હૈદરાબાદ રેપ કેસ : દરેક બળાત્કાર ફક્ત આંકડો બનીને કેમ રહી જાય છે?

    • લેેખક, રેનુ દેસાઈ
    • પદ, મૉડલ અને અભિનેત્રી

હૈદરાબાદમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર

રાંચીમાં 25 વર્ષની વિદ્યાર્થિની પર 12 લોકોનો સામૂહિક બળાત્કાર અને હત્યા

તામિલનાડુમાં એક બાળકી પર સામૂહિક બળાત્કાર અને હત્યા

ચંદીગઢમાં રિક્ષા ડ્રાઇવરનો મહિલા પર બળાત્કાર

ભારતમાં આ રોજબરોજના સમાચારો થઈ પડ્યા છે.

બળાત્કાર જેવા જઘન્ય અપરાધના સમાચારો આવે ત્યારે ઇન્ટરનેટ પર લોકોને પોતાનો આક્રોશ ઠાલવવા માટે વધારે એક હેશટેગ મળી જાય છે.

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ખબર આવી ત્યારે પણ આવું જ થયું.

આ સમાચાર ફેલાયા તે પછી ટ્વિટર પર આ અંગેના ઘણા હેશટેગ વાઇરલ થવા લાગ્યા હતા.

હજારો યૂઝર્સે આવા હેશટેગ સાથે ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું હતું.

'દરેક બળાત્કાર બસ એક આંકડો બનીને રહી જાય છે'

ભારતમાં બળાત્કારની દરેક ઘટના દર વર્ષે કેટલા ગુના થાય છે તેના આંકડા સાથે માત્ર પાનાંઓમાં નોંધાતી જાય છે.

નિર્દોષ પીડિતા પર થયેલો અત્યાચાર માત્ર આંકડા અને હેશટેગમાં સીમિત થઈને રહી જાય છે.

આવી સ્થિતિમાં આપણે ધીમેધીમે એવા સમાજમાં પરિવર્તિત થઈ રહ્યા છીએ, જે વિકાસની દિશામાં આગળ વધવાને બદલે પછાત બનવા તરફ જઈ રહ્યો હોય.

આપણે દીકરીઓએ ગૂડ ટચ વિશે સમજાવ્યું, તેમ છતાંય તેમને સુરક્ષિત કરવામાં નિષ્ફળ ગયા છીએ.

'મહિલા ભોગની વસ્તુ નથી'

મને લાગે છે કે આપણે આપણા સમાજના પુરુષોને મહિલાઓની શારીરિક રચના વિશે સમજાવવાની જરૂર છે.

આપણે પુરુષોને એ સમજાવવાની જરૂર છે કે મહિલા માત્ર એક મા, બહેન કે પત્ની નથી. તે એક પોતે એક જીવતીજાગતી વ્યક્તિ છે, અને તેને એવી રીતે જ જોવાની જરૂર છે.

પુરુષોને એ સમજાવવાની જરૂર છે કે મહિલા એ ભોગની વસ્તુ નથી.

મારું મન એ માનવા માટે તૈયાર નથી કે જે દેશમાં લક્ષ્મી, દુર્ગા અને પૌરાણિક નારી સ્વરૂપોની દેવી તરીકે પૂજા કરવામાં આવતી હોય, એમને પુરુષ દેવતાઓની બરાબરીમાં સ્થાન આપવામાં આવે છે કે પછી મંદિરમાં વિશેષ સ્થાન આપવામાં આવે છે અને પુરુષો પણ પૂરા શ્રદ્ધાભાવ સાથે આ દેવીઓની પૂજા કરતા હોય છે તે છતાં આવું કેમ છે?

આવી દેવીઓનાં માનવીય સ્વરૂપોને ચાર દીવાલોની અંદર, પોતાના જ બિસ્તર પર આ જ પુરુષ સમાજમાં આટલા જુલમ અને અત્યાચાર કેમ સહન કરવા પડે છે?

શું બળાત્કારના ડરથી મહિલાઓ ઘરમાં પુરાઈ રહે?

હૈદરાબાદમાં બળાત્કારનો ભોગ બનેલી મહિલા શિક્ષિત હતી, ડૉક્ટર હતી અને રોજની જેમ પોતાના કામસર બહાર નીકળી હતી.

તે વખતે જ તેના પર બર્બરતાપૂર્વક સામૂહિક બળાત્કાર કરાયો અને અને હત્યા કરી દેવાઈ.

લગભગ એ જ સમયગાળામાં અન્ય એક શહેરમાં એક કિશોરી જન્મદિને મંદિરે દર્શન માટે ગઈ હતી. તે વખતે તેના સહાધ્યાયીએ તેના પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખી.

આપણે સ્ત્રીઓને તેમનાં વસ્ત્રોને કારણે કે પછી તે ઘરેથી મોડે સુધી બહાર નીકળે છે તે બાબતમાં દોષ દઈ શકીએ નહીં.

આવા સમાચારો સાંભળીને મારું લોહી ઊકળી ઊઠે છે.

એક નાગરિક તરીકે હું બહુ તો સોશિયલ મીડિયામાં જઈને મારો રોષ ઠાલવી શકું છું.

એક નાગરિક તરીકે હું બીજું શું કરી શકું?

એક મા તરીકે હું બહુ તો મારી દીકરીને ડર સાથે ઉછેરી શકું છું.

મારે મારી દીકરીને નૃત્ય કે સંગીત શીખવવાને બદલે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની રીતો શીખવવી પડશે.

એક પ્રેમાળ દીકરીને જન્મ આપ્યા પછી ખુશ થવાના બદલે મારે તેની ચિંતામાં રાતભર ઉજાગરા કરવા પડે છે.

ભારતમાં ગાયની હત્યા કરનારને મારી મારીને ખતમ કરી દેવામાં આવે છે.

પરંતુ એક મહિલા પર બર્બર બળાત્કાર અને હત્યાની ખબર આવે ત્યારે લાંબીલાંબી ચર્ચાઓ શરૂ થઈ જાય છે.

નિર્ભયા કેસ પછી આજ સુધી એક પણ બળાત્કારીને યોગ્ય રીતે સજા મળી નથી.

પુરુષોના મનમાં એવી કોઈ સજાનો ડર નથી કે તે આવા અપરાધ કરતાં અટકે.

આપણી સરકાર બેટી બચાવો અને બેટી પઢાવો માટે ઝુંબેશ ચલાવે છે, પરંતુ સરકાર નોકરી-વ્યવસાય કરતી નારીઓ માટે સુરક્ષિત માહોલ ઊભો કરવામાં અસમર્થ હોય તેમ લાગે છે.

આવા સંજોગોમાં સારું શિક્ષણ મેળવ્યા પછી મહિલાઓ શું કરે?

શું તે ઘરમાં જ બેઠી રહે કે પછી બહાર નીકળીને બળાત્કાર અને હત્યા થવાનાં જોખમનો સામનો કરે?

હું નથી માનતી કે આ વિકલ્પ જરા પણ યોગ્ય હોય.

મને પણ જ્યારે ડર લાગે છે

હું પોતે પણ ઘણી વાર મોટી રાત સુધી શૂંટિગ બાદ પ્રોડક્શન તરફથી મળતી કારમાં ડ્રાઇવર સાથે એકલા ઘરે જતાં ડરું છું.

આખો દિવસ કામ કર્યા પછી ઘરે પાછા ફરતી વખતે મનમાં ડરની લાગણી ન હોવી જોઈએ.

તેના કારણે જ કોઈક કાયમી અને લાંબા ગાળાના ઉપાયો કરવા જરૂરી છે.

એ દિશામાં પ્રથમ પગલું એકદમ કડક સજા જ હોવી જોઈએ.

તેમણે જે બર્બરતાથી ગુનો કર્યો હોય તેવી જ કડક સજા તેમને મળવી જોઈએ.

સરકારે આ માટે રાષ્ટ્રીયસ્તરે પગલાં લેવાની જરૂર છે.

આપણા દેશની રાજધાનીમાં જ સૌથી વધુ ગુના મહિલાઓ સામે થતા હોય, ત્યારે બીજાં રાજ્યોમાં શું સ્થિતિ હોય તે સમજી શકીએ છીએ.

ભારતમાં સરેરાશ પુરુષના જીવનમાં સેક્સની ઊણપ જોવા મળે છે અને તેમને સ્ત્રીઓ વિશે ભાગ્યે જ કશું સમજાવવામાં આવે છે.

આપણે આવી બાબતમાં ચર્ચા પણ કરવા તૈયાર નથી હોતાં.

પુરુષોએ જવાબદારી લેવી પડશે

ભારતીય સમાજમાં છોકરાઓને સેક્સ વિશે સમજાવવું કે તેની સમજ કેળવવી તે વાતને નિષેધ ગણવામાં આવે છે.

ભારતમાં મહિલાઓનું સ્થાન સમાજમાં સૌથી નીચે માનવામાં આવે છે, પણ સંસ્કૃતિના નામે તેનાં બહુ ગુણગાન કરવામાં આવે છે.

આપણે પિતૃસત્તાક સમાજ ઊભો કર્યો છે અને ભોગ બનનારાને જ દોષ દેવામાં આવે છે, તે બહુ ખરાબ રીત છે.

હું માનું છું કે પુરુષો પોતે જ સ્ત્રીઓ પર થતા અત્યાચાર સામે અવાજ નહીં ઉઠાવે, ત્યાં સુધી આવી ઘટનાઓ હેશટેગ અને વધુ એક લેખમાં સીમિત થઈને જ રહી જશે.

હવે એ સમય આવી ગયો છે કે પિતા, ભાઈ અને પુરુષ સગાંઓ આ કડવા સત્યને સ્વીકારે અને વિચારે કે આગળનો ભોગ બનનારી સ્ત્રી કદાચ તેમના પરિવારની પણ હોઈ શકે છે.

આપણા પુરુષ સમાજે જે નેતાઓને મત આપીને તેઓ ગાદીએ બેસાડે છે, તેમની સામે અવાજ ઉઠાવવો પડશે.

(આ લેખમાં વ્યક્ત વિચારો લેખિકાના અંગત છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો