You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAA : વડોદરામાં ઉશ્કેરણીજનક ભીંતચિત્ર બનાવનારા પાંચ યુવકની ધરપકડ
મંગળવારે પણ દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારમાં સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ વિરુદ્ધ દેખાવો ચાલુ રહ્યા હતા.
વિપક્ષે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી દિલ્હીની હિંસા વિરુદ્ધ આવેદન આપ્યું હતું. બીજી બાજુ, અમિત શાહે કહ્યું હતું કે CAA લાગુ થશે જ.
બીજી બાજુ
દિલ્હીના જાફરાબાદમાં મંગળવારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે અશ્રુગૅસના સેલ છોડવા પડ્યા હતા.
સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, શરૂઆતમાં પ્રદર્શન શાંતિપૂર્ણ હતું, બાદમાં સ્થિતિ વણસી હતી.
નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવા ઊતરેલા લોકોએ બે બસને તોડી હતી. આ સિવાય અનેક કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
દિલ્હી પોલીસની સૂચના બાદ મેટ્રોના અનેક સ્ટેશનના દરવાજા બંધ કરી દેવાયા છે તથા અહીં ટ્રેનો હૉલ્ટ નથી કરી રહી.
'વિપક્ષે કરવો હોય એટલો વિરોધ કરે'
કેન્દ્રિીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક જાહેરકાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું વિપક્ષને કહેવા માગું છું કે જેટલો વિરોધ કરવો હોય એટલો કરી લો. મોદી સરકાર નવા નાગરિકતા કાયદાને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે."
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરના હિંસક વિરોધ-પ્રદર્શન માટે કૉંગ્રેસને જવાબદાર ઠેરવી હતી.
વડોદરામાં પાંચની ધરપકડ
ગુજરાતના વડોદરામાં પોલીસે સિટિઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ 2019ના વિરોધમાં કથિતપણે વાંધાજનક ભીંતચિત્ર બનાવવા સંદર્ભે પાંચ વિદ્યાર્થીની ધરપકડ કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ વડોદરાના ડીસીપીએ કહ્યું કે 'અમે સાત અજ્ઞાત આરોપીમાંથી પાંચની ધરપકડ કરી છે.તેમનો હેતુ ભીંતચિત્ર મારફત હિંસા ફેલાવવાનો હતો.'
જો કે તેઓ કોઈ રાજકીય પક્ષ કે વિદ્યાર્થીસંઘ સાથે સંકળાયેલા છે કે કેમ તે અંગે પોલીસે કોઈ સ્પષ્ટતા નથી કરી.
વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિને રજૂઆત
દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન વચ્ચે વિપક્ષ પાર્ટીઓના નેતાઓ કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા.
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને મોદી સરકારની ફરિયાદ કરી છે અને કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શનોને સરકાર ડામવાની કોશિશ કરી રહી છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે લોકતંત્રમાં લોકોનો અવાજ દબાવી ન શકાય.
રાષ્ટ્રપતિને મળવા આવેલાં સોનિયા ગાંધીએ કહ્યું, "નાગરિકતા કાયદાને લઈને પૂર્વોત્તર ભારતમાં શરૂ થયેલું વિરોધ-પ્રદર્શન આખા દેશમાં ફેલાઈ ગયું છે."
સોનિયા ગાંધીએ કહ્યું કે બહુ ગંભીર સ્થિતિ છે અને ડર છે કે હાલત બેકાબૂ ન થઈ જાય.
કૉંગ્રેસ પ્રમુખે કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સાથે પોલીસ ખોટી રીત અપનાવી રહી છે.
તો સીલમપુરમાં નાગરિકતા સંશોધન કાયદા પર થયેલી તોડફોડ મામલે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું:
"મારી બધા દિલ્હીવાસીઓને અપીલ છે કે શાંતિ રાખો. એક સભ્ય સમાજમાં કોઈ પણ પ્રકારની હિંસા ચલાવી ન લેવાય."
"હિંસાથી કંઈ મળતું નથી. પોતાની વાત શાંતિથી કહેવી જોઈએ."
દિલ્હીમાં હિંસાચક્ર
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ મુજબ હિંસામાં બે પોલીસ કર્મચારીને ઈજા પહોંચી છે.
ટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પોલીસની સામે જ હિંસક ભીડ વાહનોને નુકસાન પહોંચાડી રહી છે તથા રસ્તા ઉપર ઈંટ-પથ્થર વેરાયેલાં છે.
ઉત્તર-પૂર્વના અનેક વિસ્તારમાં બૅરિકૅડિંગ કરવામાં આવ્યું છે.
દરમિયાન સીલમપુરની મદરેસા તથા મસ્જિદોમાંથી શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી.
દિલ્હીની સાકેત કોર્ટે જામિયા મિલિયા યુનિવર્સિટી હિંસાના છ આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પર મોકલી દીધા છે.
માત્ર બે યુનિવર્સિટીમાં હિંસા
કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયના સૂત્રોને ટાંકતા એએનઆઈ જણાવે છે કે દેશભરમાં 42 યુનિવર્સિટીમાં CAA વિરુદ્ધ દેખાવો અને કૅન્ડલમાર્ચ જેવા કાર્યક્રમ આપવામાં આવ્યા હતા.
માત્ર બે યુનિવર્સિટી (જામિયા મિલિયા ઇસ્લામિયા, નવી દિલ્હી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અલીગઢ) ખાતે શૈક્ષણિકકાર્યને માઠી અસર પહોંચી છે અન્યત્ર રાબેતા મુજબ ક્લાસ ચાલી રહ્યા છે.
બંને યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો