ચીને ત્રણ બાળકો પેદા કરવાની આપી છૂટ, યુવા ચાઇનીઝ યુગલોને કેમ બાળકો નથી જોઈતાં?

    • લેેખક, વઈયી યીપ
    • પદ, સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

ચીને નીતિમાં મોટો ફેરફાર કરી યુગલોને ત્રણ બાળકો પેદા કરવાની છૂટ આપી છે અને બે બાળકોની નીતિને બદલી દીધી છે.

ચીનમાં વસતીવધારાના દર અંગે નિષ્ણાતો સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા તાહ. તાજેતરમાં વસતીગણતરીના આંકડા જાહેર થયા પછી આ ચિંતા વધી ગઈ હતી. વસતીગણતરી પ્રમાણે ચીનમાં ગયા વર્ષે વસતીવૃદ્ધિનો જે દર હતો તે 1960ના દાયકા પછી સૌથી નીચો હતો.

અગાઉ વસતીવૃદ્ધિનો દર ચિંતાજનક રીતે ઘટવાના કારણે જ ચીને વસતી નિયંત્રણ માટે દાયકાઓ અગાઉ ઘડેલી 'વન ચાઈલ્ડ પોલિસી'ને 2016માં ખતમ કરી દીધી હતી. પરંતુ ચીનમાં કેટલાક લોકોનું માનવું છે કે આ સ્થિતિ માટે માત્ર સરકારની નીતિ જવાબદાર નથી.

આ તાજો નિર્ણયને રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા લીલી ઝંડી અપાઈ હતી.

ચીનની સમાચાર એજન્સી શિન્હુઆ મુજબ, આ નીતિ સાથે સમર્થનમાં પગલાં લેવામાં આવશે જેનાથી દેશમાં વસતીના માળખાને સુધારવામાં મદદ મળશે અને દેશમાં વધતી ઉંમરના લોકોની વધતી સંખ્યાને જોતાં ચીનની રણનીતિમાં મદદરૂપ થશે.

સમાચાર સંસ્થા એવું પણ લખે છે કે આ નિર્ણયથી ચીનને માનવ સંસાધનના લાભને યથાવત રાખવામાં ફાયદો થશે.

જોકે માનવાધિકાર સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનેશનલ કહે છે કે આ નીતિ પહેલાની નીતિઓની જેમ જ લોકોના સેક્સુઅલ અને રિપ્રોડક્ટિવ રાઇટ્સનું ઉલ્લંઘન છે.

યુવા ચાઇનીઝ યુગલોને કેમ બાળકો નથી જોઈતા?

બીજિંગમાં રહેતી 31 વર્ષની લિલી ચેંગ બાળકો નથી ઇચ્છતી. તેની માતા તેને બાળકો પેદા કરવા સમજાવે છે છતાં ચેંગ નથી માનતી.

તેમનાં લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે અને હાલમાં બાળકો માટે તેમની કોઈ યોજના નથી. તેમના શબ્દોમાં કહીએ તો તેઓ 'બાળકોના ઉછેરની જવાબદારી અને ચિંતા વગર પોતાનું જીવન જીવવા' માંગે છે.

લિલી કહે છે, "મારી બહુ ઓછી બહેનપણીઓને બાળકો છે. જેમના બાળકો મોટા થઈ ગયા છે તેઓ તેમના માટે શ્રેષ્ઠ નેની, શ્રેષ્ઠ શાળા અથવા કપડાં શોધવામાં વ્યસ્ત છે. મને બધું થકવી નાખનારું લાગે છે."

લિલીએ પોતાની ઓળખ છુપાવવાની શરતે જ બીબીસી સાથે વાત કરી હતી કારણ કે તેઓ નથી ઇચ્છતાં કે બાળકોને જન્મ આપવા અંગે તેમનાં વિચારોની જાણ તેમની માતાને થાય.

લિલી માને છે કે તેમનાં માતાને આ વાતની ખબર પડશે તો તેમને ખરાબ લાગશે.

પરંતુ બે પેઢીઓ વચ્ચે બાળકોના પાલનપોષણ અંગે આ મતભેદ દર્શાવે છે કે બાળકો પેદા કરવા અંગે ચીનમાં શહેરી લોકોનું વલણ બદલાઈ ગયું છે. આ અંગેના આંકડા પણ આ બાબતની સાબિતી આપે છે.

ચીન સરકારે મે મહિનાની શરૂઆતમાં વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. તે મુજબ ગયા વર્ષે ચીનમાં એક કરોડ વીસ લાખ બાળકોનો જન્મ થયો હતો, જ્યારે વર્ષ 2016માં આ આંકડો એક કરોડ 80 લાખની નજીક હતો.

ચીની નિષ્ણાતોનું કહેવું છે કે વસતીવૃદ્ધિનો દર આટલો નીચો રહેશે તો ચીનની વસતી નૅગેટિવ રીતે ઘટવા લાગશે. એટલે કે યુવાનોની સંખ્યા ઘટતી જશે અને એક સમય પછી દેશમાં વૃદ્ધોની વસતી વધી જશે.

જાણકારો મુજબ, આવી સ્થિતિમાં વૃદ્ધોની સેવા કરવા માટે પણ લોકો નહીં મળે અને ભવિષ્યનું નિર્માણ કરવા માટે પણ લોકોની ઘટ પડશે. એવી સ્થિતિમાં દેશ ઉપર આરોગ્ય અને સામાજિક દેખરેખની જવાબદારી વધી જશે.

ચીનમાં નેશનલ સ્ટેટિસ્ટિક બ્યૂરોના વડા નિંગ જિઝે એક સંમેલનમાં પોતાના વિભાગની પ્રસ્તુતિ દરમિયાન કહ્યું કે ચીનમાં વસતીવૃદ્ધિનો દર ઘટવા પાછળ આર્થિક અને સામાજિક વિકાસ પણ મહત્ત્વનું કારણ છે. કોઈ પણ દેશ જેમ વિકસિત થતા જાય તેમ સામાન્ય રીતે જન્મદરમાં ઘટાડો થાય છે. કારણ કે લોકો શિક્ષિત હોય ત્યારે શિક્ષણની સાથે તેની પ્રાથમિકતાઓ બદલાતી જાય છે. એટલે કે તેઓ પોતાની કારકિર્દી અને બીજી ચીજો વિશે વધારે વિચાર કરવા લાગે છે.

ચીનના પડોશી દેશો જાપાન અને દક્ષિણ કોરિયામાં પણ પાછલા કેટલાક વર્ષોમાં વસતીવૃદ્ધિના દરમાં ઘણો ઘટાડો થયો છે. આ દેશોમાં તો સરકાર વધુ બાળકો પેદા થાય તે માટે દંપતીઓને સરકારની યોજનાઓ દ્વારા પ્રોત્સાહન આપી રહી છે.

સ્ત્રી-પુરુષોના સંતુલનમાં ગરબડ

નિષ્ણાતોનું માનવું છે કે ચીનમાં એટલા માટે સ્થિતિ વધારે ખરાબ છે કારણ કે અહીં સ્ત્રી-પુરુષનું સંતુલન ખોરવાયું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચીનમાં પુરુષોની એક મોટી વસતી એવી છે જેમને લગ્ન કરવા માટે મહિલાઓ નથી મળી રહી.

ચીનમાં પુરુષોની સંખ્યા મહિલાઓ કરતા ઘણી વધુ છે. સરકારી આંકડા પ્રમાણે ગયા વર્ષે ચીનમાં મહિલાઓની સરખામણીમાં પુરુષની સંખ્યા ત્રણ કરોડ જેટલી વધુ હતી.

એવું માનવામાં આવે છે કે ચીન દ્વારા વસતીનિયંત્રણ માટે સખતાઈથી લાગુ થયેલી 'વન ચાઇલ્ડ પૉલિસી'નું આ પરિણામ છે જેને 1979માં લાગુ કરવામાં આવી હતી.

ચીનના સમાજમાં અહીં છોકરીઓની સરખામણીમાં છોકરાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. તેથી અહીં વન ચાઇલ્ડ પૉલિસીએ ભારે નુકસાન પહોંચાડ્યું છે.

આ નીતિના કારણે 1980 પછી લોકોએ પુત્ર મેળવવા માટે પુત્રીઓને ગર્ભમાં જ મારી નાખી હતી. આ અંગે ચીનમાં અનેક રિપોર્ટ પ્રકાશિત થઈ ચૂક્યા છે. નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના પ્રોફેસર ડોક્ટર મુ ઝેંગ કહે છે કે આવી સ્થિતિમાં લગ્નનું બજાર બગડ્યું છે. ખાસ કરીને સામાજિક અને આર્થિક રીતે નબળા લોકોની પરેશાની વધી છે.

વર્ષ 2016માં ચીન સરકારે 'વન ચાઇલ્ડ પૉલિસી' સમાપ્ત કરી દીધી અને દંપતીઓને બે બાળકો પેદા કરવાની મંજૂરી આપી હતી.

જોકે, આ વિવાદાસ્પદ નીતિથી ચીનની વસતીવૃદ્ધિના દર પર જે માઠી અસર પડી હતી તેને હજુ સુધારી શકાઈ નથી.

'આવી સ્થિતિમાં કોણ બાળકો પેદા કરશે?'

ચીની નિષ્ણાત જણાવે છે કે સરકારે નીતિ બદલી નાખી, પરંતુ એક પરિવારને જે પ્રકારનો આર્થિક અને સામાજિક ટેકો જોઈએ, તે વિશે સરકારે કંઈ ન કર્યું.

તેઓ કહે છે કે મોંઘવારીના આ યુગમાં બે બાળકોને ઉછેરવા આસાન નથી કારણ કે ચીનમાં જીવનનિર્વાહનો ખર્ચ છેલ્લા દાયકાઓમાં અત્યંત ઝડપથી વધી ગયો છે.

ડૉક્ટર મુ માને છે કે ચીનના લોકો બાળકો પેદા નથી કરતા તેનું કારણ કોઈ નીતિ નથી, પરંતુ અહીં બાળકો પેદા કર્યા પછી તેમને ઉછેરવાનું બહુ મોંઘું પડે છે.

તેઓ કહે છે કે, "ચીનમાં, ખાસ કરીને શહેરી લોકોમાં સફળ જીવનનો માપદંડ બદલાયો છે. અહીં હવે લગ્ન કરવા, બાળકો પેદા કરવા, વગેરે પરંપરાગત બાબતોને સફળ જીવનનો માપદંડ નથી ગણવામાં આવતો. હવે લોકો અંગત વિકાસ પર વધારે ધ્યાન આપી રહ્યા છે."

ચીનમાં એ પણ માનવામાં આવે છે કે બાળકોની સારસંભાળ રાખવી એ મુખ્યત્વે માતાની જવાબદારી ગણાય. ચીનમાં બાળકનો જન્મ થાય ત્યારે પુરુષોને 15 દિવસની રજા મળી શકે છે. પરંતુ બહુ ઓછા પુરુષો આ રજા લે છે.

ડૉક્ટર મુ પ્રમાણે આ કારણથી જ ચીનમાં નવી પેઢીની યુવતીઓ બાળકો પેદા કરવાનું ટાળે છે. તેમને લાગે છે કે બાળકોને જન્મ આપવાથી તેમની કારકિર્દી પર માઠી અસર પડશે.

વસતીગણતરીના આંકડા બહાર આવ્યા પછી ચીનમાં સોશિયલ મીડિયા પર પણ આ અંગે ભારે ચર્ચા થઇ રહી છે. ચીનની નવી પેઢી બાળકો શા માટે નથી ઇચ્છતી, તે સવાલ પર લાખો લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ચીનની માઇક્રોબ્લોગિંગ સાઇટ વીબો પર આ અંગે ઘણું વાંચવા મળી શકે છે.

એક વ્યક્તિએ આ પ્લૅટફોર્મ પર લખ્યું, "એક તો મહિલાઓ માટે સારી રોજગારીની તકો ઓછી છે. બીજું, જે મહિલાઓ સારી નોકરી કરે છે, તેઓ તેને ગુમાવવા નથી માંગતી. આવી સ્થિતિમાં કોઈ પણ છોકરી બાળકો વિશે કેવી રીતે વિચારે?"

ચીનમાં મોટા ભાગની કંપનીઓ અને સરકારી નોકરીઓમાં મહિલાઓ બાળકને જન્મ આપ્યા પછી 98 દિવસની સામાન્ય રજા ઉપરાંત વધુ રજાઓ લઈ શકે છે. જોકે, લોકો એ પણ કહે છે કે આવી નીતિઓના કારણે ઓફિસોમાં મહિલાઓ પ્રત્યે પક્ષપાત કરવામાં આવે છે.

ચીનમાં ચાલુ વર્ષે માર્ચમાં એક કિસ્સો બહાર આવ્યો હતો જેમાં કંપનીએ એક મહિલા સામે શરત મૂકી હતી કે જો તેઓ ગર્ભવતી થશે તો સ્વેચ્છાએ રાજીનામું આપી દેશે.

હવે પરિસ્થિતિ બદલાશે?

અગાઉ સમાચાર એજન્સી રોઈટર્સે પોતાના એક અહેવાલમાં ચીની પ્રશાસનને ટાંકીને લખ્યું હતું કે આગામી પાંચથી છ વર્ષમાં ચીનમાં બાળકો પેદા કરવા અંગે કોઈ પણ પ્રકારના પ્રતિબંધ નહીં રહે.

જોકે, કેટલાક નિષ્ણાતોનું માનવું હતું કે ચીનમાં વસતીનિયંત્રણ અંગેની તમામ નીતિઓને તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દેવી જોઈએ.

ચીનના કેટલાક નિષ્ણાતોએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ચીનમાં સરકારને આવા પ્રતિબંધ દૂર કરવા માટે કોઈ પ્રકારનો સંકોચ કરવાની જરૂર નથી.

જ્યારે કેટલાક નિષ્ણાતો માનવું છે કે આ ટ્રેન્ડને અત્યંત બારીકીથી સમજવાની જરૂર છે કારણ કે બાળકો પેદા ન થવાની સ્થિતિ શહેરોમાં વધારે જોવા મળે છે, જ્યારે ગામડાંમાં આવું નથી.

ચીનના કેટલાક નીતિનિર્ધારકોએ સમાચાર એજન્સી રોઈટર્સ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આપણે શહેરોને જોઈને નીતિમાં ફેરફાર કરીશું તો ગામડામાં જનસંખ્યા વિસ્ફોટની સમસ્યા પેદા થશે. તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારી અને ગરીબી વધવાની સંભાવના રહેશે.

મોટા ભાગના નિષ્ણાતોનો મત છે કે આ સમસ્યાનો એક લાઇનમાં ઉકેલ ન મળી શકે.

પરંતુ તેના માટે કોશિશ કરવી પડશે. આ માટે પરિવારોને સહયોગ આપવાની કેટલીક યોજનાઓ લાવવી પડશે.

બાળકોના શિક્ષણ અને તેમના આરોગ્ય માટે દેશે કેટલીક જવાબદારી ઉઠાવવી પડશે અને પરિવારોનો માનસિક બોજ ઓછો કરવો પડશે. નિષ્ણાતો કહે છે કે, "આ બધું જલ્દી કરવું પડશે, નહીંતર મોડું થઈ જશે."

આ બધા પ્રયાસો પછી કદાચ લિલી જેવી મહિલાઓનો અભિપ્રાય બદલાશે.

તેઓ કહે છે કે, "બાળકો માટે જરૂરી સંસાધન એકત્ર કરવાનો સંઘર્ષ થોડો ઓછો થઈ જાય તો કદાચ હું માનસિક રીતે બાળકો માટે તૈયાર થઈ શકીશ. મને બાળકો અંગે ઓછો તણાવ થશે. મારી કેટલીક ચિંતા ઓછી થશે. તો પછી મને પણ માતા બનવામાં પરેશાની શેની. મારી માતા આ બધું સાંભળશે તો મારાથી બહુ ખુશ થશે."

(લિલી એ બદલાવેલું નામ છે. ચીનની મહિલાઓ પોતાની ઓળખ છૂપી રાખવા માટે અસલ નામ ન છાપવાની વિનંતી કરી હતી.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો