You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PakVac : પાકિસ્તાને ચીનની મદદથી કોરોનાની રસી બનાવી, વૅક્સિનને ગણાવી ‘ઇન્કિલાબ’
પાકિસ્તાનની સરકારે ચીનની મદદથી પોતાના દેશમાં તૈયાર પ્રથમ વૅક્સિનને 'ઇન્કિલાબ' ગણાવી છે. પાકવૅક (PakVac)નામની આ રસી મંગળવારે લૉન્ચ કરાઈ હતી.
પાકિસ્તાનના કેન્દ્રીય યોજનામંત્રી અસદ ઉમરે આને એક મહત્ત્વપૂર્ણ દિવસ ગણાવતાં કહ્યું કે પાકિસ્તાનની આ વૅક્સિન કોઈ ઇન્કિલાબ એટલે કે ક્રાંતિથી કમ નથી.
તેમણે આ માટે પાકિસ્તાનની સ્વાસ્થ્યટીમો સહિત ચીનના સહયોગીઓનો પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે વૅક્સિનના ઉત્પાદનની વ્યવસ્થા કરવામાં મદદ કરી.
જોકે, તેમણે સાથે એ પણ કહ્યું કે પાકિસ્તાન હાલ વૅક્સિન મુકાવવા આવી રહેલા લોકોની પહેલી પસંદ ચીનમાં બનેલી વૅક્સિન સાઇનોફાર્મ જ છે, પશ્ચિમમાં બનેલી વૅક્સિનો નહીં.
અસદ ઉમરે કહ્યું કે, "અમારા લોકો જ્યારે રસીકરણકેન્દ્ર પર જાય છે અને તેમને કહેવાય છે કે કે આ ઍસ્ટ્રાઝેનેકાની રસી છે, તો તેઓ સાઇનોફાર્મની માગણી કરે છે, અને જ્યારે તેમને કહેવાય છે કે તે નથી, તો તેઓ પાછા જતા રહે છે."
તેમનું કહેવું હતું કે, "અમે સર્વે કરાવ્યો જેમાં બધી વૅક્સિનોનાં નામ હતાં, પરંતુ સમગ્ર પાકિસ્તાનમાં લોકોની સૌપ્રથમ પસંદ સાઇનોફાર્મ હતી."
મંત્રી ઉમરે કહ્યું, "પરંતુ હવે અમારે પાકવૅકને પણ લોકપ્રિય બનાવવી પડશે કારણ કે અમે તે મળીને તૈયાર કરી છે, આ એક ઇન્કિલાબ છે."
ચીને કેવી રીતે કરી મદદ?
આ પ્રસંગે સ્વાસ્થ્ય મામલા પર પાકિસ્તાની વડા પ્રધાનના વિશેષ સહાયક ડૉક્ટર ફૈસલ સુલતાને કહ્યું કે પાકિસ્તાન આકરા પડકારોને પોતાના સાથીદારોની મદદથી તકમાં ફેરવવાના પ્રયત્ન કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટર ફૈસલ સુલતાને કહ્યું કે કોવિડ-19નો સામનો કરવામાં 'અમારું મિત્ર ચીન અમારી સૌથી નજીક રહ્યું.'
તેમણે જણાવ્યુંકે પાકિસ્તાનની વૅક્સિન બનાવવા માટે 'ચીને કાચો માલ આપ્યો છે પરંતુ તેમ છતાં આ વૅક્સિનને વિકસિત કરવાનું કામ સરળ નહોતું.'
ડૉક્ટર સુલતાને જણાવ્યું કે આ વૅક્સિનનું મોટા પાયે ઉત્પાદન અમુક દિવસોમાં જ શરૂ થઈ જશે.
પાકિસ્તાનના અખબાર 'ડૉન'ના એક રિપોર્ટ અનુસાર પાકવૅક વૅક્સિનને ચીનની સરકારી ફાર્માસ્યુટિકલ કંપની કૅન્સિનોએ વિકસિત કરી છે.
આ રસી કૉન્સ્ટ્રેટેડ સ્વરૂપે પાકિસ્તાનમાં લવાઈ રહી છે, જ્યાંથી તેને ઇસ્લામાબાદસ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH)માં પૅકેજ કરાશે.
રિપોર્ટ અનુસાર કૅન્સિનોની વૅક્સિન ચીનની પ્રથમ વૅક્સિન હતી, જેની પાકિસ્તાનમાં ક્લિનિકલ ટ્રાયલ કરાઈ હતી અને તે 18,000 લોકોને મૂકવામાં આવી હતી.
ડૉક્ટર ફૈસલ સુલતાને મંગળવારે ટ્વીટ કરીને કહ્યું, "NIHમાં આજે એક ફૅસિલિટી શરૂ કરાઈ છે જ્યાં વૅક્સિનની મેળવણી અને પૅકેજિંગ કરવામાં આવશે. આ આત્મનિર્ભરતા હાંસલ કરવાની યાત્રામાં એક મહત્ત્વનું સોપાન છે."
પાકિસ્તાનમાં સંક્રમણમાં ઘટાડો
પાકિસ્તાનમાં દેશી રસીના સમાચાર એવા સમયે આવ્યા જ્યારે ત્યાં પાછલા ત્રણ માસમાં પ્રથમ વખત પૉઝિટિવિટી રેટ ચાર ટકા કરતાં નીચે જતો રહ્યો છે.
પાકિસ્તાનમાં બુધવારે સતત બીજા દિવસે સંક્રમણના બે હજાર કરતાં ઓછા મામલા સામે આવ્યા.
બુધવારે સરકાર તરફથી જારી કરાયેલા આંકડાઓ અનુસાર ત્યાં 24 કલાક દરમિયાન 1,843 નવા મામલા જોવા મળ્યા. પાછલા એક દિવસમાં 80 લોકોનાં સંક્રમણના કારણે મૃત્યુ થયાં હતાં. આ પહેલાં 24 કલાકમાં 1,771 સંક્રમણના નવા મામલા સામે આવ્યા અને 71 લોકોનાં મૃત્યુ નોંધાયાં હતાં.
પાકિસ્તાનમાં મહામારીથી અત્યાર સુધી દસ લાખ કરતાં ઓછા (9,22,824) લોકો સંક્રમિત થયા છે અને લગભગ 21 હજાર (20,930) લોકોનાં મૃત્યુ થયાં છે.
પાકિસ્તાનમાં કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેરની વધુ અસર નહોતી થઈ.
ત્યાં મહામારીની પ્રથમ લહેર પાછલા વર્ષે મે-જૂન માસમાં આવી હતી પરંતુ અમુક અઠવાડિયાંમાં તેની અસર ઓછી થવા લાગી હતી.
મહામારીની બીજી લહેર પાછલા વર્ષે સપ્ટેમ્બર માસના મધ્યમાં આવી અને આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધી રહી હતી.
આના અમુક મહિના બાદ પાકિસ્તામાં સંક્રમણના મામલાઓમાં ફરીથી વધારો થવા લાગ્યો. પાકિસ્તાનમાં માર્ચના પ્રથમ અઠવાડિયામાં 16,000 ઍક્ટિવ મામલા હતા. પરંતુ એપ્રિલમાં તેની સંખ્યા આઠ ગણા કરતાં વધુ થઈ ગઈ.
મસ્જિદો રખાઈ હતી ખુલ્લી
ભારતમાં કોરોનાની બીજી લહેરનાં ઘાતક પરિણામો જોઈને પાકિસ્તાનની ચિંતા વધી ગઈ હતી. રમજાનનો મહિનો હોવાના કારણે ત્યાં સ્થિતિ વધુ પડકારજનક બની ગઈ હતી.
પાકિસ્તાનમાં દર વર્ષે રમજાનના મહિનામાં મસ્જિદોમાં ઇબાદત કરનારા લોકોની સંખ્યા ઘણી વધુ થઈ જાય છે.
પાછલા વર્ષે મહામારી દરમિયાન લોકોએ ઘરે દુઆ કરવાનો ઇન્કાર કર્યા બાદ પાકિસ્તાન વિશ્વનો એકમાત્ર એવો દેશ હતો, જેણે રમજાનમાં પોતાની મસ્જિદો ખૂલી રાખી હતી.
આ વર્ષે પણ સ્થિતિ કંઈક આવી જ રહી.
રમજાન દરમિયાન મસ્જિદ અને ઇમામ બારગાહ ખુલ્લાં રહ્યાં. જોકે, ઈમરાન ખાને અધિકારીઓને નમાજ પઢતી વખતે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને માસ્ક પહેરે એ સુનિશ્ચિત કરવા કહ્યું હતું.
ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ચેતવણી આપી હતી કે દેશમાં લગભગ પ્રત્યેક 963 લોકો પર એક ડૉક્ટર છે, આવી પરિસ્થિતિમાં જો કોરોના વાઇરસનો પ્રસાર થશે તો ભયંકર આપદા આવી શકે છે.
એપ્રિલના અંતમાં ખાને એવું પણ કહ્યું હતું કે તેઓ એવું કોઈ પગલું નથી ભરવા માગતા, જેની ખરાબ અસર મજૂરો અને શ્રમિક વર્ગ પર પડે.
જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે, "જો પરિસ્થિતિ ભારત જેવી થઈ ગઈ" તો સરકાર કઠોર પગલાં લેવાં માટે બાધ્ય હશે.
માર્ચ બાદ પાકિસ્તાનમાં આવેલા ઉછાળા વિશે પાકિસ્તાનના મંત્રી અસદ ઉમરે કહ્યું હતું કે તેનું કારણ બ્રિટનનો વૅરિયન્ટ હતો જે પહેલાના કોરોના વાઇરસ સ્ટ્રેન કરતાં વધુ ખતરનાક હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો