કિરણ મજૂમદાર શોએ કહ્યું, 'સરકાર અર્થતંત્ર મુદ્દે ટીકા સાંભળવા નથી માગતી'

ઉદ્યોગપતિ રાહુલ બજાજ બાદ બાયૉકોનનાં મુખ્ય નિર્દેશક કિરણ મજૂમદાર શોએ અર્થતંત્ર મુદ્દે સરકારની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે સરકાર અર્થતંત્રની બાબતમાં કોઈ ટીકા સાંભળવા ઇચ્છુક નથી. કિરણે ટ્વિટર ઉપર લખ્યું કે 'વપરાશ તથા વૃદ્ધિદર વધારવા ઉદ્યોગજગતનો સંપર્ક કરશે તેવી આશા છે.'

'સરકારે અત્યારસુધી અમારાથી અંતર જાળવ્યું છે. સરકાર અર્થતંત્રના મુદ્દે કોઈ ટીકા સાંભળવા નથી માગતી.'

આ પહેલાં બજાજ જૂથના રાહુલ બજાજે એક જાહેર કાર્યક્રમમાં સરકારની આર્થિક ટીકા કરી હતી અને ઉદ્યોગજગતમાં 'ભયનો માહોલ'ની વાત કહી હતી.

રાહુલ બજાજે શું કહ્યું હતું?

એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહને ઉદ્યોગપતિ રાહુલ બજાજે કેટલાક આકરા સવાલો કર્યા હતા.

બજાજ ગ્રૂપના ચૅરમૅને મૉબ લિન્ચિંગ અને સાંસદ સાધ્વી પ્રજ્ઞાના નાથુરામ ગોડસેને લઈને અપાયેલા નિવેદનમાં યોગ્ય કાર્યવાહી ન કરવાનો ઉલ્લેખ તો કર્યો જ સાથે એવું પણ કહ્યું કે લોકો 'તમારાથી' ડરે છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર રાહુલ બજાજે કહ્યું:

"અમારા ઉદ્યોગપતિ મિત્રોમાંથી કોઈ નથી બોલતું."

"હું જાહેરમાં આ વાત કરું છું. એક માહોલ સર્જવો પડશે. જ્યારે યુપીએ-2ની સરકાર સત્તામાં હતી, ત્યારે અમે કોઈની પણ ટીકા કરી શકતા હતા."

"તમે સારું કામ કરી રહ્યા છો, તેમ છતાં, અમે જાહેરમાં તમારી ટીકા કરીએ, ત્યારે લાગતું નથી કે તમે એને પસંદ કરશો."

આ સાથે જ બજાજે આર્થિક સ્થિતિને લઈને પણ પોતાની અને પોતાના સાથી ઉદ્યોગપતીઓની ચિંતાનો ઉલ્લેખ કર્યો.

અમિત શાહે શું કહ્યું?

બજાજ જ્યારે આ વાત કરી રહ્યા હતા, ત્યારે મંચ પર ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજયમંત્રી પીયૂષ ગોયલ હાજર હતા.

ઉપરાંત રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રૂપના ચૅરમૅન મંગલમ બિરલા અને ભારતી ઍન્ટરપ્રાઇઝના ચૅરમૅન સુનિલ ભારતી મિત્તલ પણ હાજર હતાં.

પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે એક દિવસ પહેલાં 'નેશનલ ઇકૉનૉમી કૉન્ક્લેવ'માં 'ભયનું એક સ્પષ્ટ વાતાવરણ' હોવાની વાત કરી હતી, એના એક દિવસ બાદ બજાજનું સંબંધિત નિવેદન આવ્યું હતું.

સિંઘે કહ્યું હતું, "કેટલાય ઉદ્યોગપતિઓએ મને કહ્યું છે કે સરકારી તંત્ર દ્વારા તેમને હેરાન કરવામાં આવશે એવો તેમને ભય રહે છે.ઉદ્યોગસાહસિકો નવી યોજનાઓ લાગુ કરતા અચકાઈ રહ્યા છે. આ માહોલમાં તેમની અંદર અસફળતાનો ડર રહે છે."

બજાજની આ ટિપ્પણીનો જવાબ આપતાં અમિત શાહે કહ્યું કે 'કોઈએ કોઈનાથી ડરવાની જરૂર નથી.'

શાહે કહ્યું, "તમે કહ્યું એમ જો ભયનો માહોલ બન્યો હોય તો અમારે તે માહોલને બહેતર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.""હું એટલું સ્પષ્ટ રીતે કહેવા માગીશ કે કોઈને પણ ડરવાની જરૂર નથી અને કોઈ ડરાવવા પણ માગતું નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો