You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAA વિરુદ્ધ બોલતાં સાવધાન ઇંડિયામાંથી સુશાંત સિંહની હકાલપટ્ટી? - Top News
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહે જાહેરાત કરી છે કે હવે તેઓ 'સાવધાન ઇંડિયા'માં હૉસ્ટ તરીકે જોવા નહીં મળે.
સુશાંત સિંહે ટ્વિટર ઉપર આ જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે 'સાવધાન ઇંડિયા સાથેનો મારો કાર્યકાળ સમાપ્ત થયો.'
સુશાંત સિંહ વર્ષ 2011થી સાવધાન ઇંડિયા શોને હૉસ્ટ કરી રહ્યા છે.
આ અંગે ચેનલ દ્વારા ઔપચારિક રીતે કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.
તેમણે એવા અણસર આપ્યા છે કે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ વિરુદ્ધ બોલવાને કારણે તેમની શોમાંથી હકાલપટ્ટી થઈ છે.
જ્યારે એક યૂઝરે લખ્યું કે 'શું સત્ય બોલવાની કિંમત ચૂકવી?'
તેના જવાબમાં સુશાંતે લખ્યું, 'દોસ્ત, બહુ નાની કિંમત છે. ભગત સિંહ, સુખદેવ તથા રાજ્યગુરુને શું જવાબ આપત?'
ઉલ્લેખનીય છેકે વર્ષ 2002માં રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ધ લિજેન્ડ ઑફ ભગત સિંહ' રજૂ થઈ હતી, જેમાં તેમણે સ્વાતંત્ર્ય સેનાની સુખદેવની ભૂમિકા ભજવી હતી, જ્યારે અજય દેવગણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જણાવ્યું છે કે ચાર મહિનામાં અયોધ્યામાં 'ભવ્ય' રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે.
'ઇંડિયા ટુડે'ના અહેવાલ અનુસાર ઝારખંડના પાકુરમાં એક ચૂંટણીસભાને સંબોધતાં શાહે રામમંદિરની વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું, "સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે. ચાર મહિનામાં ગગનચુંબી રામમંદિરનું અયોધ્યામાં નિર્માણ થશે."
અહીં મહત્ત્વપૂર્ણ છે કે 9મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અયોધ્યાની વિવાદાસ્પદ જમીન પર રામમંદિર બનાવવાનો માર્ગ મોકળો કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ માટે ત્રણ મહિનામાં એક ટ્રસ્ટનું ગઠન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
'આર્થિક મંદી વખતે નાગરિકતા સંશોધન કાયદાની શી જરૂર?'
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર નાગરિક સંશોધન કાયદાના વિરુદ્ધમાં દેશભરમાં થઈ રહેલા વિરોધ અંગે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા માગી છે.
કેજરીવાલે પૂછ્યું, "દેશ જ્યારે આર્થિક મંદી અને બેરોજગારી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે ત્યારે આ નવો કાયદો લાવવાની શી જરૂર હતી?"
તેમણે એવું પણ કહ્યું કે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ આ કાયદા વિરુદ્ધ પ્રદર્શનો કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે તેમની માગ અંગે વિચાર કરવો જોઈએ.
તેમણે આ કાયદાને ખતરનાક ગણાવતાં ઉમેર્યું, "અમે આનો વિરોધ કર્યો હતો અને સંસદમાં આના વિરુદ્ધમાં મતદાન પણ કર્યું હતું."
આ પહેલાં કેજરીવાલે જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિરોધપ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે ટ્વીટ કરીને આ મામલે ગૃહમંત્રી અમિત શાહ પાસે મળવા માટે સમય પણ માગ્યો હતો.
લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે આગામી સૈન્યપ્રમુખ
લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે દેશના આગામી સૈન્યપ્રમુખ બનશે. તેઓ જનરલ બિપિન રાવતની જગ્યા લેશે.
સૈન્યના વર્તમાન વડા બિપિન રાવતનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂર્ણ થશે અને એ જ દિવસે નરવણે પદભાર સંભાળશે. લેફ્ટનન્ટ નરવણે હાલમાં સૈન્યના ઉપપ્રમુખ છે.
તેમની નિયુક્તિ એવા સમયે કરાઈ છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર અને ઉગ્રવાદી પ્રવૃતિ જેવા મુદ્દાઓ પર તણાવ વ્યાપેલો છે.
લેફ્ટનન્ટ નરવણેનું કમિશન જૂન 1980માં શીખ લાઇટ ઇન્ફન્ટરી રેજિમૅન્ટમાં થયું હતું.
તેમને કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઉગ્રવાદવિરોધી અભિયાનોનો વ્યાપક અનુભવ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો