જો 15મી ઑગસ્ટે રાજનેતાનું નિધન થાય, તો ધ્વજારોહણ થાય?

16મી ઑગસ્ટે દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન થયું. કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે, જેથી આ દિવસો દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

દરમિયાન લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને સર્ચ દ્વારા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો કોઈ નેતાનું પંદરમી ઑગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે નિધન થાય તો?

શું ધ્વજવંદન કાર્યક્રમ યોજાય? પહેલાં ધ્વજારોહણ થાય અને પછી રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ થાય કે શું? આ અંગે કોઈ નિયમ છે? આ વિશે કોઈ નિયમ કે જોગવાઈઓ છે? અગાઉ ક્યારેય આવું બન્યું છે?

રાષ્ટ્રીય કે રાજય શોક

જ્યારે કોઈ રાષ્ટ્રીય કદના નેતાનું નિધન થાય, ત્યારે કેન્દ્રીય કૅબિનેટ મળે અને શોકદર્શક ઠરાવ પ્રસ્તાવ કરવામાં આવે, આ સાથે જ કેટલા દિવસનો રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે, તેની પણ જાહેરાત કરવામાં આવે.

આ માટે સંબંધિત દિશા-નિર્દેશો બહાર પાડવાના અધિકાર ગૃહ વિભાગ પાસે રહેલા છે અને તે વિશે દેશના રાષ્ટ્રપતિ દ્વારા નિર્ણય લેવામાં આવે છે.

દેશ કે રાજ્ય શોકમાં છે, તેવું દર્શાવવા માટે આ રીતે રાષ્ટ્રધ્વજ અડધીકાઠીએ ફરકાવવામાં આવે છે.

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે વડા પ્રધાન જેવા બંધારણીય પદો પર બેઠેલી વ્યક્તિનું નિધન થાય તો રાષ્ટ્રીય શોક પાળવામાં આવે છે.

જો લોકસભાના સ્પીકર કે દેશના સર્વોચ્ચ ન્યાયાધીશનું નિધન થાય તો માત્ર દિલ્હીમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે.

સાતમી ઑગસ્ટે કરુણાનિધિનું નિધન થયું, ત્યારબાદ તામિલનાડુ સરકાર દ્વારા સાત દિવસના રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી હતી.

ભારતમાં સ્વતંત્રતા દિવસ (15મી ઑગસ્ટ), ગણતંત્ર દિવસ (26મી જાન્યુઆરી) તથા ગાંધી જયંતિ (2જી ઑક્ટોબર)ને રાષ્ટ્રીય પર્વ તરીકે ઊજવવામાં આવે છે.

રાષ્ટ્રીય તહેવાર દરમિયાન નિધન થાય તો?

ફ્લૅગ કૉડ ઑફ ઇન્ડિયા મુજબ જો કોઈ દિગ્ગજ નેતા કે પ્રધાનના નિધન અંગે બપોર પછી જાણ થાય તો એ દિવસે અને એના પછીના દિવસે પણ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે.

જો કોઈ રાજનેતાનું નિધન તા. 25મી જાન્યુઆરી કે 14મી ઑગસ્ટના દિવસે થાય તો? બીજા દિવસે ગણતંત્ર દિવસ કે સ્વતંત્રતા દિવસ હોય, ત્યારે શું કરવું?

ફ્લૅગ કૉડ ઑફ ઇન્ડિયાની જોગવાઈ મુજબ, જો દિવસો દરમિયાન રાજનેતાનું નિધન થાય તો પણ દેશભરમાં ધ્વજાહરોહણના કાર્યક્રમ યથાવત્ રાખવામાં આવે છે.

જે ઇમારતમાં મહાનુભાવનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હોય, માત્ર તે ઇમારત પરનો જ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે અન્ય તમામ સ્થળોએ રાબેતા મુજબ ધ્વજારોહણ કરવામાં આવે છે.

સામાન્ય દિવસે પણ જ્યારે રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ રાખવાનો હોય, ત્યારે સૌ પહેલાં તિરંગાને પૂર્ણ કાઠીએ ફરકાવવામાં આવે છે, ત્યારબાદ ધ્વજને ધીમે-ધીમે નીચે ઉતારવામાં આવે છે અને અડધી કાઠી સુધી લાવવામાં આવે છે.

રાષ્ટ્રધ્વજ સિવાય અન્ય તમામ ધ્વજોને પૂર્ણ કાઠીએ જ ફરકાવવામાં આવે છે.

અગાઉ ક્યારેય આવું બન્યુ છે?

છેલ્લા એક દાયકાના ઇતિહાસમાં આવું 2012માં બન્યું હતું. એ સમયે તા. 14મી ઑગસ્ટે કેન્દ્રીય પ્રધાન વિલાસરાવ દેશમુખનું ચેન્નાઈ ખાતે નિધન થયું હતું.

તે સમયે બપોરે 1.40 કલાકે નિધનની જાણ થઈ હતી.

એટલે તેમના સન્માનમાં 14મી ઑગસ્ટે દિલ્હી ઉપરાંત દેશના તમામ રાજ્યોની રાજધાનીઓ તથા ઇમારતો ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ કરી દેવાયો હતો.

બીજા દિવસે પંદરમી ઑગસ્ટ હતી, જે રાષ્ટ્રીય તહેવાર હતો. આથી કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જે ઇમારત ખાતે તેમનો પાર્થિવદેહ રાખવામાં આવ્યો છે, માત્ર ત્યાં જ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

જ્યારે ઇમારતમાંથી પાર્થિવદેહની જેતે મહાનુભાવની અંતિમયાત્રા નીકળે, ત્યારે રાષ્ટ્રધ્વજને ફરીથી પૂર્ણ કાઠીએ કરી દેવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો