બંને ભાજપના જ PM, પરંતુ મોદી-વાજપેયીમાં શું છે ફરક?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વડા પ્રધાન મોદી અને ભૂતપૂર્વ વડા પ્રધાન, દિવંગત વાજપેયી વચ્ચે સરખામણીના મુદ્દા ઓછા હોવા છતાં, તેમની તુલના થવી સ્વાભાવિક છે.

કારણ કે એ બંને એનડીએની સરકારમાં ભાજપી નેતા તરીકે વડા પ્રધાન પદે પહોંચ્યા.

બંને કાચાપાકા કવિ. બંને વક્તૃત્વશક્તિ માટે જાણીતા.

આર એસ. એસ.નું બૅકગ્રાઉન્ડ તો ખરું જ. હજુ વધારે અંગત થવું હોય તો, બંને જુદી જુદી રીતે એકલા.

વાજપેયી કુંવારા હતા અને તેમના પોતાના વિધાન પ્રમાણે, તે બ્રહ્મચારી ન હતા.

મોદી પરિણીત છે કે નહીં તેની ટૅકનિકલ સ્થિતિ જે હોય તે, પણ રહે છે એકલા. વાજપેયીએ કરેલું એવી મતલબનું કોઈ નિવેદન કરવાની મોકળાશ તેમનામાં દેખાઈ નથી.

શું છે બંને વચ્ચે તફાવત?

આટલા સામાન્ય સામ્ય પછી, વડા પ્રધાન તરીકે બંનેના જુદાપણાની લાંબી યાદી બને એમ છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર મુદ્દાઃ

મોદીનાં ભાષણોમાં અને વાક્પ્રહારોમાં શેરીયુદ્ધની કક્ષાએ ઉતરી પડવાની જે ચેષ્ટા અને માનસિકતા દેખાય છે, તેનો વાજપેયીનાં ભાષણોમાં અભાવ હતો.

તેઓ છટાદાર વક્તવ્યો આપતા જે સાંસદોની પરંપરામાં આવે.

શુદ્ધ હિંદી ઉચ્ચારણો, વચ્ચે વચ્ચે આવતા (અને પછીનાં વર્ષોમાં વધી ગયેલા) વિરામ, આક્રમકતા છતાં સભ્યતા.

તમે આ વાંચ્યું કે નહીં?

સંસદમાં હોય કે જાહેર સભામાં, વાજપેયીનાં વક્તવ્યો ગરિમાપૂર્ણ રહેતાં. એ વિશેષણ વર્તમાન વડાપ્રધાનનાં વક્તવ્યો માટે ભાગ્યે જ વાપરી શકાય.

ભાજપથી અસંતુષ્ટ ગોવિંદાચાર્યે વાજપેયી માટે મુખોટા(મહોરું) જેવો શબ્દપ્રયોગ વાપર્યો હતો.

તાત્પર્ય એ હતું કે વાજપેયી ઉપરથી મધ્યમમાર્ગી દેખાય છે, પણ અંદરથી એ કટ્ટરતાના સમર્થક છે.

વાજપેયી અને અડવાણીએ અંદરોઅંદર કટ્ટરતા અને મધ્યમ માર્ગની ભૂમિકાઓ વહેંચી લીધી છે, એવું હંમેશાં કહેવાતું.

મોદી વાજપેયીની નહીં અડવાણીની નજીક હતા

બંને પૂરક લાગતા હોવા છતાં તે પ્રતિસ્પર્ધી છે. એવી વાતો વખતોવખત ચગતી.

મોદી માટે આવી કોઈ અવઢવ નથી. પહેલાં તે વાજપેયીની નહીં, પણ અડવાણીની નજીક હતા.

૨૦૦૨માં ગુજરાતની બેકાબૂ અને અભૂતપૂર્વ વ્યાપ ધરાવતી કોમી હિંસા વખતે વાજપેયી, મોદીને રવાના કરવાના મતમાં હતા.

ત્યારે અડવાણીની કૃપાથી મોદી મુખ્ય મંત્રીપદું ચાલુ રાખી શક્યા, એ વ્યાપક અને લગભગ સર્વસ્વીકૃત છાપ છે.

મુખ્ય મંત્રી તરીકે શરુઆતનાં વર્ષોમાં મોદીએ સરેઆમ હિંદુ હિતરક્ષક તરીકેની છબિ ઉપસવા દીધી.

પછી સદભાવના કાર્યક્રમનાં નામે અચાનક વાજપેયીનું નામ પાડ્યા વિના, તેમના રસ્તે જવાની કોશિશ કરી. પણ બંનેનાં વ્યક્તિત્વોમાં રહેલો આભ-જમીનનો ફરક જોતાં, મોદી એક વાર પણ વાજપેયી જેવા ગરિમાપૂર્ણ સૌહાર્દની યાદ તાજી કરાવી શક્યા નથી.

ટીકાકારો કહે છે તેમ વાજપેયી મધ્યમમાર્ગનો અભિનય કરતા હોય તો, તે મોદી કરતાં ઘણા ચડિયાતા અભિનેતા ગણાય.

વાજપેયીનું જ્ઞાન સગવડીયું ન હતું

વાજપેયીએ સાંસદ તરીકે લાંબી સફર ખેડી હતી. એ વખતે પક્ષમાં ઓછામાં ઓછા બે ધ્રુવ હતા. તે વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેમને એનડીએના અનેક સાથી પક્ષો સાથે પનારો પાડવાનો આવ્યો અને તેમને સાથે રાખીને સરકાર ચલાવવી પડી.

લોકશાહીમાં રાજનેતા પાસે ઇચ્છનીય અને ઘણી હદે આવશ્યક ગણાય એવો, સૌને સાથે રાખી શકવાનો ગુણ વાજપેયીમાં હતો, જે વર્તમાન વડાપ્રધાનમાં સદંતર ગેરહાજર છે.

બીજા પક્ષોની વાત તો દૂર રહી, પોતાના પક્ષના નેતાઓને પણ સાથે રાખવાનું મોદીને ફાવતું નથી.

વાજપેયીને બીજા નેતાઓ સાથે દોસ્તીના સંબંધ બંધાઈ શકતા હતા. વર્તમાન વડા પ્રધાન અરીસા સિવાય બીજા કોઈ સાથે દોસ્તી કરી શકે એવું લાગતું નથી.

જૂની પેઢીના નેતા હોવાને કારણે સ્વરાજની ચળવળના ઇતિહાસ વિશેનું વાજપેયીનું જ્ઞાન વર્તમાન વડાપ્રધાન જેટલું ખરાબ કે સગવડીયું ન હતું.

વાજપેયીને પંડિત નહેરુના જમાનાથી સંસદમાં લોકપ્રતિનિધિ તરીકે બેસવાની તક મળી હતી. તેમાં નહેરુની આકરી ટીકાના પ્રસંગો પણ આવતા.

છતાં, વર્તમાન વડા પ્રધાનની માફક તે નહેરુના પ્રદાનને ભૂંસી નાખવાના ધમપછાડા કરવાને બદલે, વખતોવખતપંડિત નહેરુની ઘણી બાબતો વિશે આદર વ્યક્ત કરતા.

વાજપેયીની પસંદગી હતી અને મજબૂરી

પંડિત નહેરુની બધી મર્યાદાઓ છતાં, પોતે નહેરુના જોડામાં પગ નાખી શકે એમ નથી, તેનો કદાચ વાજપેયીને પૂરેપૂરો અહેસાસ હતો.

તેમની સરખામણીમાં, આક્રમક પ્રચાર અને પ્રજાની ટૂંકી સ્મૃતિનો ગેરલાભ લઈને મોદીના બધા પ્રયાસ નહેરુથી પણ મહાન વડા પ્રધાન બનવાના હોય, એવા જણાય છે.

વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે બે મોટી ઘટનાઓ બની. એક વાજપેયીની પસંદગી હતી અને બીજી મજબૂરી.

ઇંદિરા ગાંધીએ કરેલા પરમાણુ પરીક્ષણો પછી વાજપેયીએ ફરી એકવાર પોખરણમાં પરમાણુ પરીક્ષણ દ્વારા ભારતની પરમાણુશક્તિનું એલાન કર્યું. ત્યારે એક અંગ્રેજી સાપ્તાહિકે તેના મુખપૃષ્ઠ પર વાજપેયીની તસવીર મૂકીને, તેમાંથી (પરમાણુ વિસ્ફોટની) જ્વાળાઓ નીકળતી હોય એવું દેખાડ્યું હતું.

આ મુદ્દો વાજપેયી સરકાર માટે ગૌરવનો બન્યો, જ્યારે કારગીલ યુદ્ધ ક્ષોભજનક પુરવાર થયું.

પાકિસ્તાન મામલે બંને એકબીજાની વિરુદ્ધ

પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવવાના ઉમળકાભર્યા પ્રયાસ પછી, રાજસત્તામાં ભારે દખલ ધરાવતા પાકિસ્તાની લશ્કરે શિયાળામાં દર વખતની જેમ રેઢી મુકવામાં આવેલી ભારતીય ચોકીઓ કબજે કરી લીધી.

તેને ખાલી કરાવવા માટે થયેલાં યુદ્ધમાં ભારતે ઠીક ઠીક ખુવારી વેઠવાની આવી.

મોદીની પાકિસ્તાન નીતિ તેમણે વિપક્ષમાં રહીને મચાવેલા બૂમરાણ કરતાં સાવ વિપરીત રહી છે.

નવાઝશરીફની વર્ષગાંઠે રસ્તામાં પાકિસ્તાન ઉતરી પડવાનો મોદીનો નિર્ણય તોડી નાખું-ફોડી નાખું કરતાં બસમાં લાહોર જનાર વડા પ્રધાન વાજપેયીની ચેષ્ટાથી વધારે નજીક હતો.

વાજપેયી-મોદીને સાંકળતો એક શબ્દ એટલે રાજધર્મ. કોમી હિંસા પછી ગુજરાતની મુલાકાતે આવેલા તત્કાલીન વડા પ્રધાન વાજપેયીએ રાજધર્મનું પાલન કરવાની શીખામણ આપી અને સૌ ઉદારમતવાદીઓએ પછી ફક્ત એટલું જ યાદ રાખીને વાજપેયીનો જયજયકાર કરી નાખ્યો (જે મૃત્યુ પછી તેમને અપાયેલી અંજલિઓમાં પણ ચાલુ રહ્યો છે).

વાસ્તવમાં ત્યાર પછી જે થયું તે પણ યાદ રાખવા જેવું છે. બાજુમાં બેઠેલા તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ વાજપેયીને કહ્યું હતું કે અમે એ જ તો કરી રહ્યા છીએ.

એ વખતે વાજપેયીએ મોદીની આ ચેષ્ટાને નજરઅંદાજ કરી અને કહ્યું નહીં કે તમે રાજધર્મનું પાલન કર્યું હોત તો મારે શા માટે આવવું પડત?

વાજપેયીની રાજધર્મની વાત બહુ ગવાઈ, પણ વડા પ્રધાન હોવા છતાં વાજપેયીએ જાહેરમાં મુખ્ય મંત્રીનો જૂઠો જવાબ સાંભળી લીધો. એ હકીકતને વિસારે પાડી દેવાઈ.

અર્થકારણ હોય કે વિદેશ નીતિ, સાથીદારો સાથેનો વ્યવહાર હોય કે વિરોધ પક્ષો સાથેની તકરાર, વાજપેયી લોકશાહી મિજાજ ધરાવતા અને ટીમના કૅપ્ટન તરીકે કામ કરનારા હતા.

મોદી વન મૅન શો(મૅનશીપ) છે. તેમના લોકશાહીના ખ્યાલમાં વિપક્ષોનો તો ઠીક, પક્ષના સાથીદારોનો પણ સમાવેશ થતો નથી.

વાજપેયી પાસે, લોકશાહીને કેવળ ચૂંટણી જીતવાના ખેલ તરીકે ઢાળી દેવાનું સિદ્ધ કરી આપે એવા અમિત શાહ ન હતા, અને મોદી પાસે (નાયબ વડા પ્રધાનનું પદ આપવું પડે એવું વજન ધરાવતા) અડવાણી નથી.

વ્યક્તિગત લાક્ષણિકતાઓ વિચારધારા પર કેવી સરસાઈ ભોગવે છે, તે વાજપેયી-મોદીને સાથે મુકીને જોવાથી બરાબર સમજાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો