આવી રીતે ફેલાઈ વાજપેયીના નિધનની અફવા?

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક છે, ત્યારે ગુરુવારે બપોરે તેમના નિધનના સમાચાર વહેતા થયા હતા. દેશભરની રાષ્ટ્રીય તથા પ્રાદેશિક ન્યૂઝ ચેનલ્સે અમુક મિનિટ્સ માટે 'નિધનની જાહેરાત' કરી દીધી હતી અને સોશિયલ મીડિયાએ ફેલાવવાનું કામ કર્યું હતું.

જોકે, આની પાછળ 'ન્યૂઝ બ્રેક' કરવાની ઉતાવળ કે સમાચાર સંસ્થાઓની 'વધુ પડતી તૈયારી' જવાબદાર હોવાનું જણાય છે.

નવી દિલ્હી ખાતે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં સારવાર હેઠળ છે તથા છેલ્લા 24 કલાકથી તેમની સ્થિતિ કથળી હોવાનું કહેવાય છે.

અફવાઓ બાદ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ પત્રકારો સાથે વાત કરી હતી અને તેમની સ્થિતિ નાજુક હોવાનું જણાવ્યું હતું.

કેવી રીતે ફેલાઈ અફવા?

ગુરુવારે બપોરે દેશની સરકારી સમાચાર સંસ્થા દૂરદર્શન દ્વારા ચેનલ પર News Flash કરવામાં આવ્યા હતા, જેમાં વાજપેયીના નિધનની જાહેરાત કરવામાં આવી હતી.

આથી, તેને 'ઔપચારિક જાહેરાત' માનીને દેશની રાષ્ટ્રીય તથા પ્રાદેશિક ચેનલ્સે તેના આધારે વાજપેયીના 'નિધનની જાહેરાત' કરી દીધી હતી.

સામાન્ય રીતે કોઈ પણ સમાચાર સંસ્થા દ્વારા દિગ્ગજ નેતાઓની 'શ્રદ્ધાંજલિ' તૈયાર રાખવામાં આવતી હોય છે.

છેલ્લાં 24 કલાક દરમિયાન વાજપેયીની તબિયત કથળી હોવાથી દૂરદર્શને 'સજ્જતા' રાખી હોય, પરંતુ ચૂકને કારણે એ સમાચાર વહેતા થઈ ગયા હોય તેમ માનવામાં આવે છે.

અગાઉ આવી જ રીતે વાજપેયી, તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જે. જયલલિતા જેવાં નેતાઓનાં નિધનના સમાચાર ફેલાઈ ચૂક્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રાજનાથસિંહનું નિવેદન

ઍઇમ્સની બહાર કેન્દ્રીય ગૃહપ્રધાન તથા કેન્દ્ર સરકારમાં 'નંબર-ટુ' રાજનાથસિંહે પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે છત્તિસગઢના રાજ્યપાલ બલરાજ ટંડનને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાજનાથસિંહનું નિવેદન 'વચ્ચેથી' પ્રસારિત થયું હતું, આથી કેટલીક ચેનલ્સે તેને 'વાજપેયી વિશે જાહેરાત' માની લીધી હતી અને તેમને ટાંકતા સમાચાર પ્રસારિત કરી દીધા હતા.

કેન્દ્રીય ગૃહપ્રધાને ટંડનને અંજલિ આપી, ત્યારબાદ તેમને વાજપેયીની સ્થિતિ અંગે પૂછવામાં આવ્યું હતું, જેમાં સિંહે કહ્યું હતું, 'ઍઇમ્સ કહે છે તેમ તેમની સ્થિતિ હજુ ગંભીર છે.'

રાજ્યપાલે ટ્વીટ કર્યું

આ પહેલાં ગુરુવારે સવારે ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રૉયે તેમના ટ્વિટર હેન્ડલ પરથી વાજપેયીના નિધનની જાહેરાત કરતું ટ્વીટ કર્યું હતું.

રિપોર્ટ્સ મુજબ રૉયે લખ્યું હતું, "દેશના પૂર્વ વડા પ્રધાન, કુશળ વક્તા, દેશના રાજકારણના ફલક પર છ દાયકાથી ચમકતા સિતારા, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના અંગત સચિવ, વિચક્ષણ, વિનમ્ર તથા આનંદી વ્યક્તિના માલિક અટલ બિહારી વાજપેયીનું નિધન થયું છે. ઓમ શાંતિ."

ટ્વિટર યૂઝર્સે તેમના આ ટ્વીટ વિશે સવાલ ઉઠાવ્યા હતા, બાદમાં વિવાદ વકરતા તથાકત રૉયે આ ટ્વીટ ડિલિટ કરી નાખ્યું હતું અને માફી માગી હતી.

તથાગત રૉયે કહ્યું કે તેમણે ટીવી રિપોર્ટ્સને ખરા માનીને ટ્વીટ કર્યું હતું, આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત નથી થઈ.

વાજપેયીની સ્થિતિ

છેલ્લા લગભગ નવ અઠવાડિયાથી દેશા પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી નવી દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં સારવાર હેઠળ છે.

બુધવારે સ્વતંત્રતા દિવસનાં કાર્યક્રમોની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઍઇમ્સ પહોંચ્યા હતા અને વાજપેયીની સ્થિતિ અંગે જાત માહિતી મેળવી હતી.

બુધવારે રાત્રે કેન્દ્રીય પ્રધાનોનો ઍઇમ્સ મુલાકાતનો ક્રમ ચાલુ રહ્યો હતો. ગુરુવારે સવારે ફરી એક વખત મોદી ઍઇમ્સ પહોંચ્યા હતા.

એ પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઍઇમ્સ ગયા હતા અને ત્યાંથી સીધા ભાજપના મુખ્યાલયે પહોંચ્યા હતા. જેનાં કારણે 'અંગળની અટકળો'ને વેગ મળ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો