કોરોના વાઇરસ ક્યાંથી ફેલાયો? અમેરિકા અને ચીન ફરી સામસામે

કોરોના વાઇરસ ક્યાંથી ફેલાયો એ વાતને લઈને અમેરિકા અને ચીન ફરી વાર સામસામે આવી ગયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇન્ટેલિજેન્સ એજન્સીઓને 90 દિવસની અંદર એ ખબર કરવાનો આદેશ આપ્યો છે કે કોરોના વાઇરસ ક્યાંથી ફેલાયો.

અગાઉ મંગળવારે અમેરિકાના સ્વાસ્થ્યમંત્રી ઝેવિયર બેસેરાએ વર્લ્ડ હેલ્થ ઍસૅમ્બલીમાં ચીનનું નામ લીધા વિના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કહ્યું હતું કે કોરોના વાઇરસ ક્યાંથી ફેલાયો, તેની તપાસનું આગળનું ચરણ 'પારદર્શી' હોવું જોઈએ.

કોવિડ-19નો સૌથી પહેલો કેસ ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો. ચીની પ્રશાસને શરૂઆતના મામલાનો સંબંધ વુહાનની એક સી ફૂડ માર્કેટમાંથી મેળવ્યો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાઇરસ પ્રાણીઓમાંથી માણસમાં પહોંચ્યો છે.

જોકે હાલમાં અમેરિકા મીડિયામાં આવેલા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક એવા પુરાવા છે, જે એ તરફ ઇશારો કરે છે કે આ વાઇરસ ચીનની એક પ્રયોગશાળામાંથી લીક થયો છે.

'વૉલ સ્ટ્રીટ જર્નલે' અમેરિકન ઇન્ટેલિજેન્સ રિપોર્ટનો હવાલો આપીને દાવો કર્યો હતો કે તેનાથી પહેલાં જ નવેમ્બરમાં વુહાનમાં લૅબના ત્રણ સભ્યોને કોવિડ જેવા લક્ષણવાળી બીમારીને કારણે હૉસ્પિટલ જવું પડ્યું હતું.

જો ચીને ન માત્ર આવી ખબરો ખોટી ગણાવી, પણ આરોપ લગાવ્યો કે બની શકે કે કોરોના વાઇરસ અમેરિકાની કોઈ લૅબમાંથી નીકળ્યો હોય.

આ વાઇરસને કારણે ફેલાયેલી મહામારીને કારણે દુનિયાભરમાં હજુ સુધી કમસે કમ 35 લાખ લોકોના જીવ ગયા છે અને સંક્રમણના 16 કરોડ 80 લાખથી વધુ કેસ નોંધાયા છે.

બાઇડને 90 દિવસનો સમય આપ્યો

બુધવારે વ્હાઇટ હાઉસ તરફથી જારી ભાષણમાં રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે તેમણે પદ સંભાળ્યા બાદ રિપોર્ટ માગ્યો હતો કે આ વાઇરસ ક્યાંથી ફેલાયો છે.

તેમાં એ તપાસ કરવાની હતી કે આ કોઈ સંક્રમિત પ્રાણીથી માણસોમાં ફેલાયો કે કોઈ પ્રયોગશાળામાંથી. તેમણે કહ્યું કે આ મહિને આ રિપોર્ટ મળ્યો છે, પણ હજુ કેટલીક જાણકારીઓ મેળવવા માટે કહેવાયું છે.

બાઇડને કહ્યું, "અમેરિકાની ઇન્ટેલિજેન્સ એજન્સીઓ બે શક્યતાની નજીક પહોંચી છે, પણ કોઈ ઠોસ પરિણામ પર પહોંચી શકી નથી."

"હાલમાં સ્થિતિ એ છે કે ઇન્ટેલિજેન્સ કમ્યુનિટીના બે ભાગનું માનવું છે કે આ પ્રાણીમાંથી માણસમાં આવ્યો છે, જ્યારે એક ભાગનું માનવું છે કે લૅબમાંથી ફેલાયો."

"જોકે કોઈ પણ પોતાની વાત વિશ્વાસ સાથે કહેતા નથી. મોટા ભાગનાનું માનવું છે કે કોઈ પરિણામ પર પહોંચવા માટે પર્યાપ્ત માહિતીઓ નથી."

હવે રાષ્ટ્રપતિએ એજન્સીઓને કહ્યું છે કે પોતાના પ્રયાસો તેજ કરે અને 90 દિવસમાં એવી માહિતી મેળવી કે જેના આધારે કોઈ ઠોસ પરિણામ પાસે પહોંચી શકાય.

અંતમાં તેમણે કહ્યું કે "દુનિયાભર એક જેવા વિચાર રાખનારા સહયોગીઓની સાથે મળીને ચીન પર સંપૂર્ણ પારદર્શી અને સાક્ષ્ય આધારિત આંતરરાષ્ટ્રીય તપાસમાં સામેલ થવા અને બધા પુરાવાને ઉપલબ્ધ કરાવવા માટે દબાણ કરતા રહ્યા."

જોકે મંગળવારે વૉશિંગ્ટન પોસ્ટ અખબારમાં છપાયેલી એક કૉલમમાં બાઇડન પ્રશાસન પર આરોપ લાગ્યો કે તે વાઇરસના મૂળની તપાસને લઈને કૉંગ્રેસની તપાસમાં અડચણ પેદા કરે છે અને જવાબદારી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માથે નાખે છે.

બાઇડનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સીએનએનના એક રિપોર્ટમાં કહેવાયું કે બાઇડન પ્રશાસને સંસાધનોની બચતને નામે વિદેશ મંત્રાલયની એ તપાસને બંધ કરી દીધી, જેમાં એ તપાસ કરાતી હતી કે વાઇરસ ક્યાંક વુહાનની લૅબમાંથી તો લીક નથી થયો ને.

ચીનનો અમેરિકા પર આરોપ

અમેરિકન મીડિયાની ખબરોમાં વુહાનની લૅબમાંથી વાઇરસ લીક થવાની ચર્ચાને ચીને સંપૂર્ણ ખોટી ઠેરવી છે.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચાઓ લિજિયાને કહ્યું કે આ વાઇરસ બની શકે કે અમેરિકાથી ફેલાયો હોય અને તેના માટે અમેરિકાએ પોતાને ત્યાં તપાસ કરાવવી જોઈએ.

લિજિયાને કહ્યું, "મહામારી ફેલાયા બાદ ચીને તેના મૂળની તપાસ માટે WHOની ખૂબ મદદ કરી. આ વર્ષે 14 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી WHOની આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોવાળી ટીમે ચીની વિશેષજ્ઞો સાથે મળીને લગભગ એક મહિના સુધી વુહાનમાં ગહન શોધ કરી."

"બંને પક્ષોના વિશેષજ્ઞોએ મળીને જગ્યાઓની મુલાકાત લીધી અને બહુ બધા આંકડાઓનું અધ્યયન કરીને રિપોર્ટ જાહેર કર્યો, જેમાં ઘણાં મહત્ત્વનાં નિષ્કર્ષ છે. આ સંયુક્ત અધ્યયને વાઇરસના મૂળની શોધ કરવામાં ધક્કો માર્યો."

ચીની સરકારના પ્રવક્તાએ કહ્યું, "અમેરિકામાં કેટલાક લોકો 'તથ્યો'ની વાત કરે છે, પણ અસલમાં તેઓ બાબતોને રાજનીતિક રીતે તોડીમરોડીને રજૂ કરવા માગે છે. જ્યારે મહામારીની વાત આવે ત્યારે ચીન પર હુમલો કરવા લાગી જાય છે. તેઓ વાઇરસના મૂળની શોધ કરવાની કોશિશો પર ઊઠતા સવાલો અને મહામારીને નાથવામાં પોતાની નિષ્ફળતાને સંપૂર્ણ નજરઅંદાજ કરી દે છે."

"તેમના પર 'લૅબમાંથી લીક થવાની' થિયરીની ધૂન સવાર છે. તેણે ડબલ્યુએચઓના વિશેષજ્ઞોની ટીમ તરફથી કરાયેલી શોધ અને વિજ્ઞાનનું અપમાન કર્યું છે. સાથે જ મહામારીને ખતમ કરવાના પ્રયાસોની પણ ઉપેક્ષા કરી છે."

લિજિયાને કહ્યું કે તેઓ ભાર દઈને કહેવા માગે છે કે 'અત્યાર સુધી આવેલા પુરાવા, રિપોર્ટો અને શોધો અનુસાર, કોવિડ-19 મહામારી વર્ષ 2019ના બીજા ભાગથી પહેલાં જ દુનિયાના ઘણા ભાગોમાં હાજર હતી.'

તેમણે કહ્યું, "ચીન વાઇરસની શોધના કામને ગંભીરતા અને જવાબદારીથી લેય છે અને આ કામમાં તેણે યોગદાન પણ આપ્યું છે. જો અમેરિકા પૂરી રીતે પારદર્શી તપાસ ઇચ્છે તો તેણે ચીનની જેમ ડબલ્યુએચઓના વિશેષજ્ઞોને અમેરિકા બોલાવવા જોઈએ અને ફોર્ટ ડેટ્રિક સમેત દુનિયાભરમાં મોજૂદ પોતાની પ્રયોગશાળાઓની તપાસ કરાવડાવી જોઈએ."

"સાથે જ જુલાઈ 2019માં ઉત્તર વર્જિનિયામાં સાંસ સાથે જોડાયેલી વણઉકેલી બીમારીના ફેલાવા અને વિસ્કૉન્સિનમાં EVALI સંક્રમણને લઈને પૂરી માહિતી સાર્વજનિક કરવી જોઈએ. અમે અમેરિકા અને અન્ય સંબંધિત દેશોને અપીલ કરીએ છીએ કે તેઓ વૈજ્ઞાનિક અને પારદર્શી રીતે ખૂલીને ડબલ્યુએચઓનો સહયોગ કરે."

શું લૅબમાંથી નીકળ્યો હતો વાઇરસ?

આ વર્ષે માર્ચમાં ડબલ્યુએચઓએ ચીની વિજ્ઞાનિકો સાથે મળીને લખેલો એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે વાઇરસની કોઈ લૅબમાંથી ફેલાવવાની આંશકા 'બહુ જ ઓછી' છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું હતું કે હજુ વધુ શોધની જરૂર છે.

પણ વાઇરસ લૅબમાંથી લીક થવાને લઈને ફરીથી સવાલ ઊઠવા લાગ્યા જ્યારે હાલમાં જ અમેરિકન ઇન્ટેલિજેન્સ એજન્સીઓના હવાલાથી મીડિયામાં એ સમાચાર આવ્યા કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીના ત્રણ સભ્યો નવેમ્બરમાં હૉસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે ચીને આગલા મહિને ડબલ્યુએચઓને જણાવ્યું હતું કે વુહાન શહેરમાં ન્યુમોનિયાના કેસમાં તેજી આવી છે.

બાઇડનના ચીફ મેડિકલ એડવાઇઝર ડૉક્ટર એન્થની ફાઉચી કહેતા આવ્યા છે કે તેમના મતે આ બીમારી પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાઈ. પણ આ મહિને તેમણે પણ એ કહી દીધું કે એ વાતને લઈને તેમને પૂરો વિશ્વાસ નથી.

ગત વર્ષે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઇરસ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીમાંથી નીકળ્યો છે. એ સમયે ઘણી અમેરિકન મીડિયા સંસ્થાઓએ આ દાવાને નિરાધાર કે ખોટો ગણાવ્યો હતો.

મંગળવારે ટ્રમ્પે ન્યૂયૉર્ક પોસ્ટને એક ઈમેલના માધ્યમથી મોકલેલા નિવેદનમાં કહ્યું, "હું તો પહેલેથી કહેતો હતો, પણ મારી હંમેશાંની જેમ ખરાબ ટીકા કરાઈ. અને હવે એ બધા કહે છે કે હું સાચું બોલતો હતો."

લૅબમાંથી લીક થવાની થિયરીની ચર્ચા

ઉત્તર અમેરિકાના બીબીસી સંવાદદાતા એન્થની જર્ચરનું વિશ્લેષણ

તેને અમેરિકન સરકારમાં થોડી પારદર્શિતા માની શકાય કે બાઇડન પ્રશાસન સ્વીકાર કરે છે કે અમેરિકન ઇન્ટેલિજેન્સ એજન્સીઓ કોરોના વાઇરસના સ્રોતને લઈને એકમત નથી. વાઇરસ લૅબમાંથી માણસો ફેલાયો કે કોઈ પ્રાણીમાંથી, તેને લઈને કોઈને સંપૂર્ણ વિશ્વાસ નથી.

લૅબ થિયરીને લઈને ગત વર્ષે મીડિયા અને રાજનીતિમાં થયેલા શોરબકોરની તુલનામાં તેને થોડા બદલાવના રૂપમાં જોઈ શકાય. ગત વર્ષે ટ્રમ્પ, વિદેશમંત્રી માઇક પૉમ્પિયો, સૅનેટર ટૉમ કૉટમ સમેત ઘણા લોકોએ એ વાતનો પ્રચાર કર્યો કે વાઇરસ લૅબમાંથી નીકળ્યો.

ટ્રમ્પ અને પૉમ્પિયો પાસે એવો કોઈ ઠોસ આધાર નહોતો કે તેઓ કહી શકે કે તેમને આવું કેમ લાગે છે. તેમની થિયરી એ અવિશ્વસનીય દાવાઓ સાથે મેળ ખાતી હતી, જેમાં કહેવાતું હતું કે આ વાઇરસને ચીનની લૅબમાં તૈયાર કરાયો હતો. હજુ પણ એ વાતની સંભાવનાઓ બહુ ઓછી છે કે ખરેખર આ વાઇરસ લૅબમાં બન્યો હતો.

વાઇરસ ક્યાંથી ફેલાયો, બની શકે કે સામાન્ય લોકો ક્યારેય તેના અંગે પૂરું સત્ય જાણી ન શકે. ખાસ કરીને ત્યારે, જ્યારે ચીનનું વલણ આવું જ અસહયોગવાળું રહેશે.

બાઇડન મૂળ સુધી તપાસનો દાવો તો કરી રહ્યા છે, પણ જો અમેરિકાને પાક્કા પુરાવા મળી જાય કે આ વાઇરસ લૅબમાંથી ફેલાયો છે, તો તેનો મતલબ એ થશે કે ઘણી મોટી હસ્તીઓએ પોતાની ભૂલ સ્વીકારવી પડશે અને કોઈ નિષ્કર્ષ પર તરત વિશ્વાસ કરવાની આદત પર ફરીથી વિચાર કરવો પડશે.

તેનાથી અમેરિકા અને ચીનના સંબંધો પર પણ આવનારાં ઘણાં વર્ષોમાં મોટી અસર પેદા થઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો