બિપિન રાવત : દેશના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની શું હોય છે જવાબદારી?

    • લેેખક, જુગલ આર. પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતને લઈને જતું વાયુસેનાનું એક હેલિકૉપ્ટર તામિલનાડુના કુન્નૂરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ યાને સીડીએસનું કામ લશ્કરની ત્રણેય પાંખ નૌસેના, વાયુસેના અને ભૂમિદળના કામકાજમાં તાલમેલ રાખવાનું અને દેશની સૈન્યશક્તિ મજબૂત કરવાનું છે.

સરકારી આદેશ મુજબ સીડીએસ તરીકે બિપિન રાવતની નિયુક્તિ 31 ડિસેમ્બર 2019થી શરૂ થાય છે.

જનરલ રાવત 3 વર્ષ અગાઉ સેના પ્રમુખ બન્યા હતા. સેનાપ્રમુખ બનતા અગાઉ તેમણે પાકિસ્તાન સરહદે, ચીન સરહદે અને પૂર્વોત્તર ભારતમાં સરદહે જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા.

નિવૃત્તિવય 65 કરવામાં આવ્યા પછી બિપિન રાવત આગામી ત્રણ વર્ષ એટલે કે ડિસેમ્બર 2022 સુધી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ રહેશે.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે એવી અનેક બાબતો છે જે તેઓ કરી શકશે અને એ સાથે એવી મર્યાદાઓ પણ છે જે તેઓ નહીં ઓળંગી શકે.

એ 10 બાબતો જે બિપિન રાવત નહીં કરી શકે

  • તેઓ રક્ષામંત્રીના મુખ્ય સલાહકાર રહેશે. લશ્કરની ત્રણેય પાંખને લગતી બાબતોની કામગીરી તેમના કાર્યક્ષેત્રમાં આવશે. દેશની સુરક્ષાને લગતા અગત્યના સમૂહો જેવા કે ડિફેન્સ ઍક્વિઝિશન કાઉન્સિલ, ડિફેન્સ પ્લાનિંગ કમિટિ વગેરેમાં અગત્યના સમૂહોમાં તેમને સ્થાન મળશે.
  • તેઓ રક્ષામંત્રાલયમાં ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેર્સ (ડીએમએ)ના સચિવ તરીકે મુખ્ય વડા ગણાશે. આ રક્ષા મંત્રાલયનો 5મો અને નવો વિભાગ છે.
  • તેમનો પગાર અને ભથ્થુ આર્મી ચીફના જેટલું જ હશે. જોકે, તેમની નિવૃત્તિવય તેમની હરોળમાં પ્રથમ હોવાને નાતે 65 વર્ષ રહેશે. તેઓ 65 વર્ષે 2023 નિવૃત્ત થશે જ્યારે તેમની રૅન્કની વ્યક્તિ લશ્કરમાં 62 વર્ષે નિવૃત્ત થાય છે.
  • લશ્કરી ખરીદીઓમાં, તાલીમ અને સ્ટાફિંગમાં સર્વગ્રાહી અભિગમ લાવી શકશે. આ ઉપરાંત ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરાવી શકશે.
  • તેઓ જોઇન્ટ કે થિએટર કમાન્ડની સ્થાપના કરીને દેશનું રક્ષાકમાન્ડ માળખું સુસજ્જ કરી શકશે.
  • તેઓ ચીફ સ્ટાફ ઑફ કમિટિના ચૅરમૅન રહેશે. આંદમાન-નિકોબાર, વ્યૂહાત્મક દળોની કમાન્ડ, આગામી અંતરિક્ષ-સાઇબર અને સ્પેશિયલ ફોર્સ જેવાં ત્રણેય લશ્કરી સેવાઓને સાંકળતા કમાન્ડના સ્થાયી અધ્યક્ષ ગણાશે.
  • તેઓ દેશની ન્યૂક્લિયર કમાન્ડ ઑથોરિટીના લશ્કરી સલાહકાર રહેશે. મતલબ યુદ્ધ દરમિયાન પરમાણુ બૉમ્બનો ઉપયોગ કરવો કે નહીં તેની લશ્કરી સલાહ તેઓ વડા પ્રધાનને આપશે.
  • લશ્કરની ત્રણે પાંખો અને વિવિધ કમાન્ડ વચ્ચે ખરીદી-નિર્માણને લઈને જે પ્રસ્તાવો રજૂ થાય છે, તેની પ્રાથમિકતાઓ અને અમલવારી કરશે. પંચવર્ષીય રક્ષાભંડોળ અધિગ્રહણ યોજના (ડીએસએપી- ડિફેન્સ કૅપિટલ ઍક્વિઝિશન પ્લાન) સહિત નવી સંપત્તિ મેળવાનું બજેટમાં અને ત્રણે સેનાઓને ફાળવણી અંગે પ્રાથમિકતાને આધારે નિર્ણય લઈ શકશે.
  • લશ્કરી સુધારણા અને બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકી શકશે.
  • વ્યક્તિગત રાગ-દ્વેશ કે વ્યવસ્થા સંબંધિત મુદ્દાઓથી આગળ વધીને દેશના રાજકીય નેતૃત્ત્વને તટસ્થ સલાહ આપી શકશે.

5 બાબતો જે રાવત નહીં કરી શકે

  • લશ્કરની રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ, લશ્કરી ઉત્પાદનો, પૂર્વ સૈનિકકલ્યાણ, રક્ષામંત્રાયલનું સિવિલિયન બ્યૂરોક્રેસી એમની ઑફિસ હેઠળ આવશે પંરતુ આ તમામમાં અલગઅલગ સચિવો છે એ રીતે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ 5માં સચિવ બનશે.
  • વ્યક્તિગત સેવાઓ અને તેને લગતા મુદ્દાઓ જોવા. એ બાબતો જે તે પાંખ કે વિભાગના સર્વિસ ચીફની હેઠળ ગણાશે જે માટેની રક્ષામંત્રી સાથેનું અલગઅલગ માળખું છે.
  • એમની પાસે લશ્કરની આર્મી, નેવી કે વાયુસેનાની કમાન નહીં હોય.
  • ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ લશ્કરની ત્રણે પાંખના વડાઓને આદેશ નહીં આપી શકે કે કોઈ સૈન્ય આદેશ પણ નહીં આપી શકે. મતલબ તેઓ ત્રણે પાંખના બૉસ તરીકે નહીં વર્તી શકે. સુપ્રીમ કોર્ટમાં જે રીતે ચીફ જસ્ટિસને ફસ્ટ અમોંગ ઑલ, યાને કે સમાન ભૂમિકામાં રહેલા લોકોની હરોળમાં પ્રથમ ગણવામાં આવે છે એવો જ તેમનો હોદ્દો છે.
  • ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ કોઈ સર્વિસની ખાસ ખરીદીપ્રક્રિયા (નવા હાર્ડવેર)ને ન તો રોકી શકે કે ન તેમાં અડચણ ઊભી કરી શકે છે. મતલબ તેઓ લશ્કરી ખરીદીનો પ્લાન ખાસ કરીને ભંડોળ નહીં રોકી શકે. તેઓ પ્રાથમિકતાઓ નક્કી કરી શકશે અને અધિગ્રહણની યોજનાઓને જેવી રીતે રજૂ કરાઈ તેવી રીતે લાગુ કરાવી શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો