CAA : નાગરિકતા સંશોધન કાયદા વિરદ્ધ સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

નરેન્દ્ર મોદીની સરકારે પસાર કરેલા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અલગઅલગ 60 પિટિશન થઈ છે જેની આજે સુનાવણી થઈ હતી.

આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કાયદા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી કેન્દ્ર સરકારને નોટિસ આપી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ બિલ 2019 લોકસભામાં રજૂ કર્યું ત્યારથી તેનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે.

આ કાયદા હેઠળ ત્રણ પાડોશી દેશ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી બિનમુસ્લિમ સમુદાયના લોકો એટલે કે હિંદુ, બૌદ્ધ, શીખ, પારસી, જૈન અને ખ્રિસ્તી સમુદાયના શરર્ણાથીઓ, જો 31 ડિસેમ્બર 2014 સુધી દેશમાં આવેલા હોય તો તેમને ભારતનું નાગરિકત્વ મળશે. આમાંથી મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે.

આ કાયદો વિવાદ અને વિરોધનું કારણ બન્યો છે અને મોટાં ભાગનાં શહેરોમાં વિદ્યાર્થીઓએ વિરોધપ્રદર્શનની આગેવાની લીધી છે.

આ કાયદો પસાર થયા પછી દેશમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

નોર્થ-ઇસ્ટ, પશ્ચિમ બંગાળ ઉપરાંત નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત વગેરેમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે.

પાંચેક જેટલાં રાજ્યોએ આ કાયદો લાગુ નહીં કરીએ એવું પણ કહ્યું છે.

નવી દિલ્હી તથા આસામ સહિત અનેક સ્થળોએ કાયદાના વિરોધમાં થયેલાં પ્રદર્શનોમાં હિંસા થઈ છે અને કેટલાક લોકોનાં મૃત્યુ પણ થયાં છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ બોબડેના વડપણ હેઠળ 3 જજોની બૅન્ચમાં આ પિટિશનોની સુનાવણી થઈ હતી.

અન્ય બે જજ તરીકે જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત છે.

સુપ્રીમ કોર્ટે એ નોંધી છે કે આ કાયદાને લઈને દેશનાં લોકોમાં ઘણી મૂંઝવણભરી સ્થિતિ છે.

સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને સલાહ આપી કે કેન્દ્ર સરકારે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમનો ઉપયોગ કરીને લોકોને આ કાયદા અંગે જાગૃત કરવા જોઈએ.

આ કાયદો બંધારણની વિરુદ્ધ છે એ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે.

કાયદા પર સ્ટેને લઈને એટર્ની જનરલ વેણુગોપાલે કહ્યું કે કાયદાને રોકવો ન જોઈએ એ અંગે ચાર ચુકાદાઓ છે.

વકીલ રાજીવ ધવને કહ્યું કે કાયદો હજી અમલમાં આવ્યો નથી અને નિયમો જાહેર કરાયાં નથી એટલે સ્ટે આપવાની જરૂર નથી.

ભાજપના સાથીપક્ષોએ પણ પિટિશન કરી છે

ગત અઠવાડિયે આ કાયદો બન્યા પછી સુપ્રીમ કોર્ટમાં અલગઅલગ 60 જેટલી પિટિશનો થઈ છે.

પિટિશન કરનારાઓમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અને જયરામ રમેશ, ઇન્ડિયન મુસ્લિમ લીગ, આસામમાં ભાજપની સહયોગી પાર્ટી એવી આસામ ગણ પરિષદ પણ સામેલ છે.

મોટાભાગની પિટિશન મુજબ આ કાયદો બંધારણની જોગવાઈઓનો ભંગ કરે છે અને બંધારણમાં ધર્મને આધારે નાગરિકત્વનો ભેદભાવ કરવામાં નથી આવ્યો.

ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રમુખ અને ગૃહમંત્રી અમિત શાહ એવું કહી ચૂક્યા છે કે ગમે તેટલો વિરોધ કરો આ કાયદો લાગુ થશે જ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો