You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી સરકારમાં મંત્રી સુરેશ અંગાડીએ કહ્યું : સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડે તેને 'દેખતા જ ગોળી મારો'
CAA બાદ શરૂ થયેલી હિંસામાં રેલવેની ટ્રેનો તથા સ્ટેશનોને નુકસાન પહોંચ્યું છે.
રાજ્યકક્ષાના રેલવેપ્રધાન સુરેશ અંગાડીએ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારને 'દેખતા જ ગોળી મારવા'ના નિર્દેશ આપ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં અંગાડીએ આ વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ વિરુદ્ધ દેશભરમાં ઉગ્ર-પ્રદર્શન થઈ રહ્યાં છે.
પશ્ચિમ બંગાળમાં બેથી વધુ રેલવે સ્ટેશનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તથા હિંસાને કારણે ત્યાં રેલવ્યવહાર ઠપ થઈ ગયો છે.
'દેખતા જ ગોળી મારો'
અંગાડીએ પશ્ચિમ બંગાળના મુશીરાબાદ ખાતે કહ્યું : "હું કેન્દ્રીય પ્રધાન તરીકે જિલ્લાના વહીવટીતંત્ર તથા રેલવેતંત્રના સંબંધિત સત્તાધીશોને કે જે કોઈ હુલ્લડખોર જાહેરસંપત્તિને નુકસાન પહોંચાડે તેને 'દેખતા જ ગોળી મારો'નો નિર્દેશ આપું છું."
"13 લાખ રેલવે કર્મચારીઓ દિવસરાત મહેનત કરીને રેલવેમાં સ્વચ્છતા તથા તેના વિકાસ માટે મહેનત કરે છે."
"પરંતુ કૉંગ્રેસ સહિતના વિપક્ષ સમર્થિત અસામાજિક તત્ત્વો દેશભરમાં સમસ્યા ઊભી કરી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંગે કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીશ દોષીએ કહ્યું, "ભારતીય જનતા પાર્ટી રાજશાહીની માનસિકતામાં જીવે છે. બંધારણમાં માનતી નથી."
"સાર્વજનિક નુકસાન ન થવું જોઈએ. કોઈ કાયદાનું ઉલ્લંઘન ન કરે તેના માટે કાયદો છે, વ્યવસ્થા, પોલીસતંત્ર, ન્યાયતંત્ર છે. પરંતુ રેલવે રાજ્યમંત્રીનું આ નિવેદન અહંકાર, રાજશાહીનું છે. દુર્ભાગ્ય છે કે બંધારણમાં નહીં માનનારા લોકો આજે સત્તામાં બેઠા છે."
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
કેન્દ્રીય પ્રધાનના આ નિવેદન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી. કેટલાક લોકો સરકારી સંપત્તિને નુકસાન કરનારાઓ પર કડક પગલાં લેવાના પક્ષમાં છે, તો કેટલાક લોકોએ મંત્રી તરફથી આ પ્રકારના નિવેદનની ટીકા કરી હતી.
વિજય બાંગા નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે "આ બહુ અસામાન્ય છે, આમ ન કરી શકાય. તેમની પાસે આવા અધિકાર નથી."
"આને કારણે અંધાધૂંધીના સંજોગો ઊભા થશે. પરિસ્થિતિ સંભાળવી પડશે અથવા પરિસ્થિતિ બહુ ખરાબ થશે. કોઈ લોકતાંત્રિક સરકાર આવું ન કરી શકે. આ અસફળતાનો સંકેત છે."
વિજય સિમહન નામના યૂઝરે લખ્યું, "તેઓ બરાબર કહી રહ્યા છે."
"એ લોકો સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે અને લોકોના જીવને જોખમના નાખતા લોકોને ગોળી મારી દેવી જોઈએ."
"જ્યારે તેઓ તોફાનો પર ઊતરી આવે છે, ત્યારે તેઓ બીજા લોકોની પરવા નથી કરતા તો પોલીસે તેમના જીવની પરવા કેમ કરવી જોઈએ?"
શાહિદ લતીફ નામના એક યૂઝરે લખ્યું,"બધા અધિકારીઓ બંદૂક લઈને નથી ફરતા એટલે જોતાજ ગોળીએ દેવું શક્ય નથી. પથ્થરમારો ચાલશે? અંગાડીજી, તમે કયા જમાનામાં જીવો છે."
"તમે તમારા રાજકારણ લાભ માટે આ મુદ્દાને ઉશ્કેરી રહ્યા છો."
ત્યારે શિવેન્દુ સિંહે લખ્યું છે, "આ સારો નિર્ણય છે, ટ્રેનો અને બસોને સળગાવવાથી સરકારીખર્ચ પર દબાણ વધે છે."
મિલિન્દ શાહે લખ્યું કે "બરાબર વાત, પરંતુ મંત્રીજી, કાયદા વ્યવસ્થા માટે ગોળી મારતા પહેલાં પ્રોટોકૉલ હોય છે."
"બંધારણમાં કોઈ ફાલતુ મંત્રીને આ પ્રકારના નિર્દેશ આપવાનો અધિકાર નથી. તમને આ પ્રકારનો નિર્દેશ આપવાનો કોઈ અધિકાર નથી."
મેહેર નામના ટ્વિટર યૂઝરે લખ્યું, "શું આ હુલ્લડ માટે ઉશ્કેરણી નથી? આ શું બકવાસ છે."
"તમે સરકારી પદાધિકારી છો. તમે આટલા બેજવાબદાર કેવી રીતે હોઈ શકો છો."
મુકુંથ નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું કે "તે લોકો પોલીસ પર પથ્થર ફેંકે, ટ્રેનો સળગાવે, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડે, સ્કૂલ બસ પર હુમલો કરે અને અરાજકતા ફેલાવે પણ સરકાર અને પોલીસ તેમનો માર ખાતી રહે અને જોઈ રહે."
"ગુંડાઓની હિંસાથી પ્રભાવિત થતા શાંતિપ્રિય નાગરિકોની સુરક્ષાનું શું, શૂટ ઍટ સાઇટ ઑર્ડર જરૂરી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો