સ્મિત પટેલ : એ ગુજરાતી ક્રિકેટર જે IPL નહીં વિદેશી લીગમાં રમશે

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

એક સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટમાં ગુજરાતી ખેલાડીઓનું યોગદાન કે હાજરી આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ હતી પરંતુ ક્રિકેટનો વ્યાપ વધ્યો તે સાથે ગુજરાતીઓ પણ તેમાં કમાલ કરી રહ્યા છે.

જસપ્રિત બુમરાહ, ચેતેશ્વર પુજારા, હાર્દિક અને કૃણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ તો હાલમાં અત્યંત સક્રિય છે.

આ ખેલાડીઓ વિનાની ભારતીય ક્રિકેટ ટીમની કલ્પના થઈ શકતી નથી.

થોડા સમય અગાઉ આ યાદીમાં પાર્થિવ પટેલ હતા તો નજીકના ભવિષ્યમાં અરઝાન નાગવાસવાલાનો તેમાં ઉમેરો થઈ શકે તેમ છે.

આ તમામ વચ્ચે એક નવું નામ સામે આવ્યું છે અને તે છે સ્મિત પટેલ.

અગાઉ કોઈ ખેલાડીને એકાદ- બે સિઝનમાં તો ઠીક એક દાયકા સુધી પણ નૅશનલ ટીમમાં રમવાની તક ન મળે તો નિવૃત્ત થઈ જવાનું વલણ હતું. પરંતુ હવે એવું રહ્યું નથી.

આજનો ક્રિકેટર પોતાના શહેર કે રાજ્યની ટીમમાં તક મળે નહીં તો વિદેશ ચાલ્યો જાય છે અથવા તો આઇપીએલ જેવી ટુર્નામેન્ટમાં રમીને કમસે કમ આજીવિકા તો રળી જ શકે છે.

ગુજરાતના ક્રિકેટને નજીકથી નિહાળનારા માટે આ નામ નવું નથી પરંતુ દેશના ફલક પર તો ચોક્કસ નવું નામ છે.

સ્મિત પટેલને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તક મળશે કે કેમ તે અંગે શંકા હતી અને 2012ની વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય અંડર-19 ટીમના વિકેટકીપર બૅટ્સમૅન માત્ર ડૉમેસ્ટિક ક્રિકેટર બનીને રહી જશે તેમ લાગતું હતું પરંતુ તે હવે વેસ્ટ ઇન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં રમવાના છે તે સમાચાર સાથે સ્મિત અચાનક જ પ્રકાશમાં આવી ગયા છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના નિયમો અનુસાર તેની સાથે સંકળાયેલા ક્રિકેટર (માત્ર ઇન્ટરનૅશનલ નહીં પરંતુ ડૉમેસ્ટિક ક્રિકેટ પણ આવી ગયું) વિશ્વની કોઈ પણ લીગમાં રમી શકતા નથી.

વિદેશી ખેલાડીઓ ભલે ભારતની આઈપીએલમાં રમે પણ ભારતના ખેલાડીઓ બહાર રમવા જઈ શકતા નથી અને જાય તો તેમની ઉપર ડૉમેસ્ટિક ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવે છે.

આમ છતાં સ્મિત પટેલે જોખમ લીધું અને તે કેરેબિયન પ્રીમિયર લીગમાં બાર્બાડોઝ ટ્રાઇડેન્ટ માટે આ સિઝનમાં રમવા જવાના છે.

2012માં ભારતીય જુનિયર ક્રિકેટ ટીમ ઑસ્ટ્રેલિયામાં અંડર-19 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બની ત્યારે ગુજરાતના બે ખેલાડીનું તેમાં યોગદાન હતું જેમાં રૂશ કલેરિયા અને સ્મિત પટેલનો સમાવેશ થતો હતો.

ફાઇનલમાં સ્મિત પટેલે વિનિંગ સ્ટ્રોક લગાવીને ભારતીય અંડર-19 ટીમને ચૅમ્પિયન બનાવી હતી. હવે સ્મિત પટેલ વધુ એક સિદ્ધિ નોંધાવવા જઈ રહ્યા છે.

આ સાથે કેરેબિયન પ્રીમિયર લીગમાં રમનારા તે બીજા ભારતીય બનશે. અગાઉ મુંબઈનો 45 વર્ષીય ક્રિકેટર પ્રવીણ તાંબે તેમાં રમી ચુક્યા હતા.

પ્રવીણ તાંબે કેરેબિયન લીગ ચૅમ્પિયન ત્રિનિદાદ નાઇટ રાઇડર્સ માટે રમ્યો હતા જ્યારે સ્મિત પટેલ બાર્બાડોઝ ટ્રાઇડેન્ટ માટે રમનારા છે.

કેરેબિયન પ્રીમિયર લીગનો પ્રારંભ 28મી ઑગસ્ટથી થનારો છે અને તેની ફાઇનલ મૅચ 19મી સપ્ટેમ્બરે રમાનારી છે.

જોકે આ તારીખોમાં ફેરફારની શક્યતા છે કેમ કે આ જ સમયગાળામાં ભારતીય ક્રિકેટ બોર્ડને આઈપીએલની બાકીની મૅચોનું યુનાઇટેડ આરબ અમીરાતમાં આયોજન કર્યું છે. તે જોતાં તેઓ સીપીએલની તારીખોમાં ફેરફાર કરવા વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સાથે મંત્રણા કરશે.

પિતા અને દાદા પણ રહી ચુક્યા છે ક્રિકેટર

સ્મિત પટેલ હાલમાં અમેરિકામાં સ્થાયી થયા છે. અમેરિકા અને બ્રિટનમાં ગુજરાતીઓની વસતિ ઘણી મોટી છે અને તેમાં સ્મિતના પિતા કમલેશભાઈનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદની સ્થાનિક લીગ 'ગોરધનદાસ કપ' અને 'દિલીપ કપ'માં એક સમયે કમલેશ પટેલ રિલાયન્સ, અમદાવાદની ટીમ તરફથી રમતા હતા.

આવી જ રીતે સ્મિતના દાદા રમેશ પટેલ (જે બાપુ તરીકે ઓળખાતા હતા) પણ અમદાવાદની સ્થાનિક લીગમાં રમેલા છે.

રસપ્રદ બાબત તો એ છે કે સ્મિતની માફક તેમના પિતા કમલેશ પટેલ અને દાદા રમેશ પટેલ પણ વિકેટકીપર-બૅટ્સમૅન હતા.

તેમના પિતા અને દાદા અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા હતા.

આમ દરિયાપુરનું યોગદાન ક્રિકેટમાં નકારી શકાય નહીં કેમ કે હજી ગયા મહિને જ આઈપીએલમાં ધૂમ મચાવનારા ઝડપી બૉલર હર્ષલ પટેલ પણ દરિયાપુરના જ છે અને યોગાનુયોગે હર્ષલના પિતા તથા પરિવાર પણ અમેરિકામાં જ સૅટલ થયો છે.

આથી વધુ યોગાનુયોગ તો એ છે કે સ્મિત અને હર્ષલને ગુજરાતની રણજી ટીમમાં રમવાની ખાસ તક મળી ન હતી અને તેથી જ તેઓ ભારતની અન્ય ટીમમાં રમવા ગયા હતા.

હર્ષલ હરિયાણા માટે એક દાયકાથી રણજી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમે છે તો સ્મિત પટેલ તો ગુજરાત માટે રમ્યા હતા પરંતુ ત્યાર બાદ તેમણે ત્રિપુરા, ગોવા અને છેલ્લે બરોડાની ટીમ માટે રમવાનું પસંદ કર્યું હતું.

સ્મિત હાલમાં અમેરિકા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઑગસ્ટના પ્રારંભમાં વેસ્ટ ઇન્ડિઝ જવા રવાના થશે.

આ સાથે સ્મિતે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તે બીસીસીઆઈના પ્રવર્તમાન નિયમો વિશે પણ જાણકારી ધરાવે છે.

તેમણે કહ્યું હતું કે, "જોકે કેરેબિયન પ્રીમિયર લીગમાં રમવાની તકથી હું ખુશ છું અને આ રીતે ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ પર રમ્યા બાદ હું ભવિષ્યમાં અમેરિકાની ઇન્ટરનૅશનલ ટીમનો સદસ્ય બનવા માગું છું."

ઉલ્લેખનીય છે કે આઈસીસીએ કેટલાંક વર્ષથી તેના તમામ ઍસોસિયેટ્સ સદસ્યોને ઇન્ટરનૅશનલ ટી20નો દરજ્જો આપ્યો છે જેને કારણે અમેરિકાની ટીમ પણ ટી20 ઇન્ટરનૅશનલ રમે છે.

સ્મિત કબૂલે છે કે, "મારા માટે આ નિર્ણય કપરો હતો કેમ કે હું અને મારો પરિવાર ઇચ્છતા હતા કે હું એક વાર ભારતીય સિનિયર ટીમ વતી રમું પરંતુ હવે લાગે છે કે ભારત બહાર નવી તકો હાંસલ કરવાનો સમય પાકી ગયો છે."

માત્ર ક્રિકેટ માટે રહ્યા પરિવારથી દૂર

રસપ્રદ બાબત તો એ છે કે પરિવારના તમામ સદસ્યો અમેરિકામાં સ્થાયી થયા હોવા છતાં સ્મિત માત્ર ક્રિકેટ ખાતર જ અમદાવાદમાં એકલા રહેતા હતા.

સ્મિત કહે છે કે, "હું એકલો જ ભારતમાં રહેવા તૈયાર હતો ત્યારે પરિવારે મને સપોર્ટ કર્યો અને અમેરિકામાં રમવા માટે ભારત છોડવાનો નિર્ણય લીધો ત્યારે પણ તેઓ મારી પડખે ઊભા હતા."

"આ માટે મારે તેમના ઋણી રહેવું પડે કેમ કે સમગ્ર જીવનમાં મારે માત્ર ક્રિકેટ પર જ ફોક્સ કરવાનું હતું કેમ કે આર્થિક બાબતોની કાળજી પરિવારે રાખી હતી."

એમ લાગે છે કે અમેરિકા સેટલ થયા બાદ સ્મિત હવે કેરેબિયન પ્રીમિયર લીગ કે એ પ્રકારની લીગમાં જ પોતાની કારકિર્દી ઘડવા માગે છે.

ભૂતકાળમાં ગુજરાતના કેટલાક ખેલાડીએ આમ કરેલું જ છે.

એક સમયે પાર્થિવ પટેલની ટીમમાં નિયમિત રમનારા ગુજરાતના તિમિલ પટેલ અમેરિકા સેટલ થયા હતા.

તિમિલ 2017ની કેરેબિયન પ્રીમિયર લીગમાં સેંટ લૂસિયાની ટીમ માટે રમ્યા હતા. તિમિલ હાલમાં અમેરિકાની ઇન્ટરનૅશનલ ક્રિકેટ ટીમમાં પણ રમે છે.

આક્રમક બૅટ્સમૅન છે સ્મિત પટેલ

સ્મિત પટેલ આક્રમક બૅટ્સમૅન હોવા ઉપરાંત વિકેટકીપર છે. તેઓ વિવિધ ટીમ માટે 55 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચુક્યા છે.

સ્મિતે તેમની જુનિયર ક્રિકેટર તરીકેની કારકિર્દી ગુજરાતથી શરૂ કરી હતી. મૂળ અમદાવાદના સ્મિત પટેલે 2006માં પોલી ઉમરીગર ટ્રૉફી સાથે તેની જુનિયર કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

2011-12માં તેઓ ગુજરાત માટે લિસ્ટ-એ ક્રિકેટમાં અને ત્યાર પછીની સિઝનમાં રણજી ટ્રૉફીમાં રમ્યા હતા.

એ અરસામાં ગુજરાતની ટીમના મુખ્ય વિકેટકીપર પાર્થિવ પટેલ હતા. ભારતીય ટેસ્ટ વિકેટકીપર પાર્થિવની હાજરીને કારણે સ્વાભાવિકપણે જ સ્મિતને તમામ મૅચમાં સ્થાન મળતું ન હતું.

2016-17માં સ્મિત ત્રિપુરા માટે અને 2019-20માં ગોવા માટે રમ્યા બાદ છેલ્લે 2020-21માં બરોડા માટે સૈયદ મુસ્તાક અલી ટી20 અને વિજય હઝારે વન-ડે ટુર્નામેન્ટમાં રમ્યા હતા.

સ્મિત પટેલે 55 ફર્સ્ટ ક્લાસ મૅચમાં 3278 રન અને 11 સદી ફટકારી છે તો વિકેટ પાછળ 122 શિકાર ઝડપ્યા છે.

લિસ્ટ-એ ક્રિકેટમાં તે 43 મૅચમાં 77.91ના સ્ટ્રાઇક રેટથી 1234 રન અને ટી20માં 111.32ના સ્ટ્રાઇક રેટથી 28 મૅચમાં 708 રન ફટકારી ચુક્યા છે.

સ્મિતે 2019-20ની સિઝનમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 799 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત તે અન્ય ત્રણ સિઝનમાં 500થી વધુ રન ફટકારી ચુક્યો હતો. સ્મિત પટેલે ગુજરાત માટે 917 અને ત્રિપુરા માટે 1474 રન ફટકાર્યા હતા.

ગુજરાતના ચાર ક્રિકેટર અલગઅલગ દેશ માટે રમેલા છે

સ્મિત પટેલ તો કેરેબિયન પ્રીમિયર લીગમાં રમવાના છે પરંતુ તે સિવાય ગુજરાત એવું ગૌરવ ધરાવે છે જે કદાચ દેશના અન્ય પ્રાંત માટે અચરજભરી બાબત હશે.

1970ના દાયકામાં કરસન ઘાવરી જેવા ખેલાડી સૌરાષ્ટ્રની ટીમમાં રમતા હતા અને તેમાં તેમને તક નહીં મળતા મુંબઈ (તત્કાલીન બૉમ્બે) ચાલ્યા ગયા અને ત્યાંથી રણજી ટ્રૉફી રમીને ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરી શક્યા.

હવે ખેલાડી મુંબઈ કે દિલ્હીની ટીમમાં જતા નથી પરંતુ વિદેશ ચાલ્યા જાય છે.

આ બાબતે ગુજરાતનું નામ દુનિયાભરમાં ગૂંજતું કરનારા એવા ચાર ક્રિકેટર છે જેઓ ગુજરાત નહીં અમદાવાદના જ છે અને ચાર અલગઅલગ દેશ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યા છે.

નવાઈ લાગશે પરંતુ આ ચારેય ખેલાડી એક એવો અનોખો રેકૉર્ડ ધરાવે છે જેનો જગતભરમાં ક્યાંય જોટો જડે તેમ નથી.

પાર્થિવ પટેલનું નામ જરાય અજાણ્યું નથી. તેઓ ભારત માટે છેલ્લાં 15 વર્ષથી વધુ વર્ષ રમ્યા છે. તે

મની આગેવાની હેઠળ ગુજરાતની ટીમ પહેલી વાર રણજી ટ્રૉફીમાં ચૅમ્પિયન બની હતી.

અન્ય એક મૂળ ગુજરાતી એવા જીત રાવલ ન્યૂઝીલૅન્ડની ટીમ માટે પસંદ થયા છે અને હવે તો જીત રાવલ ન્યૂઝીલૅન્ડની ટેસ્ટ ટીમના નિયમિત ઑપનર બની ગયા છે.

અમેરિકાની ટીમ આઈસીસી વર્લ્ડ કપ ક્વૉલિફાયર અને ડિવિઝન લીગમાં રમી રહી છે તેમના કૅપ્ટન એટલે તિમિલ પટેલ જે થોડા સમય અગાઉ ગુજરાતની ટીમના લૅગ સ્પિનર હતા.

આવી જ રીતે ડિવિઝન લીગમાં રમતી ઓમાનની ટીમના ખેલાડી દીપ ત્રિવેદી પણ એક છે.

ગુજરાતની વિવિધ જુનિયર ટીમમાં એક સમયે આક્રમક બૅટ્સમૅન તરીકે જાણીતા દીપ ત્રિવેદી ઓમાનની ઇન્ટરનૅશનલ ટીમમાં રમતા હતા.

આમ ચાર ગુજરાતી ખેલાડી અલગઅલગ ચાર દેશની ઇન્ટરનૅશનલ ટીમમાં રમી રહ્યા છે અથવા તો રમી ચુક્યા છે.

હવે આ તમામના એક અનોખા રેકૉર્ડની વાત કરીએ તો શહેરની વિદ્યાનગર હાઈસ્કૂલમાં આ ચારેય ખેલાડીએ અભ્યાસ કર્યો હતો.

વિશ્વમાં કોઈ એવી સ્કૂલ નહીં હોય જેના ચાર ખેલાડી અલગઅલગ દેશની ઇન્ટરનૅશનલ ટીમમાંથી રમ્યા હોય.

પાર્થિવ અને જીત રાવલ વિશે તો ઘણું લખાય છે પરંતુ તિમિલ અમેરિકન ટીમના કૅપ્ટન છે અને અમેરિકા માટે ટી20માં સૌથી વધુ વિકેટ લઈ ચુક્યા છે તો દીપ ત્રિવેદીએ એશિયન અને આઈસીસી ટુર્નામેન્ટમાં ઓમાનની ટીમને સધ્ધર બનાવવામાં તેના બૅટથી ઘણું યોગદાન આપ્યું હતું. સળંગ બે વર્ષ તે ઓમાનના બેસ્ટ બૅટ્સમૅનનો ઍવૉર્ડ જિત્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો