You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેલેસ્ટાઇન : બાંગ્લાદેશના પાસપોર્ટ પર ઇઝરાયલના ઠપ્પાનો વિવાદ શું છે?
ભારતની પૂર્વ સરહદે આવેલ બાંગ્લાદેશ પોતાના નાગરિકોને ટેક્નૉલૉજીની દૃષ્ટિએ વિકસિત દેશો પૈકી એક મનાતા ઇઝરાયલની યાત્રા કરવાની પરવાનગી આપતું નથી.
આ વાત આશ્ચર્ય પમાડે તેવી છે. પરંતુ બાંગ્લાદેશ કેમ પોતાના નાગરિકો ઇઝરાયલની યાત્ર કરે એ નથી ઇચ્છતું? શા કારણે બાંગ્લાદેશની સ્થાપનાનાં પચાસ વર્ષ બાદ પણ ત્યાંની સરકારે ઇઝરાયલની યાત્રા પર પાબંદી લાદેલી છે? અને આખરે આ વાતની ચર્ચા હાલ કેમ થઈ રહી છે?
હાલ આ વાત ત્યારે ચર્ચામાં આવી જ્યારે ઇઝરાયલના વિદેશમંત્રાલયના એક અધિકારીએ ટ્વિટર પર જણાવ્યું કે, "આખરે બાંગ્લાદેશે ઇઝરાયલની યાત્રા પરની પાબંદી હઠાવી દીધી છે."
તેમણે એક ન્યૂઝ અહેવાલને ટાંકીને આ લખ્યું હતું. અને આ પગલાનું સ્વાગત પણ કર્યું હતું. તેમજ બાંગ્લાદેશની સરકારને ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધ સ્થાપિત કરવાની પણ સલાહ આપી હતી.
આ મામલે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેમણે ઇઝરાયલ પરની પાબંદી હઠાવી નથી.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
બાંગ્લાદેશે પોતાના નાગરિકોને ઇઝરાયલ જવાની પરવાનગી આપવાની વાતની ચર્ચા શરૂ થતાં ત્યાંના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી.
તેમણે લખ્યું હતું કે, "મંત્રાલયનું ધ્યાન આ વાત તરફ ગયું છે કે ઇઝરાયલી વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના ઈ-પાસપોર્ટમાં ઇઝરાયલ પર પાબંદીનો ઉલ્લેખ નથી કર્યો. અને ઇઝરાયલે તેનું સ્વાગત કર્યું છે."
"એવું લાગે છે કે નવા ઈ-પાસપોર્ટના કારણે ભ્રમની સ્થિતિ સર્જાઈ છે, જેમાં 'ઇઝરાયલ છોડીને તમામ દેશ' લાઇન હઠાવી લેવાઈ છે. આ લાઇન હઠાવવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સ્પષ્ટતામાં આગળ કહેવાયું હતું કે, "બાંગ્લાદેશની મધ્ય-પૂર્વની વિદેશ-નીતિમાં કોઈ ફેરફાર નથી થયો. બાંગ્લાદેશી પાસપોર્ટધારકો પર હજુ પણ ઇઝરાયલની યાત્રા પરની પાબંદી ચાલુ રહેશે. બાંગ્લાદેશની સરકાર ઇઝરાયલને લઈને પોતાની સ્થિતિ પર કાયમ છે અને તેમાં કોઈ ફેરફાર નથી થયો."
નિવેદનમાં આગળ લખાયુ છે કે બાંગ્લાદેશે અલ અક્સા મસ્જિદ અને ગાઝામાં નાગરિકો પર ઇઝરાયલની કાર્યવાહીની નિંદા કરી છે.
બાંગ્લાદેશ 1967 પહેલાંની સીમાઓ અને પૂર્વ જેરૂસલેમને પેલેસ્ટાઇનિયન રાજ્યની રાજધાની સ્વરૂપે માન્યતા આપનારા સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોના આધારે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના સંઘર્ષમાં બે રાષ્ટ્રોના સમાધાન પર પોતાની સ્થિતિ અંગે ફરી વખત વાત કરે છે.
નોંધનીય છે કે પાછલા અમુક દિવસોથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના સમર્થકો વચ્ચે હિંસક ઘર્ષણ ચાલી રહ્યું હતું. જે 11 દિવસ બાદ એક બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં બંધ થયું હતું. આ ઘર્ષણામાં સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલ છે.
વિદેશનીતિમાં ફેરફાર નહીં
બાંગ્લાદેશના વિદેશમંત્રી ડૉક્ટર એ. કે. અબ્દુલ મોમેને પણ કહ્યું છે કે પાસપોર્ટ એક રાષ્ટ્રીય ઓળખ છે અને તે વિદેશનીતિને પ્રતિબિંબિત નથી કરતો.
તેમણે કહ્યું કે ઇઝરાયલને લઈને બાંગ્લાદેશની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો અને બાંગ્લાદેશ ઇઝરાયલને માન્યતા નથી આપતું.
વિદેશમંત્રી અબ્દુલ મોમેને કહ્યું છે કે, 'ઇઝરાયલ સિવાય બધા દેશો' જેવા શબ્દો પાસપોર્ટ પરથી હઠાવવાનો અર્થ ઇઝરાયલની યાત્રા પર લગાવાયેલી પાબંદી હઠાવાઈ છે એવો નથી.
તેમણે કહ્યું કે બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયે લગભગ છ માસ પહેલાં એવું મહેસૂસ કર્યું કે કોઈ પણ દેશના પાસપોર્ટ પર આવા શબ્દો નથી અને આ કારણે નવા ઈ- પાસપોર્ટમાં ફેરફાર કરાયો છે. જેથી આંતરરાષ્ટ્રીય માપદંડો જાળવી રાખી શકાય.
પેલેસ્ટાઇનના રાજદૂતની આપત્તિ
જોકે, બાંગ્લાદેશસ્થિત પેલેસ્ટાઇનના રાજદૂતને બાંગ્લાદેશના નિર્ણય અંગે આપત્તિ છે. ઢાકાસ્થિત પેલેસ્ટાઇનના રાજદૂત યૂસુફ એસવાઈ રમાદાને કહ્યું છે કે બાંગ્લાદેશી પાસપોર્ટથી 'ઇઝરાયલ સિવાય તમામ' શબ્દ હઠાવવું સ્વીકાર્ય નથી.
તેમણે બાંગ્લાદેશ સરકારના એ તર્કને ખારિજ કર્યો છે કે આંતરરાષ્ટ્રીય માપદંડોને જાળવી રાખવા માટે આવું કરાયું છે.
પેલેસ્ટાઇનના રાજદૂતે કહ્યું છે કે તેમણે બાંગ્લાદેશના ગૃહ મંત્રી અસદુઝ્ઝમાં ખાનને મળવા માટેનો સમય માગ્યો છે.
બાંગ્લાદેશી અખબાર ઢાકા ટ્રિબ્યૂન સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, "હું આ ઘટનાક્રમથી વાકેફ છું. કોઈ પણ સાર્વભૌમ રાષ્ટ્રને પાસપોર્ટ કે અન્ય કોઈ મુદ્દે નિર્ણય લેવાનો અધિકાર છે. એવું માનતા હોવાની સાથે, હું કહીશ કે બાંગ્લાદેશની સરકારનો આ નિર્ણય અમને સ્વીકાર્ય નથી."
ઇઝરાયલ અંગે બાંગ્લાદેશનું વલણ
ગાઝામાં ચાલી રહેલ ઇઝરાયલી કાર્યવાહી દરમિયાન બાંગ્લાદેશમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં ઘણી મોટી મોટી રેલીઓ થઈ.
પેલેસ્ટાઇનના રાજદૂતે પણ સમર્થનમાં બાંગ્લાદેશના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
1971માં અસ્તિત્વમાં આવ્યા બાદથી જ બાંગ્લાદેશે ઇઝરાયલને માન્યતા નથી આપી.
બાંગ્લાદેશનું કહેવું છે કે અલગ પેલેસ્ટાઇન રાષ્ટ્રની માગણીનું તેઓ સમર્થન કરે છે. અને ઇચ્છે છે કે 1967 પહેલાંની સ્થિતિ કાયમ કરવામાં આવે અને પેલેસ્ટાઇનને અલગ રાષ્ટ્રની માન્યતા આપવામાં આવે.
આટલું જ નહીં બાંગ્લાદેશ પૂર્વ જેરૂસલેમને પેલેસ્ટાઇનિયન પાટનગરનો દરજ્જો આપે છે.
પૂર્વ જેરૂસલેમની અલ અક્સા મસ્જિદથી જ હાલમાં થયેલી હિંસાની શરૂઆત થઈ હતી.
મુસ્લિમો અને યહૂદીઓ બંને આ સ્થળને પોતાનું પવિત્ર સ્થળ માને છે.
નવેમ્બર, 2003માં બાંગ્લાદેશના એક પત્રકાર સલાહ ચૌધરીએ તેલ અવીવ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમની ધરપકડ કરી લેવાઈ હતી.
તેમના પર દેશદ્રોહ, રાજદ્રોહ અને ઈશનિંદાનો મામલો ચલાવાયો હતો. તેમને સાત વર્ષની જેલની સજા સંભળાવાઈ હતી.
બીબીસી બાંગલા સેવાના સંવાદદાતા શુભજ્યોતિ ઘોષ પ્રમાણે બાંગ્લાદેશી પાસપોર્ટ પર શરૂઆતમાં ત્રણ દેશોનાં નામ હતાં. જ્યાંની યાત્રા બાંગ્લાદેશના પાસપોર્ટધારક નહોતા કરી શકતા. આ દેશો હતા - દક્ષિણ આફ્રિકા, તાઇવાન અને ઇઝરાયલ.
દક્ષિણ આફ્રિકાનો ઉલ્લેખ તેની રંગભેદની નીતિના કારણે, તાઇવાનનો બાંગ્લાદેશની વન ચાઇના નીતિના સમર્થનના કારણે અને ઇઝરાયલનો પેલેસ્ટાઇનિયન રાષ્ટ્રના સમર્થનના કારણે.
બાંગ્લાદેશે બાદમાં પાસપોર્ટ પરથી દક્ષિણ આફ્રિકા અને તાઇવાનનાં નામ હઠાવી દીધાં હતાં. પરંતુ ઇઝરાયલનું નામ હજુ સુધી હતું.
ઇઝરાયલની વાત કરીએ તો આધિકારિકપણે બાંગ્લાદેશ ઇઝરાયલને માન્યતા નથી આપતું.
પંરતુ બીબીસી સંવાદદાતા શુભજ્યોતિ ઘોષનું કહેવું છે કે જાણકારો જણાવે છે કે બાંગ્લાદેશ ગુપ્તપણે ઇઝરાયલ પાસેથી ઘણી બધી વસ્તુઓ ખરીદી રહ્યું છે પરંતુ સરકાર સ્પષ્ટપણે આ અંગે કશું નથી કહેતી.
તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશ ઇઝરાયલ પાસેથી જાસૂસી ઉપકરણો જેમ કે સર્વેલન્સ ડિવાઇસ અને ફોન ટેપિંગ ઉપકરણ ખરીદે છે અને બાંગ્લાદેશમાં તેનો ઉપયોગ પણ કરાય છે.
ભવિષ્યમાં બાંગ્લાદેશ ઇઝરાયલ સાથે સંબંધ સ્થાપી શકે છે?
ઇઝરાયલના સંયુક્ત આરબ અમીરાત અને બહરીન સાથે રાજ્દ્વારી સંબંધો બહાલ થયા બા આરબ જગતમાં એવી પણ ચર્ચા છે કે આગામી નંબર સાઉદી અરેબિયાનો હોઈ શકે છે.
અમેરિકા પણ આ દિશામાં પ્રયત્ન કરી6 રહ્યું છે.
જાણકારોનું કહેવું છે કે જો સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો સામાન્ય થઈ ગયા, તો બાંગ્લાદેશ પણ એ જ રસ્તે ચાલી શકે છે. કારણ કે ઇઝરાયલે ખૂલીને બાંગ્લાદેશ સાથે સંબંધો સ્થાપવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી છે.
બાંગ્લાદેશ પર પણ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો બહાલ કરવાનું દબાણ છે, પરંતુ બાંગ્લાદેશ પોતાની આંતરિક સ્થિતિ અને ધાર્મિક ભાવાનાઓના કારણે આ અંગે સ્પષ્ટપણે કશું નથી કહેતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો