You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનંત હેગડે : કેન્દ્ર સરકારના રૂ. 40 હજાર કરોડ પરત લેવા ફડણવીસને CM બનાવાયા
"વિકાસના ફંડનો દુરુપયોગના થાય માટે ફડણવીસ 80 કલાક માટે સીએમ બન્યા" ભાજપ નેતા
ભાજપના સંસદસભ્યે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારને રૂ. 40 હજાર કરોડ પરત કરવા ફડણવીસ 80 કલાક માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા હતા.
ભાજપના નેતા અનં હેગડેએ 80 કલાક માટે મુખ્ય મંત્રી બનેલાં ફડણવીસ અંગે કહ્યું:
"મુખ્ય મંત્રી સેન્ટ્રલમાંથી મળેલાં 40,000 કરોડ રૂપિયા વાપરી શકે તેમ હતા."
"તેમને ખ્યાલ હતો કે જો કૉંગ્રેસ-એનસીપી-શિવસેના સરકાર બનાવશે, તો વિકાસ માટેના ફંડનો દુરુપયોગ કરશે."
"જેથી આ નાટક કરવાનું નક્કી કરવામાં આવ્યું. ફડણવીસે મુખ્ય મંત્રી બનતાની સાથે જ 40000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને પરત મોકલી દીધા."
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને વિધાનસભામાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપતાં કહ્યું:
"આ તમામ પ્રકારના આરોપ ખોટા છે. મેં મુખ્ય મંત્રી બનીને આવો કોઈ પણ પ્રકારનો મહત્ત્વનો નિર્ણય લીધો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે જો 'ફડણવીસે આવું કશું કર્યું હોય તો તેમણે મહરાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. આ અંગે તપાસ કરાશે.'
ગુજરાતમાં બાળકોની ચિંતાજનક સ્થિતિ
ગુજરાત અન્ડરવેઇટ (નિર્ધારિત માનક કરતાં ઓછું વજન) બાળકોની બાબતમાં દેશમાં પાંચમા ક્રમે છે.
ઊંચાઈની સરખામણીએ 26.4 ટકા બાળકોનું વજન ઓછું છે, જેમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, રાજ્યમાં 15 થી 49 વર્ષની દર ચોથી મહિલા અન્ડરવેઇટ છે.
અમદાવાદ જિલ્લાનાં 31 ટકા બાળકો અન્ડરવેઇટ છે. .
મહિલા અને બાળ વિકાસમંત્રાલયનાં સેક્રેટરી મનીષા ચંદ્રાએ કહ્યું હતું કે નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે અને 2016-18ના નિતિ આયોગે જાહેર કરેલા કૉમ્પ્રિહેન્સિવ નેશનલ ન્યુટ્રિશન સર્વેમાં ગુજરાતમાં મહિલા અને બાળકોનાં સ્વાસ્થયના માપદંડોમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો.
CBSE દ્વારા DPSની માન્યતા રદ
ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન (CBSE) દ્વારા અમદાવાદમાં હિરાપુર ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ની માન્યતા રદ કરી દેવાઈ છે.
DPS દ્વારા નિત્યાનંદના આશ્રમ માટે જમીન લીઝ પર આપવાની પ્રક્રિયામાં સરકારી ધારાધોરણો ન અનુસરવાના કારણસર શાળા સામે CBSE દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
બાળકી સાથે દુષ્કર્મના આરોપીની ધરપકડ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે રાજકોટ ગુનાશોધક શાખા દ્વારા આઠ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની રવિવારે ધરપકડ કરાઈ હતી.
પોલીસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આરોપી ફૂટપાથ પર જીવન વીતાવે છે અને નશાની લત ધરાવે છે.
નોંધનીય છે કે શુક્રવારે બાળકી પર દુષ્કર્મ થયા બાદ રાજકોટ ગુનાશોધક શાખા, રાજકોટ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ, થોરાળા પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવાઈ હતી.
રાજકોટ ગુનાશોધક શાખાના એક વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા અપાયેલી માહિતી અનુસાર આરોપીએ ગુનો આચરતી વખતે જે કપડાં પહેરેલાં હતાં, તે બદલ્યાં નહોતાં.
કપડાં પરથી પીડિતાનાં લોહી અને આરોપીના વીર્યના નમૂના મેળવી લેવાયા છે.
અહેવાલ પ્રમાણે, રાજકોટ બાર ઍસોસિયેશન દ્વારા દુષ્કર્મના આરોપીનો કેસ નહીં લડે એવી જાહેરાત કરાઈ હતી.
ગાંધીજી દ્વારા સ્થપાયેલ શાળામાંથી ઝડપાયો
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, રાજકોટ પોલીસે મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલી શાળામાંથી 5.18 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
અહેવાલ પ્રમાણે પોલીસને મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલ સ્કૂલમાં વિદેશી દારૂનો જથ્થો મુકાયો હોવાની માહિતી મળી હતી.
જે અનુસાર રાજકોટ પોલીસે દરોડો પાડીને 473 દારૂની મોટી બૉટલ, 260 નાની બૉટલ અને 16 બીયર કૅરેટ કબજે કર્યાં હતાં.
રાજકોટ પોલીસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત શાળામાં દારૂનો વેપાર ચલાવનાર બુટલેગર દરોડા પહેલાં જ નાસી છૂટ્યો હતો.
નોંધનીય છે કે શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુસર ગાંધીજી દ્વારા આ શાળાની સ્થાપના કરાઈ હતી.
ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે.
ગેહલોતે કહ્યું હતું કે 'ગાંધીના ગુજરાતમાં છૂટથી દારુ મળે છે.'
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટના રહેવાસી અને વર્તમાન ધારાસભ્ય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો