You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑનલાઇન શિક્ષણથી ગુજરાતનાં બાળકોને કેવી-કેવી લત લાગી? 'ઓછાં કપડાંવાળા વીડિયોમાં વધુ લાઇક મળે'
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
''ઑનલાઇન ભણતાં-ભણતાં એકલતા દૂર કરવા માટે સોશિયલ મીડિયા પર મારા વીડિયો બનાવીને મૂકતી, મારી બહેનપણીઓ કરતાં મને વધુ લાઇક મળે એટલે ધીમે-ધીમે મેં ઓછાં કપડાં પહેરીને વીડિયો મૂકવાનું શરૂ કર્યું.''
''લાઇક વધુ મળતાં મારી બહેનપણીઓને ઈર્ષ્યા થતી અને હું વધુ વીડિયો બનાવતી. પણ મારા પરિવારને ખબર પડી તો તેણે ફોન છીનવી લીધો. મેં ખાવા-પીવાનું બંધ કરી દીધું. હવે મને પાંચ મહિનાની સારવાર પછી ખબર પડી કે વધુ લાઇકના ચક્કરમાં મેં મારા જીવન સાથે ચેડાં કર્યાં છે."
આ શબ્દો 15 વર્ષીય હર્ષિદા પટેલ (બદલાવેલું નામ)ના છે.
બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં હર્ષિદાએ કહ્યું :
"ઑનલાઇન સ્ટડી કરતાં મને વીડિયો ગેઇમ રમવાની અને સોશિયલ મીડિયા પર ચમકતા રહેવાની ટેવ પડી ગઈ."
હર્ષિદા જણાવે છે કે તેમના સંબંધીએ આવો એક વીડિયો જોયો અને તેમણે હર્ષિદાના પિતાને જાણ કરી દીધી.
તેમના પિતાએ તેમની પાસેથી ફોન લઈ લીધો અને ત્યાર બાદ હર્ષિદાના જણાવ્યા મુજબ તેણે ખાવાનું બંધ કરી દીધું. એટલે તેમના પરિવારે સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરાવી.
પાંચ મહિનાની સારવાર લીધાં પછી હર્ષિદા કહે છે, "મારા આવા વીડિયો મારા ભવિષ્ય માટે જોખમ ઊભું કરી શકે છે એટલે હવે મેં વીડિયો બનાવવાના બંધ કર્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોના વાઇરસને કારણે લદાયેલા લૉકડાઉનમાં બાળકોને ઘરે જ રહીને ઑનલાઇન શિક્ષણ મેળવવાની ફરજ પડી. જોકે, તેને કારણે બાળકો વધુ સમય ઑનલાઇન વિતાવતાં હોવાની માતાપિતા ફરિયાદ કરે છે.
બાળકોમાં પોર્ન, ઑનલાઇન ગેઇમિંગ, ડિજિટલ ઍડિક્શનની સમસ્યાની વાતો પણ થઈ રહી છે.
'ઑનલાઇન ગેઇમિંગ માટે ઘરમાં જ ચોરીનું નાટક'
આવું જ કંઈક શર્વિલ મહેતા (નામ બદલાવેલું છે) નામના કિશોર સાથે પણ થયું. 12 વર્ષનો શર્વિલ લૉકડાઉન દરમિયાન મિત્રોને મળી નહોતો શકતો. એણે મિત્રો સાથે મળીને ઓનલાઇન ગ્રૂપ બનાવ્યું અને તેઓ વીડિયો કૉલિંગ કરવા લાગ્યા.
મોડી રાત સુધી વીડિયો ગેઇમ રમવી અને વેબસિરીઝ જોવી એ તેમની દિનચર્યામાં સામેલ થઈ ગયાં.
શર્વિલ અને તેમના મિત્રો વીજળીનું બિલ, ફોનબિલ, ટીવીના રિચાર્જ કરતા શીખી ગયા હતા. માતાપિતાએ બૅન્ક એકાઉન્ટના પાસવર્ડ પણ આપી રાખ્યા હતા.
આ બાળકો બિલ ચૂકવવાની સાથેસાથે ઑનલાઇન વીડિયો ગેઇમ રમવાના પૈસા પણ જાતે ભરતાં થઈ ગયાં હતાં. એક વર્ષમાં બાળકોએ ટુકડે-ટુકડે પૈસા ભર્યાં ત્યાં સુધી કોઈને ખબર ના પડી.
બૅન્ક એકાઉન્ટમાંથી વધારે પૈસા વપરાઈ જતાં માતાપિતાએ તપાસ કરી તો ખબર પડી કે બાળકોએ ઑનલાઇન ગેઇમ રમવા માટે પૈસા કાઢ્યા હતા.
શર્વિલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે " અમે મિત્રોએ નક્કી કર્યું કે એવું કંઈક એવું કરીએ કે મમ્મી-પપ્પા ક્યાંક અટવાઈ જાય અને અમને વીડિયો ગેઇમ રમવાનો સમય મળે. અમે નક્કી કર્યું કે ઘરમાં ચોરીનું નાટક કરવું અને અમે અમે ચાર મિત્રોએ મળીને મારા જ ઘરમાં ચોરી કરી."
"અમારી ગણતરી એવી હતી કે મારા પિતા પોલીસ ફરિયાદ નોંધાવે અને પોલીસ સ્ટેશનના આંટાફેરા કરે તો અમને ગેઇમ રમવાનો સમય મળે. અમે વેબસિરીઝ જોઈને પ્લાન બનાવ્યો પણ અમે પકડાઈ ગયા."
શર્વિલના જણાવ્યા અનુસાર એણે ભૂલ સ્વીકારી લીધી એ બાદ એની સારવાર શરૂ થઈ.
ડિએડિક્શનની સારવાર
લૉકડાઉન દરમિયાન ઑનલાઇન ભણતાં-ભણતાં ડિજિટલ એડિક્શનમાં સંપડાઈ ગયેલાં વિદ્યાર્થીઓની સારવાર કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર પાર્થ વૈષ્ણવ જણાવે છે :
"કોરોના પછી શરૂ થયેલા ઑનલાઇન શિક્ષણના કારણે કિશોર વિદ્યાર્થીઓ સોશિયલી ડીટેચ થઈ ગયા છે. એકલતા અનુભવતાં આ બાળકો સ્કૂલમાં ઘણી ઍક્ટિવિટી કરતાં હતાં પણ ઘરે બેઠા કોઈ ઍક્ટિવિટી ન મળતાં તેઓ ઇન્ટરનેટ તરફ વળ્યાં છે."
"જેના કારણે પરિવારના લોકોને મૂર્ખ બનાવી પૈસા ભેગા કરી ગેઇમ રમે છે અને વેબસિરીઝ જુએ છે. વળી, ઑનલાઇન શિક્ષણના કારણે તેમની એકાગ્રતાનું સ્તર પણ ઘટ્યું છે."
આ ઉપરાંત બાળકો હઠીલાં બની ગયા હોવાનું પણ ડૉક્ટરનું માનવું છે.
તેઓ કહે છે કે "કેટલાંક બાળકોને પૉર્નોગ્રાફીનું વળગણ લાગ્યું છે."
"અમારી પાસે એવાં પણ બાળકો આવ્યાં છે જે લોકોએ નાની ઉંમરમાં એકથી વધુ પાર્ટનર સાથે સેક્સ માણ્યું હોય."
તેઓ ડિજિટલ ડીઍક્શન માટેની સારવાર વિશે જણાવતાં કહે છે કે "આવાં બાળકોને અમે ઇન્ડોર ગેઇમ, થોડી દવા અને ડિઝિટલ માધ્યમનો મર્યાદિત ઉપયોગ કરાવી ડીએડિક્ટ કરીયે છીએ."
તેમનું કહેવું છે કે ડિજિટલ ડિએડિક્શનની સારવારનો સમય લાંબો છે. કેટલાંક બાળકોને બે મહિના તો કેટલાંકને છ મહિના જેટલો સમય સારવાર માટે જોઈએ છે.
બાળકોમાં હિંસક પ્રવૃત્તિ પણ જોવા મળી
અમદાવાદમાં સરકારી ડિજિટલ ડિએડિક્શન સેન્ટરમાં હાલ 70 બાળકોની સારવાર ચાલી રહી છે.
ગુજરાત ડિજિટલ ઍકેડેમી ફૉર મેન્ટલ હૅલ્થનાં કોઑર્ડિનેટર વિભા સાવલિયા જણાવે છે :
"અમારા માટે આ ઘણું આઘાતજનક હતું કારણ કે મોટાં ભાગનાં બાળકો હિંસક થઈ ગયાં હતાં. નાનીનાની વાતમાં ઝઘડો કરતાં હતાં. કેટલાંક બાળકો એવાં હતાં કે એમને મોબાઇલ વાપરવાની ના પાડવામાં આવે તો એ ચીજવસ્તુઓ તોડી નાખે. કેટલાંક કિસ્સામાં તો માતાપિતા પર હાથ ઉપાડતાં હતાં."
"સૌથી વધ સમસ્યા અમને પાંચથી આઠ વર્ષનાં બાળકોમાં દેખાઈ હતી."
તેઓ કહે છે કે,"સરકારી હૉસ્પિટલમાં આવતાં બાળકો મધ્યમ અને નીચલા માધ્યમ વર્ગનાં બાળકો છે. મિત્રો તથા સગાંસંબંધીઓ સાથે મળવાનું ન થતાં બાળકો ઇમોશનલી ડિસ્ટૉર્શનનો ભોગ બન્યાં છે."
વિભા સાવલિયા કહે છે કે, "કેટલાંક બાળકોને દવાની જરૂર હોય છે તો કેટલાંકને થેરાપ્યુટિક ટ્રીટમેન્ટની જરૂર હોય છે. કેટલાંકને સાઇકોલૉજિસ્ટની જરૂર હોય છે. "
"કેટલાંક બાળકો સાઇકિયાટ્રિક સોશિયલ વર્કરની જરૂર હોય છે તો કેટલાંકને સાઇકિયાટ્રિક નર્સની જરૂર હોય છે."
સરકારી ડિજિટલ ડિએડિક્શન સેન્ટરમાં દરેક બાળકમાં ડિજિટલ ડિટૉક્સ માટે ખાસ કાર્યક્રમ બનાવાય છે અને તેમનાં માતાપિતાને સમજાવાય છે.
કેવી રીતે થાય છે સારવાર?
અમદાવાદ મૅન્ટલ હૉસ્પિટલનાં ઑક્યુપેશનલ થેરાપિસ્ટ સુનિતા મહેરિયા જણાવે છે, "ઘરમાં રહીને બાળકો સામાજિક રીતે એકલાં પડી ગયાં છે. અમે તેમને થેરાપીટિકમિલ્યુ ટ્રીટમેન્ટ આપીએ છીએ."
"મનગમતા વાતાવરણનો અહેસાસ થતાં બાળકો ખૂલવાં લાગે છે. કોઈ ઉપયોગી કામ તરફ વાળવા માટે તેમને ટાસ્ક આપીએ છીએ. એ ટાસ્ક પૂરો ન થાય ત્યાં સુધી તેઓ ડિજિટલ ડિવાઇસથી દૂર રહે છે. બાળકોનો ડિજિટલ ગેજેટ પર પસાર થતો સમય ઓછો થાય છે અને તેમના બિહેવિયરમાં મોડીફિકેશન (વર્તનમાં ફેરફારો) આવવા માંડે છે."
આવા બાળકોની સારવાર દરમિયાન તેમને ટાસ્ક આપવામાં આવે છે અને એ પૂર્ણ કરતાં બાળકોને ગમતી વસ્તુઓ આપવામાં આવે છે.
સુનિતા મહેરિયા ઉમેરે છે, "સતત ઇન્ટરનેટ ઉપર વેબસિરીઝ વગેરે જોયાં પછી મધ્યમ વર્ગનું બાળક ઓવર ડિમાન્ડિંગ થઈ જાય છે અને તેમની માગ પૂર્ણ કરનારાં માતાપિતા પ્રત્યે તે આક્રામક બની જતું હોય છે."
મહેરિયાનું એવું પણ માનવું છે કે આવાં બાળકોને મનોવૈજ્ઞાનિક મદદ ન કરાય તો તે મોટાં થઈને અસામાજિક પ્રવૃતિ તરફ પણ વળી શકે છે.
ડિજિટલ વર્લ્ડમાં મર્યાદા શીખવવી પડશે
અમદાવાદ મૅન્ટલ હૉસ્પિટલના સાયકોલૉજિસ્ટ ચિન્મય દેસાઈ જણાવે છે, "ટીનએજ બાળકોને વેબસિરીઝ જોઈને એવું લાગે છે કે ફુલપ્રૂફ ક્રાઇમ થઈ શકે છે. વીડિયો ગેઇમ રમતાં બાળકો હિંસક થઈ શકે છે."
"આ કારણે બાળકોનું અભ્યાસમાં ધ્યાન રહેતું નથી. સોશિયલ મીડિયામાંથી અધકચરી માહિતી મેળવીને શૉર્ટકટ કરીને પૈસા કમાવવા વિશે વિચારે છે. પરંતુ તેમને સમજાવવાથી તેઓ રચનાત્મક કાર્યો તરફ વાળી શકાય છે."
સાઇકિયાટ્રિસ્ટ પાર્થ વૈષ્ણવ કહે છે કે, "આપણે બાળકોને સ્કૂલે મોકલીએ ત્યારે ચોક્કસ પ્રકારની બૉર્ડર લાઇન બનાવી રાખીએ છીએ. જેમ કે ક્લાસ બંક ન કરવો, તોફાન ન કરવું, સિગારેટ-તમાકુ જેવાં વ્યસનોથી દૂર રહેવું. આવી જ બૉર્ડર લાઇન આપણે મૅન્ટલ હેલ્થ માટે ડિજિટલ વર્લ્ડમાં પણ લાવવી પડશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો