ઉનાકાંડના પીડિતના ખાતામાંથી 2 લાખ રૂપિયા કોણ ઉપાડી ગયું?

બે વર્ષ પહેલાં સર્જાયેલા ઉનાકાંડનો ભોગ બનનારા પીડિતો માટે ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ તેવી સ્થિતિ સર્જાઈ છે. પહેલેથી જ ઓછી આવક અને આર્થિક તંગીનો સામનો કરી રહેલા આ પરિવારને સરકાર તરફથી મળેલી આર્થિક સહાય પણ તેમની બૅન્કના ખાતામાંથી કોઈ ઉચાપત કરી ગયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે તેવું જણાવે છે.

મૃત પશુનું ચામડું ઉતારવાનું કામ કરતા પરિવારના રમેશ સરવૈયા અને તેમના પિતા તથા અન્ય યુવાનોને કથિત ગૌરક્ષકો દ્વારા મારવાનો હૃદયદ્રાવક વીડિયો વાઇરલ થતાં સમગ્ર દેશમાં ઉનાકાંડની એ ઘટનાના પડઘા પડ્યા હતા.

આ વિવાદમાં ગુજરાત સરકાર દ્વારા મળેલી સહાયની રકમ રમેશ સરવૈયાના બૅન્કના ખાતામાં જમા થઈ હતી, પરંતુ તેમાંથી સવા બે લાખ રૂપિયા કરતાં વધુની રકમ ઉપાડી લેવામાં આવી છે.

આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે, જે મામલે હાલ તપાસ ચાલી રહી છે. આ અંગે બીબીસી ગુજરાતીએ રમેશ સરવૈયા સાથે વાત કરી.

શું તમે આ વાંચ્યું?

રમેશે બીબીસી ગુજરાતીને જણાવ્યું, ''3જી જુલાઈથી 7મી જુલાઈ દરમિયાન મારા ખાતામાંથી કુલ 2,30,354 રૂપિયાની રકમ કોઈએ ઉપાડી લીધી હતી.”

“આ અંગે મેં સૌરાષ્ટ્ર ગ્રામીણ બૅન્કમાં તપાસ કરી ત્યારે મને કહેવામાં આવ્યું કે, આ રકમ ATMમાંથી રોકડમાં ઉપાડવામાં આવી છે. મેં આવી કોઈ રકમ ઉપાડી નથી. એટલે પછી મેં આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.''

ઉનાકાંડની ઘટના બન્યા બાદ રમેશે મરેલા પશુઓની ચામડી ચીરવાનો વ્યવસાય છોડી દીધો છે. આજીવિકા રળવા તેઓ મોરબીમાં મજૂરી કરે છે.

થોડા સમય પહેલાં જ મોટા સમઢીયાળા આવેલા રમેશ જ્યારે બૅન્કમાં ગયા ત્યારે તેમને આ અંગે જાણ કરવામાં આવી હતી.

'...કોઈએ એ પણ ઉપાડી લીધા'

પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હિતેષ જોયસરે બીબીસી ગુજરાતીને જણાવ્યું, ''આ એક માત્ર રમેશ સરવૈયા સાથે ઘટેલી ઘટના નથી.''

“આસપાસના પંથકમાં આવા દસથી વધુ કિસ્સા નોંધાયા છે. જેમાં આ રીતે ખાતામાંથી પૈસા ઉપાડી લેવાયા હોય. આ અંગે તપાસ ચાલી રહી છે.''

રમેશના પિતા બાલુભાઈ સરવૈયા સાથે પણ બીબીસીએ આ સમગ્ર મામલે વાત કરી હતી.

બીબીસી સાથેની વાતમાં બાલુભાઈએ જણાવ્યું, ''સરકાર દ્વારા મળેલી આર્થિક સહાયના આ પૈસા હતા. ખાતામાંથી કોઈએ એ પણ ઉપાડી લીધા.''

''છેલ્લા બે વર્ષથી અમે મૃતપશુનાં ચામડા ઊતારવાનું કામ છોડી દીધું છે. ઘરમાં આર્થિક તંગી રહે છે અને એવામાં આ ઘટના બની છે.''

ઉનાકાંડની ઘટના બન્યા બાદ ગુજરાતના કેટલાય દલિતોએ મૃત પશુઓના ચામડાનો વ્યવસાય છોડી દીધો હતો.

ઉનાકાંડ સર્જાયો ત્યાં સુધી સરવૈયા પરિવાર પેઢીઓથી મૃત પશુના ચામડાનો વ્યવયાસ કરતો હતો.

કફોડી આર્થિક સ્થિતિ

પરંપરાગત વ્યવસાય છોડી દેવાને કારણે સરવૈયા પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે.

બાલુભાઈ જણાવે છે, ''મૃત પશુઓના ચામડાનો વ્યવસાય કરવાને કારણે અમારા પર અત્યાચાર થયા હતા અને એટલે જ અમે એ ત્યજી દીધો છે. ''

''બાબાસાહેબ આમ્બેડકરે પણ આ વ્યવસાય ના કરવાનું કહ્યું હતું. એમની સલાહને અનુસરીને જ અમે આ વ્યવસાય છોડી દીધો છે. ''

''પણ અમારી પાસે આવકનું બીજું કોઈ સાધન નથી. આ સિવાય બીજો કોઈ વ્યવસાય જાણતા નથી એટલે છૂટક મજૂરી કરવી પડે છે. ''

''પરંપરાગત વ્યવસાય છોડી દેવાને કારણે છેલ્લાં બે વર્ષથી નિયમિત આવક બંધ થઈ ગઈ છે. ''

'મહેનત થઈ શકતી નથી'

બાલુભાઈના બીજા પુત્ર વશરામ સાથે બીબીસીએ વાત કરી.

વશરામે જણાવ્યું, ''બે વર્ષથી ઘરે બેસવાનો વારો આવ્યો છે. આજીવિકાનું અન્ય કોઈ સાધન નથી. અમારો પરિવાર બેહાલ થઈ ગયો છે.''

વશરામ ઉમેરે છે, ''ઉનાકાંડ બાદ મળેલી આર્થિક સહાયના અડધા પૈસા તો અમે લોકોએ કેસ લડવામાં જ વેડફી દીધા.''

''કેસની સુનાવણી વખતે ગુજરાત હાઈ કોર્ટમાં હાજર રહેવું પડે છે. બે જણાને અમદાવાદનો ધક્કો રૂપિયા ત્રણ હજારનો પડે છે. ઉના સેશન કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે પણ ઘણો ખર્ચ કરવો પડ્યો હતો.''

''પેટીયું રળવા છૂટક મજૂરી કરવી પડે છે. ઊનાકાંડ વખતે પડેલા મારને કારણે શરીર નબળું પડી ગયું છે. બીમાર પડી જઈએ છીએ.”

''રમેશ અને અશોકને (ઉનાકાંડના પીડિતો) ખેતમજૂરી બાદ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અમે હવે ભારે કામ નથી કરી શકતા''

શું થયું હતું ઉનામાં?

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જાહેર રસ્તા પર બાબુભાઈ સરવૈયા સહિતના પાંચ દલિતોને 2016ની અગિયારમી જુલાઈએ લાકડી વડે માર મારવામાં આવ્યો એ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

ઘટનાને પગલે તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, એ સમયે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, બહુજન સમાજ પાર્ટીનાં સર્વેસર્વા માયાવતી અને અન્ય નેતાઓની મુલાકાતને કારણે આ ઘટના પ્રત્યે દેશનું ધ્યાન ખેંચાયું હતું.

આ ઘટનાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો.

બાલુભાઈ સરવૈયા સહિતના પાંચેય દલિત પુરુષોએ ગૌહત્યા કરી હોવાનો આક્ષેપ ગૌરક્ષકોએ કર્યો હતો, પણ દલિત પુરુષોએ એવું કહ્યું હતું કે તેઓ મૃત ગાયોની ચામડી ઉતારી રહ્યા હતા.

ઉના કાંડ પછી શું થયું?

ઉના કાંડ સંબંધે 45 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પણ એ પૈકીના માત્ર 11 લોકો જ જેલમાં છે. બાકીના જામીન પર છૂટી ગયા છે.

ઉના અત્યાચાર કાંડને પગલે દલિતોના ટેકામાં રાષ્ટ્રીય ચળવળ શરૂ થઈ હતી અને આ કાંડનો ભોગ બનેલા લોકોને ટેકો આપ્યા બાદ જિજ્ઞેશ મેવાણી એક દલિત નેતા તરીકે જાણીતા થયા હતા.

ત્યારબાદ તેમણે બનાસકાંઠાની વડગામ વિધાનસભા બેઠક પરથી 2017ની વિધાનસભાની ચૂંટણી અપક્ષ તરીકે લડી અને જીત્યા.

હવે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ઉના અત્યાચાર કાંડનો ભોગ બનેલાઓને વિશેષ લાભનું કોઈ વચન આપવામાં આવ્યું નથી.

દલિત કર્મશીલ માર્ટિન મેક્વાન માને છે કે આ ઘટના સંબંધે દલિતોનો જ નહીં, અન્ય અનેક કોમ તરફથી ટેકો તથા સહાનુભૂતિ પણ મળ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો