નાગરિક સંશોધન કાયદાનો વિવાદ : જ્યારે નરેન્દ્ર મોદી પોતે વિદ્યાર્થી આંદોલનમાં જોડાયા હતા

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

"ડિસેમ્બર, 1973માં મોરબી એન્જિનિયરિંગ કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ તેમના ફૂડ-બિલમાં થયેલા અસાધારણ વધારા સામે વિરોધ કર્યો. આ વિરોધને જોતજોતામાં વ્યાપક ટેકો મળ્યો અને પરિણામે સરકાર સામે રાજ્ય (ગુજરાત)માં એક વ્યાપક જનઆંદોલન શરૂ થયું. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર અથાગ પ્રયાસો છતાં લોકોનો અસંતોષ ડામી શકી નહીં."

"વર્ષ 1973માં નરેન્દ્ર મોદીએ સામાજિક સક્રિયતા તેમજ સામાન્ય પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નોમાં ઊંડો રસ લેવાનું શરૂ કરી દીધું હતું."

"એક યુવાપ્રચારક અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સહયોગી તરીકે નરેન્દ્ર મોદી નવનિર્માણ આંદોલનમાં જોડાયા હતા અને તેમને સોંપવામાં આવેલી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી હતી."

"જયપ્રકાશ નારાયણ અમદાવાદ આવ્યા, ત્યારે એ લોકલાડીલા નેતાના સંપર્કમાં આવવા અને તેમની સાથે નિકટ રહીને કામ કરવાની તક નરેન્દ્ર મોદીને મળી હતી."

"નવનિર્માણ આંદોલન ખૂબ જ સફળ રહ્યું હતું અને ચીમનભાઈ પટેલને મુખ્ય મંત્રીપદેથી ફક્ત છ મહિનામાં જ રાજીનામું આપવાની ફરજ પડી હતી."

ઉપરોક્ત શબ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેબસાઇટ પરથી લેવામાં આવ્યા છે.

દિલ્હીમાં આવેલી જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ દ્વારા નાગરિક સંશોધન કાયદા (CAA)ના વિરુદ્ધમાં કરાયેલાં પ્રદર્શનો અને બાદ પોલીસ દ્વારા કરાયેલા બળપ્રયોગના સમાચારો તાજા છે, ત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓના 'સફળ આંદોલન' અને તેમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ઉપરોક્ત શબ્દમાં ઉજાગર કરાઈ છે.

વેબસાઇટ પર 'નવનિર્માણ આંદોલન (1974) : વિદ્યાર્થીશક્તિએ જ્યારે માંદી 'જૈસે થે'ની સ્થિતિને ખડખડાવી નાખી' શીર્ષક હેઠળ ગુજરાતમાં વિદ્યાર્થીઓની આગેવાનીમાં આદરાયેલા 'નવનિર્માણ આંદોલન'ની માહિતી આપવામાં આવી છે.

આંદોલન દરમિયાન નરેન્દ્ર મોદીએ ભજવેલી સક્રિય રાજકીય ભૂમિકાની વાત કંઈક આવી રીતે કરવમાં આવી છે:

"આ ચળવળના પગલે જ નરેન્દ્ર મોદીને તેમની રાજકીય કારકિર્દીમાં પહેલો હોદ્દો - 'ગુજરાતમાં લોકસંઘર્ષ સમિતિના મહામંત્રી' તરીકેનો મળ્યો હતો."

"આ ચળવળ દરમિયાન તેમને વિદ્યાર્થીઓના પ્રશ્નો ખૂબ જ નિકટથી સમજવાની વિશેષ તક મળી અને તેઓ મુખ્ય મંત્રી બન્યા, ત્યારે એ તક તેમના માટે મહત્ત્વની મૂડી જેવી સાબિત થઈ હતી."

"વર્ષ 2001થી તેમણે (નરેન્દ્ર મોદીએ) શિક્ષણક્ષેત્રે સુધારા ઉપર વિશેષ ધ્યાન આપ્યું અને ગુજરાતની યુવા પેઢીને વિશ્વ સ્તરનું શિક્ષણ સુલભ બનાવ્યું."

નવનિર્માણ આંદોલન શું હતું?

નવનિર્માણ આંદોલન એ 1973માં ગુજરાતના વિદ્યાર્થીઓની આગેવાનીમાં થયેલું જનઆંદોલન હતું. જેણે એ વખતની ચીમનભાઈ પટેલની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી હતી.

અમદાવાદમાં આવેલી લાલભાઈ દલપતભાઈ કૉલેજ ઑફ એન્જિનિયરિંગની મેસના ફૂડ-બિલમાં કરાયેલા વધારાનો હૉસ્ટેલના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો, જેમાં અન્ય હૉસ્ટેલો અને શહેરના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

જોતજોતામાં વિદ્યાર્થીનો વિરોધ લોકવિરોધમાં ફેરવાઈ ગયો હતો.

નવનિર્માણ આંદોલન અને ગુજરાતમાં થયેલાં બીજાં કેટલાંક આંદોલનો પર 'પ્રોટેસ્ટ મૂવમૅન્ટ્સ ઍન્ડ સિટીઝન્સ રાઇટ્સ ઇન ગુજરાત' નામનું પુસ્તક લખનારાં વર્ષા ભગત-ગાંગુલી 'ગુજરાતના નવનિર્માણ આંદોલનની પુનર્મુલાકાત' નામના એક લેખમાં લખે છે:

"અનાજના ભાવવધારા અને ભ્રષ્ટાચારના મુદ્દે આ વિરોધ થયો અને તેને સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સમૂહોનું સમર્થન મળ્યું. દસ અઠવાડિયાંમાં તેણે બે રાજકીય ઉદ્દેશ પૂર્ણ કર્યા."

"9મી ફ્રેબ્રઆરીએ મુખ્ય મંત્રી ચિમનભાઈ પટેલનું રાજીનામું લેવાયું અને 15મી માર્ચે વિધાનસભાનું વિસર્જન કરાયું.""સ્વતંત્ર ભારતનું કદાચ આ પહેલું સફળ આંદોલન હતું કે જેમાં બિનસંસદીય જનજમાવટે ચૂંટાયેલી સરકારને હઠાવી દીધી."

નવનિર્માણ આંદોલન દરમિયાન જયપ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા હતા અને બિહાર પરત ફરીને તેમણે સામાજિક ન્યાય માટે હાકલ કરી હતી.

'સંપૂર્ણ ક્રાંતિ' નામના પુસ્તકમાં જયપ્રકાશ લખે છે કે સમસ્યાઓથી ઘેરાયેલા દેશને ગુજરાતે અજવાળું દેખાડ્યું હતું.

"ગુજરાતના વિદ્યાર્થીઓને શ્રેય આપવું ઘટે કે તેમણે પ્રથમ વખત પોતાની માગોથી ઉપર હઠીને કેટલીય એવી માગો માટે સંઘર્ષ કર્યો કે જે રાષ્ટ્રની માગો છે. સમગ્ર દેશની જનતાની માગો છે."

"એ વાત ગુજરાતે સામે રાખી કે આજે જે મંત્રીમંડળ છે એ બહુ જ ભ્રષ્ટ છે. એનો ભ્રષ્ટાચાર સહન કરવાને લાયક નથી અને ભ્રષ્ટાચારને દૂર કરવો હોય તો આ મંત્રીમંડળને હઠાવવું જોઈએ."

"મોંઘવારી બહુ છે તે ખતમ થવી જોઈએ. બેરોજગારી છે, ભણેલાઓની, અભણોની એ ખતમ થવી જોઈએ.""હવે આ ત્રણ જે વાતો હતી, ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી, એ કંઈ ગુજરાતના વિદ્યાર્થીઓની જ સમસ્યા નહોતી.""સમગ્ર સમાજની હતી અને ગુજરાતના સમાજની જ નહીં, સમગ્ર દેશના સમાજની હતી. આવું પ્રથમ વખત થયું છે."

વિરોધ કરનારા કપડાં પરથી ઓળખાય?

CAAની વાત પર પરત ફરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર નાગરિકતા સંશોધન કાયદા સામેના હિંસક પ્રતિકારને દુર્ભાગ્યપૂર્ણ અને ભારે દુ:ખદ ગણાવ્યો છે.

તેમણે લખ્યું, "ચર્ચા અને અસહમતી એ લોકશાહીનાં અનિવાર્ય તત્ત્વો છે પણ જાહેર સંપત્તિ અને સામાન્ય જનજીવનને ખલેલ પહોંચાડવી એ ક્યારેય આપણાં મૂલ્યો રહ્યાં નથી."

જોકે, વિદ્યાર્થીચળવળ દરમિયાન નરેન્દ્ર મોદીની સક્રિયતા અને હાલમાં વિદ્યાર્થીઓ સાથે પોલીસે કરેલા બળપ્રયોગ બાદ વડા પ્રધાન તરીકે મોદીએ વ્યક્ત કરેલો મત વિરોધાભાસી જણાય છે.

નાગરિક સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા રવિવારે કરાયેલા વિરોધપ્રદર્શન બાદ હિંસા ફાટી નીકળી અને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક સંઘર્ષ જોવા મળ્યો.

પોલીસ દ્વારા અશ્રૃગૅસના કેટલાય ગોળા છોડવામાં આવ્યા અને જામિયા મિલિયાના કૅમ્પસમાં પોલીસ ઘૂસી ગઈ.

લાઇબ્રેરીમાં પણ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને કેટલાય વિદ્યાર્થીઓને ઈજા પણ પહોચી.

જોકે દિલ્હીમાં આ મુદ્દે મોડી રાત સુધી ચાલેલી બબાલના બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં એક ચૂંટણીસભા સંબોધતી વખતે નાગરિક સંશોધન કાયદાનો વિરોધ કરનારા લોકો પર ટિપ્પણી કરતાં જણાવ્યું, "આગ લગાડનારા કપડાં પરથી જ ઓળખાઈ જાય છે."

મોદીએ ઉમેર્યું, "આ કૉંગ્રેસવાળા અને તેમના સાથી હોબાળો કરી રહ્યા છે. તોફાન કરી રહ્યા છે અને તેમનું ચાલતું નથી એટલે આગજની ફેલાવી રહ્યા છે. જે આગ લગાવી રહ્યા છે, ટીવી પર જે દૃશ્યો આવી રહ્યાં છે, આ આગ લગાડનારા કોણ છે, એ એમનાં કપડાં પરથી જ ઓળખાઈ જાય છે."

'સત્તાનો સ્વભાવ'

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ આ અંગે વાત કરતા જણાવે છે કે "સત્તાનો સ્વભાવ હોય છે. સત્તામાં જે બેઠા હોય એ પોતે જ્યારે વિદ્યાર્થીનેતા હતા એ ભૂલીને સત્તાને અનુકૂળ હોય એની વાતો કરતા હોય છે."

જોકે, રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા આ વાતથી સહમત જણાતા નથી.

તેઓ જણાવે છે, "નવનિર્માણ આંદોલન વખતે નરેન્દ્ર મોદીની ભૂમિકા અને હાલના સમયમાં સરકારની ભૂમિકા વચ્ચે કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ જોવા મળતો નથી."

"નરેન્દ્ર મોદી નવનિર્માણ આંદોલન વખતે સક્રિય હતા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અલગઅલગ સંગઠનો સાથે સંપર્કમાં પણ છે."

"પણ જામિયા મિલિયા ઇસ્લામિયામાં કોઈ અલગ કાવતરું થયું હોવાની શંકા છે. વિરોધપક્ષ અને ખાસ કરીને ડાબેરીઓની ઉશ્કેરણીમાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. વિદ્યાર્થીઓ સુધી સાચી માહિતી પહોંચી નથી."

જોકે, રાજકીય પક્ષ પાસે સત્તા છે કે નહીં, તેના આધારે તેમનો દૃષ્ટિકોણ નક્કી થતો હોવાનું એમ. એસ. યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનવિભાગના પ્રોફેસર અમિત ધોળકિયાનું માનવું છે.

તેઓ જણાવે છે, "સ્વાભાવિક છે કે જ્યારે વિરોધ પક્ષમાં હોય ત્યારે રાજકીય પક્ષોને આ પ્રકારનાં આંદોલન મદદરૂપ લાગતાં હોય છે."

"બહુ દૂરના ભૂતકાળની વાત ન કરતાં વર્ષ 2011માં થેયલા અન્ના હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનનો દાખલો આપણી સમક્ષ હાજર જ છે."

"એ વખતે ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ભાજપ સાથે સંકળાયેલાં અન્ય સંગઠનોએ કેન્દ્રની કૉંગ્રેસ સરકાર સામે દેખાવો કર્યા હતા."

"એ વખતે ન તો સરકાર દ્વારા કે ન તો પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા, કારણ કે એ આંદોલનો કૉંગ્રેસની સરકાર વિરુદ્ધ હતાં અને ભાજપને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મદદ કરતાં હતાં."

"તમે સત્તામાં કે વિરોધમાં બેઠા હો તેના પરથી રાજકારણનો દૃષ્ટિકોણ નક્કી થતો હોય છે. હાલના તબક્કે જોવા મળી રહેલી વિરોધાભાસી ઘટનાઓ પાછળનું પણ આ જ કારણ છે."

વિદ્યાર્થીઓને દેશનું ભવિષ્ય ગણાવતાં તેઓ ઉમેરે છે, "વિદ્યાર્થીઓ સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવું જોઈએ. સરકાર અને પોલીસ બન્નેએ એમની સાથે બેસીને સંવાદ કરવો જોઈએ."

નવનિર્માણ આંદોલનની આગેવાની કરનારા એ વખતના વિદ્યાર્થીનેતા મનીષી જાની આ મુદ્દે વાત કરતાં જણાવે છે:

"નવનિર્માણ વખતે કૉંગ્રેસના નેતા જે ભાષા બોલી રહ્યા હતા, એ જ ભાષા અત્યારે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર બોલી રહી છે."

"એ વખતે પણ ગુજરાતના મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ અને અને એ વખતનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધી કહેતાં હતાં કે યુવાનો હાથા બની ગયા છે. અત્યારે પણ આવું જ કહેવાઈ રહ્યું છે. એટલે આ બધુ બહુ જ હાસ્યાસ્પદ લાગે છે."

મનીષી જાની એવો પણ દાવો કરે છે કે નવનિર્માણ આંદોલન વખતે તેઓ ક્યારેય નરેન્દ્ર મોદીને નહોતા મળ્યા. મોદી સાથે તેમનો ભેટો છેક વર્ષ 1984માં થયો હતો. જ્યારે નવનિર્માણ આંદોલન વર્ષ 1973-74માં થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો