કુખ્યાત ડ્રગ માફિયા અલ ચેપોનાં પત્નીનું જીવન જેલમાં કેટલું બદલાઈ ગયું?

    • લેેખક, ટેરા મેક્કેલ્વી
    • પદ, બીબીસી ન્યૂઝ

એમ્મા કોરોનેલ એસ્પરો ન્યૂ યૉર્કમાં રહેતાં હતાં અને ડ્રગના દાણચોર જૉકિન ગઝમેન લોએરા ઉર્ફે અલ ચેપોનાં પત્ની તરીકે ભોગવી શકાય તેવી સાહ્યબી ભોગવતાં હતાં. આખરે તેમની ધરપકડ થઈ અને વર્જિનિયાની જેલમાં જવું પડ્યું. એ પછી ડ્રગ માફિયાની રાણીનું શું થયું?

એલેક્ઝાન્ડ્રિયાના વિલિયમ ટ્રૂઝડેલ ઍડલ્ટ ડિટેન્શન સેન્ટરની એક કોટડીમાં એમ્મા કોરોનેલ એસ્પરોને એકાકી રાખવામાં આવ્યાં છે.

તેમના લૉયર મેરિયલ કોલૉન મીરો કહે છે કે તેઓ કોટડીમાં બેઠી બેઠી "રોમૅન્ટિક" નવલકથાઓ ટાઇમ પાસ માટે વાંચતાં રહે છે.

એક જમાનામાં એશોઆરામની જિંદગી સામે કોટડીનું જીવન કંઈ સહેલું હોતું નથી.

થોડા મહિનાઓ પહેલાં જ તેમણે અલ ચેપો ગઝમેન એવા નામ સાથે વસ્ત્રોની બ્રાન્ડ શરૂ કરવાની તૈયારી કરી હતી. (મૅક્સિકોમાં આ દંપતી સ્ટાઇલ આઇકન તરીકે જાણીતું થયું હતું અને તેમની દીકરીએ પણ પિતાના નામે ફૅશન બ્રાન્ડ શરૂ કરી હતી).

વૈભવી જીવનશૈલી માટે જાણીતું દંપતી

2019માં તેમના પતિ સામે કેસ ચાલી રહ્યો હતો ત્યારે ન્યૂ યૉર્કમાં મેં એમ્મા સાથે વાતચીત કરી ત્યારે તેમણે ઘરેણાં ધારણ કરેલાં હતાં અને મોંઘી ઘડિયાળ પણ પહેરી હતી.

તે પછી આ વર્ષની શરૂઆતમાં જ 31 વર્ષીય એમ્માની જ્યૉર્જિયાના ડ્યૂલેસ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. તેમના પર ડ્રગના દાણચોર પતિને તેની સિનાલોઓ નામની ગૅંગ ચલાવવામાં મદદ કરવાનો આરોપ મુકાયો હતો.

તેમના પતિ ગઝમેન 64 વર્ષના છે અને અત્યારે કોલોરાડોની જેલમાં આજીવન કેદ ભોગવી રહ્યા છે.

એફબીઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર 2015માં એમ્માએ કોકેન વેચવાનું કાવતરું ઘડ્યું હતું અને મૅક્સિકોની જેલમાંથી પોતાના પતિને ભગાડવાની યોજનામાં મદદ કરી હતી.

તેમની પોતાની પણ એક આગવી કથા છે. તેમના પતિએ તેમની સાથે દગો કરેલો, એક અન્ય સ્ત્રી સાથે સંબંધ પણ રાખ્યા હતા અને ગુનાખોરીનું સામ્રાજ્ય ચલાવતા હતા.

આ કથામાંથી ડ્રગના દાણચોરોની દુનિયા કેવી હોય છે તેનો પણ ખ્યાલ આવતો હોય છે. એમ્મા સામે ક્યારે કેસ ચાલશે તેની તારીખ હજી જાહેર થઈ નથી. તેમની સામેના ગુના સાબિત થશે તો એમ્માને પણ આજીવન કેદ થશે.

એમ્મા ગુનેગાર છે કે નિર્દોષ છે તેની વાત બાજુએ રાખીને ડ્રગની હેરાફેરી વિશે જાણનારા લોકો કહે છે કે 'એમ્માએ પોતાની આગવી ભૂમિકા ઊભી કરી હતી. તે જાહેરજીવનમાં પડી હતી, એન્ટ્રપ્રન્યોર તરીકે ઓળખાતી હતી. તેના પતિના પડછાયાની જેમ રહેતી હતી અને તેની મરજી વિના તેના પતિને કોઈ મળી શકતું નહોતું.'

પરંપરાગત રીતે પણ ડ્રગના દાણચોરો "વેરી સેક્સુઅલ" પણ "અક્કલમઠી" એવી પત્નીઓ રાખવા માટે જાણીતા છે, એમ કૅલિફોર્નિયા યુનિવર્સિટીના સિસિલિયા ફેરફેન-મેન્ડિઝ કહે છે.

જોકે ડ્રગ કાર્ટેલમાં તમારો દબદબો હોય ત્યારે સામી બાજુ જોખમ પણ હોય.

અમેરિકાના ડ્રગ ઍન્ફોર્સમેન્ટ વિભાગ સાથે કામ કરી ચૂકેલા એજન્ટ ડેરેક મેલ્ટ્ઝ કહે છે, "તમે આ ધંધામાં પડો તે પછી કાં તો પકડાઈ જવાના અને નહીં તો તમારી હત્યા થઈ જવાની."

એમ્માએ પોતે ફૅશન કંપની ખોલવાની વાતો કરીને બડાશ મારી હતી, પણ ફેડરલ તપાસ સંસ્થાઓ તેમની પાછળ જ હતી. મેલ્ટ્ઝ કહે છે તે પ્રમાણે: "તેની આસપાસની દુનિયા વિખાવા લાગી હતી, દીવાલો ધસવા લાગી હતી."

અપહરણ અને હત્યા

તેમના પતિની ટ્રાયલ ચાલતી હતી તે દરમિયાન એમ્મા બ્રૂકલીનની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર રહેતાં હતાં. મિત્રો સાથે કાફેટેરિયામાં જતાં, મજાકો કરતાં અને મજા કરતાં.

"તેનું મોટું નામ હતું. એમ્માને ઉત્સાહથી થનગનતી અને સદાય હસતી તરીકે હું ઓળખું છું," એમ તેમના વકીલ મીરો કહે છે.

એમ્મા કોરોનેલ મૅક્સિકો અને અમેરિકા બંનેનું નાગરિકત્વ ધરાવે છે. તેઓ 17 વર્ષનાં હતાં ત્યારે ગઝમેનને મળ્યાં હતાં. તે પછી તરત જ તેઓ પરણી ગયાં. તેમને બે સંતાન છે - મારિયા જૉકિના અને એમલી. પતિની ટ્રાયલ દરમિયાન એમ્મા રોજ કોર્ટરૂમમાં હાજર થઈ જતાં હતાં.

મૅક્સિકોમાં ડ્રગની કાર્ટેલની તપાસ માટે કામ કરી ચૂકેલા અને પેરિસ ખાતે રહેતા સિક્યૉરિટી એનલિસ્ટ રોમેન લે કર ગ્રામેસન કહે છે કે એમ્મા એક "સિનાલોઆ દીવા" હતી. રેડ લિપ્સ્ટિક અને ડાયમંડ અને ટાઇટ જિન્સ સાથે તેની "બુકોના" તરીકે આગવી ઓળખ હતી.

જ્યૉર્જ મેસન યુનિવર્સિટીના ગોડાલૂપ કોરિયા-કેબ્રેરાએ મૅક્સિકોના સિનાલોઆમાં રહીને સંશોધન કરેલું છે. આ જ વિસ્તારમાં અલ ચેપોની કાર્ટેલ કામ કરતી હતી.

"બુકોના" એટલે શું તે સમજાવતા તેઓ કહે છે: "મોંઘાદાટ વસ્ત્રો પહેર્યાં હોય, લૂઇ વિટોંની પર્સ હોય. બધું જ ભપકાદાર હોય. તે ઇમેજમાં એમ્મા બંધબેસતી આવે. તેનો દેખાવ, પ્લાસ્ટિક સર્જરી એ બધું તેમાં આવે."

એમ્મા વિશે વાત કરતાં કોરિયા-કેબ્રેરા કહે છે કે સૌથી વધુ પીઠ આકર્ષક હતી, જે એકદમ 'વળાંકદાર' હતી.

અલ ચેપોની કાર્ટેલ જે ખતરનાક સ્થિતિમાં કામ કરતી હતી, તેની સામે એમ્માની ગ્લેમરસ ઇમેજ બહુ વિરોધાભાસ પેદા કરતી હતી.

ગેરકાયદે ડ્રગના ધંધામાં પોતાની ધાક જમાવી રાખવા ગઝમેન હિંસા કરતો હતો અને તેના કારણે થતી કમાણીમાંથી તેમનાં પત્ની અને પરિવાર વૈભવી જીવન ભોગવતાં.

2006થી મૅક્સિકોની સરકારે ડ્રગ ટોળકીઓ સામે ઝુંબેશ ઉપાડી છે ત્યારથી અત્યાર સુધીમાં મૅક્સિકોમાં 300,000થી વધુ લોકો માર્યા ગયા છે.

શિકાર બની ગયેલા લોકોમાં ગઝમેનના વિરોધીઓ પણ ખરા અને તેમના પોતાના માણસો પણ તેમાં ખતમ થઈ ગયા. તેમની એક પ્રેમિકાનું શબ તેમની કારની ડિકીમાંથી મળ્યું હતું. તેમની હરીફ ગૅંગે પ્રેમિકાની હત્યા કરી હોવાનું મનાય છે.

વફાદારીની કિંમત

ગઝમેનની ટ્રાયલ વખતે તેમની સાથે લાંબો સમય રહેલાં અન્ય સ્ત્રી લ્યૂસેરો ગોડાપૂલે સાન્ચેઝ લૉપેઝે સાક્ષી આપી હતી. તેમની ધરપકડ પણ જૂન 2017માં અમેરિકા-મૅક્સિકોની સરહદે ડ્રગની હેરફેર માટે થઈ હતી.

બે સંતાનોનાં માતા સાન્ચેઝે ગુનો કબૂલ કરી લીધો હતો. તેમને કહેવાયું હતું કે તમારે એક દાયકો જેલમાં રહેવું પડશે. ગુનો કબૂલતાં પહેલાં તેમણે તપાસ અધિકારીઓ સાથે ડીલ કરી હતી અને તેથી તપાસમાં તેમણે સહકાર આપ્યો હતો.

જેલના બ્લ્યૂ જમ્પ સૂટમાં સજ્જ સાન્ચેઝે જણાવ્યું હતું કે કેવી રીતે તેમની વચ્ચે અફેર થયું હતું. કેવી રીતે અલ ચેપો કાર્ટલ ચલાવતા હતા તે જણાવ્યું હતું. જોકે તેઓ નર્વસ હતાં અને ફફડતાં હતાં, કેમ કે થોડે દૂર જ ગઝમેન પણ બેઠા હતા. તે અકળાતા રહેતા અને દીવાલની ઘડિયાળ સામે જોયા કરતા.

એમ્મા બીજી હરોળમાં બેસતાં. તેઓ આંગળા માથામાં નાખીને વાળ સરખા કર્યા કરતાં. તે દિવસે તેઓ પતિની જેમ જ વેલ્વેટનું સ્મોકિંગ જૅકેટ પહેરીને આવ્યાં હતાં.

બંનેએ મેચિંગ જૅકેટ પહેર્યાં હતાં અને તે રીતે તેઓ પતિ-પત્ની તરીકે સાથે છે એમ દર્શાવતાં હતાં એમ વિલિયમ પર્પરા કહે છે. પર્પરા ગઝમેનના વકીલ છે.

દંપતી તરીકે એકસરખાં જૅકેટ પહેરીને એમ્મા સાન્ચેઝને મેસેજ આપવા માગતાં હતાં, કેમ કે એક વખતનાં પ્રેમિકા હવે સામે સાક્ષી આપવાનાં હતાં.

પર્પરા કહે છે કે "તે સાન્ચેઝ ટોણો મારી રહી હતી અને કહેતી હતી કે તે હવે મારો છે."

અદાલતમાં નિવેદન આપ્યા પછી સાન્ચેઝ ફરી જેલમાં જતાં રહ્યાં, જ્યારે એમ્મા ન્યૂ યૉર્ક સિટીમાં ડિનર માટે ગયાં હતાં.

જોકે થોડા જ વખતમાં આ બંને સ્ત્રીઓની દુનિયા ઊલટસૂલટ થઈ ગઈ. સાન્ચેઝને છોડી મૂકવામાં આવ્યાં અને હવે તેઓ મુક્ત છે. બીજી બાજુ એમ્મા હવે જેલમાં છે અને તેમને જામીન પણ મળ્યા નથી.

કોર્ટમાં ટ્રાયલ વખતે પણ પોતાની લાઇફ સ્ટાઇલ સાથે એમ્મા જે રીતે દેખાડો કરતાં હતાં તેનાથી ઘણા ચોંકી જતા હતા. સિક્યૉરિટી એનલિસ્ટ ગ્રામેસન કહે છે: "તેને મૂર્ખી તરીકે જોવામાં આવે છે."

જોકે સાન્ચેઝ તેમને મૂરખ સમજતા નથી.

તેમના વકીલ હિધર શેનરે જાણ કરી કે હવે એમ્મા જેલમાં છે ત્યારે સાન્ચેઝે કોઈ સંતોષની લાગણી વ્યક્ત કરી નહોતી.

સાન્ચેઝના વકીલ કહે છે: "તેના બદલે તેને દુ:ખ થયું. વધુ એક માતા પોતાનાં સંતાનોથી વિખૂટી પડી હતી એમ તેને લાગ્યું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો