ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષા રદ, વિદ્યુતસહાયક અને જુનિયર એન્જિનિયરની પરીક્ષાને રદ કરાઈ

ગુજરાતમાં બિનસચિવાલયની પરીક્ષામાં કથિત ગેરરીતિનો મામલો હજી પૂરો નથી થયો ત્યાં ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.

સરકારી વીજ કંપનીઓ માટે લેવામાં આવનારી વિદ્યુતસહાયક અને જુનિયર એન્જિનિયરની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.

આ મામલે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં તેમને મૅસેજ કરીને જાણ કરવામાં આવી છે કે આ પરીક્ષા હવે લેવામાં નહીં આવે અને તેના માટે ફરીથી નવી જાહેરાત બહાર પાડવામાં આવશે.

આશરે 150 જુનિયર એન્જિનિયરો અને 700 જેટલી ક્લાર્કની જગ્યા માટે આ પરીક્ષા લેવામાં આવનાર હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ પરીક્ષા માટે વર્ષ 2018માં ફોર્મ મંગાવાવમાં આવ્યાં હતાં. જે બાદ કોઈ પ્રક્રિયા થઈ ન હતી.

શા માટે પરીક્ષા રદ કરવામાં આવી?

આ પરીક્ષા સરકારી વીજ કંપનીઓ પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલમાં ખાલી પડેલાં પદો માટે લેવાનાર હતી.

જોકે, હવે તેના માટે ફરીથી જાહેરાત બહાર પાડીને નવેસરથી પ્રક્રિયા કરવામાં આવશે.

આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ડીજીવીસીએલના એચ. આર. હેડ ડૉ. નિલેશ મુનશીએ કહ્યું કે આ જાહેરાત બહાર પાડી ત્યારે તેમાં ઈડબલ્યુસી (ઇકૉનૉમિકલી વિકર સેક્શન) માટેની જોગવાઈ ન હતી.

તેમણે કહ્યું, "આ સેક્શનમાં આવતા ઉમેદવારોને સમાવવામાં આવે તથા હવે આ પરીક્ષા માટે પદોની સંખ્યા પણ વધારીને 1500 કરી દેવામાં આવી છે. આ કારણોને લીધે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે."

આ ઉપરાંત તેમણે કહ્યું કે આ મહિનાના અંત સુધીમાં નવી જાહેરાત બહાર પાડી દેવામાં આવશે અને આવતા મહિનાના અંત સુધી કે ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

આ વખતે એન્જિનિયરો અને કલાર્ક માટે 55 ટકા ફરજિયાત કરવાની પણ વિચારણા છે.

આ પહેલાં પણ પરીક્ષા થઈ હતી રદ

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકારી પદો માટે લેવાતી પરીક્ષાઓ વિવાદોમાં રહી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી બિનસચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટંટ વર્ગ-3ની પરીક્ષા આ વર્ષે 20 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી જેને અચાનક રદ કરી દેવાઈ હતી.

આ જ ભરતીની પરીક્ષા અગાઉ પણ રદ થઈ હતી અને તે માટે સરકારે EWS ક્વૉટાનું જ કારણ આપ્યું હતું.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ અગાઉ 2221 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાની ઓનલાઇન જાહેરાત 12/10/2018ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

આ માટેના ફૉર્મ પણ ભરાઈ ગયા હતા અને ત્યાર બાદ તે ભરતી પ્રક્રિયાને રદ કરવામાં આવી હતી.

એ વખતે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને યાને કે (EWS) ક્વોટાના લોકોને સ્થાન મળી શકે તેને કારણ ગણાવાયું હતું.

આ પછી લોકસભાની ચૂંટણીને લીધે આ ભરતી અટકી પડી.

પછીથી 1 જૂન, 2019ના રોજ આ ભરતીને ફરી શરૂ કરવાની જાહેરાત કરાઈ અને જગ્યાઓ પણ 2221થી વધારીને 3053 કરવામાં આવી.

સરકાર દ્વારા 25 સપ્ટેમ્બર, 2019ના રોજ એક જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 20 ઓક્ટોબર, 2019ના રોજ યોજાનારી પરીક્ષાની તારીખમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

1 ઑક્ટોબરથી વિદ્યાર્થીઓને કોલલેટર ડાઉનલોડ કરવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું.

જોકે, માત્ર 10 જ દિવસમાં 10 લાખથી વધારે યુવાનો જે પરીક્ષા આપવાના હતા તે રદ કરી દેવામાં આવી હતી.

આ પરીક્ષાની તૈયારી અનેક યુવાનો લાંબા સમયથી કરી રહ્યા હતા તેમને આ જાહેરાતથી આંચકો લાગ્યો હતો.

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિને વિરોધ

પછી એ જ બિનસચિવાલયની પરીક્ષામાં કથિત ગેરરીતિના કેટલાક મામલા સામે આવ્યા હતા અને પરીક્ષાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.

આ પરીક્ષા રદ થાય તે માટે હજારો વિદ્યાર્થીઓએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આંદોલન ચલાવ્યું હતું.

વિદ્યાર્થીઓએ માગ કરી હતી કે આ ગેરરીતિને કારણે પરીક્ષા રદ કરી દેવામાં આવે. વિદ્યાર્થીઓ બે ત્રણ દિવસ સુધી રાત-દિવસ સુધી ગાંધીનગરમાં જ રહ્યા હતા.

જે બાદ ગુજરાત સરકાર આ ગેરરીતિઓની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની ફરજ પડી અને હાલ તેની તપાસ ચાલી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો