You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીર : કેદખાનામાં કેવી હાલતમાં રહે છે લોકો?
- લેેખક, રિયાઝ મસરૂર
- પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર
શ્રીનગરમાં ચાર અને પાંચ ઑગસ્ટની મધરાત્રે જ્યારે રાજકીય પક્ષોના નેતાઓની ધરપકડ થઈ રહી હતી, ત્યારે આ સુરક્ષા કામગીરીના તણખા ડૉક્ટર રાજા મુઝફ્ફરને પણ ઊડ્યા.
એ રાત્રે ત્રણ પૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાહ, ઓમર અબ્દુલ્લાહ અને મહેબૂબા મુફ્તીની પણ અટકાયત કરાઈ હતી.
જમ્મુ અને કાશ્મીરનો વિશેષાધિકાર હઠાવતાં પહેલાં સુરક્ષા માટે લેવાયેલાં પગલાં અંતર્ગત તેમની અટકાયત કરવામાં આવી હતી.
અટકાયત કરવામાં આવી એ રાત્રે ડૉક્ટર રાજા મુઝફ્ફર ભટ બડગામ જિલ્લાસ્થિત પોતાના ઘરમાં હતા.
તેઓ લાંબા સમયથી માહિતીના અધિકાર (RTI) માટે કામ કરતા હતા. આ સિવાય તેઓ ભ્રષ્ટાચાર, સત્તા અને અન્ય મુદ્દાઓ પર પણ લખતા હતા.
તેમનો દાવો છે કે તેમને 86 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા અને આજ સુધી તેમને ખબર નથી પડી કે તેમની સાથે આવું કેમ કરવામાં આવ્યું?
ત્રણ મહિનાનો જેલવાસ કેમ?
ડૉક્ટર રાજા મુઝફ્ફર ભટે બીબીસીએ કહ્યું, "હું જેલમાં હતો અને આ સવાલનો જવાબ શોધતો હતો કે હું અહીં કેમ છું."
"એક દિવસે મેં એક પત્ર લખ્યો અને તે મુખ્ય સચિવ બીઆરવી સુબ્રમણ્યમને સ્પીડ પોસ્ટથી મોકલવાની વિનંતી ચુપકીદી સાથે જેલના એક કર્મચારીને કરી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટર રાજા કહે છે, "તેમના પરના પત્રમાં મેં લખ્યું કે હું કોઈ દયા કરવા નથી કહેતો અને હું જેલમાંથી છોડવાની વાત પણ નથી કરી રહ્યો."
"હું બસ જાણવા માગું છું કે મારો અપરાધ શું છે કે મને જેલમાં રાખવામાં આવ્યો છે?"
ડૉક્ટર રાજાને જ્યાં કેદમાં રાખવામાં આવ્યા હતા, એ સરકારની માલિકીવાળી એક હોટલ અને ઑડિટોરિયમ હતાં, જેને ઉપજેલનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
જેલમાં વિતાવેલા દિવસોને યાદ કરતાં ડૉક્ટર રાજા કહે છે, "કેદીઓને લોનમાં ટહેલવાની પણ છૂટ નહોતી. અમને પહેલા અને બીજા માળ સિવાય ક્યાંય જવાની પરવાનગી નહોતી."
"ત્યાં છાપાં નહોતાં મળતાં પણ સેટેલાઇટ ટીવી અમને સીમિત ઉપયોગ માટે આપવામાં આવ્યું હતું."
ડૉક્ટર રાજા કહે છે, "જોકે સરકારી નોકરમાંથી રાજનેતા બનેલા ડૉક્ટર શાહ ફૈસલ જેવા કેટલાક કેદીઓ સાથે પુસ્તકો લાવ્યાં હતાં."
"મેં અનેક પુસ્તકો વાંચ્યાં, જેમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની આત્મકથા પણ સામેલ હતી."
'તણાવમાં છે કેદી'
ડૉક્ટર રાજા જણાવે છે કે જ્યારે મારી અટકાયત કરાઈ ત્યારે ઘડિયાળમાં બે વાગ્યા હતા અને બાળકો ઊંઘતાં હતાં.
તેઓ કહે છે, "મેં મારાં પત્નીને કહ્યું કે બાળકોને કહેજે કે હું ટ્રૅકિંગ ટ્રિપ પર જઈ રહ્યો છું. મને લાગતું હતું કે હું થોડા દિવસોમાં છૂટી જઈશ."
"પણ અઠવાડિયાં વીત્યાં બાદ બાળકોને કહેવું પડ્યું કે હું જેલમાં છું. બાળકો ભોળાં હોય છે, તેમને એવું લાગે છે કે જેલ તો માત્ર અપરાધીઓ માટે જ હોય."
"મને ચિંતા છે કે અમારા પરિવારની પાંચમી પેઢી પણ વર્ષોથી સંઘર્ષ વેઠી રહી છે."
એક સાથી કેદી સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં ડૉક્ટરે કહ્યું કે જેલમાં બંધ રાજકીય કેદી તણાવમાં છે.
તેમણે કહ્યું, "એક પૂર્વ મંત્રી રડી રહ્યા હતા. તેમણે મને કહ્યું કે હું એક વફાદાર હિંદુસ્તાની છું."
"તેઓ કહેવા લાગ્યા કે સ્વતંત્રતાદિવસની પરેડમાં ભાગ લેવા માટે મેં નમાઝ પણ છોડી દીધી હતી."
"તેઓ રડતાં હતા કે વફાદાર હિંદુસ્તાની હોવા છતાં તેમને જેલમાં રાખીને પરેશાન કરાઈ રહ્યા છે."
આ 34 રાજકીય કેદીઓ સિવાય જમ્મુ અને કાશ્મીર સહિત ભારતભરની વિવિધ જેલોમાં ઓછામાં ઓછા 1500 કાશ્મીરી લોકોને કેદ રાખવામાં આવ્યા છે.
સરકાર શું કહી રહી છે?
ભારતના ગૃહમંત્રાલય પ્રમાણે ચોથી ઑગસ્ટ પછી જમ્મુ-કાશ્મીરમાંથી 6500 લોકોની અટકાયત કરાઈ છે, પણ છેલ્લા ત્રણ મહિના દરમિયાન 5000 લોકોને પણ મુક્ત નથી કર્યા.
પોલીસ અધિકારીનું કહેવું છે કે આ પ્રકારની અટકાયત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવે છે. સ્થિતિનું આકલન કર્યા બાદ લોકોને છોડી દેવાતા હોય છે.
જેલની અંદર કેદીઓ પર લાદેલા પ્રતિબંધો વિશે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કોઈ ઇમારતને જેલ જાહેર કરવામાં આવે તો ત્યાં પણ જેલના નિયમો લાગુ કરવામાં આવે છે.
અધિકારીઓનું કહેવું છે કે આ બધું જ કેદીઓની સુરક્ષા માટે હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો