You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુનવ્વર ફારુકીના શો રદ થતાં મનન દેસાઈ, સ્મિત પંડ્યા અને પ્રીતિ દાસ શું કહે છે?
- લેેખક, બાદલ દરજી
- પદ, બીબીસી ગુજરાતી
મૂળ ગુજરાતના સ્ટૅન્ડઅપ કૉમેડિયન મુનવ્વર ફારુકીનો વધુ એક શો બૅંગલુરુમાં રદ કરાયા બાદ સોશિયલ મીડિયામાં તેમના સમર્થનમાં કૉમેડિયનોથી લઈને રાજનેતાઓ આવ્યા છે.
બૅંગલુરુના 'ગુડ શૅફર્ડ ઑડિટોરિયમ'માં મુનવ્વર ફારુકીનો શો 'ડોંગરી ટુ નોવ્હૅર' યોજાવાનો હતો. જોકે, પોલીસ દ્વારા 'શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દનો ભંગ' થવાના ડરથી નોટિસ પાઠવીને શો રદ કરવામાં આવ્યો હતો.
શો રદ થયા બાદ મુનવ્વર ફારુકીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે,'નફરત જીતી છે, કલાકાર હારી ગયો.'
ગુજરાતના કૉમેડિયનોનું શું કહેવું છે
સ્ટૅન્ડઅપ કૉમેડિયન મનન દેસાઈનું કહેવું છે કે, "દેશમાં અત્યારે એવા કેટલાક મુદ્દાઓ બની રહ્યા છે. જેને વધારે હવા આપવાની જરૂર નથી અને મુનવ્વર ફારુકીનો મુદ્દો પણ એમાંનો જ એક હોવાનું લાગી રહ્યું છે."
તેઓ કહે છે કે, "દેશમાં ફ્રીડમ ઑફ ઍક્સપ્રેશનનો સૌથી વધુ ઉપયોગ નેતાઓ કરી રહ્યા છે અને તેનો ઉપયોગ તેમનાથી વધારે કોઈ કરે ત્યારે તેઓ ચિંતિત થઈ જાય છે."
ફ્રીડમ ઑફ ઍક્સપ્રેશનને લઈને સ્ટૅન્ડઅપ કૉમેડિયન પ્રીતિ દાસ કહે છે કે,"આ માત્ર મુનવ્વર ફારુકી પૂરતું નથી. આ તમામ કૉમેડિયન્સ અને કલાકારો માટે સ્પષ્ટ સંદેશ છે કે કંઈક કરતા કે બોલતા પહેલાં વિચારો."
જોકે, અન્ય એક સ્ટૅન્ડઅપ કૉમેડિયન સ્મિત પંડ્યા આ વિશે કંઈક જુદો મત ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે,"ફ્રીડમ ઑફ ઍક્સપ્રેશન કે ફ્રીડમ ઑફ સ્પીચ એક જવાબદારી સાથે આવે છે. તેનો ઉપયોગ ખૂબ જ જવાબદારી સાથે કરવો જોઈએ."
મુનવ્વર ફારુકીને લઈને મનન દેસાઈ કહે છે કે,"તેણે જે કર્યું કે કહ્યું તેના પર ટિપ્પણી કરવાનો કોઈ વિષય જ નથી ઉદ્ભવતો. તેના બોલવાથી જે લોકોની લાગણી દુભાઈ, તેમણે પોલીસ ફરિયાદ કરી. પોલીસે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી. તેણે 40 દિવસ બાદ સુપ્રીમ કૉર્ટમાંથી જામીન મેળવ્યા. જેથી તેને ગુનેગાર કહેવો કે નહીં તે કોર્ટ નક્કી કરશે."
જ્યારે સ્મિત પંડ્યા કહે છે કે,"કૉમેડિયન તરીકે પરફોર્મ કરતા પહેલાં ફૅક્ટ તપાસવા જરૂરી છે. મુનવ્વરના ફૅક્ટ મૅન્યુપ્લેટિવ હોય છે. જેથી લોકોને લાગે છે કે તે આ જ પ્રકારે પરફોર્મ કરશે. સટાયર અને ઇન્સલ્ટ વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા હોય છે, જે ઓળંગી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ."
મનન દેસાઈનું માનવું છે કે, "સત્તાને જો કોઈ હલાવી શકતું હોય તો તે સત્ય છે અને કૉમેડીમાં જ સૌથી વધારે સત્ય બોલવામાં આવે છે. કદાચ તે જ કારણથી કેટલાક લોકોને તે પસંદ નથી આવતું."
આ જ રીતે પ્રીતિ દાસ કહે છે કે,"કળાના કારણે પુનર્જાગૃતિની ચળવળ શરૂ થઈ હતી. હાલમાં આવી કોઈ ચળવળ ન શરૂ થાય તેમજ કલાકારો પણ ચોક્કસ બાબતોને પરફોર્મ કરતાં ટાળે તે માટે આવા પ્રયાસો કરાઈ રહ્યા છે. "
જોકે, છેલ્લા કેટલાક સમયથી યુવાઓ સ્ટૅન્ડઅપ કૉમેડીને એક કૅરિયર તરીકે જોઈ રહ્યા છે. ત્યારે આ પ્રકારના કિસ્સાઓની તેમના પર પડતી અસરો અંગે પ્રીતિ દાસ કહે છે કે,"નવા આર્ટિસ્ટો માટે આ એક ગર્ભિત ધમકી સમાન છે કે જો તમે આવું કંઈ કરશો તો સમાપ્ત થઈ જશો. કલાકારોને મળતી ધમકીઓ પણ તેનો જ એક ભાગ છે."
તેઓ વધુમાં કહે છે કે," 80 ટકા સ્ટૅન્ડઅપ કૉમેડિયન પુરૂષો છે. મહિલા સ્ટૅન્ડઅપ કૉમેડિયનને આપવામાં આવતી ધમકીઓ પણ એટલી હદે ખરાબ હોય છે કે એ જોતાં મોટા ભાગની મહિલાઓ આ ક્ષેત્રમાં આગળ આવવા માગતી નથી."
કૉમેડિયન સ્મિત પંડ્યા આ અંગે જણાવે છે કે,"કેટલાક લોકો ટૂંક સમયમાં લાઇમલાઇટમાં આવવા માટે અવનવા અખતરા અપનાવતા હોય છે. આ પ્રકારના કિસ્સાઓથી તેઓ નિરાશ થઈ જતા હોય છે."
સમર્થનમાં સોશિયલ મીડિયામાં કોણે શું કહ્યું ?
સ્ટૅન્ડઅપ કૉમેડિયન અને સૉન્ગ રાઇટર વરૂણ ગ્રૉવરે ટ્વિટરના માધ્યમથી કહ્યું હતું કે 'કૉમેડી માટે આ શ્રેષ્ઠ સમય પણ છે અને સૌથી ખરાબ સમય પણ.'
'આપણે એવા સમયથી માત્ર એક દિવસ દૂર છે જ્યારે કોઈ કલાકારને તેના વિચારો માટે જાહેરમાં લિંચ કરવામાં આવે અને તેની ઉજવણી પણ કરવામાં આવે.'
જ્યારે ભારતને બૉક્સિંગમાં ઓલિમ્પિક્સ મૅડલ અપાવનારા બૉક્સર વિજેન્દરસિંહે પણ ટ્વીટ કરીને મુનવ્વર ફારુકીને સમર્થન આપ્યું હતું.
મુનવ્વર ફારુકીની જેમ જ અગાઉ વિવાદોમાં આવેલા કૉમેડિયન કુણાલ કામરાએ સમર્થનમાં લખ્યું, 'દરેક વીતતા વર્ષે મને લાગે છે કે કૉમેડિયન માટે હસાવવું એ વધારે મોંઘુ થઈ રહ્યું છે. હાલના સમયમાં મેં જોયુ કે કેટલાક કૉમેડિયનો પોતાનો વીડિયો અપલૉડ કરતા પહેલાં વકીલો કે પછી તેમની લીગલ ટીમને બતાવે છે.'
કૉંગ્રેસના સાંસદ શશી થરૂરે ટ્વીટ કર્યું હતું કે 'આ અત્યંત ખેદજનક બાબત છે. અભિવ્યક્તિની સ્વાતંત્રતાને દબાવવાના ઘણા રસ્તાઓ છે, પરંતુ એક સ્ટૅન્ડઅપ કૉમેડિયનના શોને લઈને તેના વૅન્યુને ધમકી આપવી એ શરમજનક છે.'
અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી લખ્યું હતું કે, 'ધિક્કાર અને કટ્ટરતાનો પ્રોજેક્ટ હંમેશાં સ્પષ્ટ, તર્કસંગત, શિક્ષિત, મોહક, પ્રતિભાશાળી અને 'અન્ય'ને ધિક્કારશે જે કોઈ ઓળખ વિના લોકો સાથે જોડાય છે. ઉમર ખાલિદ, મુનવ્વર ફારૂકી જેવા સ્પષ્ટ મુસ્લિમો હિન્દુત્વ માટે ખતરો છે.'
'નફરત જીતી છે, આર્ટિસ્ટ હારી ગયો'
આ સંદર્ભે મુનવ્વર ફારુકીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ સંદર્ભે એક પોસ્ટ મૂકી છે. તેમણે લખ્યું છે કે, 'નફરત જીતી છે, આર્ટિસ્ટ હારી ગયો'.
આગળ તેઓ લખે છે કે:
"ઇનકી નફરત કા બહાના બન ગયા હૂં
હંસા કર કિતનોં કા સહારા બન ગયા હૂં
ટૂટને પર ઇનકી ખ્વાહિશ હોગી પૂરી
સહી કહતે હૈ, મૈં સિતારા બન ગયા હૂં"
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો