You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણઃ મુસ્લિમ બ્રધરહૂડ અને સંઘની તુલના બાબતે રાહુલ ગાંધી ખોટા કેમ?
- લેેખક, જગદીશ ઉપાસને
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ લંડનના એક વિચાર મંડળ 'ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ'માં વાત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (સંઘ)ની તુલના ઇજિપ્તમાં 1928માં સ્થપાયેલા મુસ્લિમ બ્રધરહૂડ સંગઠન સાથે કરી ત્યારે ત્યાં બેઠેલા બુદ્ધિજીવીઓ પણ ચોંકી ગયા હશે.
બુદ્ધિજીવીઓએ વિચાર્યું હશે કે જેમની વિશ્વ ઇતિહાસની સમજને વખાણવામાં આવે છે એ જવાહરલાલ નેહરુના દોહિત્રના મોઢેથી તેઓ આ અકલ્પનીય તુલના સાંભળી રહ્યા છે!
જોકે, કોંગ્રેસના વર્તમાન વડાને ભાગ્યે જ કોઈ વાતથી ફરક પડતો હોય છે.
ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહ અને સંઘની ઝાટકણી કાઢવા માટે રાહુલ ગાંધીને જે નવી સામગ્રી મળે છે કે તેમને આપવામાં આવે છે તેનો ફટાકડો ફોડીને તેઓ બીજી નવી સામગ્રી શોધવામાં લાગી જાય છે.
પાક્કા સ્થિતપ્રજ્ઞ
રાહુલ ગાંધીને ખબર છે કે તેમના પક્ષના વકીલો તેમણે જે કહ્યું છે તે સમજાવી દેશે. આ અર્થમાં રાહુલ ગાંધી પાક્કા સ્થિતપ્રજ્ઞ છે.
તેઓ સુખ તથા દુઃખને, લાભ તથા નુકસાનને, જીત તથા હારને સમાન સમજીને આગળ વધે છે.
તેમને ટ્રોલિંગથી, મશ્કરીનું પાત્ર બનવાથી કે જોરદાર ટીકાથી કોઈ ફરક નથી પડતો. તથ્ય કે સત્ય માટે તો તેમના કાન પહેલાંથી જ બંધ છે.
શું તમે આ વાંચ્યું?
મુસ્લિમ બ્રધરહૂડ અને સંઘની અત્યંત આશ્ચર્યજનક તુલના રાહુલ ગાંધીએ દેશના કોઈ ભાગમાં નહીં, પણ વિદેશી ધરતી પર કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સંચાર ક્રાંતિ' હેઠળ છત્તીસગઢની ભાજપ સરકારની મફત સ્માર્ટફોન વહેંચવાની યોજના બાબતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર એ સ્માર્ટફોન ભારત હૅવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (ભેલ) પાસેથી કેમ નથી ખરીદતી?
એ વાત આવી અને ગઈ. તેને એક જોક સમજીને ભૂલાવી દેવામાં આવી હતી.
શું છે મુસ્લિમ બ્રધરહૂડ?
રાહુલ ગાંધીએ તેમના કલ્પિત ગુબ્બારાઓની ફેક્ટરીમાંથી વિદેશની ધરતી પર આ નવી પ્રોડક્ટ બહાર કાઢી છે કે સંઘ ભારતની સંસ્થાઓ પર કબજો જમાવવા ઇચ્છે છે. (જે રીતે કોંગ્રેસે તેના શાસનકાળમાં દેશની તમામ મુખ્ય સંસ્થાઓ પર કબજો જમાવ્યો હતો એવી રીતે?)
રાહુલ ગાંધીએ કહ્યું હતું, "આપણે ફરી જન્મેલા એક નવા વિચારનો સામનો કરવાનો છે અને એ વિચાર આરબ વિશ્વમાં મુસ્લિમ બ્રધરહૂડ છે તેવો જ છે."
મુસ્લિમ બ્રધરહૂડ કુરાન અને સર્વમાન્ય હદીસને શરિયાનો એકમાત્ર સ્રોત માને છે. તેના આધારે વૈશ્વિક ઇસ્લામિક સમાજ અને સામ્રાજ્ય રચવા ઇચ્છે છે. તે ઇચ્છે છે કે તમામ ઇસ્લામી ક્ષેત્રો એક ખલીફા હેઠળ એકઠાં થાય.
બહાઈ અને અહમદિયા જેવા મુસ્લિમોના બીજા ફિરકાનો તેમના સમીકરણમાં સમાવેશ નથી. તેમના માટે પુરુષ તથા સ્ત્રી અલગ-અલગ છે અને નાચગાન, મનોરંજન પ્રતિબંધ મૂકવા લાયક છે.
પોતાનો ઉદ્દેશ સાધવા માટે નિઃશસ્ત્ર નાગરિકો પરની હિંસાને પણ તેઓ વાજબી ગણે છે.
મુસ્લિમ બ્રધરહૂડના નેતા ઇજિપ્તમાં તેમની હકૂમતમાં રહેતા ખ્રિસ્તીઓ તથા યહૂદીઓ પાસેથી જજિયા વેરો લેવાનો અને તેમને લગભગ દ્વિતિય વર્ગના નાગરિકો બનાવી રાખવાનો ઇરાદો જાહેર કરી ચૂક્યા છે.
તેઓ રાજકીય બળવાના અને આરબ જગતના શાસનાધ્યક્ષોની હત્યાના પ્રયાસ કરી ચૂક્યા છે. અનેક કાવતરાંમાં તેમની સંડોવણી બહાર આવી છે.
સાઉદી અરબ સહિતના બીજા આરબ દેશોના અનેક નેતાઓ માને છે કે મુસ્લિમ બ્રધરહૂડે આરબ વિશ્વને તબાહ કરી નાખ્યું છે. અલ-કાયદા તથા આઈએસ જેવાં આતંકી સંગઠનોનો જન્મ તેની કૂખમાંથી થયો છે.
ભારતની મેઘા, બુદ્ધિ, જ્ઞાનનું અપમાન
સંઘે પાંચ-સાત હજાર વર્ષ પુરાણા ભારતીય દર્શન પર આધારિત જે 'હિંદુત્વ' કે 'હિંદુપણા'ના વિચારનો આધાર લીધો છે તે નવો પણ નથી કે તેનો પુનર્જન્મ પણ થયો નથી.
તે સંઘની શોધ પણ નથી. તેને 'ધર્મ' સાથે કંઈ લાગતુંવળગતું નથી. મૂળભૂત રીતે એ વૈશ્વિક બંધુત્વ અને વૈશ્વિક કલ્યાણનો વિચાર છે.
મુસ્લિમ બ્રધરહૂડના સંકુચિત, હિંસક વિચારની સંઘ સાથેની તુલના ભારતની મેધા, બુદ્ધિ તથા જ્ઞાનનું અપમાન છે.
ભારતીય દર્શનમાં શોધ 'હું'થી શરૂ થઈને સમસ્ત સૃષ્ટિ, બ્રહ્માંડ અને તેની આગળ જઈ ચૂકી છે. તેણે સમગ્ર જડ-ચેતનમાં એક જ ઊર્જા, એક જ ચેતના નિહાળી છે.
તેણે 'આપણાં'માં સમસ્ત માનવ જાત, પ્રાણી માત્ર અને સમગ્ર સૃષ્ટિ જોઈ છે, જે ઈશ્વરની કૃતિ છે તથા બધા માટે છે અને જરૂરથી વધારે લેવા માટે દંડ ફટકારી શકે છે.
તેમાં એ કારણસર 'वसुधैव कुटंबकम' છે, 'सर्वे सुखिन:' છે અને 'माता भूमि: पुत्रो़डहं पृथिव्या:' પણ છે. પ્રાચીન ઋષિઓએ એ પણ જાણ્યું છે કે આ સત્યને, એ પરમાત્માને દરેક પોતપોતાની રીતે વ્યક્ત કરી શકે છે. તેમાં શ્રદ્ધા ન પણ રાખી શકે.
તેથી તેમણે કહેલું કે આ સત્ય એક છે. વિદ્વાનો તેને અલગ-અલગ રીતે કહે છે, પણ ડૉ. રાધાકૃષ્ણને લખ્યું હતું તેમ "આ ફિક્સ્ડ રિવીલેશન પણ નથી. એ એક પ્રક્રિયા, અભિયાન અને પરંપરા છે."
આ દર્શનમાં ધર્મ 'હું'થી માંડીને સમસ્ત સૃષ્ટિને જોડતું તત્વ છે. તે એક સાપેક્ષ વિચાર છે. રાષ્ટ્રીય સદાચાર. ભારતીય જીવનપદ્ધતિનો આધાર આ દર્શન નથી તો બીજું શું છે?
તકલીફ ક્યાં છે?
તકલીફ એ વાતની છે કે સંઘ આ દર્શન, સંસ્કૃતિ તથા તેમાંથી ઉપજેલા સંસ્કારોને 'હિંદુ' શા માટે કહે છે? સંઘ માટે ભારત 'હિંદુરાષ્ટ્ર' શા માટે છે?
વાસ્તવમાં રીલિજિયનનો અર્થ 'ધર્મ' કરવામાં આવ્યો તેનાથી બધી ગડબડ થઈ છે.
'હિંદુ' શબ્દ સંઘે રચ્યો નથી. એ શતાબ્દિઓથી છે. 'હિંદુસ્તાન' નામ પણ તેણે નથી આપ્યું, પરંતુ મતના ગણિતમાં તેને કોમવાદી ગણાવવામાં આવ્યું છે.
તેને સનાતન કહો કે ભારતીય, વિચાર તો આજ છે. શશી થરૂર જેવા નેતા તથા વિચારક તેને 'આરએસએસના હિંદુત્વ' અને 'ભારતના હિંદુત્વ'ને ખેંચીને અલગ કરવાના પ્રયાસ ભલે કરે.
આ દર્શન અને સંસ્કૃતિમાં કોઈ સંકુચિત રાજકીય ઉદ્દેશ હોત, સામ્રાજ્ય સ્થાપવાની, બધાને એક જ લાકડીએ હાંકવાની જરા સરખી મહેચ્છા પણ હોત તો આખી દુનિયા તેની હોત.
એવું હજ્જારો વર્ષમાં થયું નથી. સંઘના 90 વર્ષના અસ્તિત્વમાં પણ એવું થયું નથી. હા, ભારતે આત્મચિંતન જરૂર શરૂ કરી દીધું છે. તેનાથી આયાતી વિચારોની સત્તાના પાયા જરૂર ડગમગવા લાગ્યા છે.
(આ લેખકના અંગત વિચાર છે. જગદીશ ઉપાસને આરએસએસના મુખપત્રો 'પાંચજન્ય' અને 'ઓર્ગેનાઈઝર'ના સમૂહ સંપાદક તરીકે કાર્ય કરી ચૂક્યા છે. હાલ તેઓ માખનલાલ પત્રકારિતા વિશ્વવિદ્યાલયના કુલપતિ છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો