અલી અકબર : કેરળના ફિલ્મનિર્માતાએ ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ કેમ અપનાવ્યો?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી હિન્દી ડૉટકૉમ માટે

કેરળના ફિલ્મનિર્માતા અલી અકબરે ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવવાનો નિર્ણય લીધો છે. તેમનું નવું નામ રામ સિંમ્હન હશે.

અલી અકબરનું કહેવું છે કે હેલિકૉપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવતના મૃત્યુ પર કેટલાક લોકોની પ્રતિક્રિયાથી દુઃખી થઈને તેણે હિંદુ ધર્મ અપનાવ્યો છે.

જનરલ રાવતના નિધનના સમાચાર પર કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર હાસ્યનાં ઇમોજી બનાવ્યાં હતાં, અલી અકબર આ વર્તણૂકથી દુઃખી હતા.

અલી અકબરે બીબીસી હિન્દીને કહ્યું, "આપણા આર્મી ચીફના મૃત્યુ પછી ઘણા લોકોએ હસતાં ઇમોજી મૂક્યાં. આ બહુ નીચ હરકત હતી. તમે સોશિયલ મીડિયા પર આવાં ઇમોજી મૂકેલાં લોકોનાં નામ જુઓ. તેઓ બધા મુસ્લિમ છે. આપણે આપણા ધર્મને જ સૌથી આગળ મૂકીને કેવી રીતે જીવી શકીએ. મારી દૃષ્ટિએ ધર્મ ત્રીજા ક્રમે આવે છે. પ્રથમ ક્રમે મારો દેશ છે. બીજા ક્રમે પણ મારો દેશ છે અને પછી ત્રીજા ક્રમે ધર્મ આવે છે."

અલી અકબરનું માનવું છે કે જનરલ રાવતના મૃત્યુ પર આવી પ્રતિક્રિયા એટલા માટે આવી કે તેમણે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન અને ઉગ્રવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

હતાશ જણાતા અલી અકબર (59)એ કહ્યું, "કોઈ મુસ્લિમ નેતાએ આવા લોકો સામે મોં ખોલ્યું નથી અને આવી પોસ્ટ નહી કરવા કહ્યું નથી. કેરળમાં ઇસ્લામિક આંદોલન હવે ઇસ્લામિક નથી રહ્યું. તેઓ હવે કેરળને ઇસ્લામિક રાજ્ય બનાવવા માગે છે. કેટલાક નેતાઓ તો જાહેરમાં આ વાત કહી ચૂક્યા છે.''

અકબર એવા પ્રથમ ફિલ્મનિર્માતાઓ પૈકીના એક છે જેમણે સૌપ્રથમ ફિલ્મ '1921-ફ્રૉમ રિવર ટુ રિવર' બનાવવાની જાહેરાત કરી હતી.

તેમની ફિલ્મ દ્વારા તેઓ બતાવવા માગે છે કે તે સમયે મલબાર પ્રદેશમાં બ્રિટિશશાસન સામે જે બળવો થયો હતો તે વાસ્તવમાં કોમી રમખાણો હતાં, જેમાં મુસ્લિમોએ હિંદુઓનો નરસંહાર કર્યો હતો.

અનેક ઘટનાઓનો સંદર્ભ

"તેઓ (મુસ્લિમ નેતા) છેલ્લા એક વર્ષથી મારી પાછળ પડ્યા છે. તેઓ નથી ઇચ્છતા કે સમાજ આ સત્ય જાણે. મેં આ ફિલ્મ હવે પૂરી કરી છે અને હું તેને આવતા મહિને રિલીઝ કરવાનો છું."

અલી અકબરે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે તેઓ હવે તેમના જન્મ પહેલાં પહેરાવી દેવામાં આવેલાં કપડાં ઉતારી રહ્યા છે.

અલી અકબરે કહ્યું, "આજથી હું ભારતીય છું. મારો આ એ લોકોને જવાબ છે, જેમણે ભારત વિરુદ્ધ હાસ્યના હજારો ઇમોજી પોસ્ટ કર્યા છે."

જોકે, આ વીડિયો પર બહુ પ્રતિક્રિયાને પગલે તેમણે તેને હઠાવી દીધો છે.

અલી અકબરે આવી અનેક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે જેના કારણે તેઓ દુઃખી થયા હતા અને તેમણે ઇસ્લામ છોડવાનો નિર્ણય લીધો હતો.

તેમણે કહ્યું, "પાલામાં એક ગામ છે જેમાં મોટા ભાગે ખ્રિસ્તીઓ રહે છે. ત્યાં એક મોટું ચર્ચ પણ છે. અહીંના કટ્ટરપંથી મુસ્લિમો ગામનું નામ ઇરિટીપેટામાંથી બદલીને અરુવીધૂરા કરવા માગે છે. તેઓ નામ બદલવા માગે છે, કારણ કે તે ખ્રિસ્તી વિસ્તાર છે."

ફિલ્મનિર્માતા આરોપ લગાવે છે કે કેરળમાં ઇસ્લામીકરણનું અભિયાન 1970ના દાયકામાં શરૂ થયું હતું અને તેમાં ગલ્ફ દેશોમાંથી આવતાં નાણાંનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.

અલી અકબર કહે છે, "પરંતુ સરકાર આ માટે જવાબદાર લોકો સામે કોઈ પગલાં ભરતી નથી. એક દાયકા પહેલાં જ્યારે હું કુવૈતમાં રહેતો હતો, ત્યારે મેં તેની ફરિયાદ કરી હતી. ત્યારે પણ મેં આ લોકોના 'લવજેહાદ' અને 'હલાલજેહાદ' વિશે ચેતવ્યા હતા.''

અલી અકબર કહે છે, "મેં ચેતવણી આપી હતી કે એક સમય એવો આવશે જ્યારે અન્ય ધર્મના લોકો મુસ્લિમો સાથે બેસવાનું અને વાતચીત કરવાનું બંધ કરી દેશે. હવે એવું વાતાવરણ સર્જાયું છે કે મુસ્લિમોને શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે."

તેઓ કહે છે, "જો આપણા ધર્મમાં કંઈ ખોટું કરી રહ્યું હોય તો તેના માટે શીર્ષસ્થ નેતાઓને જવાબદાર ઠેરવવા જોઈએ. તેઓએ એવા લોકો સામે ઝુંબેશ ચલાવવી જોઈએ. અહીં નેતૃત્વની તો કોઈ જવાબદારી જ નથી."

અલી અકબર અને તેમનાં ખ્રિસ્તી પત્ની લૂસીઅમ્મા આવતા અઠવાડિયે આર્ય સમાજમાં નવા ધર્મ માટે નોંધણી કરાવવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ આગામી વીસ દિવસમાં હિંદુ ધર્મ અપનાવવા માગે છે.

અલી અકબરનું કહેવું છે કે તેમનાં બે બાળકો 30 વર્ષ અને 25 વર્ષનાં છે અને તેઓ મુસ્લિમ છે. અકબર કહે છે કે તેમનાં બાળકો પુખ્ત છે અને તેમને પોતાનો ધર્મ પસંદ કરવાની સ્વતંત્રતા છે.

હિન્દુ ધર્મ જ શા માટે, ખ્રિસ્તી ધર્મ કેમ નહીં?

અલી અકબર કહે છે, "કારણ કે હિંદુ ધર્મ એ ધર્મ નહીં પણ એક સંસ્કૃતિ છે. અહીં નરકમાં જવાનો કોઈ ડર નથી. તમે મનુષ્યની જેમ જીવી શકો છો, કારણ કે ઈશ્વર તમારી અંદર છે. તમારી અંદર ઈશ્વરને જોવો એ તેમને જોવાનો સર્વશ્રેષ્ઠ દૃષ્ટિકોણ છે."

તેમણે પોતાનું નામ બદલીને રામ સિમ્હન રાખવાનું નક્કી કર્યું છે, કારણ કે તેમનો દાવો છે કે રામ સિમ્હન કેરળમાં ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવનાર પ્રથમ વ્યક્તિ હતા.

અલી અકબર કહે છે, "કેરળમાં હિંદુ ધર્મ અપનાવનાર રામ સિમ્હન પ્રથમ મુસ્લિમ હતા. ભારત આઝાદ થયાના થોડા દિવસો પહેલાં ઑગસ્ટ 1947માં તેમની હત્યા કરવામાં આવી હતી."

અલી અકબર ભૂતકાળમાં ઇસ્લામવાદીઓ વિરુદ્ધ તેમની ટિપ્પણીને કારણે વિવાદમાં રહ્યા છે. 2018માં તેમના પર હુમલો થયો હતો.

પછી તેણે ટિપ્પણી કરી કે સંગીતકાર એ.આર. રહેમાનનું ઇસ્લામ સ્વીકારવાનું ઉદાહરણ ટાંકીને મુસ્લિમો હિંદુઓને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરી રહ્યા છે.

આના ત્રણ વર્ષ પહેલાં તેણે આરોપ લગાવ્યો હતો કે તેમના માસ્તરે મદરેસામાં તેમનું શોષણ કર્યું હતું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારા ટીકાકારો કહે છે કે તમે આરએસએસની વિચારધારાને અનુસરી રહ્યા છો, તો તેમણે કહ્યુ, "હું કેમ એ વિચારધારા પર ન ચાલી શકું. આરએસએસ એ ભારતની સાંસ્કૃતિક પાંખ છે. આરએસએસમાં એક મુસ્લિમ મંચ પણ છે. આરએસએસ એક રાષ્ટ્રવાદી સંગઠન છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો