NRC-CAA : ગુજરાતના દલિત પરિવારે ભારતીય નાગરિકતા રદ કરવાની માગ કેમ કરી?

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

દેશભરમાં હાલમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી અને એનપીઆરને લઈને ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો છે.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં યોજાયેલી રેલીને સંબોધન કર્યું હતું.

તેમણે કહ્યું, "કચ્છમાં મોટા ભાગના શરણાર્થીઓ દલિત છે. જે દલિત નેતાઓ નાગરિકતા કાયદાનો વિરોધ કરે છે એમને ચહેરો ઉઘાડો પડી ગયો છે."

તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીના રામલીલા મેદાનમાં સંબોધેલી સભામાં દલિત નેતાઓનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું, "આ કાયદાનો વિરોધ કેટલાક દલિત નેતાઓ પણ કરી રહ્યા છે, પરંતુ તેમને ખબર નથી કે જેમને નાગરિકતા આપવાની વાત છે એ મોટા ભાગના દલિતો છે."

મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ વાત વચ્ચે ગુજરાતના એક દલિત પરિવારે ભારત દેશ છોડવા અને ભારતીય નાગરિકતા રદ કરવા માટે સરકાર સમક્ષ માગ કરી છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના આકોલાલી ગામના (હાલ દેલવાડા ગામે હિજરતી તરીકે નિવાસ) એક દલિત પરિવારે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને અન્ય દેશમાં સ્થળાંતર કરવા માટે અથવા તો ઇચ્છામૃત્યુની માગ કરી છે.

રાષ્ટ્રપતિને શું વિનંતી કરી?

30 વર્ષીય પીયૂષ કાળાભાઈ સરવૈયા હાલ ગીર સોમનાથ જિલ્લાના ઉનાના દેલવાડા ગામથી બે કિલોમિટર દૂર રહે છે.

મૂળે તેઓ ગીર ગઢડાના આકોલાલી ગામના છે પણ તેમને ગામ છોડી દેવાની ફરજ પડી છે.

પોતાના પરિવાર પર અત્યાચાર થયો હોવાનું જણાવી પીયૂષભાઈએ રાષ્ટ્રપતિ સમક્ષ બીજા દેશમાં સ્થળાંતર કરવા કે ઇચ્છામૃત્યુની માગણી સ્વીકારવા વિનંતી કરી છે.

પત્રમાં તેમણે જણાવ્યું છે, "વર્ષ 2012માં આકોલાલી ગામમાં અમારા પરિવારના લાલજીભાઈને જીવતા સળગાવી તેમની હત્યા કરીને અમારા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. આથી અમે પરિવારના તમામ સભ્યો અમારી તમામ મિલકત અને ઘરબાર સરકારને હસ્તક કરીને રખડતું-ભટકતું જીવન જીવવા મજબૂર થયા છીએ."

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પીયૂષભાઈએ કહ્યું કે અગાઉ તેઓ જે ગામમાં રહેતા હતા અને હાલમાં પણ જે ગામમાં રહે છે, ત્યાં તેમને કથિત રીતે હેરાન કરવામાં આવે છે.

તેમના જણાવ્યા અનુસાર સરકારે તેમને સત્તાવાર રીતે હિજરતી જાહેર કર્યા છે, પરંતુ હિજરતી તરીકેનું કોઈ પણ પ્રકારનું વળતર તેમને અપાયું નથી.

પોતાની પાસે રહેલા સરકારી કાગળ, ઠરાવો, પરિપત્રનો ઉલ્લેખ કરીને તેઓ કહે છે કે લાગતીવળગતી તમામ સરકારી કચેરીના ધક્કા ખાવા છતાં હજુ સુધી કામગીરી પૂરી થઈ નથી.

દલિત પરિવારને હિજરત કેમ કરવી પડી?

પીયૂષભાઈ જણાવે છે, "વર્ષ 2012 અમારા ગામમાંથી એક ઓબીસી સમાજની છોકરી ભાગી ગઈ હતી અને ગામલોકોએ અમને ગામમાંથી કાઢવાની યોજના બનાવી અને અમારું ઘર સળગાવી દીધું."

માંડીને વાત કરતાં તેઓ કહે છે, "2012માં અમે ઉના તાલુકાના આકોલાલી ગામમાં રહેતા હતા. અમારા ગામમાં અમારું દલિત સમાજનું એક જ ઘર હતું."

"અમારે 15 વીઘા ઉપજાઉ જમીન હતી, વાડી હતી, ઢોરઢાંખર હતાં અને અમે આર્થિક રીતે સધ્ધર હતા. અમારે કોઈને ત્યાં મજૂરી કરવા જવું પડતું નહોતું. લોકો અમારે ત્યાં મજૂરીએ આવતા હતા."

એક દલિતનું આર્થિક રીતે સધ્ધર હોવું ગામલોકોને પસંદ ન હોવાનો તેઓ આરોપ પણ લગાવે છે.

ઘટના એવી હતી કે ગામમાંથી એક ઓબીસી સમુદાયની એક છોકરી ક્યાંક જતી રહી હતી. આ અંગે પીયૂષભાઈ જણાવે છે, "ગામલોકોએ મેલીવિદ્યા કરીને છોકરી અમારા ઘરમાં હોવાનો આરોપ લગાવ્યો."

"તેમણે આજુબાજુમાંથી 500-600 માણસોને બોલાવ્યા. અમે ઘરના સભ્યો બધા સૂતા હતા ત્યારે અમારા ઘર પર પથ્થરમારો કર્યો. ઘરની પાછળથી ઘર ઉપર ચડી ગયા."

"મારો મોટો ભાઈ પાછળના ઘરમાં સૂતો હતો. તેમણે નળિયાં તોડીને પથ્થરો માર્યા અને ઘાસલેટ નાખીને આખો ઓરડો સળગાવી દીધો. મારો ભાઈ મૃત્યુ પામ્યો. અંદાજે દોઢ-બે કલાક સુધી ગામમાં આ રીતે ધમાલ ચાલી હતી અને એ દિવસે જ અમે ગામ છોડી દીધું."

પીયૂષભાઈના ભાઈનો કેસ ઉના સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને તમામ 11 આરોપીને આજીવન કેદની સજા અને 54-54 હજારનો દંડ ફટકારાયો હતો.

પીયૂષભાઈના જણાવ્યા અનુસાર આ તાજેતરમાં જ પેરોલ પર છૂટીને આવેલા કેટલાક આરોપીઓએ તેમના પર કથિત હુમલો પણ કર્યો હતો. જે મામલો ઉના પોલીસ સ્ટેશન હેઠળ દાખલ કરાયો હતો.

તેમના જણાવ્યા અનુસાર તેમણે પોલીસંરક્ષણની માગ કરી છે પરંતુ હજુ સુધી અમને પોલીસરક્ષક આપવામાં આવ્યું નથી.

હિજરતી માટેની મથામણ માટે કચેરીના ધક્કા

ગામ છોડ્યા બાદ સરવૈયા પરિવાર ઉનામાં 139 દિવસ સુધી ઉપવાસ પર બેઠો હતો. જેને પગલે વર્ષ 2015માં ગુજરાત સરકારે પરિવારને હિજરતી જાહેર કર્યો હતો.

પીયૂષભાઈનો પરિવાર અત્યાર સુધીમાં સાત વાર ઉપવાસ-આંદોલન કરી ચૂક્યો છે. તેઓ કહે છે કે તેમનાં આઠ વર્ષ ઉપવાસ-આંદોલનમાં પસાર થયાં છે.

પીયૂષભાઈ જણાવે છે કે ગામ છોડ્યું એટલે તેમણે જમીન, વીજજોડાણ, કૂવો, રહેણાકના પ્લોટ વગેરે સરકારને આપી દીધાં છે.

"એના બદલામાં અમને દેલવાડામાં જમીન અને પ્લોટ ફાળવ્યા છે. પણ જમીન બંજર છે. જમીન ખેતીલાયક કરવાની ટૅન્ડર પ્રક્રિયા પણ હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી."

"અમે જે ગામમાં રહીએ છીએ એ ગામના સરપંચે ગ્રામપંચાયતમાં એવો ઠરાવ કર્યો છે કે અમે ગામમાં કોઈ બાંધકામ ન કરીએ શકીએ, કોઈ પ્લોટ ન મળે."

"ત્રણ વર્ષ પહેલા અમારો દેલવાડા ગામમાં એક કૂવો મંજૂર થયેલો છે પણ સરપંચની સહી વિના એ કામ અધૂરું છે. હાલમાં અમે દેલવાડામાં નાનાનાના શેડ બનાવીને 14 સભ્યો રહીએ છીએ."

ગાંધીનગરમાં એક મહિનો ઉપવાસ કર્યા હતા

પીયૂષભાઈ એમના પિતા (ઉંમર-વર્ષ આશરે 80) સાથે પરિવારના 14 સભ્યો સાથે દેલવાડાથી બે કિમી દૂર નાનાનાના શેડ બનાવીને રહે છે.

તેઓ પાંચ ભાઈ હતા, એક ભાઈ મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારમાં છ બાળકો છે. તેઓને તેમના મામામાસીને ત્યાં ભણવા માટે મોકલી આપ્યાં છે. કેટલાંક હૉસ્ટેલમાં રહીને ભણે છે.

સરવૈયા પરિવારે ગાંધીનગર સેક્ટર-છમાં એક મહિનો અને સાત દિવસના ઉપવાસ કર્યા હતા. તેઓ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પણ મળ્યા હતા.

પીયૂષભાઈ જણાવે છે, "અમને મળેલા આદેશપત્રમાં એવું લખેલું છે કે અમને 18 પ્રકારની સગવડ મળવાપાત્ર છે, પરિપત્ર જોડીને માગણી કરવા છતાં કામ થતું નથી, કોઈ જવાબ પણ આવતો નથી."

પીયૂષભાઈ આ વાત કરતાં તેમની પાસે રહેલા પરિપત્રમાં તેમને કેટલી સહાય અને લાભ મળવાપાત્ર તે પણ કહે છે.

"અમે હિંદુ જ છીએ, અમારી પાસે હિંદુનું પ્રમાણપત્ર છે, પરંતુ અમારી પર હિંદુઓ દ્વારા અત્યાચાર કરવામાં આવે છે, અમને આ દેશના નાગરિક ગણવામાં આવતા નથી. અમે દલિત છીએ એટલે અમારે આ ભોગવવું પડે છે."

સારું ઘર અને આર્થિક સુવિધા ન હોવાથી તેઓને સામાજિક રીતે પણ મુશ્કેલી પડતી હોવાનું કહે છે. 30 વર્ષીય પીયૂષભાઈનું લગ્ન પણ આ જ કારણે ન થઈ રહ્યું હોવાનું તેઓ જણાવે છે.

તેઓ કહે છે, "ભારત સરકાર કહે છે કે તેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં જે હિંદુઓ પર અત્યાચાર થાય એમને અહીં લાવશે. પણ અમારી પર અત્યાચાર થાય છે તો અમારે ક્યાં જવું?

સરકાર શું કહે છે?

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કૅબિનેટમંત્રી ઈશ્વર પરમાર સાથે બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પરમારે જણાવ્યું, "આ મામલે રજૂઆતો અમારા ધ્યાને આવી છે અને અમે શક્ય એટલું સકારાત્મક કામ કર્યું છે. પણ ઇચ્છામૃત્યુ કે એવા કોઈ પગલાંની વાત ન કરવી જોઈએ."

તેમના જણાવ્યા અનુસાર કેટલાક અરજદારો તેમના કાર્યાલયનો સંપર્ક કરવાને બદલે દિલ્હી કે અન્ય જગ્યાએ રજૂઆતો કરતા હોય છે.

ઇશ્વર પરમારે આ મામલે વધારે તપાસ કરવાની ખાતરી આપી છે.

ગુજરાતમાં દલિતોની સ્થિતિ અંગે કર્મશીલો શું કહે છે?

નવસર્જન ટ્રસ્ટ સાથે સંકળાયેલા સામાજિક કાર્યકર અને દલિતો-આદિવાસીઓના હકો માટે લડતાં કાંતિ પરમારનો આરોપ છે કે ગુજરાત સરકારમાં દલિતોની સમસ્યા મુદ્દે સંવેદનશીલતાનો અભાવ છે.

તેઓ કહે છે, "છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતમાં અંદાજે દલિતોની 658 હત્યા થઈ છે. 111 સામાજિક બહિષ્કાર-હિજરતની ઘટના બની છે. 2400 કરતા વધુ ગંભીર હુમલાઓ થયા છે. 1865 બળાત્કારની ઘટના ઘટી છે. ઍટ્રોસિટી ઍક્ટનું અમલીકરણ થતું નથી. નિયમ પ્રમાણે હિજરત કરી ચૂકેલા દલિતોનું પુનર્વસન પણ કરાતું નથી."

"હિજરતી માટે જરૂર પડે તો એક વસાહત ઊભી કરવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકાર તેના માટે 75 ટકા અને રાજ્ય સરકાર 25 ટકા રકમ આપે છે, પણ રાજ્યમાં તેનો અમલ થતો નથી."

"હાલ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી છે, અગાઉ નરેન્દ્ર મોદી હતા અને એ અગાઉ કેશુભાઈ પટેલ હતા. ઍટ્રોસિટી ઍક્ટના નિયમ-16માં જોગવાઈ છે કે વર્ષમાં બે વાર મુખ્ય મંત્રીએ રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાનજાતિને મળેલા બંધારણીય હક અને સુરક્ષા બાબતે મિટિંગ બોલાવાની હોય છે. પરંતુ છેલ્લાં 24 વર્ષમાં માત્ર નવ વાર મિટિંગ મળી છે."

કાંતિભાઈ પરમાર કહે છે કે દિલ્હી રાષ્ટ્રીય માનવાધિકાર પંચમાં તેમણે 500થી વધુ ફરિયાદો કરી છે. 100 જેટલી ફરિયાદો પર માનવાધિકાર પંચે કેટલાંક સૂચનો અને ભલામણો કરી છે, પરંતુ તેનો રાજ્યમાં અમલ કરાતો નથી.

તેઓ કહે છે ગુજરાતનાં ગામડાંઓમાં આજે પણ દલિતોની સ્થિતિ સારી નથી.

કાંતિભાઈ પરમારની વાત સાથે દલિતો અને માનવાધિકાર માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કામ કરતાં સામાજિક કાર્યકર જયંતીભાઈ માકડિયા સહમત થાય છે અને કહે છે કે ગુજરાતમાં હિજરતીઓના પુનર્વસનના કિસ્સામાં જોઈએ તેટલું કામ થતું નથી.

"હિજરતીઓના પુનર્સ્થાપનનું જે આખું પૅકેજ હોય એ મળતું નથી. કેટલાક લાભો મળે છે અને કેટલાક મળતા નથી. ઍટ્રોસિટીના ઘણા કેસ બને છે, આથી સરકાર પણ બધા કેસ પર ધ્યાન આપી શકતી નથી. આથી મોટા કેસ પર ધ્યાન આપે છે અને નાના પર ધ્યાન આપતી નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો