You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીદેવીનો મૃતદેહ તિરંગામાં કેમ લપેટાયો?
શ્રીદેવીની અંતિમ યાત્રા જોનારા ઘણા લોકોને પ્રશ્ન થયો હશે કે તેમના મૃતદેહને રાષ્ટ્રધ્વજમાં શા માટે લપેટવામાં આવ્યો હતો? એટલું જ નહીં તેમને બંદૂકોથી સલામી પણ આપવામાં આવી હતી.
આમ થવા પાછળનું કારણ એ છે કે શ્રીદેવીને રાજકીય સમ્માન આપવામાં આવ્યું હતું.
24 ફેબ્રુઆરીએ મૃત્યુ પામેલાં શ્રીદેવીના નશ્વર દેહના અંતિમ સંસ્કાર 28મી ફેબ્રુઆરીએ કરવામાં આવ્યાં.
તમને આ વાંચવું પણ ગમશે:
તેમની અંતિમ યાત્રામાં ઘરથી સ્મશાન સુધીના 5 કિલોમીટરથી વધુ લાંબા માર્ગ પર પોલીસ અને રાજ્ય અનામત પોલીસ દળના (SRPF) જવાનો હતા.
સામાન્ય રીતે રાજકીય સમ્માન મોટા નેતાઓને આપવામાં આવે છે. તેમાં વડાપ્રધાન, મંત્રી અને બંધારણીય પદો પર કાર્ય કરી રહેલા લોકોનો સમાવેશ થાય છે.
જે વ્યક્તિને રાજકીય સમ્માન આપવાનો નિર્ણય કરવામાં આવે છે, તેમની અંતિમ યાત્રાની વ્યવસ્થા રાજ્ય અથવા કેંદ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.
મૃતદેહને રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવે છે અને બંદૂકથી સલામી પણ આપવામાં આવે છે.
કોણ નક્કી કરે છે રાજકીય સમ્માન?
અગાઉ આ સમ્માન વિશિષ્ટ લોકોને જ આપવામાં આવતું હતું. પરંતુ હવે એવું નથી રહ્યું
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે રાજકીય સમ્માન એ વાત પર આધાર રાખે છે કે અવસાન પામેલી વ્યક્તિનો હોદ્દો કે કદ શું હતું.
ભૂતપૂર્વ કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એમ સી નનાઇયાહે રેડિફને જણાવ્યું હતું, "હવે એ રાજ્ય સરકારના વિવેક પર નિર્ભર છે. એ આ બાબતનો નિર્ણય કરે છે કે વ્યક્તિ વિશેષનું કદ શું છે અને એ રીતે જ નક્કી કરવામાં આવે છે કે, તેમને રાજકીય સમ્માન આપવું કે નહીં. હવે એવા કોઈ નિર્ધારિત દિશા-નિર્દેશો નથી."
સરકાર રાજનીતિ, સાહિત્ય, કાયદો, વિજ્ઞાન અને સિનેમા જેવા ક્ષેત્રોમાં મહત્ત્વનું પ્રદાન આપનારાં લોકોને મૃત્યુ બાદ રાજકીય સમ્માન આપે છે.
મુખ્યમંત્રીનો નિર્ણય?
આ બાબતનો નિર્ણય સામાન્ય રીતે રાજ્યના મુખ્યમંત્રી પોતાની કેબિનેટના સિનિયર મંત્રીઓ સાથે ચર્ચા કર્યા બાદ કરે છે.
એક વખત નિર્ણય લેવાઈ જાય ત્યારબાદ રાજ્યના સિનિયર પોલીસ અધિકારીઓને જાણકારી આપવામાં આવે છે.
તેમાં ડેપ્યુટી કમિશનર, પોલીસ કમિશનર, પોલીસ નિરિક્ષકનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ પર રાજકીય સમ્માનની તૈયારીની જવાબદારી હોય છે.
એમ કહેવાય છે કે સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત રાજકીય સમ્માન સાથે મહાત્મા ગાંધીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇંદિરા ગાંધીને પણ રાજકીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી હતી.
કેવી રીતે મળ્યું હતું સમ્માન?
આ ઉપરાંત મધર ટેરેસાને પણ રાજકીય સમ્માન આપવામાં આવ્યું હતું. એને રાજનીતિ સાથે કોઈ ન સંબંધ નહોતો, પરંતુ સમાજ સેવામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરવા બદલ તેમને આ સમ્માન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત લાખો અનુયાયી ધરાવતા સત્ય સાઈ બાબાનું એપ્રિલ 2011માં નિધન થયું ત્યારે રાજ્ય સરકારે તેમને પણ રાજકીય સમ્માન આપવામાં આવ્યું હતું.
ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી રહી ચૂકેલા એસ સી શ્રીવાસ્તવે બીબીસીને જણાવ્યું કે, રાજ્ય સરકાર પોતાના સ્તરે નિર્ણય કરે છે કે કોને રાજકીય સમ્માન આપવામાં આવે અને તેમને આ બાબતનો પૂરો અધિકાર છે.
તો શું શ્રીદેવી આ સમ્માન મેળવનારાં ફિલ્મી દુનિયાનાં પ્રથમ વ્યક્તિ હતાં? તો તેમનો જવાબ હતો, "મને લાગે છે કે એવું નથી. તેમનાં પહેલાં શશિ કપૂરને પણ રાજકીય સમ્માન આપવામાં આવ્યું હતું."
શશિ કપૂરને પણ સમ્માન મળ્યું હતું?
ગયા વર્ષે ડિસેમ્બરમાં શશિ કપૂરનું અવસાન થયું હતું અને તેમને પણ રાજકીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી હતી.
જોકે, રાજેશ ખન્ના, વિનોદ ખન્ના અને શમ્મી કપૂર જેવા દિગ્ગજ કલાકારોને રાજકીય સમ્માન નહોતું આપવામાં આવ્યું .
ખાસ વાત એ છે કે, જો રાજ્ય સરકાર રાજકીય સમ્માન આપવાનો નિર્ણય કરે તો તેની અસર સમગ્ર પ્રદેશમાં જોવા મળે છે.
પરંતુ જો કેંદ્ર સરકાર આ બાબતનો નિર્ણય કરે તો સમગ્ર ભારતમાં આ પ્રક્રિયા અપનાવવામાં આવે છે.
ઘણા કિસ્સામાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે.
જ્યારે કેંદ્ર સરકાર તરફથી રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવે તો શું થાય:
વડાપ્રધાન અને ભૂતપૂર્વ વડાપ્રધાન
- ફ્લેગ કોડ ઑફ ઇંડિયા અનુસાર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝૂકાવી દેવામાં આવે છે. એ વાતનો નિર્ણય માત્ર રાષ્ટ્રપતિ કરે છે કે રાષ્ટ્રધ્વજ કેટલા સમય સુધી ઝૂકેલો રહેશે.
- જાહેર રજા હોય છે.
- તાબૂતને રાષ્ટ્રધ્વજથી લપેટવામાં આવે છે.
- અંતિમ ક્રિયા અને દફનવિધિ સમયે બંદૂકોથી સલામી આપવામાં આવે છે
એ વડાપ્રધાનો જેમનું મૃત્યુ તે પદ પર હતા અને તેમને રાજકીય સમ્માન અપાયું હતું.
- જવાહરલાલ નહેરુ
- લાલબહાદુર શાસ્ત્રી
- ઇંદિરા ગાંધી
પૂર્વ વડાપ્રધાનો
રાજીવ ગાંધી
મોરારજી દેસાઈ
ચંદ્રશેખર
પૂર્વ મુખ્યમંત્રીઓ
જ્યોતી બસુ
ઇ કે માલોન્ગ
વ્યક્તિ વિશેષ
મહાત્મા ગાંધી
મધર ટેરેસા
ગંગુબાઈ હંગલ
ભીમસેન જોશી
બાલ ઠાકરે
સરબજીત સિંહ
એર માર્શલ અર્જન સિંહ
સોશિયલ મીડિયા પર વાંધા
શ્રીદેવીને મળેલા રાજકીય સમ્માન બાબતે જ્યારે સોશિયલ મીડિયામાં તેમના મૃતદેહ પર લપેટવામાં આવેલા રાષ્ટ્રધ્વજની તસવીરો વાઇરલ થઈ તો લોકોએ તે વિશે પ્રશ્નો પૂછવામાં વાર ન કરી.
તુષારે લખ્યું, "શ્રીદેવીના શબને તિરંગામાં કેમ લપેટવામાં આવ્યું છે? શું તેમણે દેશ માટે બલિદાન આપ્યું છે?"
"શું કોઈ ફિલ્મી સિતારાના નિધનની સરખામણી સરહદ પર મરનારા સૈનિક સાથે કરી શકાય? શું બોલીવુડમાં કામ કરવું એ દેશની સેવા કરવા બરાબર છે?
તહેસી પૂનાવાલાએ લખ્યું, "શ્રીદેવીનું પૂર્ણ સમ્માન છે, પરંતુ શું તેમના મૃતદેહને તિરંગામાં લપેટવામાં આવ્યો છે? જો હા, તો શું તેમને રાજકીય સમ્માન આપવામાં આવ્યું છે? માત્ર પૂછી રહ્યો છું... મારો મતલબ છે કે હું કોઈનું અપમાન નથી કરી રહ્યો અને ના મને કોઈ વાતનો વાંધો છે."
ઇંડિયા ફર્સ્ટ હેંડલ પરથી લખવામાં આવ્યું છે, "મને લાગે છે કે દરેક ખેડૂતને આ રીતે સમ્માન આપવું જોઈએ જેવું શ્રીદેવીને આપવામાં આવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો