You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જનરલ બિપિન રાવતનું હેલિકૉપ્ટર દુર્ઘટનામાં નિધન, 14 પૈકી 13 લોકોનાં મૃત્યુ, શૌર્ય ચક્રથી સન્માનિત અધિકારી બચી ગયા
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું તામિલનાડુમાં ભારતીય વાયુસેનાના હેલિકૉપ્ટરની દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.
ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને જણાવ્યું કે ખૂબ દુખ સાથે જનરલ બિપિન રાવત, શ્રીમતિ મધુલિકા રાવત અને 11 અન્ય લોકો જે હેલિકૉપ્ટરમાં સવાર હતાં, તેમનું આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં મૃત્યું થયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હેલિકૉપ્ટર ક્રૅશમાં જીવ ગુમાવનાર જનરલ બિપિન રાવતના નિધન અંગે ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે લખ્યું હતું કે, "હું તામિલનાડુમાં થયેલ હેલિકૉપ્ટર ક્રૅશમાં જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની અને અન્ય સૈન્ય અધિકારીઓનાં મૃત્યુના સમાચારથી અત્યંત વ્યથિત છું. તેમણે ભારતની સેવામાં અત્યંત પરિશ્રમશીલતા દાખવી હતી. શોકગ્રસ્ત પરિવાર સાથે મારી સંવેદના છે."
ભારતીય સેનાનું હેલિકૉપ્ટર બુધવારે તામિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે, હેલિકૉપ્ટરમાં જનરલ બિપિન રાવત સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ હતા.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તામિલનાડુના નીલગિરીના કલેક્ટર મુજબ ''દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના હેલિકૉપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોમું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ બચી છે જે પુરુષ છે.''
સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સીડીએસ બિપિન રાવતના દિલ્હીસ્થિત નિવાસસ્થાને રાવતના પરિવારજનોને મળ્યા હતા. રાજનાથ સિંહ ગુરુવારે આ દુર્ઘટના અંગે સંસદમાં નિવેદન આપશે.
MI-17વી5 શ્રેણીનું આ હેલિકૉપ્ટર સુલુરથી વૅલિંગ્ટન જઈ રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હેલિકૉપ્ટર સુલુરના આર્મી બૅઝથી નીકળ્યું હતું. જનરલ રાવતને લઈને આ હેલિકૉપ્ટર વૅલિંગ્ટન સૈન્ય બૅઝ તરફ જઈ રહ્યું હતું.
જનરલ રાવતે એક જાન્યુઆરી 2020ના દેશના પ્રથમ ચીફ ડિફેન્સ ઑફ સ્ટાફ તરીકે પદભાર સંભાળ્યો હતો.
હેલિકૉપ્ટરમાં કોણકોણ હતું સવાર?
ક્રેશ થનાર હેલિકૉપ્ટરમાં ક્રૂ મૅમ્બર સહિત કુલ 14 લોકો સવાર હતા તેમ ડીડી ન્યૂઝ અને અન્ય સમાચાર સંસ્થાઓ જણાવે છે. આ 14 લોકોમાં નવ લોકો સેનાના હતા, જેમની યાદી આ મુજબ છે.
- ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત.
- બિપિન રાવતનાં પત્ની શ્રીમતી મધુલિકા રાવત.
- બ્રિગ્રેડિયર એલએસ લિદ્દર
- લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દરસિંહ
- નાયક ગુરુસેવકસિંહ
- નાયક જિતેન્દ્રકુમાર
- લાન્સ નાયક વિવેકકુમાર
- લાન્સ નાયક બી.સાઈ. તેજા
- હવાલદાર સતપાલ
- બિપિન રાવત : દેશના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની શું હોય છે જવાબદારી?
કોણ છે ભારતના પ્રથમ કમાંડર-ઇન-ચીફ જનરલ બિપિન રાવત?
- જનરલ બિપિન રાવતે શિમલાની સેન્ટ ઍડવર્ડ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓ કટક ખાતે રાષ્ટ્રીય ડિફેન્સ એકૅડેમીમાં ભણ્યા અને પછી તેઓ ડિસેમ્બર 1978માં દેહરાદૂનમાં ભારતીય સેના તાલીમકેન્દ્રમાં ઇલેવન્થ ગોરખા રાઇફલ્સ ડિવિઝનની પાંચમી રેજીમેન્ટમાં જોડાયા.
- તેમને ટ્રેનિંગ માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. એ સિવાય દેહરાદૂનમાં ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં તેમને 'ચીફ ઑફ સ્ટાફ ઑફ ધ ઇન્ડિયન આર્મી ડિરેક્ટોરેટ'ની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે સૅન્ટ્રલ રિજનમાં લૉજિસ્ટિક્સ ડિવિઝન ઑફિસર તરીકે પણ જવાબદારી નિભાવી.
- બિપિન રાવતે અંડર સેક્રેટરી ઑફ ડિફેન્સ તરીકે આર્મી સેક્રેટરી ડિવિઝન માટે કામ કર્યું.
- બિપિન રાવત વૅલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ ટ્રેનિંગ કૉલેજથી ગ્રૅજ્યુએટ થયા હતા અને નેશનલ ડિફેન્સ કૉલેજથી પણ તેઓ અનેક વિષયોમાં ગ્રૅજ્યુએટ થયા હતા.
- બિપિન રાવતે અમેરિકામાં ફૉર્ટ લીવનવર્થમાં મિલિટ્રી કમાંડર્સ માટેની તાલીમ પણ લીધી હતી.
- જનરલ બિપિન રાવતે રાષ્ટ્રીય સુરક્ષા અને લીડરશિપ પર અનેક લેખો પણ લખ્યા છે.
- તેમને યુનિવર્સિટી ઑફ ચેન્નાઈથી ડિફેન્સ સ્ટડીઝમાં એમ.ફિલ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તેમની પાસે મૅનેજમેન્ટ અને કમ્પ્યુટર સાઇન્સની બૅચલર ડિગ્રી હતી.
- ડિસેમ્બર 2016 માં તેમને કમાંડર-ઇન-ચીફ નિયુક્ત કરાયા હતા.
જનરલ રાવતના નિધન પર પ્રતિક્રિયા
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને જનરલ બિપિન રાવતના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.
રાજનાથ સિંહે કહ્યું કે "તામિલનાડુમાં એક દુખદ દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની અને 11 અન્ય સૈન્ય અધિકારીઓનાં મૃત્યુ પર હું ખૂબ દુખી છું. તેમનું નિધન દેશ માટે અને સેના માટે એક એવું નુકસાન છે જેની ભરપાઈ ન થઈ શકે."
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, "આ એક દુખદ દિવસ છે કારણ કે આપણે આપણા સીડીએસ જનરલ બિપિન રાવતજીને એક દુખદ દુર્ઘટનામાં ગુમાવી દીધા છે. તેઓ સૌથી બહાદુર સૈનિકોમાંથી એક હતા જેમણે દેશની સેવા કરી. તેમના અભૂતપૂર્વ યોગદાનનો શબ્દોમાં ઉલ્લેખ ન કરી શકાય. હું ખૂબ દુખી છું."
સીડીએસ જનરલ બિપિન રાવતના નિધન પર ભારતીય સેનાએ આધિકારિક નિવેદનમાં કહ્યું કે ભારતીય સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરાવણે તથા સમગ્ર સેના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, શ્રીમતિ મધુલિકા રાવત, ડિફેન્સ વાઇવ્ઝ વેલફેયર એસોસિએશન અને 11 અન્ય સેનાધિકારીઓના નિધન પર દુખ વ્યક્ત કરે છે.
આ સિવાય ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ અકસ્માત અંગે ટ્વિટર પર લખ્યું હતું કે, "હું જનરલ બિપિન રાવત અને તેમનાં પત્નીના પરિવારજનોને શોક વ્યક્ત કરું છું. આ એક અભૂતપૂર્વ દુર્ઘટના હતી. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમજ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અન્યોને પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું."
પાકિસ્તાનની સેનાએ પણ જનરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પાકિસ્તાનની સેનાના પ્રવક્તા અનુસાર સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને જનરલ નદીમ રજાએ હેલિકૉપ્ટર ક્રૅશમાં જનરલ રાવત અને તેમનાં પત્નીનાં મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું છે.
હેલિકૉપ્ટરમાં ક્રૅશમાં બચી જનાર એકમાત્ર વ્યક્તિ કોણ છે?
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના ગ્રૂપ કૅપ્ટન વરુણ સિંહ ઈજાગ્રસ્ત થયા છે.
હેલિકૉપ્ટરમાં સવાર 14 લોકોમાંથી દુર્ઘટનામાં બચી જનાર એકમાત્ર વ્યક્તિ તેઓ જ છે.
તેમને આ વર્ષે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને એલસીએ તેજસ ફાઇટર ઍરક્રાફ્ટને વર્ષ 2020માં એક હવાઈ ઇમર્જન્સી બચાવવા માટે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમની સારવાર સૈન્ય હૉસ્પિટલમાં થઈ રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો