રાહુલ બજાજ અને કિરણ મજૂમદારનાં સરકારવિરોધી નિવેદનો બાદ વાક્યુદ્ધ

મોદી સરકાર ટીકા સહન ન કરી શકતી હોવાનો સૂર થોડો વધુ બુલંદ થયો છે. ઉદ્યોગપતિ રાહુલ બજાજ બાદ વેપારજગત સાથે સંકળાયેલી વધુ એક વ્યક્તિએ આર્થિક નીતિઓ બાબતે સરકારની ટીકા કરી છે.

બાયૉકોનનાં મુખ્ય નિર્દેશક કિરણ મજૂમદાર શોએ અર્થતંત્ર મુદ્દે સરકારની આલોચના કરતાં કહ્યું છે કે સરકાર અર્થતંત્રની બાબતમાં કોઈ ટીકા સાંભળવા ઇચ્છુક નથી.

કેન્દ્રીય મંત્રીઓએ ટ્વીટ કરીને લખ્યું કે સરકારીની આ રીતે ટીકા દેખાડે છે કે લોકશાહી જીવંત છે.

સોશિયલ મીડિયા ઉપર પણ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

કિરણ મજૂમદારનું નિવેદન

રાહુલ બજાજના નિવેદન બાદ કિરણે ટ્વિટર ઉપર લખ્યું કે 'સરકાર વપરાશ તથા વૃદ્ધિદર વધારવા માટે ઉદ્યોગજગતનો સંપર્ક કરશે તેવી આશા છે.'

'સરકારે અત્યાર સુધી અમારાથી અંતર જાળવ્યું છે. સરકાર અર્થતંત્રના મુદ્દે કોઈ ટીકા સાંભળવા નથી માગતી.'

આ પહેલાં બજાજ જૂથના રાહુલ બજાજે એક જાહેર કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સરકારની આર્થિક નીતિઓની ટીકા કરતી વેળાએ ઉદ્યોગજગતમાં 'ભયના માહોલ'ની વાત કહી હતી.

સરકારમાંથી પ્રતિક્રિયા

બજાજ જ્યારે આ વાત કરી રહ્યા હતા, ત્યારે મંચ પર ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજયમંત્રી પીયૂષ ગોયલ હાજર હતાં.

બજાજને જવાબ આપતાં શાહે કહ્યું હતું, "તમે કહ્યું એમ જો ભયનો માહોલ બન્યો હોય, તો અમારે તે માહોલને બહેતર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ."

"હું એટલું સ્પષ્ટ રીતે કહેવા માગીશ કે કોઈને પણ ડરવાની જરૂર નથી અને કોઈ ડરાવવા પણ માગતું નથી."

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજાજના નિવેનદને લઈને ટ્વીટ કર્યું હતું.

સીતારમણે લખ્યું હતું, "રાહુલ બજાજે સવાલ ઉઠાવ્યા હતા તેના જવાબ ગૃહમંત્રી અમિત શાહે આપી દીધા છે.""સવાલ-ટીકા સાંભળવામાં આવી રહ્યાં છે અને તેનો ઉકેલ પણ લાવવામાં આવી રહ્યો છે."

"પોતાના વિચારનો પ્રચાર કરવાને બદલે જવાબ મેળવવાનો બહેતર ઉપાય શોધવો જોઈએ. આવા વિચારના પ્રસારથી રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચી શકે છે."

કેન્દ્રીય ગૃહ અને શહેરી વિકાસમંત્રી હરદીપસિંઘ પૂરીએ ટ્વીટ કર્યું:

"રાહુલ બજાજ અમિત શાહની સામે ઊભા રહી શકે છે. કોઈ પણ પ્રકારના ભય વગર પોતાની વાત રજૂ કરી શકે છે તથા અન્યને સાથે જોડાવા માટેના સંકેત આપી શકે છે."

"આનો સીધો જ અર્થ એવો થાય છે કે ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહીનાં મૂલ્યો જીવંત અને સમૃદ્ધ છે. આ જ લોકશાહી છે."

ભાજપની ઇન્ફર્મેશન ટેકનૉલૉજી સેલના વડા અમીત માલવીયએ ટ્વિટર ઉપર લખ્યું કે જે ઉદ્યોગપતિઓ 'લાઇસન્સરાજ'માં સમૃદ્ધ બન્યા હોય તેઓ હંમેશા કૉંગ્રેસના આભારી રહેશે.

વિપક્ષની પ્રતિક્રિયા

કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પત્રકારોને જણાવ્યું, "રાહુલ બજાજે જે પણ કહ્યું તે દેશભરની સમૂહભાવના છે."

"જો એક સમાજ, એક દેશ અને એક શહેરમાં સામંજસ્ય ન હોય તો તમે એવી અપેક્ષા કઈ રીતે રાખી શકો કે રોકાણકારો આવશે અને પોતાના પૈસા રોકશે?"

"પૈસા માત્ર ત્યાં જ રોકવામાં આવતો હોય છે કે જ્યાં તે વધી શકે એમ હોય. જ્યાં તેમાં વધારો થવાની આશા હોય."

"આ માત્ર એ જ ક્ષેત્રોમાં વધી શકે એમ છે કે જ્યાં શાંતિ, સદ્ભાવ, પારસ્પરિક નિર્ભરતા અને ખુશીનો માહોલ હોય."

કૉંગ્રેસના વધુ એક પ્રવક્તા અભિષેક સિંઘવીએ કહ્યું કે ઘણા સમય બાદ 'આર્થિક જગતમાંથી કોઈ વ્યક્તિએ સત્તા સામે કંઈક સત્ય બોલવાનું સાહસ કર્યું છે.'

તો પક્ષના એક વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું, "ભારતના કૉર્પોરેટ જાહેરાતજગતમાં સૌથી પ્રસિદ્ધ ટૅગલાઇનોમાંથી એક છે 'તમે બજાજને હરાવી ન શકો.' અમિત શાહને પણ જાણ થઈ ગઈ કે તમે બજાજને ચૂપ ન કરાવી શકો."

"હમારે બજાજને બૅન્ડ બજા દીયા."

સોશિયલ મીડિયા શું કહી રહ્યું છે?

બજાજ અને શોનાં સંબંધિત નિવેદનોની પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં પણ જોવા મળી.

દિલીપ જૈન નામના યુઝરે ટ્વિટ કર્યું કે કિરણ મજૂમદાર શો વિરુદ્ધ 'ઇન્સાઇડર ટ્રૅડિંગના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ ઇન્ફૉસિસે કિરણ વિરુદ્ધ દંડ કર્યો હતો.'

જૈનના ટ્વિટર બાયૉમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમને ફૉલો કરતા હોવાનો દાવો કરાયો છે.

જીતેન્દ્ર પટેલ નામના યુઝરે રાહુલ બજાજ અને કિરણ મજૂમદાર શોને કૉંગ્રેસનાં વફાદાર ગણાવ્યાં અને કૉંગ્રેસ માટે કામ કરતાં હોવાનો આરોપ લગાવ્યો.

સુમંથ રમણે ટ્વીટ કર્યું, "હવે બજાજનાં ઉત્પાદનોના બહિષ્કાર કરવાની અને શૅર વેચવાની હાકલ પડે એની રાહ જુઓ."

રાહુલ બજાજે શું કહ્યું હતું?

બજાજ ગ્રૂપના ચૅરમૅને અમિત શાહને કહ્યું હતું કે લોકો 'તમારાથી' ડરે છે.

તેમણે ઉમેર્યું હતું, "હું જાહેરમાં આ વાત કરું છું. એક માહોલ સર્જવો પડશે. જ્યારે યુપીએ-2ની સરકાર સત્તામાં હતી, ત્યારે અમે કોઈની પણ ટીકા કરી શકતા હતા."

"તમે સારું કામ કરી રહ્યા છો, તેમ છતાં, અમે જાહેરમાં તમારી ટીકા કરીએ, ત્યારે લાગતું નથી કે તમે એને પસંદ કરશો."

આ સાથે જ બજાજે આર્થિક સ્થિતિને લઈને પણ પોતાની અને પોતાના સાથી ઉદ્યોગપતિઓની ચિંતાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

તેમણે કહ્યું હતું, "અમારા ઉદ્યોગપતિ મિત્રોમાંથી કોઈ નથી બોલતું."

આ પ્રસંગે બજાજે મૉબ લિન્ચિંગ અને સાંસદ સાધ્વી પ્રજ્ઞાના નાથુરામ ગોડસેને લઈને અપાયેલા નિવેદનમાં યોગ્ય કાર્યવાહી ન કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો