CAAના વિરોધમાં મેવાણીએ કહ્યું, 'દેશના ઇતિહાસમાં આવો ખતરનાક કાયદો જોયો નથી'

નાગરિકતા સંશોધન કાયદાને લઈને પૂર્વોત્તર, દિલ્હી સહિત દેશમાં અલગઅલગ જગ્યાએ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે.

અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને નાગરિકતા સંશોધન કાયદો તથા પ્રસ્તાવિત નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન કાયદા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ-પ્રદર્શનમાં શહેરના જાણીતા લોકો, પત્રકારો, વકીલો, કર્મશીલો સહિત યુવાઓ અને મહિલાઓ અલગઅલગ પ્લેકાર્ડ અને બેનર લઈને ગાંધીઆશ્રમ બહાર ઊભા રહ્યા હતા.

પ્રદર્શન કરી રહેલા લોકોએ સાથે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે ફેસબુક લાઇવ કર્યું હતું.

જેમાં લોકોનું માનવું હતું કે આ કાયદો લાવ્યા એ જોતાં એવું લાગી રહ્યું છે કે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જે હિંદુઓ છે, એમનું હિંદુત્વ પણ આ કાયદાથી બચવાનું નથી.

બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ વિરોધમાં જોડાયા હતા.

તેઓએ કહ્યું કે 'આનાથી વધુ ખતરનાક અને કાળો કાયદો સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જોવા મળ્યો નથી.''કોઈ પણ સંજોગોમાં કાયદાને રોકવો પડશે. આ કાયદાને નહીં રોકી શકો તો, એનો મતલબ એમ કે તમે બંધારણને બચાવી નહીં શકો.'

કેટલાક પ્રદર્શનકારીઓનો મત હતો કે આ કાયદાને હિંદુ-મુસ્લિમનાં ચશ્માં પહેરીને જોવાની જરૂર નથી.

જાણીતા અર્થશાસ્ત્રી અને પ્રોફેસર હેમંતકુમારે શાહે કહ્યું કે 'લોકશાહીનો અર્થ માત્ર ચૂંટણી પૂરતો જ નથી. કોઈ પણ જાતની પૂર્વ ચર્ચા વિના એવી રીતે ખરડો પસાર થયો જાણે કે દેશની સંસદ અને સરકારને બધો અધિકાર છે અને લોકોને કોઈ અધિકાર જ નથી.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો