You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAA : ભાજપના મિસ્ડ-કૉલ અભિયાન પર સવાલો કેમ ઊઠી રહ્યા છે?
દેશમાં કેટલા લોકો નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં છે, તેની સંખ્યા દર્શાવવાના ઉદ્દેશથી ભાજપે બે દિવસ પહેલાં એક મોબાઇલ નંબર જાહેર કર્યો હતો.
પાર્ટી તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ નંબર પર મિસ્ડ કૉલ કરીને કોઈ પણ વ્યક્તિ નાગરિકતા સંશોધન કાયદા મામલે મોદી સરકારના નિર્ણયને સમર્થન આપી શકે છે.
પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ નંબર પર વધુમાં વધુ મિસ્ડ કૉલ કરાવવા માટે અલગ-અલગ પ્રકારના દાવા કરી રહ્યા છે.
ટ્વિટર, ફેસબુક અને વૉટ્સઍપ સહિત સોશિયલ મીડિયાનાં અન્ય પ્લૅટફૉર્મ પર આ નંબર પર કૉલ કરવાથી ઘણા પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થશે એવો દાવો કરાઈ રહ્યો છે.
છોકરીઓના નામે સોશિયલ મીડિયા પર ઘણાં બોગસ એકાઉન્ટ છે, જેમના પરથી ભાજપે આપેલો મોબાઇલ નંબર પોસ્ટ કરવામાં આવ્યો છે અને લખ્યું છે કે આ છોકરીઓ સાથે વાત કરવા માટે આ નંબર પર કૉલ કરો.
2 જાન્યુઆરી 2020ના રોજ ભાજપે તેના ઔપચારિક ટ્વિટર હૅન્ડલ પરથી આ નંબરની જાહેરાત કરી હતી.
#IndiaSupportsCAA સાથે પાર્ટીએ ટ્વીટમાં લખ્યું હતું, 'નાગરિકતા સંશોધન અધિનિયમ-2019ને પોતાનું સમર્થન આપવા 8866288662 પર મિસ્ડ કૉલ આપો.'
ત્યારબાદ 3 જાન્યુઆરીના રોજ ભારતના ગૃહમંત્રી અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનના જોધપુરમાં થયેલી એક સભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "હું એક નંબર કહીશ, તેના પર કૉલ કરજો. કોઈ ચાર્જ નહીં લાગે અને તમારું સમર્થન નરેન્દ્ર મોદી પાસે પહોંચી જશે."
"મારી તમારા સમક્ષ પ્રાર્થના છે કે રાહુલ બાબા, મમતા અને કેજરીવાલની ટોળકીને જવાબ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા અલ્પસંખ્યકોને ન્યાય તેમજ અધિકાર આપતા CAAને તમારું સમર્થન આપવા 8866288662 ડાયલ કરો અને તમારું સમર્થન મોદીજી સુધી પહોંચાડો."
ભ્રામક મૅસેજ
સોશિયલ મીડિયા પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ગૃહમંત્રી અમિત શાહે આ નંબરનો પ્રચાર કરતા પાર્ટીનો ઉદ્દેશ તો જણાવ્યો છે, પરંતુ તેમણે એ નથી જણાવ્યું કે જે ડેટા તેઓ એકત્રિત કરી રહ્યા છે, તેની માન્યતા શું હશે?
એ પણ ત્યારે, જ્યારે આ નંબર પર ખોટી રીતે મિસ્ડ કૉલ મેળવવા માટે સોશિયલ મીડિયા યૂઝર્સ અલગ-અલગ તરકીબ અજમાવી રહ્યા છે.
છેલ્લા બે દિવસો દરમિયાન પાર્ટીના મોટા નેતા આ નંબરનો પોત-પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પ્રચાર કરી ચૂક્યા છે.
પરંતુ આ નંબરની હવે સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે અને ઘણા લોકો તેની ટીકા કરી રહ્યા છે.
નેટફ્લિક્સ ઇન્ડિયાએ પણ આ નંબર સાથે શૅર થઈ રહેલા ભ્રામક સંદેશનું ખંડન કરવું પડ્યું છે.
મુરલી કૃષ્ણ નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું હતું, "6 મહિના સુધી ફ્રી નેટફ્લિક્સ જોવા માટે 8866288662 પર કૉલ કરો. આ ઑફર કૉલ કરનારા પહેલા હજાર લોકો માટે જ છે."
તેના જવાબમાં નેટફ્લિક્સ ઇન્ડિયાએ લખ્યું, "આ સમાચાર એકદમ બોગસ છે."
શનિવારના રોજ જ મધ્ય પ્રદેશના એક સ્થાનિક કૉંગ્રેસ નેતા દેવાશિષ ઝરરિયાએ પણ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં એક મોબાઇલ નંબર જાહેર કર્યો.
આ નંબર શનિવારના રોજ ટ્વિટરના ટૉપ ટ્રૅન્ડ્સમાં સામેલ હતો.
તેમણે પણ ભાજપની જેમ જ લોકોને અપીલ કરી અને #99535_88585_AgainstCAA સાથે લખ્યું, "ચાલો એકસાથે મળીને વિરોધ કરીએ. #IndiaAgainstCAA_NPR_NRC આ નંબર પર મિસ્ડ કૉલ કરો અને મોદી-શાહને જણાવી દો કે દેશનો શું મૂડ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો