You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS: ગુજરાતમાં 1.96 લાખ કરતા વધારે બાળકો કુપોષિત
વિધાનસભામાં ગુજરાત સરકારે આંકડો રજૂ કરતા કહ્યું છે કે રાજ્યના 33 જિલ્લાઓમાં 1,96,660 બાળકો કુપોષણનો શિકાર છે.
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે કુપોષિત બાળકોની સૌથી વધારે સંખ્યા દાહોદમાં છે કે જ્યાં 42,488 બાળકો કુપોષિત છે. જ્યારે નર્મદામાં 14,722 બાળકો કુપોષિત છે.
દાહોદમાં કલ 3,056 આંગણવાડી હોવાનું જાણવા મળ્યું છે જયારે નર્મદામાં 952 આંગણવાડી ચાલી રહી છે.
બુધવારે પૂર્ણ થયેલા વિધાનસભાના સત્રમાં ધોરાજીથી કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આ અંગે સવાલ કર્યો હતો જેનો જવાબ સરકારે લેખિતમાં રજૂ કર્યો છે.
સરકારી આંકડા પ્રમાણે પોરબંદરમાં કુપોષિત બાળકોની સંખ્યા સૌથી ઓછી છે. પોરબંદરમાં 709 બાળકો કુપોષિત છે જ્યારે બોટાદમાં આ સંખ્યા 938 પર છે.
મહત્ત્વનું છે કે રાજ્યમાં 53,000 આંગણવાડી ચાલી રહી છે જેમાં બાળકોને પુરતો પોષણયુક્ત ખોરાક આપવામાં આવી રહ્યો છે.
સરકારનું કહેવું છે કે કુપોષિત બાળકોની પરિસ્થિતિ સુધારવા સરકાર 20 જિલ્લામાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોને ફ્લેવર્ડ મિલ્ક પણ પહોંચાડી રહી છે.
હાલ આ આંગણવાડીઓમાં 3-6 વર્ષના બાળકોને અઠવાડિયામાં બે વખત ગરમ નાસ્તો અને ફળ અપાઈ રહ્યા છે. તો કુપોષિત બાળકોને લાડુ પણ આપવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદ ગુજરાતનું રેપ કૅપિટલ
વિધાનસભા સત્રમાં સરકારે જાહેર કરેલી હકીકત મુજબ અમદાવાદ ગુજરાતનું રેપ કૅપિટલ બન્યું છે.
અમદાવાદ મિરરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાતમાં દરરોજ ત્રણથી ચાર કેસ બળાત્કારના નોંધાય છે જેમાં સૌથી વધુ દુષ્કર્મની ફરિયાદ અમદાવાદથી નોંધાઈ છે. અમદાવાદમાં આ આંકડો 1046 પર છે.
કૉંગ્રેસના ધારાસભ્યએ ગુજરાતમાં દુષ્કર્મની ફરિયાદો સંદર્ભે સવાલ પૂછ્યા હતા.
જેનો જવાબ આપતા સરકારે કહ્યું છે અમદાવાદમાં સૌથી વધુ 1046 ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સુરતના શહેરી વિસ્તારમાં 759 તેમજ ગ્રામીણ વિસ્તારમાં 152 રેપ કેસ નોંધાયા છે.
બનાસકાંઠામાં આ આંકડો 420 પર છે જ્યારે રાજકોટના શહેરી વિસ્તારમાં 261 તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં 130 બળાત્કારના કેસ નોંધાયા છે.
કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ કુલ 359 બળાત્કારના કેસ નોંધાયા છે જેમાં 216 કેસ પૂર્વી કચ્છના છે અને 143 કેસ પશ્ચિમ કચ્છના છે.
વડોદરામાં પણ કુલ 215 બળાત્કારના કેસ નોંધાયા છે.
સરકારે સ્વીકાર્યું છે કે બે વર્ષમાં દુષ્કર્મની ફરિયાદોનું પ્રમાણે વધ્યું છે.
દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓમાં નિર્મલા સીતારમણને સ્થાન
નિર્મલા સીતારમણના કામની ચર્ચા સમગ્ર વિશ્વમાં થવા લાગી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ફૉર્બ્સે નિર્મલા સીતારમણને વિશ્વની 100 સૌથી પાવરફુલ મહિલાની લિસ્ટમાં સામેલ કર્યાં છે.
આ લિસ્ટમાં HCL કૉર્પોરેશનનાં CEO રોશની મલ્હોત્રા અને બાયોકૉનનાં ફાઉન્ડર કિરણ મજૂમદાર શૉનું નામ પણ સામેલ છે.
100 પાવરફુલ મહિલાઓની યાદીમાં જર્મન ચાન્સેલર એંજેલા મર્કેલ પ્રથમ સ્થાને છે.
જ્યારે નિર્મલા સીતારમણને આ યાદીમાં 34માં સ્થાન પર જગ્યા મળી છે.
મહત્ત્વનું છે કે ભારતનાં પહેલા મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનાં સંરક્ષણ મંત્રી તરીકે પણ ભૂમિકા ભજવી છે.
CAB વિરુદ્ધ દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં પ્રદર્શન બાદ હિંસા
નાગરિકા સંશોધન બિલ સંસદમાં પાસ થયા બાદ પૂર્વોત્તર ભારતમાં તો હિંસા થઈ રહી છે પણ હવે તેની અસર દિલ્હીમાં પણ જોવા મળી રહી છે.
દિલ્હીની જામિયા વિશ્વવિદ્યાલયમાં NRC અને CABના વિરોધમાં પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
NDTVમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે હિંસામાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
મંગળવારના રોજ જામિયા શિક્ષક સંઘ અને વિદ્યાર્થીઓએ NRC અને CABના વિરોધમાં શાંતિપૂર્ણ પ્રદર્શનની ઘોષણા કરી હતી. પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ વણસતા પોલીસે ટીયર ગૅસના શેલ્સ છોડવા પડ્યા હતા તેમજ પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.
વિશ્વવિદ્યાલયનું કહેવું છે કે આ પ્રદર્શનમાં બહારના લોકો સામેલ થતા પરિસ્થિતિ બગડી હતી.
ભારતમાં CABનો વિરોધ, જાપાનના વડા પ્રધાને ભારત પ્રવાસ રદ કર્યો
નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનની અસર ભારત-જાપાન સમિટ પર પણ પડી છે.
આ સમિટ આસામના ગુવાહાટીમાં યોજાવાની હતી પરંતુ જાપાનના વડા પ્રધાન શિંઝો આબેએ પોતાનો ભારત પ્રવાસ રદ કરી નાખ્યો છે.
આ જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે ટ્વીટ કરીને આપી છે.
તેમણે કહ્યું છે કે હવે જલદી આ સમિટ માટે બન્ને દેશો વચ્ચે પરસ્પર સહમતીથી નવી તારીખ નિર્ધારિત કરવામાં આવશે.
આ પ્રવાસ રદ થતા પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને તેને ભારત માટે શરમજનક ગણાવ્યું છે.
મહત્ત્વનું છે કે ત્રણ દિવસીય સમિટનું આયોજન 15થી 17 ડિસેમ્બર વચ્ચે ગુવાહાટીમાં થવાનું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો