You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના પાટીદારો અમિત શાહનો વિરોધ કેમ કરી રહ્યા છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઊંઝામાં આવેલા ઉમિયાધામ ખાતે યોજાનારા લક્ષચંડી યજ્ઞમાં હાજર રહેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ અપાતા પાટીદાર સમુદાયમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કાળાં વસ્ત્રો પહેરીને વિરોધ કરવાનું નક્કી કરાયું છે.
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરાયેલા પોલીસના ગોળીબારમાં 14 પાટીદાર યુવાનોનાં મૃત્યુ થયાં હતાં.
જેને પગલે પાટીદારો અમિત શાહનો વિરોધ કરી રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
હાર્દિક પટેલે જાહેરાત કરી છે કે તેમને મહેસાણામાં પ્રવેશની મંજૂરી ન હોવાથી તેમના સ્થાને માત્ર તેમનાં પત્ની પૂજામાં બેસશે.
વિરોધનું કારણ, રાજકારણ
પાટીદાર આંદોલન દરમિયાન પોલીસની ગોળીનો ભોગ બનનારા અરવિંદ પટેલના ભાઈ બ્રિજેશ પટેલે જણાવ્યું:
"પટેલ યુવાનોને શહીદ કરવામાં અને આંદોલનકારીઓને ઘરમાંથી બહાર કાઢીને મારવાના આદેશો અમિત શાહે આપ્યા હતા."
"અમિત શાહને કારણે અમારી ઉપર દમન ગુજરાયું હતું. મેં મારો ભાઈ ખોયો."
"અમારી બહેન-દીકરીઓને પણ ઘરમાંથી બહાર કાઢીને મારવામાં આવી. એટલે અમે અમિત શાહનો વિરોધ કરીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિજેશ પટેલનો દાવો છે કે તેમણે આ અંગે ઉમિયાધામના ટ્રસ્ટીઓને માહિતગાર કર્યા છે.
જોકે, રાજકીય ફાયદો મેળવવા માટે શાહને આમંત્રણ અપાયું હોવાનો તેઓ આરોપ લગાવે છે.
'પત્ની પૂજામાં બેસશે'
આ અંગે પટેલ નેતા હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે આ અંગે હું વ્યક્તિ વિષે કઈ કહેવા નથી માગતો, કારણ કે આ ધાર્મિક પ્રસંગ છે, એમાં રાજકારણ લાવવું મને પસંદ નથી
"પરંતુ હું પોતે આ યજ્ઞમાં યજમાન હોવા છતાં મને ત્યાં જવા પર મનાઈ છે. સરકાર કિન્નાખોરી રાખીને વર્તી રહી છે."
"પાંચ વર્ષથી હું ત્યાં ગયો નથી, કારણ કે મને મહેસાણા જવા દેવામાં આવતો નથી. મંદિરમાં પણ જવા દેતા નથી."
"મેં યજમાન તરીકે યજ્ઞમાં પાટલો લીધો છે અને ઉમિયા ટ્રસ્ટ દ્વારા મને યજમાન તરીકે આમંત્રણ આપ્યું છે."
"સરકાર મને કાયદાના નામે મંદિર સુધી જવા દેતી નથી એનું મને દુઃખ છે."
"જો મને નહીં જવા દે તો મારી પત્ની કળશ લઈ એકલી પૂજામાં જશે અને પૂજા કરશે."
પાટીદાર નેતા 2019ની લોકસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં જોડાયા હતા અને તેમને જામનગર કે અમરેલીની બેઠક ઉપરથી ટિકિટ મળશે તેવી ચર્ચા હતી.
અમિત શાહના આમંત્રણ વિષે વધુ ટીકાટિપ્પણી કરવાનો ઇન્કાર કરતા હાર્દિક પટેલે કહ્યું કે, આ પટેલ યુવાનો પાર થયેલા દમનનો પડઘો છે એટલે યુવાનો એનો વિરોધ કરી રહ્યા છે.
હાર્દિકે કહ્યું, "અમિત શાહે એ ન ભૂલવું જોઈએ કે સુરતમાં જેમ ભાગવું પડ્યું હતું એમ અહીંથી ભાગવું પડશે, કારણ કે યુવાનોમાં એમના પ્રત્યે ખૂબ જ આક્રોશ છે."
"હું આશા રાખું કે આવા ધાર્મિક પ્રસંગે કેટલાક ટ્રસ્ટી અમિત શાહને વ્હાલા થવા પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ ન કરે તો સારું."
કાળાં કપડાં પહેરી વિરોધ
અમિત શાહને અપાયેલા આમંત્રણનો વિરોધ પટેલ આગેવાન કૌશિક પટેલ પણ કરી રહ્યા છે.
કૌશિક પટેલ જણાવે છે, "અમિત શાહ સાથે ઘરોબો કેળવવા માટે ઉમિયાધામના ટ્રસ્ટીઓએ તેમને આમંત્રણ આપ્યું છે.""અમે અમિત શાહને ઉમિયાધામમાં પગ મૂકવા નહીં દઈએ."
"વીસનગરથી પાંચ હજાર લોકો કાળાં વસ્ત્રો પહેરીને કાર્યક્રમમાં હાજર રહેશે."
"માત્ર વીસનગર જ નહીં, ગુજરાતના અલગઅલગ વિસ્તારોમાંથી યુવાનો આ યજ્ઞમાં હાજર રહેશે અને અમિત શાહનો વિરોધ કરશે."
કૉંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલે આ અંગે વાત કરતાં જણાવ્યું કે પટેલ યુવાનો પર કરાયેલા દમનનો આ પડઘો છે અને એટલે જ પટેલ યુવાનો અમિત શાહનો વિરોધ કરી રહ્યા છે.
"અમિત શાહને જે રીતે સુરતમાંથી ભાગવું પડ્યું હતું. એ જ રીતે અહીંથી પણ ભાગવું પડશે."
"પાટીદાર યુવાનોમાં તેમના વિરુદ્ધ ભારે આક્રોશ છે."
હાર્દિકે ઉમિયાધામના ટ્રસ્ટીઓ પર રાજકીય લાભ ખાટવા અમિત શાહને આમંત્રણ પાઠવાયું હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
વ્યક્તિગત વિરોધથી ફેર નહીં
આ અંગે વાત કરતાં ઉમિયાધામના ટ્રસ્ટી દિલીપ પટેલે જણાવ્યું:
"પોતાના અંગત વાંધાને પગલે કોઈ અમિત શાહનો વિરોધ કરે એનો અમને કોઈ ફેર પડતો નથી. કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે."
કાર્યક્રમ દરમિયાન 40 લાખ લોકો ઊમટશે એવો દિલીપ પટેલનો દાવો છે.
તા. 18 તારીખથી ઉમિયાધામ ખાતે આ ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે.
અમિત શાહના આગમન દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસ પણ સતર્ક છે.
મહેસાણાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસે આ અંગે વાત કરતા જણાવ્યું:
"પોલીસ સતર્ક છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસના 100 તંબુ બનાવવામાં આવ્યા છે."
"ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે એ માટે રૂટને ડાયવર્ટ કરાયા છે."
"પોલીસે ખાસ હેલ્પલાઇન પણ શરૂ કરી છે. ઉપરાંત ધાર્મિક પ્રસંગ દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ માટે પાંચ હજારથી વધુ પોલીસજવાનો તહેનાત કરાયા છે."
અહીં એ વાત પણ મહત્ત્વની છે કે પાટીદાર આંદોલન બાદ વર્ષ 2017માં 7મી સપ્ટેમ્બરે અમિત શાહને સુરતમાં એક જાહેરસભા દરમિયાન પાટીદારોના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું અને કાર્યક્રમ છોડીને જતા રહેવાની ફરજ પડી હતી.
એ ઘટના બાદ આ પાટીદારોનો આ પ્રથમ એવો જાહેર કાર્યક્રમ છે, જેમાં અમિત શાહ હાજર રહેવાના છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો