અમદાવાદમાં દર વર્ષે વરસાદ પડતાંની સાથે જ કેમ મોટા ભૂવા પડવા લાગે છે?

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

મેગા સિટીમાંથી મેટ્રો સિટી તરફ તેજ ગતિએ આગળ વધતું અમદાવાદ શહેર ગુજરાતમાં થઈ રહેલા માળખાકીય વિકાસની તસવીર પ્રસ્તુત કરે છે, પરંતુ અમદાવાદમાં દર વર્ષે ચોમાસામાં ભૂવા પડવાની ઘટના બને છે.

21 જુલાઈએ તો વેજલપુર વિસ્તારમાં મેટ્રોના થાંભલા નજીક જ મોટો ભૂવો પડ્યો છે ત્યારે આ પ્રકારના ભૂવાથી મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ કેટલો સુરક્ષિત હશે તે સવાલ સ્વાભાવિક છે.

શા માટે પડે છે ભૂવા?

વડોદરા ખાતે રહેતા અને 10 વર્ષ સુધી નર્મદા પ્રોજેક્ટ પર કામ કરી ચૂકેલા ભૂસ્તરશાસ્ત્રી પી.એમ. પોફાલીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ ભૂવા પડવા પાછળનું કારણ તેની જમીન છે.

"અમદાવાદની જમીન અલૂવિયમ (કાંપ) પદાર્થની બનેલી છે જે રેતી અને માટીના મિશ્રણ જેવો પદાર્થ છે. આ અલૂવિયમ જમીનમાં નીચે તરફ દોઢથી બે કિલોમીટર ઊંડે સુધી પથરાયેલો છે.

"હવે જ્યારે શહેરમાં કોઈ પાણીની લાઇન અથવા તો ગટર લીક થાય છે ત્યારે તેનું પાણી જમીનમાં ઊતરે છે. આ પાણી અલૂવિયમાં ભળતા જમીન પોચી પડે છે જે ભૂવા પડવાનું નિમિત બને છે."

"બીજું એક ચર્ચાસ્પદ કારણ એ પણ છે કે જ્યારે જમીનમાંથી મોટી માત્રામાં પાણી ખેંચવામાં આવે, ત્યારે અંદર હવાનું પ્રેશર બને છે.

"ત્યારબાદ રસ્તા પર વાહનોની અવરજવરને કારણે તે જગ્યાએ દબાણ પડે છે અને સમયાંતરે તે જગ્યા જમીનમાં બેસી જાય છે."

શું કહે છે અ'વાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં મેયર બિજલ પટેલે બીબીસીને જણાવ્યું, "અમદાવાદમાં જમીન નીચે 60થી 70 વર્ષ જૂની પાઇપ લાઇન નાખેલી છે. જ્યારે તેમાં ભંગાણ પડે ત્યારે તેનું પાણી જમીનમાં પ્રસરી જાય છે જેને કારણે ભૂવા પડે છે."

ચોમાસામાં અંદર ધસી જતા રસ્તાઓ અંગે તેમણે કહ્યું, "અમુક કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે. તે વખતે માટીનું બરાબર રીતે પૂરાણ કરવામાં ન આવે ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે."

તમે આ વાંચ્યું કે નહીં?

અમદાવાદ છેલ્લા ઘણાં વર્ષોથી આ ભૂવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભૂતપૂર્વ કમિશ્નર આઈ. પી. પટેલે જણાવ્યું કે શહેરની પાઇપ લાઇનો અથવા ગટર લાઇનોનું સમારકામ સમયસર ન કરવાને કારણે શહેરમાં ભૂવાઓ પડી રહ્યા છે.

અમદાવાદની જમીન પોચી શા માટે છે?

પ્રો. પોફાલીના અનુસાર ગુજરાતની મોટાભાગની નદીઓ પશ્ચિમ તરફ વહે છે. અરવલ્લી ડુંગરમાંથી નીકળતી સાબરમતીનું ઉદ્ભવસ્થાનનો વિસ્તાર ડુંગરાળ છે, પરંતુ જેમજેમ તે નીચેની તરફ વહે છે, તેમ તેમ તેની સાથે કાંપ લઈને આવે છે.

"અમદાવાદ સાબરમતી નદીના કાંઠે વસેલું છે. એટલા માટે તેની જમીન નદીના કાંપથી બનેલી છે જે પ્રમાણમાં પોચી છે."

"પરંતુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો તેની જમીન નીચે સખત પથ્થરનો ભાગ રહેલો છે તેને કારણે એ જમીન અંદર ધસી જવાની સમસ્યા નથી રહેતી."

શા માટે નથી થતી કામગીરી?

દરેક નાગરિકને સારી સુવિધા અને યોગ્ય જીવન ધોરણ મળી રહે એની જવાબદારી તંત્રની હોય છે. નાગરિકો આ સુવિધાઓને બદલે ટૅક્સ ચૂકવતા હોય છે છતાં પણ તેમને સારી સુવિધા કેમ નથી મળતી?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વૉટર એન્ડ ડ્રેનેજ વિભાગના અધિકારી જગદીશ પટેલે કહ્યું "જ્યાં સુધી ભૂવો ના પડે ત્યાં સુધી જાણ ના થાય કે ત્યાંની જમીન નીચેથી ધોવાઈ ગઈ છે કે નહીં."

"પરંતુ આ સમસ્યાને પહોંચી વળવા છેલ્લાં 4 વર્ષથી શહેરમાં 8થી 10 કિમીના અંતરમાં પાણી અને ગટર લાઇનોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે."

ભૂતકાળમાં આવી કોઈ કામગીરી થઈ છે કે નહીં તે સવાલના જવાબમાં પટેલ કહે છે કે અત્યારસુધી કૉર્પોરેશન દ્વારા આવી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

ચોમાસામાં રસ્તાનું ધોવાણ શા માટે થાય છે?

પી.એમ. પોફાલી મુજબ, "રસ્તાઓ બનાવવામાં મોટાભાગે ડામરનો ઉપયોગ થાય છે અને આ પદાર્થ પાણીનો અવરોધક નથી. જ્યારે પણ ડામર પણ વધારે સમય પાણી રહે ત્યારે તે નરમ પડી જાય છે અને તેનું ધોવાણ થાય છે.”

ભૂવા અંગે તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ જગ્યાએ ખાડો ખોદવાની કે પછી કોઈ લાઇનને રિપૅર કરવાની કામગીરી કર્યા બાદ તેનું પૂરાણ બરાબર ન કરવાને કારણે તે જમીન ઢીલી જ રહી જાય છે. અને જ્યારે વરસાદ થાય ત્યારે એ જમીનનું ધોવાણ થઈ જાય છે અને ભૂવો પડી જાય છે.

ભૂવા પડતા અટકાવવા શું કરી શકાય?

મેયર બિજલ પટેલ જણાવે છે, "જ્યારે પણ જમીન ખોદવામાં આવે કે કોઈ લાઇનને રિપૅર કરવામાં આવે ત્યારે તેની માટીનું બરાબર રીતે પૂરાણ અને વોટરીંગ કરવામાં આવે તો આ સ્થિતિ ઊભી ના થાય."

આ અંગે અમદાવાદની એમ.ડી સાયન્સ કૉલેજના જિયોલૉજીસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર એન.વાય. ભટ્ટે જણાવ્યું, "પાઇપ લાઇનોની કામગીરી વખતે તેને સંપૂર્ણ સીલ કરવી જોઈએ સાથે જ રોડની કામગીરી દરમિયાન અથવા તો નાના ભૂવાઓને બૂરતી વખતે તેમાં કૉંક્રીટના પાકા મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય છે."

અમદાવાદની મેટ્રો ટ્રેનને ભૂવાથી કેટલું જોખમ?

મેટ્રો સિટી તરીકે આકાર પામી રહેલા અમદાવાદમાં 10773 કરોડ રૂપિયાના ખર્ચે મેટ્રોની કામગીરી ચાલી રહી છે.

આ પ્રોજેક્ટ 'મેગા' (મેટ્રો-લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ) કંપનીને સોંપવામાં આવ્યો છે.

'મેગા'ના મૅનેજિંગ ડિરેક્ટર આઈ.પી. ગૌતમે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "શહેરમાં પડતા ભૂવાથી મેટ્રો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અમે મેટ્રો માટે જે પિલર્સ (સ્તંભ) ઊભા કરેલા છે તેના પાયા 100 ફૂટ ઊંડા છે."

"સાથે જ તેને કોંક્રીટથી મજબૂત રીતે બાંધવામાં આવ્યા છે જેને કારણે તેની જમીન ધસવાનો સવાલ જ ઊભો નથી થતો અને મેટ્રો સંપૂર્ણ સુરક્ષિત છે."

આઈ. પી. ગૌતમ પોતે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે.

ખાડી દેશોમાં શા માટે નથી પડતા ભૂવા?

ખાડી દેશોની વાત કરવામાં આવે તો ત્યાંની જમીન ભારતની સરખામણીએ ખૂબ જ નરમ છે. પરંતુ ત્યાં ભૂવા કે જમીન નીચે ધસી જવાની સમસ્યા સર્જાતી નથી.

આ સવાલનો જવાબ આપતા ભટ્ટ જણાવે છે કે જો દુબઈની વાત કરવામાં આવે તો તેની જમીન સંપૂર્ણ રીતે રેતી અને માટીના મિશ્રણની બનેલી છે. પરંતુ એ લોકો જમીનમાં પેટ્રોલિયમનો છંટકાવ કરે છે.

પેટ્રોલિયમના સંપર્કમાં આવતા જમીન સખત બની જાય છે જેને કારણે ત્યાં ભૂવાની સમસ્યા નથી રહેતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.