અટલ બિહારી વાજપેયી : જેમણે રાજકારણી-રાજપુરુષનો ફરક શીખવ્યો

    • લેેખક, રમેશ ઓઝા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અટલ બિહારી વાજપેયી. નામ સાંભળતા જ મનમાં જેમના માટે આદર થાય એવા કેટલાક રાજપુરુષો ભારતને મળ્યા છે, એમાં વાજપેયીનો સમાવેશ કરવો પડે.

વળી આજે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતી છે. તેમનો જન્મ 25 ડિસેમ્બરે 1924માં મધ્ય પ્રદેશના શહેર ગ્વાલિયરમાં થયો હતો. તેઓ ત્રણ વખત ભારતના વડા પ્રધાન રહી ચૂક્યા છે.

બીજા એક રાજપુરુષ હતા સોમનાથ ચેટરજી. સતાનું રાજકારણ તો બધા જ કરે છે પરંતુ રાજકારણીમાં અને રાજપુરુષમાં ફરક એ છે કે રાજપુરુષો મર્યાદા જાળવે છે.

જયારે રાજકારણીઓ છીંડુ હાથ લાગે તો માથું મારીને ઘૂસી જતા હોય છે. મર્યાદાની ઐસીતૈસી, ખુરશી હાથમાં આવવી જોઈએ. રાજપુરુષો આવું નથી કરતા.

વગર સત્તા ભોગવ્યે ઇતિહાસમાં અમર થયેલા રાજપુરુષો દુનિયાને મળતા રહ્યા છે. ઉદાહરણ આપવું હોય તો બ્રિટિશ રાજપુરુષ ટોની બેનનું આપી શકાય.

તેમને ક્યારેય બ્રિટિશ વડા પ્રધાન બનવા નહોતું મળ્યું, જ્યારે કે તેઓ સૌથી વધુ લાયક હતા.

અટલ બિહારી વાજપેયી અને સોમનાથ ચેટરજી બન્ને મર્યાદા પુરુષોત્તમ હતા.

જ્યારે 13 દિવસ માટે બન્યા વડા પ્રધાન

એક પ્રસંગ યાદ આવે છે અને તમારામાંથી કેટલાકે ટીવી પર સગી આંખે જોયો પણ હશે.

1996માં અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડા પ્રધાન બન્યા હતા. તેમની પાસે બહુમતી નહોતી એની તેમને પણ જાણ હતી.

આમ છતાંય રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્માએ સૌથી મોટા પક્ષને પહેલી તક એ પછી બીજા ક્રમને એવો રોલ કોલ અભિગમ અપનાવ્યો હતો.

વિશ્વાસના મતનો વખત આવશે ત્યાં સુધીમાં કોઈનો ટેકો મળી રહેશે એવા ભરોસે વડા વાજપેયીએ સરકાર રચવાનું નિમંત્રણ સ્વીકાર્યું હતું.

બન્યું એવું કે તેમને કોઈનો ટેકો તો મળ્યો નહીં પરંતુ ટીકાનો વરસાદ થયો. વાજપેયી સામે અંગત આરોપ પણ થયા.

એ પછી વડા પ્રધાન વાજપેયીએ વિદાય લેતા પહેલાં જે ભાષણ કર્યું હતું એ આંખમાં ઝળઝળિયાં આવી જાય એવું હતું.

શું ખાનદાની! આપણે જોતા રહીએ. એ સરકાર ખોટી રીતે રચાઈ હતી એની ના નહીં, પરંતુ વાજપેયીને રાજીનામું આપવું પડ્યું એનું દુખ થયું હતું.

બીજેપીના વિરોધીઓને પણ દુ:ખ પહોંચ્યું હતું. ભારોભાર શાલીનતા હતી તેમનામાં જેનો અત્યારે અભાવ જોવા મળે છે.

સોમનાથ ચેટરજીની વાજપેયીએ માફી માગી

સોમનાથ ચેટરજી તેમના સંસ્મરણોમાં એક પ્રસંગ ટાંક્યો છે.

કોઈ એક પ્રસંગે બોલતાં વાજપેયીએ સામ્યવાદીઓ સામે અને સોમનાથદા ઉપર લોકસભામાં પ્રહારો કર્યા હતા.

સોમનાથ ચેટરજીને તેનાથી દુ:ખ પહોંચ્યું હતું. સાંજે સંસદની બેઠક પૂરી થઈ અને રાતે અટલજીનો ફોન આવ્યો અને કહ્યું, "સોમનાથદા માફ કીજીએગા કુછ કટુ ભાષા મેં મુઝે આપકી આલોચના કરની પડી."

"ક્યા કરેં કભી રાજકીય મજબૂરીયાં હોતી હૈં. આપ તો જાનતે હૈં. ફિર આપકી માફી ચાહતા હું."

સોમનાથ ચેટરજી સર્વાનુમતે સ્પીકર તરીકે ચૂંટાય એ માટે વાજપેયીએ પ્રયાસ કર્યો હતો.

અટલજીને તેમના પક્ષમાં પણ કોઈ ઓછો કડવો અનુભવ નહોતો થયો.

...અને અટલ બિહારી ચૂંટણી હારી ગયા

1980માં જનતા પાર્ટીના વિભાજન પછી જૂના જન સંઘના નેતાઓએ પાછો પોતાનો પક્ષ રચવાનો નિર્ણય લીધો ત્યારે વાજપેયીએ જૂના જનસંઘને પાછો જીવતો કરવાની જગ્યાએ ભારતીય જનતા પક્ષની સ્થાપના કરવા નેતાઓને સમજાવ્યા હતા.

અટલજી એમ માનતા હતા કે ભારતમાં લેફ્ટ ઓફ ધ સેન્ટર મધ્યમમાર્ગી પક્ષને લોકો સ્વીકારે છે અને પચરંગી ભારતમાં એની જ પ્રાસંગિકતા છે.

બીજેપીએ ગાંધીવાદી સમાજવાદ અને દિન દયાલ ઉપાધ્યાયના ઇન્ટિગ્રલ હ્યુમેનિઝમ અર્થાત્ એકીકૃત માનવતાવાદની ફિલૉસૉફી અપનાવી હતી.

બીજી ફિલૉસૉફી સંઘના અને જન સંઘના કાર્યકર્તાઓને અને સમર્થકોને રાજી રાખવા માટેની હતી.

અટલ બિહારી વાજપેયીને નવા સ્થપાયેલા ભારતીય જનતા પાર્ટીના પહેલા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

1984માં ઇંદિરા ગાંધીની હત્યા થઈ અને એ પછી તરત જ લોકસભાની ચૂંટણી યોજાઈ એમાં વિપક્ષો સાફ થઈ ગયા હતા.

બીજેપીને કુલ મળીને લોકસભાની બે બેઠક મળી હતી અને ખુદ અટલ બિહારી વાજપેયી હારી ગયા હતા.

આગામી એક દાયકા દરમિયાન ભાજપ હિંદુવાદ તરફ વળ્યો. વાજપેયી માટે એક દાયકાનો અરણ્યવાસ હતો.

તેમની સલાહ લેવામાં પણ નહોતી આવી. 'જાએ તો કહાં જાએ...' એ તેમની જાણીતી કવિતામાં તેમણે એ સમયની તેમની વેદના પ્રગટ કરી છે.

1995માં બીજેપીના મુંબઈમાં મળેલા અધિવેશનમાં અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવા પડ્યા અને અરણ્યવાસમાંથી પાછા બોલાવવા પડ્યા.

એમાં બીજેપીની મજબૂરી હતી કે વાજપેયી માટેનો કોઈ પ્રેમ?

અડવાણીએ મોઢું ફેરવી લીધું

1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ પછી અવિભાજિત મધ્ય પ્રદેશ, અવિભાજિત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભાઓની ચૂંટણીમાં બીજેપીનો પરાજય થયો હતો.

બીજેપીના નેતાઓને સમજાઈ ગયું હતું કે ઉદારમતવાદી હિંદુઓના મત વિના સત્તા સુધી પહોંચી શકાય એમ નથી.

જોકે, વાજપેયીને સંઘ પરિવારે અને બીજેપીના હિંદુ કટ્ટરપંથી નેતાઓએ અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાન તરીકે પ્રેમથી સ્વીકાર્યા હતા એવું નથી.

એ સમયે હિન્દુત્વના આઈડીયોલોગ તરીકે ઓળખાતા ગોવિન્દાચાર્યએ અમેરિકન રાજદૂત સાથેની વાતચીતમાં કહ્યું પણ હતું કે વાજપેયી તો એક મહોરું છે.

ઉમા ભારતીએ અટલજીને છદ્મવેશી કોંગ્રેસી તરીકે ઓળખાવ્યા હતા.

એક ઉમદા માણસને જેટલા તીર રાજકીય પ્રતિસ્પર્ધીઓએ માર્યા હતા એનાથી વધુ પક્ષની અંદરથી મારવામાં આવ્યા હતા.

2002માં ગુજરાતમાં રમખાણો થયાં ત્યારે પણ પક્ષે તેમની સાથે વિશ્વાઘાત કર્યો હતો.

એ સમયે ગોવામાં મળેલી બીજેપીની કાર્ય સમિતિ વખતે અટલજીએ આગ્રહ રાખ્યો હતો કે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને હુલ્લડોની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાનું કહેવામાં આવે.

પક્ષમાં નિર્ણય લેવાઈ ગયો હતો પરંતુ જયારે કાર્ય સમિતિ મળી ત્યારે નરેન્દ્ર મોદીને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું નહોતું.

ઉલટું લાલકૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો હતો.

વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ જયારે અડવાણી સામે જોયું ત્યારે તેમણે મોઢું ફેરવી લીધું હતું.

વાજપેયી સામે બેશરમ બનીને આંખ મેળવવા જેટલી ધ્રુષ્ટતા અડવાણી કરી શક્યા નહોતા એટલા વાજપેયી કોમળ હતા.

આજે બીજેપી લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવી શકનાર પક્ષ બની શક્યો છે તો એમાં હિંદુત્વના રાજકારણ કરતાં અટલજીની બીજેપીને સ્વીકાર્ય બનાવવાની જહેમતનો વધારે મોટો ફાળો છે.

24 પક્ષો સાથેની સરકાર

1996માં 13 દિવસની સરકારે રાજીનામું આપવું પડ્યું એ પછી અટલ બિહારી વાજપેયીએ નેશનલ ડેમોક્રેટિક ઍલાયન્સ નામનો મોરચો રચ્યો હતો. એનડીએમાં એક સમયે 24 પક્ષો હતા.

આ 24 પક્ષોએ રાજકારણમાં અછૂત તરીકે ગણતા બીજેપીને સાથ આપ્યો એનું કારણ વાજપેયીની ઉદારતા હતું.

દરેકને એમ લાગતું હતું કે વાજપેયી મર્યાદા નહીં ઓળંગે. એનડીએની રચના પછી વાજપેયીની સરકારે પૂરી મુદત ભોગવી હતી.

આ રીતે અટલ બિહારી વાજપેયી ભારતના પહેલા વડા બન્યા જે ક્યારેય કોંગ્રેસમાં નહોતા.

તેમની પહેલાંના બધા જ ગેર-કોંગ્રેસી વડા પ્રધાનો ક્યારેકને ક્યારેક કોંગ્રેસમાં હતા.

આ સિવાય વાજપેયીની સરકાર પહેલી બિન કોંગ્રેસી સરકાર હતી, જેણે મુદત પૂરી કરી હતી. (એ સમયે ચૂંટણી વહેલી યોજવા ભલામણ કરાઈ હતી.)

એનડીએના જવાબરૂપે કોંગ્રેસે યુનાઇટેડ પ્રોગ્રેસીવ ઍલાયન્સની રચના કરી હતી અને એ રીતે દેશને સ્થિર મિશ્ર સરકારો મળવા લાગી હતી.

આમ દેશમાં મિશ્ર સરકારોને સ્થિરતા આપવાનો શ્રેય પણ વાજપેયીને જાય છે.

2009થી અટલ બિહારી વાજપેયી સ્મૃતિભ્રંશનો શિકાર બન્યા હતા. જગતમાં શું બની રહ્યું છે તેની તેમને જાણ સુદ્ધા નહોતી.

જો વાજપેયી આજે હયાત તો અત્યારે બીજેપીનું સમાજમાં આડી-ઊભી તિરાડો પાડનારું રાજકારણ જોઈને શું અનુભવતા હશે એની તો કલ્પના જ કરવી રહી.

(અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું ત્યારે આ લેખ બીબીસી ગુજરાતી પર સૌપ્રથમ પ્રકાશિત થયો હતો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો