જનરલ બિપિન રાવત સાથે હેલિકૉપ્ટરના અકસ્માતમાં મૃત્યુ પામનારા અન્ય જવાનો કોણ હતા?

8 ડિસેમ્બર, બુધવારના રોજ તામિલનાડુના કોઇમ્બતુર પાસે ભારતીય વાયુસેનાનું હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું.

જેમાં ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની સહિત કુલ 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે એક જવાનની સ્થિતિ ગંભીર છે.

સીડીએસ, તેમનાં પત્ની સહિત ભારતીય સેનાના કુલ 11 જવાનો પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે.

બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડર

હરિયાણાના પંચકુલાના વતની બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડર સીડીએસ રાવતના ડિફેન્સ ઍડ્વાઇઝર હતા.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે તેમના પરિવારમાં સેનામાં જોડાવાની પરંપરા રહી છે, બે પેઢીથી પરિવારજનો સેનામાં હતા. તેઓ ઉગ્રવાદવિરોધી મામલાના જાણકાર હતા.

તેમનું અંતિમ રિસર્ચ પેપર તાજેતરમાં જ સેન્ટર ફૉર લૅન્ડ વૉરફેર સ્ટડીઝ જર્નલમાં છપાયું હતું.

લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દરસિંહ

જનરલ રાવતની જેમ તેઓ પણ ’11 ગોરખા રાઇફલ્સ’ રેજિમૅન્ટમાં હતા અને સીડીએસના સ્ટાફ ઑફિસર તરીકે ફરજ બજાવતા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, મૂળ લખનૌના વતની લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દરસિંહ સિયાચીન ગ્લૅશિયર સહિતનાં વિવિધ મુખ્ય ઑપરેશનોનો ભાગ હતા.

આ સિવાય તેમણે યુનાઇટેડ નેશન્સ પીસકીપિંગ મિશનમાં પણ ફરજ બજાવી છે.

હવલદાર સતપાલ રાય

મૂળ દાર્જિલિંગના તકડાહના વતની સતપાલ રાય ભારતીય સેનામાં હવલદારનો હોદ્દો ધરાવતા હતા.

તેઓ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના પર્સનલ સિક્યૉરિટી ઑફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પુત્ર પણ હાલમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે.

નાયક ગુરસેવકસિંહ

9 પૅરા સ્પેશિયલ ફોર્સના ગુરસેવકસિંહ છેલ્લાં ત્રણ વર્ષથી સીડીએસના મુખ્ય સ્ટાફ ઑફિસર તરીકે કાર્યરત્ હતા.

તેમના ભાઈ ગુરબક્ષસિંહે જણાવ્યું હતું કે, ”અમને સપનામાં પણ ખ્યાલ નહોતો કે આવું કંઈક બનશે. ગઈકાલે રાત્રે જ તેમણે અમારી સાથે વાત કરી હતી અને આજે તેઓ ન હોવાના સમાચાર આવ્યા છે.”

તેમના પરિવારમાં પત્ની જસપ્રીત કૌર, નવ અને સાત વર્ષની બે બાળકીઓ અને ત્રણ વર્ષના એક પુત્ર છે.

નાયક જિતેન્દ્રકુમાર

3 પૅરાસ્પેશિયલ ફોર્સના જવાન જિતેન્દ્રકુમાર જનરલ રાવતના પીએસઓ તરીકે ફરજ બજાવતા હતા.

મધ્ય પ્રદેશના સિહોરી જિલ્લાના વતની જિતેન્દ્રકુમાર છેલ્લાં 8 વર્ષથી સેના સાથે જોડાયેલા હતા.

તેમના પરિવારમાં પત્ની, ચાર વર્ષીય પુત્રી અને એક વર્ષીય પુત્ર છે.

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટરના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

લાન્સ નાયક બી. સાંઈ તેજા

મૂળ આંધ્ર પ્રદેશના વતની 27 વર્ષીય બી. સાંઈ તેજા ખેડૂત પરિવારમાંથી હતા અને તેઓ સેનામાં જોડાયા હતા.

ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે, તેજા વર્ષ 2013માં સેનામાં જોડાયા હતા, તેમના સિવાય તેમના ભાઈ પણ સેનામાં છે.

લાન્સ નાયક બી. સાંઈ તેજાનું નિધન થતાં આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીએ ટ્વિટરના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

વિંગ કમાન્ડર પૃથ્વીસિંહ ચૌહાણ

દુર્ઘટનાગ્રસ્ત થયું એ હેલિકૉપ્ટરના ચાલક વિંગ કમાન્ડર પૃથ્વીસિંહ ચૌહાણ હતા.

તેઓ તામિલનાડુના સુલુર ઍરબેઝ ખાતે 109 હેલિકૉપ્ટર યુનાઇટેડના કમાન્ડિંગ ઑફિસર હતા.

પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાના પૃથ્વીસિંહ મધ્ય પ્રદેશના રેવાસ્થિત સૈનિક સ્કૂલમાં જોડાયા હતા અને વર્ષ 2000માં ઍરફોર્સ સાથે જોડાયા હતા.

જેડબલ્યૂઓ રાણાપ્રતાપદાસ

જુનિયર વૉરન્ટ ઑફિસર રાણા પ્રતાપદાસ મૂળ ઓડિશાના વતની હતા અને છેલ્લાં 12 વર્ષથી ઍરફોર્સ સાથે જોડાયેલા હતા.

તેમના પરિવારમાં ડૉક્ટર પત્ની અને એક વર્ષીય બાળક છે.

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમને ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી હતી.

જેડબલ્યૂઓ પ્રદીપ એ

મૂળ કેરળના વતની પ્રદીપ અરાક્કલ એ હેલિકૉપ્ટરના મુખ્ય ઇજનેર હતા અને ઇન્ડિયન ઍરફોર્સમાં જુનિયર વૉરન્ટ ઑફિસરનો હોદ્દો ધરાવતા હતા.

તેઓ છત્તીસગઢમાં માઓવાદીઓના વિરૂદ્ધ અને 2018માં કેરળ આપદા સમયની કામગીરીમાં સક્રિયપણે જોડાયેલા હતા.

તેઓ છેલ્લાં 19 વર્ષથી ભારતીય વાયુસેના સાથે જોડાયેલા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો