પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ભત્રીજાને પોલીસ કેમ શોધી રહી છે?

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ભત્રીજાને પોલીસ શોધી રહી છે.

પોલીસનું કહેવું છે કે હાલમાં જ હૉસ્પિટલ પર વકીલોએ કરેલા હુમલામાં ઇમરાન ખાનના ભત્રીજા સામેલ હતા. જેમાં ત્રણ દર્દીનાં મોત થયાં હતાં.

લાહોર પોલીસે હસન નિયાઝીના ઘર પર રેડ પાડી હતી પરંતુ તેમનું કહેવું છે કે તેઓ ક્યાંક છુપાઈ ગયા છે.

નિયાઝી એ સેંકડો વકીલોમાં સામેલ હતા જેમણે શહેરમાં એક હૉસ્પિટલમાં ડૉક્ટરો સાથે વિવાદ થયા બાદ તોડફોડ કરી હતી.

આ મામલામાં સ્થિતિ એટલી વણસી હતી કે તેને કાબૂમાં લેવા માટે રાયોટ પોલીસને બોલાવવી પડી હતી.

હૉસ્પિટલના સ્ટાફને મારતા અને હૉસ્પિટલની સંપત્તિને નુકસાન પહોંચાડી રહેલા સૂટ અને ટાઈ પહેરેલા વકીલોની તસવીરો સામે આવી હતી.

લોકો જ્યારે આ વકીલોની નિંદા કરી રહ્યા હતા ત્યારે હસન નિયાઝી કે જેઓ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ભત્રીજા છે તેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા લાગી હતી.

નિયાઝીએ પણ સ્વીકાર કર્યો છે કે તેમણે લાહોરમાં પંજાબ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજીમાં થયેલી હિંસામાં ભાગ લીધો હતો અને ટ્વિટર પર તેમણે આ મામલે દુખ વ્યક્ત કર્યું હતું.

ઇમરાન ખાનના ભત્રીજાને વીડિયોમાં હુમલો કરતા જોઈ શકાય છે અને તેમણે કથિત રીતે એક પોલીસ વાનને પણ આગ લગાડી દીધી હતી.

વકીલ અને માનવઅધિકાર કાર્યકર્તા નિયાઝી હુમલાના આ સ્થળે જોવા મળ્યા હતા અને તેઓ આ વિસ્તારમાંથી બહાર નીકળતા પણ જોવા મળ્યા હતા.

જોકે, હિંસાના મામલે જે લોકો કોર્ટની કાર્યવાહીનો સામનો કરવાના છે તે પોલીસ રિપોર્ટમાં નિયાઝીનું નામ નથી.

બે વખત રેડ પાડવામાં આવી

શહેર પોલીસ પ્રમુખના પ્રવક્તાએ કહ્યું હતું કે નિયાઝીની વીડિયો ફૂટેજ દ્વારા ઓળખ કરવામાં આવી છે અને તેમની શોધખોળ ચાલુ છે.

પ્રવક્તા વસીમ બટે બીબીસી ઉર્દૂ સંવાદદાતા શહઝાદને કહ્યું, "તેમની ધરપકડ કરવા માટે લાહોર સ્થિત તેમના ઘર પર પોલીસે ગઈ રાત્રે અને સવારે એમ બે વખત રેડ પાડી હતી, પરંતુ તેઓ ત્યાં મળ્યા નહીં. બની શકે કે તેઓ ક્યાંક છુપાયા છે."

તેમને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે તેઓ એટલા માટે આઝાદ છે કે તેઓ વડા પ્રધાનના ભત્રીજા છે. વિપક્ષ નિયાઝીની ધરપકડ કરવાની માગ કરી રહ્યો છે.

હૉસ્પિટલમાં હુમલા મામલે 80થી વધુ વકીલોની ધરપકડ કરવામાં આવી છે અને 46 વકીલોના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

હૉસ્પિટલમાં હિંસા કેમ થઈ?

ઇસ્લામાબાદમાં બીબીસીના સંવાદદાતા એમ ઇલિયાસ ખાન કહે છે, "20 નવેમ્બરે કેટલાક વકીલો તેમના સાથી વકીલનાં માતાની સારવાર માટે હૉસ્પિટલમાં ગયા હતા."

"જ્યાં વકીલો અને હૉસ્પિટલમાં ડ્યૂટી પર રહેલા એક ડૉક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં હાથાપાઈમાં ફેરવાઈ ગઈ."

"જે બાદ વકીલોને હૉસ્પિટલના કર્મચારીઓએ બહાર કાઢી મૂક્યા. બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ કોઈની ધરપકડ થઈ ન હતી."

વકીલો આ દુર્વ્યવહાર સામે પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે, મામલો હિંસામાં ત્યારે બદલાઈ ગયો જ્યારે એક ડૉક્ટરે સોશિયલ મીડિયામાં વકીલોની મજાક ઉડાડતો વીડિયો પોસ્ટ કર્યો.

જે બાદ હૉસ્પિટલમાં તોડફોડ થઈ, ડૉક્ટરોએ સંતાઈ જવું પડ્યું અને દર્દીઓની સારવાર ના થઈ શકી. આ ઘટનામાં એક મહિલા અને બે પુરુષ દર્દીઓનાં મોત થઈ ગયાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો