BBC TOP NEWS : લોકો બીફ ખાવાનું બંધ કરે તો લિંચિંગ બંધ થશે : આરએસએસના નેતા

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના નેતા ઇન્દ્રેશ કુમારે સોમવારે કહ્યું હતું કે લોકો બીફ ખાવાનું બંધ કરી દે તો લિંચિંગ જેવા ગુનાઓ થતા અટકાવી શકાય.

રાજસ્થાનના અલવર જિલ્લામાં ગૌ તસ્કરીની આશંકાએ ઘટેલી લિંચિંગની ઘટના બાદ આરએસએસના નેતાએ આ ટિપ્પણી કરી હતી.

ઝારખંડના રાંચી ખાતે હિંદુ જાગરણ મંચના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા આવેલા ઇન્દ્રેશ કુમારે પત્રકાર પરિષદમા કહ્યું હતું કે, "લિંચિંગ જેવી ઘટનાઓ સ્વીકારી ન શકાય, પણ લોકોએ એ માટે પહેલાં બીફ ખાવાનું બંધ કરવું જોઈએ."

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે ઉમેર્યું હતું કે, "આ માટે કાયદો બનવો જોઈએ પણ સમાજે તેનો સામનો કરવા માટે 'સંસ્કાર'નો ઉપયોગ કરવો પડશે."

વૉટ્સઍપ ગ્રૂપમાં ફૉર્વર્ડ થઈ રહેલા મૅસેજના કારણે ઍડમિનને જેલની સજા

વૉટ્સઍપ ગ્રૂપમાં ફૉર્વર્ડ થઈ રહેલા મૅસેજના કારણે ગ્રૂપના ઍડમિનને જેલની સજા થઈ છે.

'ફાઇનાન્સિયલ એક્સપ્રેસ'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી જુનૈદ ખાન વૉટ્સઍપ ગ્રૂપમાં કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ફૉર્વર્ડ કરાયેલા મૅસેજના કારણે પાંચ મહિનાથી જેલમાં છે.

ગ્રૂપના ઍડમિન હોવાના કારણે જુનૈદ ખાનની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી.

21 વર્ષીય જુનૈદ ખાન બીએસસીના વિદ્યાર્થી છે. 14 ફેબ્રુઆરીના રોજ તેની ધરપકડ કરાઈ હતી.

આ ગ્રૂપમાં કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આપત્તીજનક મૅસેજ કરવામાં આવ્યો હતો. જે અંગે સ્થાનિક લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ પાસે જ્યારે આ કેસ આવ્યો ત્યારે ગ્રૂપના ઍડમિન જુનૈદ હોવાથી તેમની ધરપકડ કરાઈ હતી.

મોબ લિંચિંગ : ચાર મહિલાઓને માર માર્યો

'હિન્દુસ્તાન ટાઇમ્સ'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળના જલપાઇગુરી જિલ્લામાં બાળકચોરીની શંકાએ ટોળાંએ ચાર મહિલાઓને માર માર્યો હતો અને એ પૈકી બે મહિલાઓનાં કપડાં પણ કાઢી લેવાયાં હતાં.

પોલીસ દ્વારા મહિલાઓને ટોળાં વચ્ચેથી રેસ્ક્યૂ કરાઈ હતી, જોકે આ ઘટનામાં સોમવાર રાત સુધી કોઈ ધરપકડ ન કરાઈ હોવાનું પણ અહેવાલમાં નોંધ્યું હતું.

આ ચાર મહિલાઓ ડૌકીમરી ગામના બજારમાં ગઈ હતી. ચાર પૈકી ફક્ત બે મહિલા જ એકબીજાને ઓળખતી હતી અને સાથે આવી હતી. જ્યારે અન્ય બે મહિલાઓ પોતાના કામથી બજારમાં આવી હતી.

ગામમાં તાત્કાલિક વાત ફેલાઈ હતી કે બાળકોને ઉપાડી જતી મહિલાઓ આવી છે. ઝડપથી ફેલાઈ ગયેલી ઉત્તેજનાનો ભોગ આ ચાર મહિલા બની હતી.

પોલીસે ટોળાંની આગેવાની લેવા બદલ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ વિરુદ્ધ સુઓમોટો ફરિયાદ દાખલ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવાન્ડાની મુલાકાતે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવાન્ડાની મુલાકાતે છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે રવાન્ડાના રાષ્ટ્રપતિ પૉલ કાગમે સાથેની મુલાકાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારત જલ્દી જ રવાન્ડામાં પોતાનું મિશન શરૂ કરશે.

બન્ને દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા અંગે કરાર કરાયા હતા. આ ઉપરાંત વેપાર અને કૃષિ ક્ષેત્રે બન્ને દેશો વચ્ચે વ્યવહાર વધારવા અંગે ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદી રવાન્ડામાં રહેતા ભારતીયોની મુલાકાત કરશે અને 200 જેટલી ગાયો રવાન્ડાની 'ગિરિન્કા' યોજનામાં ભારતના યોગદાન તરીકે આપવામાં આવશે.

આ દેશમાં ગૌ-માતા સુરક્ષિત છે, પણ મહિલાઓ સુરક્ષિત નથી : ઉદ્ધવ ઠાકરે

'એનડીટીવી'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે શિવ સેનાના ઉદ્ધવ ઠાકરેએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર નિશાન ટાંક્યું છે.

તેમણે કહ્યું હતું કે, "અમે સરકારનો ભાગ છીએ, પણ જો કઈ ખોટું થતું હશે તો ચોક્કસ એ વિશે અમે બોલીશું. અમે ભારતીય જનતાના મિત્ર છીએ, કોઈ પાર્ટીના નહીં."

મહારાષ્ટ્ર તથા કેન્દ્ર સરકારમાં ભાજપ અને શિવ સેનાનું ગઠબંધન છે.

તાજેતરમાં વધતી લિંચિંગની ઘટના સંદર્ભે ભાજપ પર સીધું નિશાન ટાંકીને શિવ સેનાના મુખપત્રના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "આ દેશમાં ગાય સુરક્ષિત છે પણ મહિલા સુરક્ષિત નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો