રફીનો એવો દીવાનો જેણે રફીને મળવા માટે ઘર છોડ્યું

    • લેેખક, મિર્ઝા બેગ
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ 1980ના પ્રારંભની આ વાત છે, સ્કૂલમાં બધે જ અફરાતફરી ફેલાઈ ગઈ હતી. કારણ એ હતું કે સ્કૂલનો સૌથી લોકપ્રિય વિદ્યાર્થી ગાયબ હતો.

આ અફરાતફરી વચ્ચે સાંજે ખબર પડી કે બિહારના આ દૂરના ગામથી એક છોકરાએ મુંબઈની ટ્રેન પકડી લીધી છે.

તેને પોતાના અંગત મિત્રને જતા પહેલાં કહ્યું હતું કે તે સદાબહાર ગાયક મોહમ્મદ રફીને મળવા માટે જઈ રહ્યો છે.

આ છોકરાનો અવાજ પણ સારો હતો, તે સ્કૂલમાં મોહમ્મદ રફીના નામથી જ ઓળખાતો હતો.

તે એટલા લોકપ્રિય હતા કે ક્યાંય પણ લોકો તેમને ઊભા રાખતા અને રફીનું ગીત ગાવા માટે ફરમાઇશ કરતા હતા અને તે પણ ક્યારેય ના નહોતા પાડતો.

મોહમ્મદ રફીના નામથી સ્કૂલમાં પ્રચલિત ઝફર ઇમામ ઉર્ફે ‘લડ્ડુ’ લગભગ 2 હજાર કિલોમીટરની સફર કરીને મોહમ્મદ રફીને મળવા માટે ગયા હતા.

તેઓ ટૂંક સમયમાં જ ગામ પાછા આવી ગયા.

પરત આવીને તેમણે કહ્યું કે તેઓ રફીને મળી આવ્યા, અમે એમની વાત પર વિશ્વાસ કર્યો. 2 મહિના પછી એટલે 31 જુલાઈ 1980ના રોજ સમાચાર આવ્યાકે મોહમ્મદ રફી નથી રહ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

આ રેડિયોનો જમાનો હતો, જ્યારે ભારતના તમામ રેડિયો સ્ટેશનથી મોહમ્મદ રફી અને લતાના ગીતો વાગતા હતા.

‘તુમ મુજે યૂ ભુલા ન પાઓગે...’, ‘આજા તુજકો પુકાર મેરે ગીત રે...’, ‘આવાઝ મેં ન દૂંગા’, ‘રાહી મનવા દુઃખ કી ચિંતા ક્યૂ સતાતી હૈ’, ‘મૅં કહીં કવિ ન બન જાઉં તેરે પ્યાર મેં...’, ‘ચલો દિલદાર ચલો...’ જેવાં ગીતો લોકો રસપૂર્વક સાંભળતા હતા.

આ માત્ર એક ઝફર ઇમામની વાત નથી, આવાં તો કેટલાય ગામડાઓમાંથી કેટલાય ઝફર ઇમામ રફીને મળવા માટે આ જોખમ ઉઠાવીને ગયા હશે.

અન્ય એક સંબંધી મુખલીશ રહેમાન બેગ 1980ના દસકામાં મુંબઈથી નોકરી છોડીને ફાર્મ હાઉસ બનાવવાના સ્વપ્ન સાથે પોતાના ગામ પરત આવી ગયા હતા. તેમણે મુંબઈમાં ગાયકો વચ્ચે ઘણો સમય પસાર કર્યો હતો.

તેઓ તલત મહમૂદના નામથી ઓળખાતા હતા, તેમના કરતાં સારું નહીં તો ખરાબ પણ ન્હોતા ગાતા.

એક કલાકારની જેમ તેઓ પણ મિજાજી હતા પણ મારી ફરમાઇશ પર ક્યારેય ના ન પાડતા.

તેઓ રફી સાથે બેસી ચૂક્યા હતા અને ગીતો પણ ગાયા હતા. મેં તેમને પૂછ્યુ કે તમે રફીના ગીત ઓછા ગાવ છો અને તલતના ગીતો વધારે ગાવ છો. એવું કેમ?

તો કહ્યું કે, રફીની રેન્જ વ્યાપક છે. તેમની નકલ કરવામાં મારો અવાજ ફાટી જાય છે.

તેમણે કહ્યું રફી શરૂમાં ગાતા ત્યારે તલત જેવા અવાજની દુઆ કરતા હતા. પછી બન્નેના એક જેવા જ ગીત વિશે કહ્યું.

લતા આશા કિશોર રફી મુકેશ બધાના ગીતો મુખલિશભાઈ ગાઈ શકતા હતા. પણ 'લડ્ડુ' તો ખાલી રફીના જ ગીતો ગાતા હતા.

અને કેમ ન ગાય, રફીની નકલ કરનાર ગાયકો આજે પણ ફિલ્મી દુનિયામાં રાજ કરે છે.

ગઈ વખત ઝફર પાસે 'કહીં મેં કવિ ન બન જાઉં' ગીતની ફરમાઇશ કરી હતી, તો તેમણે એ ગીત સંભળાવ્યું.

હું વિચારતો હતો કે મોહમ્મદ રફીનો અવાજ સાંભળીને ન જાણે કેટલાય લોકો કવિ તો નહીં પણ ગાયક ચોક્કસ બન્યા હશે.

ઑર્કેસ્ટ્રામાં મોહમ્મદ રફીનાં ગીતો ગાનારની જિંદગી નિર્ભર રહી હશે તેનો કોઈ અંદાજ નથી.

આજે મોહમ્મદ રફીનાં મૃત્યુને 48 વર્ષ થયા પણ તેમનો અવાજ ઘણા લોકોના હૃદયનો ધબકાર છે. તેમનો અવાજ સાંભળીને તબિયત સુધરી જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો