આંધ્ર પ્રદેશ દિશા બિલ : બળાત્કારના દોષિતોને 21 દિવસમાં સજા, શું છે આ બિલમાં નવું

આંધ્ર પ્રદેશ વિધાનસભામાં શુક્રવારે એક એવું બિલ પાસ થયું છે, જેમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાહિત કેસનો નિકાલ 21 દિવસમાં આવી શકશે.

પાસ થયેલા 'આંધ્ર પ્રદેશ દિશા બિલ'માં દોષીઓને ફાંસીની સજા આપવાની પણ જોગવાઈ છે.

બિલમાં દિશા નામ હૈદરાબાદ રેપપીડિતાને અપાયેલા કાલ્પનિક નામને કારણે જોડવામાં આવ્યું છે.

આ નવા કાયદા પ્રમાણે...

  • રેપના કેસમાં પૂરતા પુરાવા હોય તો કોર્ટ 21 દિવસમાં દોષીને મોતની સજા સંભળાવી શકે છે.
  • પોલીસે સાત દિવસમાં તપાસ પૂરી કરવાની રહેશે.
  • સ્પેશિયલ કોર્ટે 14 દિવસમાં ટ્રાયલ પૂરી કરવી પડશે.
  • બધી પ્રક્રિયાઓને 21 દિવસમાં પૂરી કરવાની રહેશે.

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડી અનુસાર, "ભલે હાલમાં ઘટેલી રેપની ઘટના પડોશી રાજ્ય તેલંગણામાં ઘટી હોય, પરંતુ તેમની સરકાર આ મામલે ગંભીર છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાયદો લાવવામાં આવી રહ્યો છે."

આ કાયદામાં આઈપીસીની કલમ 354(e) અને 354 (f)ને પણ સામેલ કરાઈ છે. 354 (f)માં બાળયૌનશોષણના દોષીઓને 10થી 14 દિવસમાં સજાની જોગવાઈ છે.

જો મામલો બહુ ગંભીર અને અમાનવીય હોય તો આજીવનકેદની સજા પણ આપવામાં આવે છે.

વર્તમાન સમયમાં આવા ગુનાઓ માટે પોક્સો ઍક્ટ હેઠળ 3-5 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

સોશિયલ મીડિયા સેફ્ટી માટે શું કાયદો છે?

સેક્શન 354(e) હેઠળ...

  • જો કોઈ શખ્સ ઈ-મેઇલ, સોશિયલ મીડિયા અને કોઈ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર કોઈ એવી પોસ્ટ કે તસવીર મૂકે, જેને કારણે કોઈ મહિલાના સન્માનને આઘાત પહોંચે તો આ અપરાધની શ્રેણીમાં આવશે.
  • જો કોઈ શખ્સ આવું પહેલી વાર કરતો હોય તો બે વર્ષની સજા અને બીજી વાર કરે તો ચાર વર્ષની સજાની જોગવાઈ છે.

ફિલ્મસ્ટાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિરંજીવીએ સરકારના આ પ્રયાસનાં વખાણ કર્યાં છે.

તેમણે કહ્યું, "મને આશા છે કે આ કાયદો યૌનહિંસાની પીડિત મહિલાઓ અને બાળકોને યોગ્ય વિશ્વાસ અને સુરક્ષા આપવામાં સફળ થશે. દિશા કેસે આપણને વિચલિત કરી નાખ્યા હતા."

"આ ઘટના બાદ આખા દેશમાં ભાવનાઓનું પૂર ઊમટ્યું, લોકોની માગ હતી કે ત્વરિત ન્યાય થાય. આથી આ દિશામાં લેવાયેલો આંધ્ર પ્રદેશની સરકારનો નિર્ણય સરાહનીય છે."

તેમણે કહ્યું, "હું સરકારને એ વાતનાં અભિનંદન આપું છું કે તેઓએ ટ્રાયલનો સમય ચાર મહિના ઘટાડીને 21 દિવસનો કરી નાખ્યો છે. આ સિવાય સ્પેશિયલ કોર્ટ અને અન્ય જરૂરી આધારભૂત ઢાંચાનું નિર્માણ કરાશે એ પણ સરાહનીય પગલું છે."

"આ કાયદો ગુનેગારોમાં ડર પેદા કરશે. હું આશા રાખું છું કે મહિલાઓ આઝાદી સાથે નિર્ભય રહેશે."

આ કાયદામાં શું ખામીઓ છે?

આ કાયદાને ચિરંજીવી સહિત અનેક લોકો વખાણી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો તેનાં અન્ય પાસાંને પણ સમજાવે છે.

આંધ્ર પ્રદેશના બાર કાઉન્સિલના સભ્ય મુપલ્લા સુબ્બારાવેએ બીબીસીને કહ્યું, "સમસ્યાના મૂળને સમજ્યા વિના માત્ર ભાવનાઓને આધારે કાયદો બનાવી દેવો કોઈ સમજદારીની વાત નથી."

"ત્વરિત ન્યાયને લઈને ઘણા આયોગો અને સંસદીય સમિતિઓ તરફથી ભલામણો મળી છે."

"નેશનલ લૉ કમિશન અનુસાર પ્રતિ દસ લાખની વસતિમાં ઓછામાં ઓછા 50 જજ હોવા જોઈએ. પણ વર્તમાન સમયમાં માત્ર 13 છે. ઘણાં પદ ખાલી છે."

"આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં 24 જજ હોવા જોઈએ. પણ છે માત્ર 13. આથી એવું કેવી રીતે શક્ય બનશે કે 21 દિવસમાં નિર્ણય સંભાળાવી દેવામાં આવે?"

તેઓ કહે છે, "રેપના કેસમાં ફૉરેન્સિક લૅબના રિપોર્ટ આવવામાં ઘણો સમય લાગે છે. તેને કારણે ચાર્જશીટ ફાઇલ કરવામાં જ એક અઠવાડિયાનો સમય જોઈતો હોય છે."

"એવામાં આ કેવી રીતે શક્ય બનશે? આથી એ યોગ્ય રહેશે કે ફરી એક વાર આ બિલ પર વિચાર કરવામાં આવે."

'ઘણા મુદ્દાઓનો સમાવેશ નથી'

અખિલ ભારતીય લોકતાંત્રિક મહિલા સંગઠનનાં રાષ્ટ્રીય સચિવ ડી. રમા દેવી કહે છે કે એ ખાસ જરૂરી છે કે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દંડ કરવામાં આવે, પરંતુ તેના માટે જે તત્ત્વો જોઈએ તે આ આમાં જોવાં મળતાં નથી.

તેઓ કહે છે, "જો કોઈ 100 નંબર ડાયલ કરે તેને સાંભળીને પ્રતિક્રિયા આપવા માટે પણ પૂરતો સ્ટાફ નથી. આવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી જોઈએ. ન્યાયપાલિકામાં ખાલી જગ્યાઓના મુદ્દાઓનો પણ ઉલ્લેખ થવો જોઈએ."

"જરૂર પ્રમાણે બજેટની ફાળવણી થવી જોઈએ. મહિલાઓનાં અપહરણ મામલે આંધ્ર પ્રદેશ સૂચિમાં ચોથા સ્થાને છે. આમાંથી કોઈ પણ મુદ્દાનો તેમાં ઉલ્લેખ નથી."

રમા દેવી કહે છે, "તેમાં એવું કંઈ જ નથી જે ઑનર કિલિંગના મુદ્દાને ખતમ કરવાની વાત કરે. સરકાર આ મુદ્દાઓને નજરઅંદાજ કેમ કરે છે?"

"મહિલાઓ સામે થતા ગુનાઓથી કેવી રીતે બચવું જોઈએ, તેનાં પગલાંનો આ નવા કાયદામાં કોઈ ઉલ્લેખ નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો