You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પરાગ અગ્રવાલ : જૅક ડોર્સીએ આ ભારતીયને ટ્વિટરના CEO કેમ બનાવ્યા?
ટ્વિટરને નવા સીઈઓ મળ્યા છે, પરાગ અગ્રવાલની આ પદ માટે પસંદગી કરવામાં આવી છે. તેમણે આઈઆઈટી બૉમ્બેથી ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું છે.
ટ્વિટરના સહ-સંસ્થાપક અને અત્યાર સુધી સીઈઓ રહેલા જૅક ડોર્સીનું સ્થાન પરાગ અગ્રવાલ લેશે. ડોર્સીએ સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે, તેમણે ટ્વિટર પર પરાગ અગ્રવાલની પસંદગી કરાઈ હોવાની માહિતી આપી હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે પરાગ અગ્રવાલની કઈ વિશેષતાઓને કારણે તેમને સીઈઓ બનાવવામાં આવ્યા છે.
ડોર્સીએ ટ્વિટર પર પોસ્ટ કરેલા પત્રમાં લખ્યું હતું કે, "16 વર્ષ સુધી કંપનીમાં સહ-સ્થાપક, સીઈઓ, કાર્યકારી ચૅરમૅન જેવાં અનેક પદો સંભાળ્યાં બાદ મેં નક્કી કર્યું છે કે, હવે જવાનો સમય આવી ગયો છે. પણ શા માટે?"
પદ છોડવા પાછળનાં કારણો જણાવતાં તેઓ આગળ લખે છે કે, "પ્રથમ એ કે પરાગ અગ્રવાલ હવે સીઈઓ બની રહ્યા છે. અમારી કંપનીના બોર્ડે તમામ વિકલ્પોની ચકાસણી કર્યા બાદ સર્વસંમતિથી તેમની પસંદગી કરી છે. તેઓ કંપનીની જરૂરિયાતોને સારી રીતે સમજે છે."
પરાગ અગ્રવાલ વિશે ડોર્સીએ શું કહ્યું?
ડોર્સીએ લખે છે કે કંપનીના તમામ મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં પરાગનો ફાળો રહ્યો છે. તેઓ ઘણા ઉત્સાહી, શોધખોળ કરનારા, તાર્કિક, રચનાત્મક, મહત્ત્વાકાંક્ષી, જાગરૂક અને વિનમ્ર છે.
તેમણે લખ્યું કે, "તેઓ દિલ અને આત્માથી ટીમનું નેતૃત્વ કરે છે. તે એવી વ્યક્તિ છે કે જેમની પાસેથી હું રોજ કંઈક નવું શીખું છું. એક સીઈઓના રૂપે હું તેમની પર ખૂબ ભરોસો કરુ છું."
ડોર્સી અનુસાર, "રાજીનામું આપવા પાછળનું બીજું કારણ એ છે કે બ્રૅટ ટેલર કંપનીના બોર્ડના ડિરેક્ટર બનવા માટે તૈયાર થયા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ લખે છે કે, "મને તેમના નેતૃત્વ પર ખૂબ ભરોસો છે, તમે નહીં જાણતા હોવ કે તેમને આ કામ સોંપતા મને કેટલી ખુશી થઈ રહી છે."
પરાગ અગ્રવાલે શું કહ્યું?
પરાગ અગ્રવાલે પણ જૅક ડોર્સી અને અન્ય સાથીઓનો આભાર માન્યો.
તેમણે ટ્વિટર પર પોસ્ટ કરેલા પત્રમાં લખ્યું કે, "આભાર જૅક, તમારા તરફથી સતત મળતા માર્ગદર્શન અને મિત્રતાથી હું પોતાને સન્માનિત અનુભવું છું."
"તમે મારા પર ભરોસો કર્યો તે માટે પણ આભારી છું. હું સમગ્ર ટીમનો આભારી છું કે તેમણે ભરોસો કરવાની પ્રેરણા આપી છે."
તેઓ લખે છે કે, "હું આ કંપની સાથે 10 વર્ષ પહેલાં જોડાયો હતો, જ્યારે તેમાં એક હજારથી પણ ઓછા કર્મચારીઓ હતા."
"ભલે આ એક દાયકા પહેલાંની વાત હોય, પણ મારા માટે તો ગઈકાલ જેવી જ વાત છે. આ સમય દરમિયાન મેં ઘણા ઉતાર-ચઢાવ, મુશ્કેલીઓ, જીત તેમજ ભૂલો જોઈ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો