You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC SPECIAL: કેવી છે ગુજરાતનાં નારી સંરક્ષણ ગૃહોની હાલત?
- લેેખક, રવિ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
મુઝ્ઝફરપુર શહેરના નારી સંરક્ષણ ગૃહમાં 34 યુવતીઓ સાથે બળાત્કારની ઘટનાનો મામલો હજુ શમ્યો નથી.
ત્યારે ઉત્તરપ્રદેશના દેવરિયામાં 42 યુવતીઓ સાથે કથિત બળાત્કાર થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
દેશભરમાં નારી સંરક્ષણ ગૃહોની ચર્ચા થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં આવેલાં નારી સંરક્ષણ ગૃહોની પરિસ્થિતિ કેવી છે?
ત્યાં રહેતી મહિલાઓ કેવું જીવન જીવી રહી છે તે જાણવા માટે વર્ષ 2014માં ઍડવોકેટ પ્રીતા જ્હાએ હાઈકોર્ટમાં એક પીઆઈએલ (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) કરી હતી.
આ જાહેર હિતની અરજી બાદ હાલમાં ગુજરાતનાં નારી સંરક્ષણ ગૃહોની મહિલાઓનાં જીવનમાં શું બદલવા આવ્યો છે અને તેની પરિસ્થિતિ કેવી છે એ જાણવાનો પ્રયાસ બીબીસી ગુજરાતીએ કર્યો.
તમે આ વાંચ્યું કે નહીં?
જાહેરહિતની અરજીથી સામે લાવી સ્થિતિ
ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગના સેક્રેટરી મિલિંદ તોરાવણેએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.
તેમણે જણાવ્યું, "ગુજરાતમાં અમારા વિભાગ અંતર્ગત કુલ 24 નારી સંરક્ષણ ગૃહો છે જેમાંથી 10 સરકાર અંતર્ગત છે અન્ય 14 અલગ અલગ એનજીઓને સોંપવામાં આવ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રીતા જ્હાની પીઆઈએલ મુજબ મહિલાઓનાં જીવનમાં શું બદલાવ આવ્યો છે એ અંગે સવાલ કરતા વિભાગના અન્ય એક અધિકારી ભરત પટેલે બીબીસીને જણાવ્યું, "2014ની પીઆઈએલને સરકારે સ્વીકારી લીધી છે. હાલમાં અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે તેને લાગુ કરી દેવામાં આવે."
શું હતી પીઆઈએલ?
ઍડવોકેટ પ્રીતા જ્હાએ બીબીસીને જણાવ્યું, "વર્ષ 2014માં અમદાવાદ સ્થિત નારી સંરક્ષણ ગૃહમાંથી 14 યુવતીઓ ફરાર થઈ ગઈ હતી. પરંતુ આવું શા માટે થયું એ જાણવાના પ્રયાસ અંતર્ગત મેં હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી."
પ્રીતા જ્હાની પીઆઈએલ બાદ હાઈકોર્ટે એક ખાસ કમિટીનું ગઠન કર્યું હતું જેમાં એક ડિસ્ટ્રીક્ટ જજ, ઍડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ, મહિલા અને બાળ વિભાગના કમિશ્નર અને આનંદી એનજીઓનાં જ્હાનવી અંધારીયા અને નવસર્જન એનજીઓનાં કાર્યકર મંજુલા પ્રદીપનો સમાવેશ કરાયો હતો.
હાઈકોર્ટે આ કમિટીને આદેશ આપ્યો હતો કે ગુજરાતનાં નારી સંરક્ષણ ગૃહોની મુલાકાત લઈ ત્યાં રહેતી મહિલાઓની પરિસ્થિતિ અંગે તપાસ કરવામાં આવે.
આ કમિટીનાં સભ્ય જ્હાનવી અંદારિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "હાઈકોર્ટના આદેશ બાદ અમે અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, પાલીતાણા, નવસારી, વાંસદ અને ભુજ સ્થિત નારી સંરક્ષણ ગૃહોની મુલાકાત લીધી હતી. ત્યાં રહેતી મહિલાઓ કેવી પરિસ્થિતિમાં જીવે છે તેનો એક રિપોર્ટ તૈયાર કર્યો."
રિપોર્ટમાં શું થયો ખુલાસો?
સામાન્ય રીતે નારી સંરક્ષણ ગૃહનો મતલબ થાય છે કે મહિલાઓને સંરક્ષણ આપતું ગૃહ.
અહીં એવી મહિલાઓને રાખવામાં આવે છે જેમની પાસે રહેવા માટે કોઈ પણ જાતનો આશરો ન હોય.
રિપોર્ટ અનુસાર કમિટીના સભ્યોએ સુરત સ્થિત નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લીધી હતી.
ત્યાં જાણવા મળ્યું કે મહિલાઓની પરિસ્થિતિ જોઈએ તેટલી સારી નહોતી.
ત્યાં સામાન્ય મહિલાઓ સાથે માનસિક રીતે બીમાર મહિલાઓ પણ રહેતી હતી જેમને એક કેદીની જેમ રાખવામાં આવતી હતી.
આવી મહિલાઓ અનેક વખતે બૂમો પાડતી હોવાના કિસ્સા પણ નોંધવામાં આવ્યા છે.
આવો જ એક કિસ્સો અમદાવાના ઓઢવ સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં પણ બન્યો હતો, જ્યાં માનસિક રીતે બીમાર મહિલા અન્ય સાથી મહિલાઓ પર હુમલાઓ કરતાં હતાં. કારણ કે ત્યાં કોઈ એવી બીજી વ્યવસ્થા નહોતી કે તેમને અલગથી રાખી શકાય.
આ બાબતનું પરિણામ ખૂબ જ ગંભીર આવતું હોય છે. એટલું જ નહીં ત્યાં રહેતા સામાન્ય મહિલાઓ પર પણ આ બાબતની માનસિક અસર પડતી હોય છે.
'મોદીએ ફરવાની વ્યવસ્થા કરી છે'
સામાન્ય રીતે મહિલાઓને નારી સંરક્ષણ ગૃહમાં કોર્ટ ઓર્ડર, 181 હેલ્પલાઇન અથવા સ્થાનિક પોલીસ દ્વારા લઈ આવવામાં આવે છે.
રિપોર્ટમાં ઉલ્લેખ છે કે પાલીતાણામાં જે મહિલાઓ રહેતી હતી, તેમને સુરત અને વડોદરાથી એવું કહીને લઈ આવવામાં આવી હતી કે 'નરેન્દ્ર મોદીએ તેમના માટે ફરવાની વ્યવસ્થા કરી છે.'
જો સુરતની વાત કરવામાં આવે તો ત્યાં રહેતી મહિલાઓ પાસે ઘર અને ટૉઇલેટ પણ સાફ કરાવવામાં આવતાં હતાં. એટલું જ નહીં મહિલાઓને જાતે જ જમવાનું પણ બનાવવું પડતું હતું.
કઈ મહિલાઓ ગૃહમાં આવે છે?
તપાસ કમિટીના રિપોર્ટ અનુસાર બે પરિસ્થિતિઓમાં મહિલાઓ નારી ગૃહમાં આવે છે.
જેમાં અમુક ટૂંકાગાળા માટે આવતી હોય છે અને અમુક મહિલાઓ જેમની માનસિક સ્થિતિ સારી ન હોય અને પરિવારે તરછોડી દીધી હોય તો તેમને લાંબાગાળા માટે ગૃહમાં રહેવાનું થાય છે.
• 16થી 18 વર્ષની એવી સગીરાઓ જેઓ તેમના મનપસંદ જીવનસાથી સાથે લગ્ન કરવા માગતી હોય પરંતુ તેમના પરિવારજનો આ વાતથી ઇનકાર કરતા હોય. આવી યુવતીઓ ઘર છોડીને અહીં આવે છે અને ટૂંકાગાળા માટે રહે છે.
• એવી મહિલાઓ જેઓ એક ખરાબ સંબંધમાંથી પસાર થયા હોય જેનાથી તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હોય. બીજું કે આ મહિલાઓને ઘરેથી પણ કાઢી મૂકવામાં આવ્યા હોય તેઓ અહીં આવે છે.
• જે મહિલાઓ ભાવનાત્મક રીતે પરેશાન હોય, જાતીય સતામણીનો ભોગ બન્યા હોય અથવા તો દુષ્કર્મ પીડિત હોય. આ મહિલાઓ પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેઠા હોય છે. એટલા માટે તેઓ નવા જીવનની આશાને ધ્યાનમાં રાખીને આ ગૃહોનું શરણ લેતા હોય છે.
• સગીર અથવા તો પુખ્ત મહિલાઓ જેઓ માનવ તસ્કરીનો ભોગ બન્યા હોય તેમને અહીં આસરો મળે છે.
• જે મહિલાઓ વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલા હોય અને પોલીસની રેડમાં તેમની ધરપકડ કરાઈ હોય તો તેમને નવા જીવનની શરૂઆત માટે અહીં લાવવામાં આવે છે.
'લોકોની માનસિકતા બદલવાની જરૂર'
નારી ગૃહની પરિસ્થિતિથી સમાજને વાકેફ કરવા માટે પીઆઈએલ કરનાર પ્રીતા જ્હાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી અને જણાવ્યું, "સૌ પ્રથમ તો નારી ગૃહોને લઈને સમાજની જે માનસિકતા છે એ બદલવાની જરૂર છે."
"આ ગૃહોમાં રહેતી મહિલાઓને લોકો અલગ નજરે જુએ છે."
પ્રીતાએ આ વર્ષે એપ્રિલ માસમાં મહિલાઓને કેવી કેવી સવલતો મળવી જોઈએ તે અંગે સરકારને એક ડ્રાફ્ટ મોકલ્યો છે જે સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો છે.
પ્રીતા જણાવે છે, "નારી ગૃહોમાં રહેતી મહિલાઓને યોગ્ય જીવન મળે એ બાબતને મધ્યમાં રાખી અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેમાં નારી ગૃહોની મહિલાના હેલ્થ ચેકઅપથી લઈને તેમને શિક્ષણની તક સુધીની બાબતોને આવરી લેવાઈ છે."
"સાથે જ તેમને સારું ભોજન, રહેવા માટે સારી વ્યવસ્થા અને સમાજમાં ફરીથી તેમને પુનર્વસવાટ માટેની બાબતો આવરી લેવાઈ છે."
"સાથે જ ત્યાં રહેતી મહિલાઓની સુરક્ષાની કાળજી લેવાનો પણ ઉલ્લેખ કરાયો છે."
પ્રીતાના જણાવ્યા અનુસાર આ ડ્રાફ્ટનો મામલો સરકાર અને કોર્ટ વચ્ચે છે જે થોડા સમયમાં લાગુ કરી દેવામાં આવશે એવી આશા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો