "અન્નપૂર્ણા યોજનામાં જે ભોજન મળતું એમાં અમે ટિફિન ભરાવતા હતા."

"હવે એ યોજના અત્યારે ચાલતી નથી એટલે ટિફિન ભરાવવાનો મોકો મળતો નથી. અત્યારે રોજગારી ઓછી થઈ ગઈ છે ત્યારે આ યોજના ચાલુ હોત તો ફાયદો મળત."

ખાસ કરીને એવા શ્રમિકોને મોટો ફાયદો મળત જેઓ પત્ની કે પરિવાર વગર એકલા રહે છે.

કોરોનાએ સવા વર્ષ અગાઉ રાજ્ય અને દેશમાં પગપેસારો કર્યો એ પછી ઘણા શ્રમિકો વતન ચાલ્યા ગયા હતા. તેમાંના કેટલાક પરિવારને વતનમાં જ મૂકીને એકલા મજૂરી માટે ગુજરાત આવ્યા છે.

'યોજના ઝટ શરૂ થશે', પણ ક્યારે?

યોજના શરૂ થઈ ત્યારે 8 શહેરોમાં 84 કડિયાનાકા પર તેનાં કાઉન્ટર ખોલવામાં આવ્યાં હતાં.

જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, કલોલ, વલસાડ જેવાં શહેરો સામેલ હતાં.

ધીમેધીમે કાઉન્ટરની સંખ્યા 119 સુધી પહોંચી હતી. યોજના શરૂ થઈ એ વખતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, "25,000 નોંધાયેલા શ્રમિકો આ ભોજન રોજ લે છે. રાજ્યમાં 5,50,000 બાંધકામ શ્રમિકો નોંધાયેલા છે."

"તમામ જિલ્લા કેન્દ્રો પર આ યોજના ચાલુ કરવામાં આવશે."

"આ યોજનામાં એક ટંક ભોજનની થાળી 30 રૂપિયામાં સરકારને પડે છે. શ્રમિકોએ માત્ર 10 રૂપિયા ચૂકવવાના રહે છે અને 20 રૂપિયા સરકાર સબસિડી રૂપે ચૂકવે છે."

25 માર્ચ, 2020ના રોજ કોરોના મહામારીને પગલે લૉકડાઉન લાગુ થયું એ પછી બધું બંધ થવા લાગ્યું ત્યારે ધીમેધીમે અન્નપૂર્ણા યોજનાનાં કાઉન્ટર પણ બંધ થવા લાગ્યાં.

શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોર બીબીસીને કહે છે કે, "લૉકડાઉન વખતે 20-22 કાઉન્ટર ચાલુ હતાં. પણ ધીમેધીમે જેમ કોરોનાના કેસ વધવા માંડ્યા એ પછી તરત અન્નપૂર્ણા યોજનાનાં કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યાં."

"લોકોની ભીડ ભેગી ન થાય અને કોરોનાનો ચૅપ ન ફેલાય એ ઉદ્દેશથી બંધ કરાયાં હતાં."

પરંતુ લૉકડાઉન હળવું થયા પછી ઘણી છૂટછાટ આપવામાં આવી હતી. હાલમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે કેટલીક છૂટ અપાઈ છે, જ્યારે યોજના બંધ કેમ છે?

આ સવાલોના જવાબમાં દિલીપ ઠાકોરે કહ્યું હતું કે, "લૉકડાઉન પછી કોરોનાના કેસ વધ્યા એવી તરત યોજના બંધ કરી દેવામાં આવી હતી."

"દરમિયાન જે ટેન્ડરો હતા એ પણ પૂરાં થઈ ગયાં હતાં. એ પછી અમે નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી."

"એનું કામ પણ અમે આટોપી લીધું છે. જેવી સ્થિતિ હળવી થશે કે તરત જ યોજના ફરી શરૂ થશે."

દિલીપ ઠાકોરને વાંરવાર પૂછવામાં આવ્યું કે કઈ તારીખથી અથવા તો કેટલા દિવસોમાં શરૂ થશે?

તો તેના જવાબમાં તેમણે માત્ર એટલું જ કહ્યું કે "શક્ય તેટલી જલદી શરૂ થશે" પણ તારીખ કે ક્યા દિવસે શરૂ થશે એ વિશે ફોડ પાડ્યો નહોતો.

યોજના શા માટે શરૂ કરાઈ હતી?

શ્રમિક અન્નપૂર્ણા યોજના એક ઊજળા ઉદ્દેશ સાથે શરૂ થયેલી યોજના હતી.

દિલીપ ઠાકોર કહે છે કે "શ્રમિકોને સવારે વહેલા ઊઠીને ભોજન બનાવવા માટે સમય ફાળવવો પડે છે. એ સમય ન બગડે એટલા માટે યોજના લાગુ કરી હતી. તેમની ભોજનની સવલત માટે આ યોજના હતી."

ખાસ કરીને શ્રમિક મહિલાઓ માટે આ યોજના આશીર્વાદરૂપ હતી, કારણ કે મહિલાઓ ઘરે પણ ભોજન રાંધવાનું કામ કરે અને બહાર જઈને કડિયાકામ પણ કરે.

આ યોજના થકી બહેનોએ વહેલી સવારે ઊઠીને સાત વાગ્યા પહેલા ચૂલો પેટાવીને ભોજન બનાવવાનું હતું તેમાંથી મુક્તિ મળતી હતી.

નિષ્ણાતો કહે છે કે ઉદ્દેશ ઊજળો હોવા છતાં પણ કોરોના અને લૉકડાઉન લાગુ થયું એ અગાઉ જ આ યોજનાને ધાર્યા મુજબની સફળતા મળી નહોતી.

રાજ્યમાં કાર્યરત બાંધકામ મજૂર સંગઠન સંસ્થાના સેક્રેટરી વિપુલ પંડ્યા કહે છે કે, "વિજય રૂપાણીએ અંગત રીતે આ યોજનામાં રસ લીધો હતો."

"રાજ્ય સરકાર મજૂરોને ભોજન તૈયાર કરીને આપે એનાથી રૂડું શું હોઈ શકે? પરંતુ આ યોજનાના અમલીકરણમાં સરકાર કેટલીક જગ્યાએ થાપ ખાઈ ગઈ અને યોજના ધાર્યાં પરિણામ નથી આપી શકી."

એનું કારણ આપતાં વિપુલ પંડ્યા જણાવે છે કે, "શહેરોમાં જે બાંધકામ શ્રમિકો છે, તેમાં આદિવાસીઓ અને અન્ય રાજ્યોના શ્રમિકોની સંખ્યા મોટી છે."

"બાંધકામ શ્રમિકોમાં આદિવાસીઓની ટકાવારી 60-70% જેટલી છે."

"યોજનાની શરૂઆતમાં આદિવાસી શ્રમિકોએ ભોજન લીધું હતું પછી તેમની સંખ્યા ઘટવા લાગી હતી."

અલગઅલગ પ્રાંતના મજૂરો અને સ્વાદ એક જ

વિપુલ પંડ્યાના મતે, આદિવાસીઓની ભોજનની તાસીર અને ખોરાક અન્નપૂર્ણા યોજનામાં અપાતા ભોજન કરતાં ખૂબ અલગ છે.

"તેઓ મકાઈના રોટલા ખાય છે અને અન્નપૂર્ણામાં રોટલી કે થેપલાં મળે છે."

"તેઓ તીખું અને ડુંગળી લસણ વગેરે મસાલા ભરપૂર શાક ખાવા ટેવાયેલા હોય અને અન્નપૂર્ણાના શાક–દાળ તેમને માફક ન આવે."

"તેથી શરૂઆતમાં તેઓએ ટિફિન લીધા પછી લેવાનું બંધ કરી દીધું હતું."

તેઓ જણાવે છે, "ઉત્તર પ્રદેશ, બિહાર કે રાજસ્થાનના જે શ્રમિકો છે તેમનો તો ખોરાક જ સાવ અલગ છે."

"દરેક અન્નપૂર્ણા કેન્દ્રો પર એક જ સરખા સ્વાદનું ભોજન મળે જ્યારે કે દરેક કડિયાનાકા પર શ્રમિકો અલગઅલગ પ્રકારના હોય છે."

"ઉદાહરણ તરીકે અમદાવાદના જ વિસ્તારો લઈએ તો ઘાટલોડિયામાં સિત્તેર ટકા આદિવાસી શ્રમિકો જોવા મળે. મેઘાણીનગરમાં કલર કામમાં ઉત્તર પ્રદેશના લોકો વધુ જોવા મળે."

"નારોલ વિસ્તારમાં રાજસ્થાનના શ્રમિકો વધુ મળે. વાડજ વિસ્તારમાં પચાસ ટકા સ્થાનિક મળે, ચાલીસ ટકા આદિવાસી મળે."

"બધાં શ્રમિકનાકાં પર અલગઅલગ લોકો ઊભા રહે. આ તમામ લોકોનો ખોરાક અને ટેસ્ટ અલગઅલગ પ્રકારના છે."

"અન્નપૂર્ણા યોજનામાં એક જ પ્રકારનું ભોજન મળે છે. તેથી આ દરેકને એ માફક ન આવે."

"એટલું ખરું કે જે શ્રમિકો એકલા રહેતા હતા તેમણે આનો લાભ વધુ લીધો હતો. જે સ્થળાંતરિત શ્રમિકો પરિવાર સાથે રહેતા હોય તેમણે ખાસ લાભ નથી લીધો."

"જે લોકો પોતે જે તે શહેરોમાં રહેઠાણ ધરાવતા હોય તેઓ તો ઘરેથી જ ટિફિન બનાવીને જવાનું પસંદ કરે છે."

"આ પ્રકારનું ભોજન જો ક્યારેક ક્યારેક લેવાનું હોય તો લોકો હોંશે હોંશે લે પણ રોજેરોજ જો આ જ ભોજન લેવાનું હોય તો લોકોને એ માફક ન આવે."

'સરકાર ભોજનને બદલે અનાજની કૂપન આપે'

વિપુલ પંડ્યા કહે છે કે, "સરકારે જો ખરેખર શ્રમિકોને મદદ કરવી જ છે તો ટિફિન કે થાળી જેટલા રૂપિયાની અનાજ ખરીદવાની કૂપન એ લોકોને આપી દો."

"સરકાર જો એક ટિફિન કે થાળી દીઠ સબસિડી પેટે વીસ રૂપિયા પોતે ચૂકવતી હોય તો મહિનાના છસ્સો રૂપિયા લેખે શ્રમિકોને અનાજની કૂપન આપી દો."

"એ કૂપનથી શ્રમિકો અનાજ દુકાનોમાંથી લઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી શકાય."

પરંતુ સસ્તા અનાજની રૅશનિંગની જે દુકાનો છે તે આના માટે જ છે ને? એમાં જરૂરિયાતમંદ લોકોને રાહતદરે અનાજ અપાય જ છે. તો પછી કૂપન શા માટે?

વિપુલ પંડ્યા કહે છે કે, "વાત સાચી છે પરંતુ ત્યાં મોટે ભાગે ચોખા અને ઘઉં જ મળે છે. રૅશનની કેટલી દુકાનો છે? કેટલો સમય ખુલ્લી રહે છે? કેટલા રૅશન દુકાનદારો તુવેર કે મગની દાળ આપે છે? આજે ક્યા શ્રમિકોને દાળ પરવડે એવા ભાવે મળે છે? પ્રોટીન દાળમાંથી મળે. રૅશનની દુકાનમાં ક્યાંય દાળ મળે છે?"

"બીજી વાત એ કે જે આદિવાસી કે અન્ય રાજ્યના શ્રમિકો હોય તેમનાં રૅશનકાર્ડ પોતાના વતનનાં હોય છે. મજૂરીકામ માટે તેઓ અન્ય શહેરોમાં જાય છે. સરકારે વન નેશન, વન રૅશનની યોજના બનાવી છે પણ એના લાભાર્થી ઓછા છે."

"સરકાર જો અનાજની કૂપન આપશે તો શ્રમિકો કહેશે કે જો મને છસ્સો રૂપિયાનું અનાજ મળે છે. તેથી અન્ય કામદારો પણ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવા આગળ આવશે. બોર્ડ 2004થી શરૂ થયું છે. ગુજરાતમાં 20,00,000 બાંધકામ શ્રમિકો છે એમાંથી 6,83,0000 શ્રમિકોની જ નોંધણી થઈ છે."

"આનો અર્થ એ થયો કે બોર્ડની યોજનાઓ વધુ લોકો સુધી પહોંચી નથી. જો વિકલ્પ એ પણ થઈ શકે કે બોર્ડ પોતે જ પોતાની કિરાણા સામગ્રી લઈને વાહન રાહતદરે વિવિધ ચણતર પર ફેરવે. સાઇટ પર કામ કરતાં શ્રમિકોને લોટ, દાળ વગેરે રાહત દરે વેચે."

10 જાન્યુઆરી, 2020ના રોજ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું. જેમાં જણાવાયું હતું કે રાજ્યનાં 119 કડિયાનાકાં પર ભોજનકેન્દ્રો પરથી યુ-વિન કાર્ડધારકો પણ દશ રૂપિયામાં યોજનાનો લાભ લઈ શકશે.

જે અંતર્ગત રાજ્યના 12 જિલ્લામાં 36 શહેરોના 6 લાખથી વધુ યુ-વિન કાર્ડધારક શ્રમિકોને આનો લાભ મળશે એવી જાહેરાત થઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો