ગુજરાતમાં માથે મેલું ઉપાડવાની પ્રથા રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવાના ગુજરાત સરકારના પ્રયત્નો અંગે ગુજરાત હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે.

અહેવાલ અનુસાર એક સ્વયંસેવી સંસ્થા દ્વારા વર્ષ 2016માં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ આ મુદ્દે સરકાર દ્વારા લેવાયેલાં પગલાં પરત્વે સરકાર પ્રત્યેની પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે સંસ્થાએ મૅન્યુઅલ સ્કૅવેન્જિંગમાં રોકાયેલા નાગરિકોને ન્યાયિક વળતર ચૂકવવાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2014માં અપાયેલાં દિશા-નિર્દેશોનો રાજ્ય સરકાર દ્વારા પાલન કરાવવાના હેતુથી આ જાહેરહિતની અરજી કરી હતી.

આ સિવાય આ અરજીમાં રાજ્યમાં વર્ષ 1993થી મૅન્યુઅલ સ્કૅવેન્જિંગનું કામ કરતી વખતે મૃત્યુ પામેલા નાગરિકોની યાદી તૈયાર કરી તેમને યોગ્ય વળતર ચૂકવવા માટે હાઈકોર્ટની દાદ માગવામાં આવી હતી.

અરજીમાં ગુજરાત સરકાર મૅન્યુઅલ સ્કૅવેન્જિંગના કામમા રોકાયેલી વ્યક્તિના મૃત્યુ બદલ સંપૂર્ણ વળતર નહીં ચૂકવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે સરકારની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે વર્ષ 1993થી મૅન્યુઅલ સ્કૅવેન્જિંગને ગેરકાયદેસર ઠેરવતો કાયદો દેશમાં લાગુ કરી દેવાયો હોવા છતાં શું આજે પણ મોટા પ્રમાણમાં લોકો આ અમાનવીય કાર્ય કરવા માટે મજબૂર છે?

શું માથે મેલું ઉપાડવાની પ્રથા પરનો પ્રતિબંધ માત્ર કાગળ ઉપર જ રહ્યો છે અને ગુજરાત સરકાર કાયદો પસાર થયાનાં 26 વર્ષ બાદ પણ આ બદીથી નાગરિકોને મુક્ત કરવામાં ઊણી ઊતરી છે?

આ વિષય પર વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ રાજ્યમાં મૅન્યુઅલ સ્કૅવેન્જિંગ અટકાવવાની દિશામાં કાર્યરત કેટલાક જાણકારો સાથે વાત કરી.

મૅન્યુઅલ સ્કૅવેન્જિંગ એટલે શું?

યુનાઇટેડ નેશન્સ ઇન ઇન્ડિયાની વેબસાઇટમાં આપેલી વ્યાખ્યા અનુસાર 'અજળ જાજરૂં કે ગટરોમાં માનવીય મળમૂત્રની સફાઈ, નિકાલ કે તેને લગતી કોઈ પણ જાતની બિનયાંત્રિક વ્યવસ્થાને લગતાં કાર્યોનો સમાવેશ મૅન્યુઅલ સ્કૅવેન્જિંગમાં થાય છે.'

વેબસાઇટ અનુસાર મૅન્યુઅલ સ્કૅવેન્જિંગને લગતાં કામો મોટા ભાગે સામાન્ય સાધનોની સાથે કરવામાં આવે છે. જેમ કે, બાલટી-ઝાડુ વગેરે.

ભારતમાં મોટા ભાગે આ કામ સમાજના દલિત સમાજના લોકોને ભાગે આવતું હોય છે.

વેબસાઇટમાં આપેલી અન્ય માહિતી અનુસાર આ કામમાં રોકાયેલા લોકો ભારતના સૌથી ગરીબ અને દબાયેલા વર્ગમાંથી આવતા લોકો છે.

શું કાયદો માત્ર કાગળ પર જ છે?

ભારત સરકાર દ્વારા વર્ષ 1993માં મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ ઍન્ડ કન્સ્ટ્રક્શન ઑફ ડ્રાય લેટ્રિન્સ (પ્રોહિબિશન) એક્ટ લાગુ કરી સમગ્ર દેશમાંથી માથે મેલું ઉપાડવાની અમાનવીય પ્રથા નાબૂદ કરી દીધી હતી.

આ કાયદામાં સુધારો કરી વર્ષ 2013માં પ્રોહિબિશન ઑફ એમ્પ્લોયમૅન્ટ એસ મૅન્યુઅલ સ્કૅવેન્જિંગ ઍન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ બનાવાયો.

સુધારેલા કાયદામાં મૅન્યુઅલ સ્કૅવેન્જિંગના કામમાં નાગરિકને રોકવા બાબતે સજાની જોગવાઈ કડક બનાવવાની વાત પર વધુ ભાર અપાયો હતો.

આ કાયદાના ગુજરાત રાજ્યમાં થઈ રહેલા અમલ બાબતે દલિત કાર્યકર કાંતિલાલ પરમાર ચિંતા વ્યક્ત કરે છે.

તેમના મતે ગુજરાત સરકાર આ કાયદાના અમલ બાબતે સદંતર નિષ્ફળ નીવડી છે.

કાયદાના અમલ અંગે તેઓ કહે છે કે, "વર્ષ 1993માં આ કાયદો અમલમાં આવ્યા પછી માત્ર ગુજરાતમાં 195 મૅન્યુઅલ સ્કૅવેન્જિંગના કામમાં રોકાયેલા લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે."

"આ તમામ લોકોનાં મૃત્યુ સરકાર વતી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વતી કે પ્રાઇવેટ કૉન્ટ્રાક્ટરો વતી ગટરસફાઈનું કામ કરતી વખતે થયાં છે."

"સુપ્રીમ કોર્ટના 27 માર્ચ, 2014ના ચુકાદા અનુસાર મૅન્યુઅલ સ્કૅવેન્જિંગનું કામ કરતી વખતે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને સરકારે 10-10 લાખ રૂપિયા વળતરપેટે ચૂકવવાનો આદેશ કરાયો હતો"

"તેમજ આ ચુકાદામાં આવી રીતે મૃત્યુ પામેલા લોકોના પરિવારોના પુનર્વસન માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે."

"પરંતુ આ તમામ જોગવાઈઓ માત્ર કાગળ પર જ છે. અત્યાર સુધી ગુજરાત સરકારે 200 વ્યક્તિઓ પૈકી માત્ર 58 લોકોને જ યથાયોગ્ય વળતર ચૂકવ્યું છે."

"જ્યારે બાકીના લોકોને કોઈને કોઈ કારણ આગળ ધરી વળતર ચૂકવવાની ના પાડી દીધી છે. કાં તો અપૂરતું વળતર ચૂકવ્યું છે."

અસંવેદનશીલ સરકાર?

ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરનાર માનવ ગરિમા ટ્રસ્ટના પ્રમુખ પુરુષોત્તમ વાઘેલા જણાવે છે કે, "સુપ્રીમ કોર્ટના વર્ષ 2014ના આદેશ બાદ ગુજરાતમાં 85 લોકોનાં મૅન્યુઅલ સ્કૅવેન્જિંગનું કામ કરતી વખતે મોત નીપજ્યાં હતાં."

"આ સિવાય ગુજરાત સરકારે 10 મે, 2019ના રોજ પરિપત્ર બહાર પાડીને રાજ્યમાં મૅન્યુઅલ સ્કૅવેન્જિંગનું કામ કરતી વખતે નીપજેલા મૃત્યુ બાબતે જે-તે નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાશે એવો આદેશ કર્યો હતો."

"આ નવા નિયમની પણ વહીવટી તંત્ર દ્વારા અદેખાઈ થઈ રહી છે."

"આ સિવાય અમારી સંસ્થા દ્વારા ભેગા કરાયેલા આંકડા અનુસાર 1993 પછી દર 3 થી 4 માસમાં 5 મૅન્યુઅલ સ્કૅવેન્જિંગના કામમાં જોડાયેલા લોકોનાં મૃત્યુ આ કામ કરતી વખતે નીપજે છે."

"સુપ્રીમ કોર્ટે આપેલાં દિશા-નિર્દેશોની ફિકર કર્યા વગર કોઈ પણ જાતનાં સુરક્ષા ઉપકરણો વગર કામદારોને ગટરમાં ઉતારી દેવાય છે."

"સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ગટરસફાઈનું કામ કરનાર લોકો માટે 54 પ્રકારના સુરક્ષાઉપકરણો રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ વસાવવાની વાત કરી છે."

"આ નિર્દેશનો પણ સંપૂર્ણપણે અમલ નથી થતો."

"આ સિવાય ગટર સાફ કરતી વખતે જ્યારે કોઈ કામદારનું મૃત્યુ થાય છે ત્યારે નવી યોજના પ્રમાણે સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા કૉન્ટ્રેક્ટરને આરોપી બનાવી દેવાય છે."

"જ્યારે આવા બનાવોની સંપૂર્ણ જવાબદારી સરકારની બને છે."

"જે લોકો ગટરસફાઇનું કામ કરતી વખતે મૃત્યુ પામ્યા હોય છે તેમના સગાંવહાલાં પ્રત્યે પણ ગુજરાત સરકાર માનવીય વલણ દાખવીને તેમના માટે કામ કરતા ખચકાતી હોય તેવું લાગી રહ્યું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો