ગુજરાતના દરિયાકાંઠેથી નીકળેલું જહાજ શ્રીલંકાના દરિયામાં ડૂબવાને આરે, જળસૃષ્ટિ સામે મહાસંકટ

શ્રીલંકાના દરિયાકાંઠે ડૂબી રહેલા અને કેમિકલથી લદાયેલા કાર્ગો શિપે પર્યાવરણીય આપદા સર્જાવાનો ભય પેદા કર્યો છે. આ જહાજ ગુજરાતના હઝિરા બંદરથી નીકળ્યું હતું.

સિંગાપોરમાં નોંધાયેલું ‘એક્સ-પ્રેસ પર્લ’ નામનું આ જહાજ છેલ્લાં બે અઠવાડિયાંથી સળગી રહ્યું હતું અને આ સપ્તાહે આગ ઓલવવામાં આવી છે.

જો આ જહાજ ડુબ્યું તો એની ટાંકીઓમાં રહેલું સેંકડો ટન ઑઇલ દરિયામાં વહી જાય એમ છે અને આસપાસની જળસૃષ્ટિમાં માટે ભારે જોખમ ઊભું કરી શકે એમ છે.

ભારતીય નૅવી અને શ્રીલંકન નૅવી ગત કેટલાક દિવસોથી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી હતી. જહાજ તૂટે નહીં અને દરિયામાં ગરકાવ ન થાય એ માટેનો પ્રયાસ પણ બન્ને નૌકાદળો કરી રહ્યાં હતાં.

જોકે, તોફાની દરિયો અને ચોમાસાનાં પવનોએ અભિયાનમાં અવરોધ ઊભો કર્યો હતો.

શ્રીલંકાની નૅવીના પ્રવક્તા કૅપ્ટન ઇન્દિકા સિલ્વાએ બીબીસીને જણાવ્યું, "જહાજ ડૂબી રહ્યું છે. દરિયાઈ પ્રદૂષણ બને એટલું ઓછું ફેલાય એ માટે જહાજ ડૂબે એ પહેલાં એને મધદરિયે લઈ જવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. પણ જહાજનો પાછળનો ભાગ તણાઈ ગયો છે."

પર્યાવરણવિદ્ ડૉ. અજંથા પરેરાએ બીબીસી સાથેની વાતચીતમાં આ ઘટનાને ‘સૌથી ભયાનક ઍન્વાયરમૅન્ટલ સીનારિયો’ ગણાવી છે.

તેમણે કહ્યું, "તમામ જોખમી વસ્તુ, નાઇટ્રિક ઍસિડ અને અન્ય પ્રદાર્થો અને જહાજ પરનું ઑઇલ, જો જહાજ ડૂબી ગયું એ દરિયાના સમગ્ર તળિયાને બરબાદ કરી દેશે."

ડૉ. પરેરાએ એવું પણ ઉમેર્યું કે ‘પર્યાવરણની સમસ્યા આપણા પાણીમાં રહેશે.’

જહાજ પર ખતરનાક કેમિકલથી ભરેલા સેંકડો કન્ટેનર

શ્રીલંકાના દરિયાકિનારે આવેલા નેગૉમ્બો શહેરના દરિયામાં ઑઇલ અને કાટમાળ દેખાવાં લાગ્યાં છે. અહીં દેશના કેટલાક સૌથી ખૂબસૂરત અને મૂલ્યવાન બીચ આવેલા છે.

ફિશરીઝ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર નીગોમ્બો લગૂન અને આસપાસના વિસ્તારોને બચાવવા માટે યોગ્ય પગલાં ભરાયાં છે. પાનાદુરાથી નીગોમ્બો સુધી માછીમારી પર રોક લગાવી દેવાઈ છે.

દરિયાઈ જહાજની માલિક સિંગાપોર બેઝ્ડ એક્સ-પ્રેસ શિપિંગે એ વાતની પુષ્ટિ કરી છે કે જહાજના ક્રૂ મેમ્બરોને લીકેજની જાણકારી હતી. પરંતુ તેમને આગ ફાટી નીકળે એ પહેલાં કતાર અને ભારત બંને દ્વારા શિપ ત્યાં જ મૂકી દેવાની પરવાનગી નહોતી અપાઈ.

શ્રીલંકામાં પ્રવેશતાં પહેલાં આ જહાજને બે દેશો દ્વારા પરવાનગી આપવાનો ઇનકાર કરાયો હોવાની વાતના કારણે શ્રીલંકાએ આ જહાજને પોતાની જળસીમામાં પ્રવેશવાની પરવાનગી આપવા સામે રોષ ફાટી નીકળ્યો છે.

ગત સપ્તાહે જહાજના ક્રૂ મેમ્બરો સાથે શિપના કૅપ્ટનને પણ બચાવી લેવાયા હતા. હવે તેમની સામે અધિકારીઓએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

શ્રીલંકાની પોલીસે જાણકારી આપી કે તેમણે જહાજના કૅપ્ટન અને ઇજનેરની 14 કલાક કરતાં વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.

કોર્ટે કૅપ્ટન, મુખ્ય ઇજનેર અને એડિશનલ ઇજનેર પર દેશ છોડીને જવા પર પાબંદી મૂકી દીધી છે.

કોલંબો બંદર પર લાંગરેલા જહાજ પર એક કન્ટેનરમાં કેમિકલ લીકેજના કારણે આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળ્યું હતું.

186 મીટર લાંબા જહાજ પર 25 ટન નાઇટ્રિક ઍસિડ, અન્ય કેમિકલો અને હઝિરા ખાતેથી લાવેલા કૉસ્મેટિક્સથી ભરેલાં 1,486 કન્ટેનર હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો