બંદરોના ખાનગીકરણથી ગુજરાતમાં ડ્રગ્ઝની તસ્કરી વધી? સરકારે સંસદમાં આપ્યો જવાબ

સંસદનું શિયાળુસત્ર શરૂ થઈ ગયું છે. સત્રના પ્રથમ દિવસે રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શનથી લઈને આજે બીજા દિવસે વિપક્ષના વૉકઆઉટ સહિત પ્રશ્નોત્તરી દરમિયાન વિવિધ પ્રશ્નોને લઈને સંસદનું સત્ર ચર્ચામાં રહ્યું.

શિયાળુસત્રમાં આજે મુન્દ્રા પૉર્ટને લગતા, કાશ્મીરને લગતા પ્રશ્નો ઉપરાંત એનઆરસી, ઓમિક્રૉન વૅરિયન્ટ તેમજ ક્રિપ્ટોકરન્સી બિલ સહિતના પ્રશ્નોને અંગે ચર્ચા કરાઈ.

રાષ્ટ્રીય કક્ષાએ એનઆરસી લાગુ કરવાની કોઈ તૈયારી નથી : ગૃહમંત્રાલય

રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સીએએ અંતર્ગત આવનારા લોકો તે અંગેના નિયમો જાહેર થયા બાદ નાગરિકત્વ માટે અરજી કરે શકે છે.

સરકારે જણાવ્યું હતું કે, "અત્યાર સુધી અમે એનઆરસીને રાષ્ટ્રીય કક્ષાએ જાહેર કરવા માટે કોઈ તૈયારી કરી નથી."

ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટનો એક પણ કેસ નથી : મનસુખ માંડવિયા

કોવિડ19ના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનનો એક પણ કેસ ભારતમાં નોંધાયો નથી. આ અંગે કેન્દ્ર સરકારના આરોગ્યમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં વાત કરી હતી.

મંગળવારે રાજ્યસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી હતી.

દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ જોવા મળેલા કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટ અંગે વિશ્વ આરોગ્ય સંગઠને પણ ચિંતા વ્યક્ત કરી છે.

આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં અત્યારસુધી આ નવા વૅરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી.

કાશ્મીરમાં આ વર્ષે 40 નાગરિકોનાં મૃત્યુ, 72 ઈજાગ્રસ્ત

'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, વર્ષ 2021માં કાશ્મીરમાં નાગરિકોનાં મૃત્યુ અંગે લોકસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

આ પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 15 નવૅમ્બર સુધીમાં કાશ્મીરમાં 40 નાગરિકોનાં મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 72 નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે.

ટૂંક સમયમાં સરકાર ક્રિપ્ટોકરન્સી અંગે રજૂ કરશે બિલ

નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી એ જોખમી અને રૅગ્યુલેટ કરી શકાય તેવું માળખું નથી. તેના પર પ્રતિબંધ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, "સેબી અને આરબીઆઈ દ્વારા ક્રિપ્ટોકરન્સી અંગે જાગૃતતા પ્રસરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર ટૂંક સમયમાં તેને લગતું બિલ રજૂ કરશે."

"ક્રિપ્ટોકરન્સીને લગતા ફ્રૉડના 4 કિસ્સાઓ અંગે ઈડી દ્વારા હાલમાં કાર્યવાહી કરવામાં આવી છે."

પૉર્ટના ખાનગીકરણથી ડ્રગ્સતસ્કરી વધવાના કોઈ પુરાવા નથી : ગૃહમંત્રાલય

મુન્દ્રા પૉર્ટ પર પકડાયેલા 21 હજાર કરોડ રૂપિયાના હૅરોઇનને લઈને લોકસભામાં એક પ્રશ્ન પૂછાયો હતો.

જેના લેખિત જવાબમાં ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે 'એવા કોઈ આંકડા કે માહિતી ઉપલબ્ધ નથી. જેના પરથી સ્પષ્ટ થઈ શકે કે ઍરપોર્ટ કે સીપૉર્ટના ખાનગીકરણ બાદ ડ્રગ્સતસ્કરીના કિસ્સા વધ્યા છે.'

નોંધનીય છે કે કચ્છના મુંદ્રા પૉર્ટ પરથી ડિપાર્ટમેન્ટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ બે અલગ-અલગ કન્ટેઇનરમાંથી ત્રણ હજાર કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું.

એ બાદ દેવભૂમિ અને દ્વારકા અને મોરબીમાંથી પણ ડ્રગ્ઝનો મોટો જથ્થો ઝડપાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો